જીએસટી ટ્રાન્સપરન્સીને લીધે જેઓ ઉઘાડા પડી જશે તેઓ વિરોધમાં તોફાનો કરે છે

અત્યારે જીએસટીના ચાર સ્લૅબ્સ છે: અમુક ચીજવસ્તુઓ/ સેવાઓ પર પાંચ ટકા, પછી ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા. કેટલીક ચીજો પર બિલકુલ જીએસટી નથી. શ્રી ઐયર ‘ધ જિસ્ટ ઑફ જી.એસ.ટી. એન’માં એક ઈન્ટરેસ્ટિંગ સૂચન કરે છે કે ભવિષ્યમાં સરકારે ત્રણ જ સ્લૅબ રાખવા જોઈએ અને તે પણ પાંચના પૂર્ણાંકમાં. અર્થાત્ પાંચ ટકા, દસ ટકા અને ૨૫ ટકા. આનું કારણ આપતાં તેઓ કહે છે કે સામાન્ય ગ્રાહક પણ સહેલાઈથી ટેક્સની ગણતરી કરી શકે. ધારો કે એણે ૯૦૦ રૂપિયામાં શૂઝ ખરીદ્યાં અને એના પર દસ ટકા ટેક્સ છે તો એ સહેલાઈથી ગણી લે કે પોતે ૯૯૦ રૂપિયા ચૂકવવાના છે. જોકે, આ માટે ઉત્પાદકોએ પણ રાઉન્ડ ફિગરમાં કિંમત રાખવી પડે.

જીએસટીનો એક ઘણો મોટો આડકતરો ફાયદો સરકારને એ થશે કે આ ટેક્સ ભરવા માટેનું જે કૉમ્પ્યુટર નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે (જેમાં જરૂરિયાત પ્રમાણે ઉત્તરોત્તર સુધારાવધારા થતા રહેવાના) તેને લીધે અમૂલ્ય ડાટા મળશે. કઈ ચીજોમાંથી/ સેવાઓમાંથી કેટલો ટેક્સ, ક્યારે અને ક્યાંથી આવ્યો છે એ વિશેનો ઈન્સ્ટન્ટ ડાટા સરકારને અર્થતંત્ર વિષયક નીતિઓ ઘડવામાં અમૂલ્ય પુરવાર થવાનો. આમાંનો અમુક ડાટા જાહેર કરીને સરકાર ઉત્પાદકો, વેચાણકારો અને વપરાશકારોનું પણ હિત જાળવી શકે. મૂળ મુદ્દો છે ટ્રાન્સપરન્સીનો અને અવેલિબિલિટીનો. કોઈ એક ચોક્કસ કેમિકલનું ડ્રમ બજારમાં પ્રાપ્ય છે કે નહીં અને જો હા તો ક્યા ભાવે પ્રાપ્ય છે અને કઈ જગ્યાએ, કોની પાસેથી મળે છે આ બધી માહિતી અગાઉ ઢંકાયેલી રહેતી. ખેતપેદાશ સહિતની અનેક પ્રોડક્ટ્સની બાબતમાં આવું થતું. વચેટિયાઓ ધારે ત્યારે કૃત્રિમ તંગી પેદા કરી શકતા અને પોતે ક્યાંથી માલ મેળવે છે તે સોર્સ છુપાવીને વધારે કિંમત વસૂલ કરતા. આને કારણે એ બજાર અસ્થિર બની જતું. ભાવોની સતત વધઘટને કારણે એ માર્કેટ સ્પેક્યુલેટિવ બની જતું જેને કારણે વપરાશકારે કે છેવટના ગ્રાહકે વધારે પૈસા ચૂકવવા તૈયાર રહેવું પડતું. દાખલા તરીકે એક બિલ્ડરે પોતાનું મકાન બાંધવાનો કોન્ટ્રાકટ જેને આપ્યો છે તેણે ટેન્ડરમાં સ્ટીલનો ભાવ એક્સ અમાઉન્ટ ભર્યો છે પણ માર્કેટની ઊથલપાથલ (વાસ્તવમાં તો અમુક વગદાર લોકોએ કરેલા મેનિપ્યુલેશન)ને કારણે એ જ્યારે સ્ટીલ ખરીદવા માટે સપ્લાયરને ત્યાં ઑર્ડર મૂકે છે ત્યારે ખબર પડે છે કે સ્ટીલના ભાવ તો સડનલી વધી ગયા છે. હવે શું? કાં તો આ ભાવવધારો કૉન્ટ્રાકટરે સહન કરીને પોતાનો પ્રોફિટ માર્જિન ઘટાડી નાખવો પડે અને ખોટ ખાઈને પણ કામ પૂરું કરી આપવું પડે. કાં પછી આ ભાવવધારો બિલ્ડર એને બિલમાં એસ્કેલેશનરૂપે ઉમેરી આપે અને એટલી રકમ ફલૅટ ખરીદનાર પાસેથી વધારે વસૂલ કરે. ઈન આઈધર કેસ લોખંડ બજારના મેનિપ્યુલેશનને કારણે કાં તો બિલ્ડરે જે કોન્ટ્રાકટરને મકાન બાંધવાનું કામ સોંપ્યું છે તેણે અથવા તો એની પાસેથી ફલેટ ખરીદનારા ગ્રાહકે – પોતાના કોઈ વાંકગુના વગર વધારે ભાવ ચૂકવવા પડે.

યુપીબિહારની સ્કૂલ – યુનિવર્સિટીની પરીક્ષાઓમાં બેફામ ચોરીઓ થતી હોય અને નવી સરકાર કડક નીતિ લાવીને એકઝામ હૉલમાં પુસ્તકો, ચિઠ્ઠીઓ, મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકે ત્યારે સ્થાનિક રાજકીય પક્ષોના ગુંડાઓની મદદથી વિદ્યાર્થીઓ હડતાળ કરે, સ્કૂલો અને બૅન્ચીસ સળગાવે, શિક્ષકો – એક્ઝામિનરોની મારપીટ કરે. જીએસટીની બાબતમાં આવો જ વિરોધ દેશમાં છૂટોછવાયો થઈ રહ્યો છે જેમાં સુરતના કેટલાક કાપડ વેપારીઓના સમૂહનો પણ સમાવેશ થાય છે. આવા છુટમુટ અને ક્ષુલ્લક વિરોધને હવા આપવાનું કામ વિરોધપક્ષોમાં ઘૂસી ગયેલા કરવાના જ. આજકાલ લિન્ચિંગના નામે ગૌરક્ષકોની આડેધડ ટીકાઓ થાય છે પણ આ જ ગાળામાં શ્રીનગરમાં મસ્જિદની બહાર એક પોલીસ અફસરને મુસલમાનોએ શુક્રવારની નમાજ પઢ્યા પછી પીંખી પીંખીને અધમૂઓ કરીને એનો જીવ લઈ લીધો, એ શું લિન્ચિંગ ના કહેવાય? બદમાશ મિડિયા આ મુદ્દો નહીં ઉઠાવે પણ શબાનાબેગમ, અરુંધતીબેગમ વગેરેના વડપણ હેઠળ થતા ‘નોટ ઈન માય નેમ’વાળા અવૉર્ડ વાપસી જેવા તૂતને ચગાવ્યા કરશે.

જીએસટીને લીધે વેપાર કારોબારમાં આવતી પારદર્શિતા સામે જો કોઈને વાંધો હોય તો તે માત્ર બેઈમાનોને જ હોઈ શકે. તમે આખું વર્ષ ભણ્યા હો અને પૂરતું રિવિઝન પણ કર્યું હોય તો વાર્ષિક પરીક્ષા વખતે તમને ટેક્સ્ટ બુક, ગાઈડ, ચિઠ્ઠીચપાટી, મોબાઈલ વગેરે સાથે લઈને એક્ઝામ હૉલમાં ન જવા દે તો તમને શું ફરક પડે છે? જે વેપારીઓ, ઉત્પાદકોની દાનત સાફ છે અને જેમને પ્રામાણિકતાથી – નૈતિકતાથી રોટલી ખાવી છે એમને જીએસટી સામે કોઈ વાંધો નથી. પણ જેઓ ટેક્સ ભર્યા વિના આ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મફતમાં ભોગવવા માગે છે તેઓ જીએસટીનો જ નહીં, આવી કોઈપણ ક્રાંતિકારી આર્થિકનીતિનો વિરોધ કરવાના જ – જેવું એમણે ૮ નવેમ્બર પછી પણ કરેલું.

આજનો વિચાર

અર્જ કિયા હે:

બહુત દિનોં સે નહીં હુઆ દેશ મેં કુછ બવાલ
બહુત દિનોં સે નહીં હુઆ દેશ મેં કુછ બવાલ
Where the hell is Arvind Kejriwal….?

એક મિનિટ!

મને એક ભાઈ પૂછતા’તા: ‘આ શ્રાવણ મહિનામાં જુગાર રમીએ એમાં તો જીએસટી નહીં લાગે ને?’

મારે જવાબ દેવો પડ્યો: ‘બિલકુલ નહીં. એમાં જીએસટી ન લાગે, એમાં તો એફઆઈઆર લાગે…’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 6 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *