મીડિયાની ગઈ કાલ, આજ અને આવતી કાલ

એક આખું પુસ્તક લખાય એવી વાતને મારે માત્ર હજારેક શબ્દોમાં સમેટી લેવાની છે એટલે આ લેખને ન લખવા ધારેલા પુસ્તકની પ્રસ્તાવના જ સમજવી.

ગઈ કાલનું મીડિયા મારા માટે હું આ ક્ષેત્રમાં પ્રવેશ્યો ત્યારથી શરૂ થાય છે. અથવા તો કહો કે મારા મનમાં મીડિયા પ્રવેશવા માંડ્યું હશે ત્યારથી. અર્લી સેવન્ટીઝનું મીડિયા ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, ‘ધર્મયુગ’, ‘ઈલસ્ટ્રેટેડ વીકલી’ અને ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’, ‘જનશક્તિ’ સુધી સીમિત હતું – મારા માટે. ટાઈમ-ન્યૂઝવીક જેવાં મૅગેઝિનો વતનના ગામમાં મારા દાદાને ત્યાં આવતાં. કાકા અમેરિકાથી લવાજમ ભરતાં. વૅકેશનમાં જઈએ ત્યારે વાંચવા મળે. એ ઉંમરે અંગ્રેજી તો ક્યાં વાંચતા જ હતા, જોવા મળે. ૧૯૭૫ની ઈમરજન્સી પછી, લેટ સેવન્ટીઝ અને અર્લી એઈટીઝમાં મીડિયા બૂમ આવ્યો. ‘ઈન્ડિયા ટુડે’ જેવાં ખરા અર્થમાં જેને ન્યૂઝ મૅગેઝિન કહેવાય તેવાં સામયિકો અંગ્રેજીમાં શરૂ થયાં. સ્કૂલ છોડ્યા પછી, હવે અંગ્રેજી વાંચવાનું શરૂ થઈ ગયું હતું. ગુજરાતીમાં એકમાત્ર ‘ચિત્રલેખા’ હતું અને થોડાં જ વર્ષમાં ‘યુવદર્શન’, ‘આસપાસ’ ‘ચકચાર’, ‘ફ્લૅશ’ અને ‘નિખાલસ’ એની કૉમ્પીટીશન કરવાં લાગ્યાં. પાછળથી ‘અભિયાન’ પણ જોડાયું. ઈલેક્ટોનિક મીડિયામાં હજુય એકમાત્ર દૂરદર્શનની ચેનલ હતી જે સરકારી સમાચાર જ આપતી. પણ એઈટીઝમાં ધીમી પણ મક્કમ ક્રાન્તિ શરૂ થઈ. ‘ઈન્ડિયા ટુડે’એ દર મહિને ‘ન્યૂઝ ટ્રેક’ નામની વીડિયો કેસેટ્સ બનાવવા માંડી. એઈટીઝના દાયકાના છેલ્લાં વર્ષો. થિયેટરોમાં ન્યૂઝ રીલો તો ઘણી જોઈ હતી. પણ આપણા જ દેશમાં બનતા એન્ટી-ગવર્નમેન્ટ ન્યૂઝને આ રીતે વીડિયો કૅસેટરૂપે જોઈને નવાઈ લાગતી, હર્ષ થતો, રોમાંચ થતો. એ વર્ષો રાજીવ ગાંધીની પડતીનાં અને વી. પી. સિંહના ઉદયનાં વર્ષો હતાં. મંડલ પંચની વિરુદ્ધ અગ્નિસ્નાન કરનાર યુવકે (રાજીવ ગોસ્વામી એનું નામ હતું?) દેશભરમાં ચકચાર જગાવી હતી. ડીડી આવા સમાચારો ન આપે પણ ‘ન્યૂઝ ટ્રેક’ની વિડિયો કેસેટમાં જોવા મળતા. અનામતના વિરોધમાં જબરો જુવાળ ફાટી નીકળેલો. વિનોદ મહેતાએ ૧૯૮૦માં ‘સન્ડે ઑબ્ઝર્વર’ શરૂ કર્યું, એમ. જે. અકબરે ‘સન્ડે’ સાપ્તાહિક અને ત્યારબાદ ‘ટેલીગ્રાફ’ – આ બધાં જ છાપાં – મૅગેઝિનો એકદમ વાઈબ્રન્ટ હતાં. રિયલ જર્નલિઝમ થતું. ‘ઈન્ડિયા ટુડે’ પખવાડિક તરીકે આ બધામાં વડીલ ગણાતું થઈ ગયેલું. ભારતની પ્રાદેશિક ભાષામાં પણ એની આવૃત્તિઓ નીકળતી થઈ. મિડ નાઈન્ટીઝમાં એક જબરો ચેન્જ આવ્યો. ‘સન્ડે’ ઓલરેડી બંધ પડી ચૂકેલું અને સાઉથનું ‘ધ વીક’ મોળું મોળું ચાલતું હતું. ન્યૂઝ વીકલીની ખાલી જગ્યા પૂરવા ‘આઉટલૂક’ શરૂ થયું. તંત્રી વિનોદ મહેતા. માર્કેટમાં જબરજસ્ત ઈમ્પેક્ટ. ‘ઈન્ડિયા ટુડે’ પખવાડિક હોવાને કારણે જે સ્ટોરી પંદર દિવસે છાપે તે ‘આઉટલૂક’માં અઠવાડિયામાં છપાઈ જતી. ક્યારેક તો ઘટના બન્યાના બીજા કે ત્રીજા જ દિવસે ‘આઉટલૂક’માં એને લગતી ઈન-ડેપ્થ કવર સ્ટોરી આવતી. ‘આઉટલૂક’ની સ્ફૂર્તિથી પ્રભાવિત થઈ ગયેલા વાચકો ‘ઈન્ડિયા ટુડે’ સાથે છેડો ફાડવા લાગ્યા. જે કામ ‘ઈન્ડિયા ટુડે’એ ‘આઉટલૂક’ના પ્રકાશનના વર્ષો પહેલાં કરી નાખવાનું હતું તે ‘આઉટલૂક’ એસ્ટાબ્લિશ થઈ ગયા પછી ‘ઈન્ડિયા ટુડે’એ કર્યું – પખ્ાવાડિકમાંથી વીકલી બન્યું.

નાઈન્ટીઝમાં સોશ્યલ મીડિયા ઝીરો હતું. સેલફોન તો એ દાયકાના મધ્યમાં આવ્યા અને શરૂઆતમાં તો એસ. એમ. એસ. પણ મોંઘાં પડતાં એટલે અર્જન્સી સિવાય કોઈ એનો ઉપયોગ (એટલે કે દુરુપયોગ કરતું નહીં). ગ્રુપ કે માસ મેસેજીસ આવવાની હજુ વાર હતી. પણ પછીનાં પાંચ જ વર્ષમાં આખું ચિત્ર બદલાઈ ગયું. અમારા પિતાએ પોસ્ટકાર્ડના ભાવમાં લોકો એકબીજા સાથે વાત કરી શકે એવું સપનું જોયું હતું એમ કહીને ધીરુભાઈની યાદમાં એમના સંતાનોએ સેલફોન દ્વારા દુનિયાને મુઠ્ઠીમાં લઈ લેવાની કોશિશ કરી. ઈન્ટરનેટ પર ‘ઓર્કુટ’ની પૉપ્યુલારિટી વધવા લાગી. આમ આદમી બડી બડી સેલિબ્રિટીઓનું ધોતિયું ખેચી શકે એવી સગવડ આવતાં જ લોકો બિનધાસ્ત પોતાનો અધકચરો મત ઉતાવળે વ્યકત કરતા થઈ ગયા. ટીવી પર ૧૯૯૩માં (કે ૧૯૯૪માં) ચાર કલાકના પ્રસારણથી શરૂ કરનારી મનોરંજન ચેનલ ‘ઝી’ ટૂંક સમયમાં ૨૪ કલાકની બની ગઈ અને ક્રમશ: સરકાર દ્વારા પ્રાઈવેટ ન્યૂઝ ચેનલોને પણ લાયસન્સીસ અપાતાં ગયાં. જેમ જેમ ટીવી પર ન્યૂઝ ચેનલો વધતી ગઈ તેમ તેમ દરેક ચેનલ એકબીજાની સ્પર્ધામાં આગળ નીકળી જવા માટે ચર્ચા-ડિબેટ્સ દરમ્યાનના ઘોંઘાટના ડેસિબલ લેવલમાં વધારો કરતી ગઈ અને ટીવીના રિપોર્ટરો તથા એન્કરો વધુ ને વધુ ઈન્સલ્ટિંગ સવાલો દ્વારા પોતાની નાગાઈ દર્શકો સુધી ખુલ્લી કરતા ગયા. કોઈ પણ માધ્યમ નવું હોય ત્યારે એનો ઉપયોગ કરનારા કરતાં એનો દુરુપયોગ કરનારા વધુ જ હોવાનાં એ વાત ટીવીની આ ન્યૂઝ ચેનલો દ્વારા પુરવાર થતી ગઈ.

નવું મિલેનિયમ શરૂ થયું. જેની રાહ સો-સો વર્ષથી જોવાતી હતી તે એકવીસમી સદી આવી. પ્રિન્ટ મિડિયમ ખલાસ થતું હોય એવી છાપ ઊભી થઈ. છાપાંનાં સિરિયસ પત્રકારો-તંત્રીઓ પોતાને સાઈડ લાઈન થતાં અનુભવવા માંડ્યાં. મૅગેઝિનોને તો હાર્ડલી કોઈ પૂછતું. પ્રિન્ટના અર્ધદગ્ધ પત્રકારોએ ટીવીની કૉમ્પીટીશન કરવા ન્યૂઝ ચેનલો જે ન્યૂઝને ચગાવે તેની જ ફ્રન્ટ પેજ લીડ બનાવવા લાગ્યા. સ્વતંત્ર ન્યૂઝ સેન્સ અલમોસ્ટ મરી પરવારી અને બાવાનાં બેઉ બગડ્યાં. વાચકો હવે પ્રેક્ષકો બની ગયા. છાપું વાંચવાને બદલે ટીવી સામે વધારે સમય ગાળવા લાગ્યા.

એકવીસમી સદીનો બીજા દાયકામાં સોશ્યલ મીડિયાએ બાકીના તમામ મીડિયાને હંફાવવાનું શરૂ કરી દીધું. દરેક છાપા અને દરેક ન્યૂઝ ચેનલો વધુ લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે ફેસબુક ટ્વિટર વગેરે પર સક્રિય હોવું અનિવાર્ય બની ગયું. જે ઈલેક્ટ્રોનિક મીડિયા ૨૦૦૨ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં રમખાણો વખતે કે જે પ્રિન્ટ મીડિયા ૧૯૯૨ના બાબરી ડિમોલિશન બાદનાં રાયટ્સ વખતે મનફાવે તે ગપગોળા પ્રેક્ષકો/વાચકો સુધી ફેંકયા કરતું તે મીડિયા હવે ખુલ્લું પડી ગયું. સોશ્યલ મીડિયા દ્વારા પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક માધ્યમોનાં જુઠ્ઠાણાઓ ગણતરીના કલાકોમાં જ, કયારેક તો ગણતરીની મિનિટોમાં જ ખુલ્લાં પડી જવાં લાગ્યાં. લો, ભૂતકાળની વાત કરતાં આજ પર આવી ગયાં. આજે સોશ્યલ મીડિયા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની ચોટલી પકડીને એ બંનેને નચાવે છે. ભારતનું લોકતંત્ર ખરા અર્થમાં લોકોનું તંત્ર બની રહ્યું છે. દૂષણો તો સોશ્યલ મીડિયામાં પણ છે. નવું નવું માધ્યમ હોય એટલે એનો દુરુપયોગ કરવાવાળા નીકળવાના જ. સોશ્યલ મીડિયામાં પણ કોની વિશ્ર્વસનીયતા છે ને કોની નહીં એની સમજ આ માધ્યમોના યુઝર્સને આવવા માંડી છે.

આજે પણ પ્રિન્ટ માધ્યમ અતિ મજબૂત છે. નવાં નવાં છાપાં આવતાં જાય છે. ન્યૂઝ મૅગેઝિનોનો જમાનો ભલે પૂરો થઈ ગયો પણ દૈનિક વર્તમાનપત્રો પાસે હજુય પોતાની કલમની તાકાત બરકરાર રહી છે. ઈન્ટરનેટ એડિશન્સ દ્વારા આ વર્તમાનપત્રોની વાચકસંખ્યા અગાઉ કરતાં અનેકગણી વધી ગઈ છે. આજે પણ વિગતવાર વિશ્ર્લેષણ કરીને લખાતા ન્યૂઝ એનેલિસિસના લેખો વંચાય છે અને આવા લેખો લખનારાઓની વિશ્ર્વસનીયતાને વાચકો બિરદાવતા પણ હોય છે. રાજીવ પંડિત આનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે. સવારનું છાપું હાથમાં લીધા વિના જેમની સવાર નથી પડતી એવા વાંચકો ભલે ઘટતા જતા હોય પણ એ જ વાંચકો એ જ છાપાની ઈન્ટરનેટ આવૃત્તિને પોતાના ફોન પર વાંચી લેતા હોય છે. જૂની પેઢી હોય કે નવી, ન્યૂઝ વિના અને ન્યૂઝના એનેલિસિસ વિના કોઈને ચાલવાનું નથી.

ટીવીની ન્યૂઝ ચેનલો હવે સમજવા લાગી છે કે રાતના પ્રાઈમ ટાઈમે મચ્છીમાર્કેટ જેવો માહોલ કરવાની ટેવો હવે છોડવી પડવાની. સિરિયસ ચર્ચામાં સિરિયસ લોકોએ ભાગ લઈને સિરિયસ મુદ્દાઓ ઊભા કરવા પડશે અન્યથા ટીટીના દર્શકો પાસે નાગિન અને ઊલટા ચશ્માંના વિકલ્પો તૈયાર જ ઊભા છે.

મીડિયાની આવતી કાલ એટલે હું આ દુનિયામાં નહીં હોઉં તે પછીનું મીડિયા! એ કેવું હશે? પંદર-પચીસ વર્ષ પછીના મીડિયા વિશે તો આગાહી કરવી આસાન છે કે કાગળ પર છપાતાં વર્તમાનપત્રો કે સામયિકો લકઝરી બની જવાનાં. પુસ્તકો અને પોસ્ટરો છાપવા સિવાય કાગળનો ઉપયોગ ઘટતો જવાનો.

ન્યૂઝ પ્રિન્ટ જેવો શબ્દ આગામી બે-ત્રણ દાયકામાં ભૂંસાઈ જવાનો. પણ મને રસ એની કલ્પના કરવામાં કે ‘આવતી કાલ’નું અર્થાત્ ચાર દાયકા પછીનું મીડિયા, મારા મર્યા પછીનું મીડિયા કેવું હશે? મારી ભવિષ્યવાણી એવી છે કે આ સદીના ઉત્તરાર્ધમાં ન્યૂઝ મીડિયા જ નહીં હોય કારણ કે ન્યૂઝ જ નહીં હોય. પ્રજાજનો પોતપોતાનાં કામમાં એટલા ગળાડૂબ હશે કે પોતાના ક્ષેત્રની હિલચાલો સિવાય દુનિયામાં કોણ કૌભાંડો કરે છે, કોણ ભ્રષ્ટાચાર કરે છે ને કોણ કોનું ખૂન કરે છે, કોણ કોના પર બળાત્કાર કરે છે એવી માહિતીઓની નિરર્થકતા એમને સમજાઈ ચૂકી હશે. ન્યૂઝ મીડિયાની ડૂબતી નૈયા છોડીને તે વખતના પત્રકારોની નવી પેઢી કોઈ ને કોઈ ક્રિએટિવ કાર્યમાં જોતરાઈ ગઈ હશે. સારું છે કે ન્યૂઝ મીડિયાની દુકાનનું શટર પડી જાય તે પહેલાં આપણી આંખો મીંચાઈ ગઈ હશે. બાકી, આવા કૌભાંડ, ખૂન, બળાત્કારોના સમાચારોમાંથી લોકોને રસ ઊડી જાય તો અમે લોકો તો ભૂખ્યા મરી જઈએ.

( મુંબઇ સમાચાર : શનિવાર, 1 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *