જીએસટીને લગતો યુફોરિયા આવતી કાલે ભૂતકાળ બની જવાનો

જીએસટીને લગતા કાયદાની ૧૭૧મી કલમ કહે છે કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેનાર દરેક વેપારીએ એ લાભ પોતાના ગ્રાહકને કિંમત ઓછી કરીને પાસ ઑન કરવો પડે. આ બાબતે ચૉપ રાખવા માટે સરકાર યોગ્ય મિકેનિઝમ ઊભી કરશે. આમ હવે જીએસટીથી ટેક્સમાં થનારી બચત ગ્રાહક સુધી નહીં પહોંચે એવો ડર ઊભો કરવાની જરૂર રહેતી નથી.

ઈન્પુટ ટેક્સ ક્રેડિટની જે જોગવાઈ અગાઉ વૅટમાં હતી તે અધૂરી હતી. વૅટમાં એક્સાઈઝ અને સર્વિસ ટેક્સની ક્રેડિટની જોગવાઈ નહોતી. હવે તમારા મોબાઈલ સર્વિસ પ્રેવાઈડરને તમારો જીએસટી નંબર આપશો એટલે મોબાઈલ બિલમાં ઉમેરાયેલા સર્વિસ ટેક્સની ક્રેડિટ મળી જશે અને બૅન્ક ચાર્જીસ પરની ટેક્સ ક્રેડિટ પણ બૅન્કને જીએસટી નંબર જણાવીને તમે મેળવી શકશો.

આજે જેમની ઉંમર ચાળીસથી વધુ છે અને જેઓ બે-ચાર દાયકાથી બિઝનેસ કરી રહ્યા છે એમના માટે ધંધામાં ટોટલ ટ્રાન્સપરન્સી શરૂઆતમાં આઘાતજનક રહેવાની. વર્ષોથી પડી ગયેલી ટેવ રાતોરાત નહીં બદલાય. થોડી વાર લાગવાની. ધંધામાં ટેક્સ કેવી રીતે ‘બચાવવો’ અને ટેક્સની ‘ચોરી’ કેવી રીતે કરવી – આ બે વચ્ચે બહુ પાતળી ભેદરેખા હતી અત્યાર સુધી જે જીએસટીના આવ્યા પછી હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આ જ વેપારીઓની એકાદબે પેઢી પછીના વેપારીઓ જે હશે (અત્યારે તો તેઓ સ્કૂલ-કૉલેજમાં ભણતા હશે) એમના માટે ધંધામાં પારદર્શકતા કોઈ નવી વાત નહીં હોય. એ નવી પેઢીના હિસાબકિતાબમાં રિટર્ન્સ સંભાળતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ માટે પણ જીએસટી જેવા કાયદાઓનું અનુસરણ કરાવવાનું કામ સહેલું બની જવાનું.

૧૯૯૦ના દાયકાના શરૂઆતનાં વર્ષોમાં જ્યારે નરસિંહ રાવ વડા પ્રધાન હતા અને મનમોહન સિંહ નાણાં પ્રધાન હતા, ત્યારે દેશના આર્થિક ક્ષેત્રમાં પહેલવહેલીવાર પ્રગતિનો જબરજસ્ત પવન ફૂંકાવાનો આરંભ થયો. વચ્ચે વચ્ચે રાજકીય વિરોધનો વંટોળ સર્જાતો રહ્યો અને કેટલીકવાર વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવનારા ઉદ્યોગપતિઓ/ રાજકારણીઓ/ બ્યુરોક્રેટ્સ/ મીડિયાગૃહો દ્વારા આ પ્રોસેસનો ગેરફાયદો પણ ઉઠાવાતો રહ્યો, પરંતુ આખી પ્રક્રિયા એવી ધસમસતી આવી રહી હતી કે એને રોકવાનું ગજું ન તો કૉન્ગ્રેસનું હતું, ન ભાજપનું, ન સામ્યવાદીઓનું. આ પ્રક્રિયામાં જ્યારે કૉમ્પ્યુટર ક્ષેત્રે અને ટેક્નોલોજી ક્ષેત્રે આવેલાં નવાં સંશોધનોનો સાથ મળ્યો ત્યારે પ્રગતિના પાયા નક્કર બન્યા. ૨૦૧૪ પછી દેશને નવી નેતાગીરી મળી. એક નિષ્ઠાવાન માણસ દિવસરાત મહેનત કરીને કેટલાં મોટાં કામ કરી શકે છે તે આપણે સૌએ જોયું છે અને મોદીહેટર્સ સિવાયનાઓએ સ્વીકાર્યું પણ છે. નોટબંધીની જેમ જીએસટીને લગતો યુફોરિયા પણ આવતી કાલે ભૂતકાળ બની જવાનો. નવાં નવાં આર્થિક માઈલસ્ટોન્સમાંનો એક માઈલસ્ટોન જીએસટી પણ હતો એવું ભવિષ્યના ઈતિહાસકારો લખશે. આ આર્થિક સુધારાઓનાં કેટલાંક પરિણામો ટૂંકા ગાળામાં દેખાવા માંડશે, કેટલાંકની અસર દૂરગામી હોવાની. જે દેશમાં વરસે બે કરોડ લોકો વિદેશની યાત્રા કરતા હોય એ દેશમાં દસ લાખ રૂપિયાથી વધારેની આવક પર ટેક્સ ભરનારા માત્ર ૨૪ લાખ લોકો જ છે.

ભારતમાં પોણા ચાર કરોડ વ્યક્તિઓ ઈન્કમટેક્સનાં રિટર્ન ભરે છે. આમાંથી ૯૯ લાખ જણ વર્ષે અઢી લાખના એક્ઝમ્પશનની નીચેની આવક બતાવીને કોઈ ટેક્સ ભરતા નથી. અલમોસ્ટ બે કરોડ લોકો અઢીથી પાંચ લાખની ઈન્કમ બતાવે છે. બાવન લાખ લોકો પાંચથી દસ લાખની આવક અને ૨૪ લાખ લોકો દસ લાખ રૂપિયાથી વધુ આવક બતાવે છે. ૫૦ લાખ રૂપિયાથી વધુ આવક બતાવનારા માત્ર ૧ લાખ ૭૨ હજાર લોકો જ આ દેશમાં છે.

આની સામે દેશમાં કુલ સવા કરોડ કાર વર્ષે વેચાય છે.

કંપનીઓના આંકડા જુદા છે. લગભગ ૧૪ લાખ કંપનીઓમાંથી જે છએક લાખ જેટલી કંપનીઓના રિટર્ન ૨૦૧૬-૧૭ના વર્ષ માટે ફાઈલ થયાં એમાંથી અલમોસ્ટ પોણા ત્રણ લાખ કંપનીઓએ કાં તો ઝીરો ઈન્કમ દેખાડી છે કાં તો લૉસ દેખાડ્યો છે.

ઓછો ટેક્સ ભરનારી કે ખોટ કરનારી કંપનીઓ (કે વ્યક્તિઓ) બધી જ બેઈમાન છે એવું કોઈ નથી કહેતું પણ ફૅક્ટ રિમેઈન્સ કે સરકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાપરીને જેટલી આવક થાય છે એ પ્રમાણેનો ટેક્સ સરકારને મળતો નથી. આવા સંજોગોમાં સરકાર માળખાકીય સુવિધાઓ વધારી વધારીને કેટલી વધારે? જીએસટી જેવાં પગલાં લેવાતાં જશે એમ સરકારને ઈન્ફ્રાસ્ટ્રકચર માટે વધુ ને વધુ નાણાં મળતાં જવાનાં. સમૃદ્ધ ભારતની ઈન્ફ્લ્યુઅન્સ વિશ્ર્વના પ્રગતિ પામેલા દેશોમાં વધતી જવાની. આમ છતાં દેશમાં કેટલીક પ્રજા એવી છે જે ‘હમ નહીં સુધરેંગે’નું પાટિયું ગળામાં લટકાવીને પોતાની આબરૂનો ધજાગરો કરતી રહેશે. પ્રાઈમ મિનિસ્ટર ઈઝરાયલની યાત્રાએ હતા ત્યારે ત્યાંના મીડિયાએ ‘વિશ્ર્વના સૌથી ઈમ્પોર્ટન્ટ પી.એમ.નું આગમન’ એવું કહીને મોદીને આવકાર્ય. અને ઘર આંગણે? પપ્પુએ ટ્વિટરમાં લખ્યું: ‘મોદી એકદમ વીક (નબળા) વડા પ્રધાન છે.’ આ રાહુલ ગાંધીના સપોર્ટરો આજે જીએસટીનો વિરોધ કરી રહ્યા છે. શું કહેવું એમને? બસ, આટલી જ વાત છે જીએસટી વિશે.

આજનો વિચાર

દરેકને સરકારના પૈસે જીવવું છે. તેઓ ભૂલી જાય છે કે સરકાર બધાના પૈસે જીવે છે.

– ફ્રેડરિક બાસ્ટિયા (ફ્રેન્ચ અર્થશાસ્ત્રી: ૧૮૦૧-૧૮૫૦).

એક મિનિટ!

ફ્રી થાઓ તો ફોન કરજો. તમારી પાસેથી એક સલાહ લેવાની છે. તાજમહાલ સેકન્ડમાં લઈએ તો જીએસટીમાં ફાયદો થાય કે નવો બનાવીએ તો…

– વૉટ્સેઅપ પર વાંચેલું

( મુંબઇ સમાચાર : શનિવાર, 8 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *