ઈન્પુટ ટૅક્સ ક્રેડિટને લીધે ₹૨૧૪નો માલ હવે ₹૧૮૭માં

જીએસટીને કારણે ગઈ કાલ સુધી જે પ્રોડ્ક્ટ રૂપિયા ૨૧૪માં તમે ખરીદતા હતા તે હવે રૂ. ૧૮૭માં મળતી થઈ જશે એ વાત ‘વન નૅશન વન ટેક: લેમેન્સ ગાઈડ ટુ જીએસટી’ પુસ્તકમાં નીતિશ પરાશર અને ધીરજ કે. એસ. શર્મા નામના બે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સે ઘણી સાદી ભાષામાં સમજાવી છે.

એક શર્ટ મેન્યુફેકચરર ૧૦૦ રૂપિયાનું શર્ટ બનાવીને વેચવા માગે છે અને ધારો કે એના પર ૧૦ ટકા ટૅક્સ લાગે છે (ટૅક્સનો દર કલ્પિત છે. માત્ર સરળતાથી સમજવા પૂરતો જ છે) એટલે એ ૧૦૦ વત્તા ૧૦ બરાબર રૂપિયા ૧૧૦ના ભાવે હોલસેલરને વેચે છે. હોલસેલર એના પર બીજા ૪૦ રૂપિયા ચડાવીને ૧૫૦ રૂપિયા કિંમત રાખે છે જેના પર ૧૦ ટકા લેખે ટૅક્સ ઉમેરાયા પછી ૧૫૦ વત્તા ૧૫ બરાબર ૧૬૫ની કિંમત થાય છે.

૧૬૫વાળું શર્ટ રિટેલર પાસે આવે છે જે પોતાના નફાના ૩૦ રૂપિયા ઉમેરે છે અને ૧૯૫ની કિંમત પર ૧૦ ટકા ટૅક્સ ઉમેરીને ગ્રાહકને ૨૧૪ રૂપિયા ૫૦ પૈસામાં વેચે છે.

કસ્ટમરે ૧૭૦ રૂપિયાનું શર્ટ ૨૧૪માં ખરીદવાનું રહે છે. (મેન્યુફેક્ચરની કોસ્ટ ૧૦૦ રૂપિયા જેમાં હોલસેલરના ૪૦ અને રિટેલરના ૩૦ ઉમેરાયા એટલે ૧૭૦) અને દરેક તબક્કે લાગતા ટૅક્સનો ભાર એણે ઉઠાવવાનો રહે છે. (દસ ટકાને હિસાબે પહેલાં ૧૦ રૂપિયા, પછી ૧૫ રૂપિયા અને છેવટે ૧૯ રૂપિયા ૫૦ પૈસા).

જીએસટીમાં આ સમસ્યાના હલ માટે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) જોગવાઈ હશે. આપણે જે દાખલો લીધો એમાં હોલસેલર જ્યારે મેન્યુફેક્ચરર પાસેથી ૧૦૦ રૂપિયાનું શર્ટ ખરીદે છે ત્યારે ૧૦ ટકાના હિસાબે ૧૦ રૂપિયાનો ટૅક્સ ભરી ચૂક્યો હોય છે. હવે જ્યારે એ ૧૪૦ રૂપિયામાં એ શર્ટ રિટેલરને વેચે છે ત્યારે એના પર દસ ટકાને હિસાબે ૧૪ રૂપિયાનો ટૅક્સ ભરવાનો થાય છે. પણ આ જ શર્ટ પર એણે દસ રૂપિયાનો ટૅક્સ ઑલરેડી ભરી દીધો છે એટલે હવે એ દસ રૂપિયા કાપીને ૪ રૂપિયાનો જ ટેક્સ ભરશે. પેલા દસ રૂપિયા એની ઈન્પુટ ક્રેડિટ ગણાશે. માટે હવે આ શર્ટ રિટેલર વેચશે ત્યારે એની ટૅક્સ જવાબદારી ૧૭ રૂપિયાને બદલે ૩ રૂપિયાની થઈ જશે અને ગ્રાહકને રૂ. ૧૮૭માં એ શર્ટ મળી શકશે.

ટૅક્સ બેનિફિટ્સ ગ્રાહક સુધી પહોંચશે કે નહીં એ એવી શંકા ઘણા લોકો વ્યક્ત કરે છે. અનેક મોબાઈલ તથા કાર ઉત્પાદકોએ ૧લી જુલાઈએ જ પોતાને મળતા ટૅક્સ બેનિફિટ્સ ગ્રાહકોને પાસ ઑન કરીને કિંમતો ઘટાડી દીધી છે. કૉમ્પિટિશનના અને ટ્રાન્સપરન્સીના આ જમાનામાં જે બિઝનેસમૅને ગ્રાહકોને ખુશ કરવાને બદલે એમને નીચોવવાની દાનત રાખશે એમણે લાંબા ગાળે શટર પાડીને ગામભેગા થઈ જવાનો વારો આવવાનો છે.

ઈન્પુટ ટૅક્સ ક્રેડિટ મેળવવાના નિયમો અંગે વધુ પ્રકાશ પાડતાં ‘આવો છે જીએસટી કાયદો’માં ઍડ્વોકેટ ગોવિંદ પટવર્ધન કહે છે:

(કરની ક્રેડિટ મેળવવા માટે જે દસ્તાવેજોની જરૂર પડશે એમાં) જેની પાસેથી માલ/ કાચો માલ/ સર્વિસીઝ મેળવ્યાં હશે તેની પાસેથી બિલ લીધું હોવું જોઈએ અને એ બિલ આપનારે પોતાના રિટર્નમાં આ ટ્રાન્સેક્શન દેખાડેલું હોવું જોઈએ, એના પર ટૅક્સ ભરેલો હોવો જોઈએ.

આમ ડબલ ટેક્સેશન નિવારવા માટે, જીએસટીનો ફાયદો લેવા માટે સંપૂર્ણ સપ્લાય ચેઈને પારદર્શક બનવું પડશે.

જીએસટી દ્વારા મળનારા નાણાં કેન્દ્ર અને રાજ્ય – બેઉ સરકારોની તિજોરીઓમાં જવાના. કૉન્ગ્રેસ મોટા ભાગની રકમ કેન્દ્રમાં ઉસેટી જવાની તરફેણમાં હતી એટલે રાજ્ય સરકારોએ તે વખતે આ કાયદાનો ખરડો આવ્યો ત્યારે એનો વિરોધ કર્યો હતો. અત્યારની સરકારે રાજ્યને કેન્દ્ર કરતાં વધુ ફાયદો થાય એવું નક્કી કર્યું છે એટલું જ નહીં જીએસટીને લીધે કોઈ રાજ્યને અમુક બાબતોમાં નુકસાન થશે તો તે નુકસાન ભરપાઈ કરવા માટે એક સેપરેટ ફંડ બનાવવાની પણ યોજના મૂકી છે.

કોઈ પણ કાયદો ઘડાય છે ત્યારે એ કાયદાની અસર મોળી ન બની જાય, એની છટકબારીઓનો લેભાગુઓ લાભ ન લઈ જાય એ માટે એ કાયદાની પેટા કલમો અને એનીય પેટા કલમો ઘડવી પડે. આને કારણે એ કાયદો કૉમનમૅનની સમજણ બહાર થઈ જાય અને માત્ર નિષ્ણાતો જ એનું યોગ્ય અર્થઘટન કરી શકે. જીએસટીને લીધે જે ડઝનબંધ કરવેરાઓ સમાપ્ત થઈ ગયા તે કરવેરાઓને લગતી અનેક ડિસ્પ્યુટ્સ અલગ અલગ ફોરમમાં વર્ષોથી ચાલી રહી છે. સમય અને નાણાંનો વેડફાટ કરતી આ તકરારોનું પ્રમાણ હવે ઘણું ઘટી જવાનું કારણ કે જીએસટીનો કાયદો, લેભાગુઓ દ્વારા પ્રચાર કરવામાં આવે છે એવો અઘરો કે સમજવામાં અશક્ય નથી. ભારતના બંધારણની કેટલી કલમો આમઆદમી સમજી શકે એવી છે? બંધારણની વાત જવા દો તમે જે મકાનમાં રહો છો તે મકાનની સોસાયટીને લગતા કેટલા કાયદાઓ આમઆદમીની સમજમાં આવે એવા હોય છે? તમે જ્યારે ઈનશ્યોરન્સ પૉલિસી લો છો કે મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો કે પછી સીધુંસાદું ટીવી – લૅપટૉપ કે ફ્રિજ ખરીદો છો ત્યારે તમે જે કાગળિયાઓ પર સહી કરો છો તેની પાછલી બાજુએ ઝીણા અક્ષરોમાં લખેલી શરતોમાંથી કેટલી તમારે પલ્લે પડે છે? અરે, મોબાઈલમાં કોઈપણ ઍપ ડાઉનલોડ કરતી વખતે કે પછી ફેસબુક, વૉટ્સઍપ કે ગૂગલ વાપરવાનું શરૂ કરતી વખતે તમે ‘આય અગ્રી’વાળા ખાલી ચોરસને ટિક કર્યું ત્યારે હજારો શબ્દોમાં પથરાયેલી અટપટી શરતો તમને સમજાઈ હતી?

પણ જીએસટીના સંદર્ભમાં એવો પ્રચાર શરૂ થયો કે આ તો ખૂબ અટપટો કાયદો છે માટે તમારા માટે નુકસાનકારક છે. પ્લેનમાં બેસીને દિલ્હી જતી વખતે તમે ક્યારેય વિચાર્યું છે કે આ કેવી રીતે ઊડે છે તેની મને ગતાગમ નથી એટલે મારા માટે આ નુકસાનકારક છે?

કાલે પૂરું કરીએ.

આજનો વિચાર

પૂરે દેશ કી ફટી પડી હૈ…

અબ CA ભી કિતના સીએ?

– વૉટસઍપ પર વાચેલ

એક મિનિટ!

‘વેઈટર! સુપ કયો છે?’

‘સાહેબ, બે છે. એક ક્લિયર સુપ છે, બીજો જીએસટી સુપ છે.’

‘જીએસટી સુપ કેવો હોય?’

‘અનક્લિયર, સાહેબ!’

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 7 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *