નોટબંધીથી જીએસટી સુધી

૮મી નવેમ્બરે નોટબંધી આવી એના બીજા દિવસે અમે સાંતાક્રુઝ તરફ હતા અને ત્યાંની ફેમસ રામ-શ્યામની સેવપુરી ખાવા ગયા. માંડ થોડીક સોની નોટ હતી એમાંથી બિલ ચૂકવ્યું. એના પંદરેક દિવસ પછી ફરી ત્યાં સેવપુરી ખાવા ગયા. બાય ધૅટ ટાઈમ અનેક રિટેલર્સે પેટીએમ જેવી સુવિધા આપવાનું શરૂ કરી દીધું હતું. ફૂટપાથ પર શાકભાજી અને ફ્રૂટ્સ વેચવાવાળાઓ પણ પીટીએમથી પૈસા લેતા થઈ ગયેલા જેનો એક ફોટો મેં ફેસબુક પર અપલૉડ કર્યો હતો. રામ-શ્યામને મેં કહ્યું કે તમે પીટીએમ કેમ નથી રાખ્યું? તો એ ખાલી હસ્યા. મેં પૂછ્યું પણ હવે તો તમને પેટીએમ વિના નહીં ચાલે ને… એ કહે કે બધું ચાલે, પેટીએમના લફરામાં પડો એટલે સી.એ. રાખવો પડે ને ઈન્કમ ટેક્સના રિટર્ન્સની જંજાળ.

કટ ટુ. અંધેરીમાં શોપર્સ સ્ટૉપની સામે એક સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાં છે. ૮મી નવેમ્બર પહેલાં એમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ લેવાતાં નહોતાં. કૅશથી જ પેમેન્ટ કરો. ૮મી નવેમ્બર પછી મને હતું કે હવે તો આણે કાર્ડથી પેમેન્ટ લેવાનું શરૂ કરવું પડશે, પણ ના. કૅશ જ. એ મહિના દોઢ મહિના દરમિયાન નવી નોટોની અછત હતી અને સો-સોની આપણી પાસે હોય તોય કેટલી હોય. પણ ત્યાં તો કૅશ જ ચાલે. હજુ સુધી એ કૅશનો જ વ્યવહાર કરે છે. સવારથી મોડી રાત સુધી ગ્રાહકોથી છલોછલ રહેતી એ રેસ્ટોરાંમાં તમે કૅશથી બિલ ચૂકવી દો પછી ફોલ્ડરમાં વધેલાં નાણાં રાખીને તમારા ટેબલ પર મૂકે પણ અંદર જે બિલ તમે ચૂકવી દીધું છે તે ન હોય. તમે બહુ ચીકણા હો તો વિલંબ કરીને બિલ પર પેઈડનો સિક્કો મારીને લઈ આવે.

આ બે તો માત્ર ઉદાહરણો છે. સમગ્ર ભારત દેશમાં આવા કેટલાય દુકાનદારો, વેપારીઓ, ઉદ્યોગગૃહો, ધંધાદારીઓ હશે જેઓ (નવેમ્બરની નોટબંધી પછી પણ સરકારની ટેક્સજાળમાંથી છટકી ગયા છે.

ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ-જી.એસ.ટી.નો એક ઉદ્દેશ આવા લાખો બે નંબરિયાઓ પાસે ટેક્સ ભરાવવાનો છે. કેવી રીતે? તમે જે માલ વેચો છો તે બનાવવા માટે કાચો સામાન તો કોઈકને ત્યાંથી ખરીદો છો. એ સપ્લાયર પણ કોઈના ગોડાઉનમાંથી આ માલ મેળવે છે. અત્યાર સુધી થતું’તું શું કે આ બધો વ્યવહાર બિલ વિના, અધ્ધરમાં થતો. ટનબંધ ચણા બે નંબરમાં લેવાના, પછી એનો લોટ બનાવીને ગોડાઉનમાં ભરવાનો, ત્યાંથી હોલસેલર અને પછી રિટેલર અને છેવટે એ માલ સેવપુરીવાળાને ત્યાં આવે ત્યાં સુધી બધું જ કે મોટા ભાગનું કામ બિલ વિના થતું. સરકારને આમાં ડબલ માર પડતો. માલના વેચાણ ઉપર સેલ્સ ટેક્સ ભરાતો નહીં અને માલ વેચીને જે જે લોકો કમાતા તે લોકો પૂરો ઈન્કમ ટેક્સ ભરતા નહીં, કારણ કે એમણે કેટલો માલ ખરીદ્યો છે અને એમાંથી વર્ષે કેટલા ટન સેવ બનાવી છે એનો કોઈ હિસાબ જ રહેતો નહીં. આવું જ ઈડલી-ડોસા વેચવાવાળાની બાબતમાં થતું.

જી.એસ.ટી. નેટવર્કની કમાલ એ છે કે દર મહિને તમારે તમારા ઈન્વોઈસ એમાં અપલોડ કરવાના. એની ક્વૉન્ટિટી તમે જ રિટેઈલર પાસે કે હોલસેલર પાસે માલ લીધો છે તેની સાથે મૅચ થશે. એની ક્વોન્ટિટી ગોડાઉનમાં કેટલોક માલ હતો અને હોલસેલરને ત્યાં કેટલો પહોંચ્યો તેની ગણતરી સાથે સરખાવવામાં આવશે. આમાં ક્યાંય તફાવત પડ્યો તો તમારે વધારાનો ટેક્સ તો ભરવાનો જ સાથોસાથ પેનલ્ટી પણ.

જી.એસ.ટી.નો વિરોધ કરનારા આ લોકો છે. જેમને વર્ષોથી બિલ વગરનો વેપાર કરવાની ટેવ પડી ગઈ છે તેઓ આનો સૌથી મોટો વિરોધ કરે છે. બીજા વિરોધીઓ એ છે જેમને પીએમ મોદી દીઠ્ઠા નથી ગમતાં. ૮ નવેમ્બરની નોટબંધી વખતે આ બે પ્રકારના લોકો જ ગળુંફાડીને સરકારના એ ક્રાન્તિકારી પગલાંની આડેધડ ટીકા કરતા હતા.

નોટબંધીની જેમ જીએસટીની બાબતમાં પણ આરંભમાં તકલીફો પડવાની. બાળક ચાલતાં શીખે ત્યારે અનેક વાર પડી જવાનું, ઢીંચણ પણ છોલાવાના. આને લીધે તમે એનું ચાલવાનું બંધ નથી કરાવતા, કારણ કે તમને ખબર છે કે ચાલવું અનિવાર્ય છે, શીખવું જ પડે. અને કોને ખબર કે આ જ બાળક ભવિષ્યમાં મોટું થઈને ઓલિમ્પિકમાં દોડવાની રેસમાં મેડલ લઈ પણ આવે.

તમે જે મકાનમાં રહો છો તે બિલ્ડિંગના ચોકીદારને સોસાયટી પગાર આપે છે જે તમે દર મહિને જે મેઈન્ટેનન્સ ચૂકવો છો તેમાંથી અપાય છે. મકાનના ચોકીદારને કારણે તમારે ત્યાં આલતુ-ફાલતુ લોકો ઘૂસી નથી આવતા, રાત્રે ચોરીઓ નથી થતી, તમારી માબહેન પત્ની બેટીની ઈજ્જત આબરૂ પર કોઈ હાથ નથી નાખતું.

તમે જે દેશમાં રહો છો તેની સરહદ પર જે ચોકિયાતો છે તેને કારણે તમે સલામત છો, તમારો દેશ સલામત છે. એ ચોકિયાતો, એ જાંબાઝ જવાનો ન હોત તો અડોશ-પડોશના દેશોના ભિખારીઓ તમારા દેશમાં ઘૂસીને તમારાં જ મકાનો-જમીનો પચાવી પાડત, તમારા દેશમાં આતંક મચાવત, તમારી માલમતા લૂંટી જાત.

તમારા મકાનના સિક્યુરિટી સ્ટાફને પગાર આપવાની જવાબદારી કોની? તમારી. તો આ દેશની સંરક્ષણ વ્યવસ્થા જાળવનારાઓનાં પગારો વગેરે ચૂકવવાની જવાબદારી કોની? અફકોર્સ, તમારી.

જીએસટીને લીધે કે તમારા દ્વારા ભરાતા દરેક કરવેરાને લીધે ન સિર્ફ તમારા દેશની સિક્યુરિટી જળવાય છે, તમને જે કોઈ સુવિધા મળે છે-સડક, પાણી, ગટરવ્યવસ્થા, કચરો ઉપાડવાની વ્યવસ્થા અને એવી તો અગણિત સુવિધાઓ જેને લીધે તમારું જીવન સુગમ બને છે, ઓછું કષ્ટમય બને છે, તે બધી સુવિધા એમાંથી જ આવે છે.

તમે કહેશો કે પણ રસ્તાનાં તો ઠેકાણાં નથી હોતા અને ફલાણી સુવિધામાં કચાશ છે ને ઢીંકણી સુવિધામાં ખોડ છે. ભલા માણસ, તમારા ઘરમાં-તમારી પત્નીએ બનાવેલી રસોઈમાં શું ૩૬૫ દિવસમાં ક્યારેય કોઈ ખોડખાંપણ નથી હોતી? તો એને કારણે તમે એને શું છૂટાછેડા આપી દો છો? કે પછી એને સાડીઓ-ઘરેણાં અપાવવાનું બંધ કરી દો છો? આપણે આપણી ઈમ્પરફેક્ટ લાઈફ તરફ જોતા નથી ને સરકાર આવી ને સરકાર તેવી કર્યા કરીએ છીએ. આવી બધી ફરિયાદો તો માત્ર બહાનાં હોય છે ટેક્સ નહીં ભરવાના.

જીએસટી વિશે, એને કારણે ભવિષ્યમાં થનારા ફાયદાઓ વિશે જરાક વિગતે લખવું છે. વેઈટ ઍન્ડ વૉચ.

કાગળ પરના દીવા

દુનિયામાં દરેક પ્રગતિ કમ્ફર્ટ ઝોનની બહાર આવીને જ થતી હોય છે.

– અજ્ઞાત

સન્ડે હ્યુમર

ટીચર: એક ગરીબ દેશનું નામ બોલો જોઉં…

બકો: પાકિસ્તાન.

ટીચર: બકા, ગરીબ દેશનું નામ પૂછ્યું છે, ભિખારી નહીં.

( મુંબઇ સમાચાર : રવિવાર, 2 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *