જીએસટીની રામાયણ

જીએસટી વિશે ઑથેન્ટિક જાણકારી મેળવવાનાં માત્ર બે જ સોર્સ છે. એક: સરકાર દ્વારા, સરકારના પ્રતિનિધિઓ દ્વારા અપાતી સમજૂતીઓ. અને બે: આ વિષય પર લખાયેલાં કેટલાક અનુભવી પ્રોફેશનલ્સનાં પુસ્તકો. વૉટ્સઍપ પર ચાલતી ફેંકાફેંકથી બચવા કોઈએ પણ આ બે આધારભૂત સૂત્રો પર ભરોસો રાખવો જોઈએ, જેમ કે, ગઈ કાલે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ જીએસટીને લગતી સાત મિથ્સ વિશે ટૂંકમાં સટીક સ્પષ્ટતા કરી જેને અલમોસ્ટ દરેક પ્રમુખ અને જવાબદાર દૈનિકે ફ્રન્ટપેજ પર મૂકી. નાણાં મંત્રી અરુણ જેટલી અને પીએમ મોદીજીનાં આ વિષય પરનાં ઉદ્બોધનો. આ બધું મળીને એક સોર્સ.

બીજો સોર્સ પુસ્તકનો. મારા આશ્ર્ચર્ય વચ્ચે આ વિષય પર અંગ્રેજીમાં સો (૧૦૦)થી વધુ પુસ્તકો ઑલરેડી વિવિધ તબક્કે પ્રગટ થઈ ચૂક્યાં છે અને એમાંથી કેટલાંકની એકાધિક આવૃત્તિઓ પ્રગટ થઈ છે. ગુજરાતીમાં પણ, આયમ શ્યોર, ઘણાં સારાં પુસ્તકો હશે પણ કમનસીબે ગુજરાતીમાંના આ વિષય પરનાં પુસ્તકો મારી પહોંચની બહાર છે. મેં જે અડધોએક ડઝન અંગ્રેજી પુસ્તકોનો સહારો લઈને જીએસટી વિશે વાત કરવાનું ધાર્યું છે તે તમામ ઑનલાઈન ઉપલબ્ધ છે અને એમાંનાં ઘણાં ખરાં ક્ધિડસ પર ઈબુક તરીકે પણ તમે ડાઉનલોડ કરી શકો છો. આ દરેક પુસ્તકમાંની સામગ્રીનો ઉપયોગ કરતી વખતે હું એ પુસ્તકના નામનો તથા પુસ્તકના લેખકના નામનો ઉલ્લેખ કરતો રહીશ.

જીએસટી વિશે જે બે સૌથી વધુ ઊડીને આંખે વળગે એવાં પુસ્તક મને લાગ્યાં તેમાનું પહેલું છે શ્રી ઐયર લિખિત ‘ધ જિસ્ટ ઑફ જીએસટીએન.’ શ્રી એટલે મિસ્ટર નહીં પણ પૂરેપૂરું નામ – શ્રી. યાદ આવ્યું? યસ. એનડીટીવી પરની સીબીઆઈ રેડ વખતે આપણે આ જ લેખકના ‘એનડીટીવી ફ્રોડ્સ’ પુસ્તકમાંની સામગ્રીની ઝલક મેળવેલી. બીજું પુસ્તક છે ઈન્ડાયરેક્ટ ટેક્સના નિષ્ણાત લેખક મોનિશ ભલ્લા લિખિત ‘જીએસટી અનપ્લગ્ડ’. મોનિશ ભલ્લાએ આ ઉપરાંત પણ જીએસટી વિશે પુસ્તકો લખ્યાં છે.

મોનિશ ભલ્લાનો ઈરાદો જીએસટી જેવા હાઈલી ટેક્નિકલ વિષયને આપણા જેવા સામાન્ય માણસો પણ સમજી શકે તે રીતે એના વિશે લખવાનો છે. જીએસટી વિશે સીએ તેમ જ ટેક્સનિષ્ણાતોને ધ્યાનમાં રાખીને અનેક પુસ્તકો છે પણ એમાં આપણી ચાંચ ન ડૂબે તે સ્વાભાવિક છે.

આ ઉપરાંત ‘વન નૅશન, વન ટેક્સ: લોમેન્સ ગાઈડ ટુ જીએસટી’ નામનું પુસ્તક પણ છે. નીતિશ પરાશર અને ધીરજ કે. એસ. શર્મા નામના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સે લખેલા પુસ્તકનો આરંભ આત્યારના (એટલે કે ૩૦મી જૂન, ૨૦૧૭ સુધીના) ઈન્ડાયરેક્ટ ટેક્સનું માળખું અને જીએસટી – આ બે વચ્ચેની સરખામણીથી થાય છે, અને એમાં જીએસટીનાં રિટર્ન્સ ક્યારે અને કેવી રીતે ભરવાનાં એની પણ સાદી સમજ આપી છે.

જયરામ હિરગંગે તથા દીપક રાવ લિખિત ‘ઈન્ડિયા જીએસટી ફૉર બિગિનર્સ’ નામનું પુસ્તક ઑલરેડી બેસ્ટ સેલર બની ચૂક્યું છે અને એની બીજી આવૃત્તિ ફણ છપાઈ ચૂકી છે.

જે લોકો મોટો વેપાર કરે છે, કરોડોનું ટર્નઓવર ધરાવે છે એ લોકોને આવાં પુસ્તકોની કદાચ જરૂર નથી કારણ કે એમની પાસે લાખો રૂપિયાની ફી લઈને સચોટ માર્ગદર્શન આપતા પ્રોફેશનલ સલાહકારો હોવાના. પણ જેઓ મધ્યમ કદના કે પછી નાના વેપારીઓ છે એમના માટે આ પ્રકારનાં પુસ્તકોમાંથી તારવેલી સામગ્રી ઘણી મૂલ્યવાન બની જવાની.

ગુજરાતીમાં એક પુસ્તક મારી પહોંચમાં આવ્યું છે. આમ તો એ અનુવાદ છે. મૂળ મરાઠીમાં ઍડવોકેટ ગોવિંદ પટવર્ધને લખ્યું છે જે મરાઠીના અતિપ્રતિષ્ઠિત વર્તમાનપત્ર સમૂહ ‘સકાળ પ્રકાશન’ દ્વારા પ્રગટ થયું છે. નામ છે: ‘આવો છે જીએસટી કાયદો: સ્વરૂપ અને પૂર્વતૈયારી’.

અફકોર્સ ‘જીએસટી રેડી રેકનર’ જેવાં પુસ્તકો તો ઘણાં જ છે પણ આગળ કહ્યું એમ એ આપણા કામનાં નથી અથવા તો એટલીસ્ટ મારી સમજની બહારનાં છે (આ વિષયમાં એટલી સમજ પડતી હોત તો સત્તર વર્ષની ઉંમરે સી.એ. એન્ટ્રન્સની પરીક્ષામાં બેસવાની તૈયારીઓ કરવાના સમયે ચંદ્રકાન્ત બક્ષીનો ઈન્ટરવ્યૂ લેવા બગલમાં ઉછીનું કેસેટ રેકોર્ડર દબાવીને એમના વરલીના ઘરે આંટાફેરા ના કર્યા હોત).

આ પુસ્તકો ઉપરાંત કેટલીક એવી વ્યક્તિઓ જેમણે જીએસટી સાથે પનારો પાડવાનો છે, તેમની સાથે ચર્ચાઓ કરી છે અને કેટલીક એવી ઑથોરિટીઝ જે પોતાના ક્લાયન્ટ્સને જીએસટીની સમજ આપીને, મોદીજીએ આપેલી સલાહ પ્રમાણે એમને પ્રામાણિક બનાવવાની કોશિશ કરી રહ્યા છે – એમની પાસેથી પણ જીએસટીના અમલીકરણમાં શરૂઆતના તબક્કે જે કંઈ નાના-મોટા બમ્પ્સ આવી શકે એમ છે તેની ચર્ચા કરી છે. ગઈકાલના લેખમાં કહ્યું એમ મારા ફ્રીલાન્સ લેખનના વ્યવસાયને સીધી રીતે જીએસટી ક્યાંય નડે એમ નથી કે ઉપયોગી થાય એમ પણ નથી. આ વિષયને હું હાથ તો શું આંગળી પણ ન અડાડત તો ચાલત. પણ આ કાયદો મોદીજીના રાજમાં આવ્યો છે અને એક ‘પરમ મોદીભક્ત’ તરીકે મારી પવિત્ર ફરજ છે કે નૉટબંધી પછીના એમના આ દ્વિતીય મહાન આર્થિક પગલાં વિશેની વિગતો બને એટલી સાદી ભાષામાં આપ સૌના સુધી પહોંચાડું. આય થિન્ક આટલી સ્પષ્ટતા પછી અહીં પ્રસ્તાવના પૂરી થાય છે અને કાલથી સિરીઝની રિયલ શરૂઆત થાય છે.

આજનો વિચાર

ચા પીવાથી ઊંઘ ઊડી જાય છે એ વાત અમુક લોકો નહીં માને. પણ એક ચા લાખો લોકોની ઊંઘ ઉડાડી શકે છે એ વાત તો સાબિત થઈ ગઈ ને!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બકાનાં લગ્ન વખતે એની સાસુએ પૂછ્યું: આ જાનૈયાઓ આટલા ઝૂમીઝૂમીને કેમ નાચી રહ્યા છે?

બકો: મેં એમને કહ્યું છે કે દહેજના પૈસામાંથી તમારા બધાનું દેવું ચૂકતે કરી દઈશ.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 4 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *