ગુલઝાર અને ગુલમહોર

ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા,
મૌસમ-એ-ગુલ કો હંસાના ભી હમારા કામ હોતા.
આયેંગી બહારેં તો અબકે ઉન્હેં કહના ઝરા ઈતના સુને,
મેરે ગુલ બિના ઉનકા કહાં બહાર નામ હોતા.
શામ કે ગુલાબી સે આંચલ મેં એક દિયા જલા હૈ ચાંદ કા,
મેરે ઉન બિન ઉસકા કહાં ચાંદ નામ હોતા.
ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા…

૧૯૭૮માં ગુલઝારે ‘દેવતા’ નામની ફિલ્મ માટે આર.ડી. બર્મનના મ્યુઝિકમાં આ ગુલમહોરી ગીત લખ્યું તેના લગભગ એક દશક બાદ એમણે બાન્દ્રાના પાલિહિલ વિસ્તારના પોતાના બંગલા ‘બોસ્કિયાના’ની બહાર એક ગુલમહોરનું ઝાડ વાવ્યું હતું. આ ૩૦ વર્ષ જૂનું ઝાડ કવિએ આ અઠવાડિયે કપાવી નાખ્યું અને મીડિયાને મસાલો મળી ગયો. ગુલઝાર કહે છે કે ભાઈ આટલાં વર્ષો મેં એ ગુલમહોરની દેખભાળ રાખી છે. મેં એને નર્ચર કર્યું છે, મેં એનો ઉછેર કર્યો છે પણ છેલ્લાં થોડાંક વર્ષથી એ રસ્તા તરફ નમવા લાગ્યું હતું. છેલ્લાં ત્રણેક વર્ષથી એનું બૅલેન્સ જળવાય એ માટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રી ઑથોરિટીની મદદ લઈને મેં ઘણા પ્રયત્ન કર્યા. પણ ગયા અઠવાડિયે એ મૂળમાંથી ઊખડવા માંડ્યું હતું. ગમે ત્યારે રસ્તે જતા-આવતા રાહદારીના માથે તૂટી પડે એમ હતું. છેવટે મારા મૅનેજરે બીએમસીની પરવાનગી લીધી અને ઝાડ કાપવું પડ્યું.

આમ જુઓ તો આમાં સેન્સેશનલ કંઈ જ નથી. સીધી સાદી વાત છે. આ વાતના કોઈ ન્યૂઝ પણ ના હોઈ શકે. પણ સનસનાટીભર્યા સમાચારની શોધમાં રહેતા અંગ્રેજી મીડિયાના એક અખબારે છાપી માર્યું: ‘જાણીતા ફિલ્મકાર અને કવિ-ગીતકાર ગુલઝારે ગુલમહોરનું ઝાડ જમીનદોસ્ત કરી નાખતાં આ વિસ્તારના લોકો રોષે ભરાયા છે.’

મીડિયાના કેટલાક અભણ લોકો માટે આ શબ્દપ્રયોગો એકદમ હાથવગા હોય છે: ‘લોકોમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો છે’, ‘પ્રજા રોષે ભરાઈ છે’, ‘વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે.’

હોય કંઈ નહીં. બેચાર વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતા છૂટક માણસોએ ફોન કરીને છાપાની ઑફિસમાં કાન ભંભેરણી કરી હોય અને અહીં અંગૂઠા છાપ લોકો લખી નાખે: ‘પ્રજામાં હાહાકાર મચી ગયો છે!’

સ્થાનિક રહેવાસી સંઘના એક હોદ્દેદારે ગુલઝારને જાણી જોઈને બદનામ કરવા આ સ્ટોરી પ્રેસમાં આપી. ગુલઝાર જાણે કુદરત વિરોધી રાક્ષસ હોય એવી છાપ ઊભી કરવાના આશયથી છપાયેલી આ સ્ટોરીની હેડલાઈન વાંચીને સ્વાભાવિક રીતે જ લાખો ગુલઝારપ્રેમીઓને દુખ થવાનું. અને આખી સ્ટોરી વાંચીને, હકીકતો જાણ્યા પછી ઔર દુ:ખ થવાનું કે સાવ ખાલી ફોગટના અમારા કવિને તમે બદનામ કર્યા.

રહેવાસી સંઘવાળા કહે છે કે ગુલઝારે અમને કેમ ના કહ્યું, સીધા બીએમસીમાં કેમ ગયા? અરે ભાઈ, એ કંઈ જરૂરી છે? અને તમારી પાસે આવ્યા હોત તો તમે એમને સહકાર આપ્યો હોત? ના આપ્યો હોત. ગુલઝારના બંગલાના પ્લૉટની કેટલીક જગ્યા પર સ્થાનિક રહેવાસી સંઘની કેટલીક વ્યક્તિઓનો ડોળો છે. તેઓ આ જગ્યા પચાવી પાડવાના પેંતરા કરે છે અને એમને રોકવા માટે ગુલઝારે આ ઉંમરે કોર્ટમાં કેસ દાખલ કરવો પડ્યો છે. આ વાત બેએક વર્ષ જૂની છે. ગુલમહોરવાળી સ્ટોરી મીડિયામાં પ્લાન્ટ કરવાનું ખરું કારણ આ કેસ છે. ગુલઝારના લાખો ચાહકોમાંના એક તરીકે મને એ કેસના સમાચાર છપાયા હતા તે યાદ છે, બધાને યાદ ન પણ હોય અને જેમને ખ્યાલ હોય બધા જ એ બેઉ વાતને યોગ્ય પર્સપેક્ટિવમાં મૂકીને બે વત્તા બે ચારનો સરવાળો માંડી ન પણ શકે.

આ કિસ્સા તરફ તમારું ધ્યાન દોરવાનું ખાસ કારણ એ કે મીડિયામાં આયે દિન કંઈ કેટલાય સમાચારો એવા છપાતા રહે છે જેમાં ગોરનું તરભાણું ભરવાના ઈરાદાથી વર અને ક્ધયાનો મરો થતો હોય. મીડિયા હંમેશાં ચટપટા, સનસનીખેજ સમાચારની શોધમાં રહેતું હોય છે અને એમાંય જો કોઈ જાણીતી વ્યક્તિ અડફટે ચડી જાય તો તેનું કાસળ કાઢીને જ જપવું એવું કેટલાક લોકોએ માની લીધું હોય છે.

પાણીમાંથી પોરા કાઢવા ઉપરાંત મીડિયાનું બીજું એક દુષ્કર્મ હોય છે રાઈનો પહાડ બનાવવાનું. મુંબઈ શહેરના પાંચ-દસ ટકા વિસ્તારમાં ચોવીસ કલાક માટે પાણીની પાઈપલાઈનનું રિપેરિંગ થવાનું હોવાથી પાણીનો સપ્લાય એ એરિયા પૂરતો બંધ રહેવાનો હશે તો છાપામાં સનસનાટીવાળું હેડિંગ આવશે: ‘ગુરુવારે મુંબઈ તરસ્યું રહેશે.’ એ જ રીતે ગુજરાતનાં ચાર શહેરોના અમુક ચોક્કસ વિસ્તારોમાં રમખાણ થયાં હશે તો મીડિયા કહેશે: ‘ગુજરાત ભડકે બળે છે.’

ચીનના કોઈ સ્થાનિક છાપામાં ભારત વિરુદ્ધ કંઈક છપાશે તો આપણે ત્યાં હેડલાઈન બનશે: ‘ચીન બાંયો ચડાવે છે’, ‘યુદ્ધ માટે ચીનનો લલકાર.’ અને આપણાવાળા સમજયા કર્યા વિના આ સમાચાર પર ટિપ્પણી કરીને તંત્રીલેખ લખી નાખશે: ‘મોદીને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’

જે સમાચાર ખરેખર લોકો સુધી પહોંચાડવા જેવા હોય તેને મોળા બનાવીને અલમોસ્ટ બ્લેકઆઉટ કરી નાખવામાં આવે છે. કેટલાક લોકોને યાદ છે કે ભારતના તાજેતરના ઈતિહાસમાં જે દસ ટૉપમોસ્ટ કૌભાંડ થયા તેમાં કર્ણાટકમાં વક્ફ બોર્ડની જમીનો લે-વેચ કરવાના કૌભાંડનો સમાવેશ થાય છે? કૉમનવેલ્થ કે ટૂજી કૌભાંડ કે કોલસા કૌભાંડને તમે ફ્રન્ટપેજ પર ઊછળેલાં વારંવાર જોયાં છે. પણ મુસ્લિમ કમ્યુનિટીને લગતા વક્ફ બોર્ડના હજારો કરોડ રૂપિયાના કૌભાંડ વિશે ભાગ્યે જ તમે વાંચ્યું કે ટીવી પર જોયું હશે. (વિગતો માટે વિકીપીડિયા પર સર્ચ કરી લેજો).

‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ કે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ ભારતની આર્થિક કે અન્ય કોઈ બાબતે ટીકા કરે ત્યારે આપણે એ વાંચીને હક્કાબક્કા થઈ જતા હોઈએ છે કે હાય, હાય, અમેરિકાવાળા આગળ આપણું કેવું લાગશે? હકીકતમાં તો, એ બધા ઈન્ટરનૅશનલ મીડિયાનું પ્રતિનિધિત્વ કરનારા દિલ્હીસ્થિત આપણા ભારતીય પત્રકારોનાં કારનામાં હોય છે જેમને ખબર હોય છે ભારત વિશેની નેગેટિવ સ્ટોરીને જ ચગાવવામાં આવશે, પોઝિટિવ સ્ટોરીઝ તો સીધી કચરાના ડબ્બામાં જવાની.

આપણે જે કંઈ ટીવી પર સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ તે વાંચતી-સાંભળતી વખતે જો આંખ-કાન પર ગળણી રાખતા નથી તો એ બધું જ એમાંના કચરા સહિત આપણા સુધી પહોંચી જતું હોય છે માટે ગળણી રાખવી અને જો ગળણી રાખવાનું ફાવતું ન હોય કે સારી ગળણી શોધતાં આવડતું ન હોય તો માનસિક સ્વાસ્થ્ય સચવાય તે માટે આવું વાંચવા-સાંભળવાનું બંધ કરવું, કારણ કે આ મીડિયા તો પોતાની ચાલ છોડવાનું નથી અને એને શીખવવા જવાનો કોઈ મતલબ નથી. રૉબર્ટ એ. હેનલીન નામના અમેરિકન સાયન્સ ફિક્શન રાઈટરે એક વખત કહ્યું હતું કે સૂવરને ગીત ગાતાં શીખવવાની કોશિશ ન કરવી જોઈએ. એક તો તમારો ટાઈમ બગડશે અને ઉપરથી સૂવરને ગુસ્સો આવશે!

કાગળ પરના દીવા

છાપાં વાંચ્યા વિના તમને કોઈ માહિતી મળતી નથી હોતી. છાપાં વાંચીને તમને ગેરમાહિતી મળે છે.

– માર્ક ટ્વેઈન

સન્ડે હ્મુમર

‘વેઈટર, મારા પુલાવમાં પથ્થરા છે.’

‘સર તમે જ તો કાશ્મીરી પુલાવ લાવવાનું કહ્યું…’

( મુંબઇ સમાચાર : રવિવાર, 9 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *