લવ યુ, પંચમ

પિયા તૂ અબ તો આ જા માટે આશા ભોસલેને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો તેનું મહત્ત્વ આશાજી કરતાં આર.ડી. બર્મન માટે વધારે હતું. આશાજીને તો ૧૯૭૧ની ‘કારવાં’ ફિલ્મ માટે આ અવૉર્ડ મળ્યો તે પહેલાં બે વાર બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર મળી ચૂક્યો હતો. પહેલી વાર ૧૯૬૬માં રિલીઝ થયેલી ‘દસ લાખ’ના ગરીબોં કી સુનો વો તુમ્હારી સુનેગા માટે અને બીજી વાર ૧૯૬૮ની ફિલ્મ ‘શિકાર’ના પરદે મેં રહને દો, પરદા ના ઉઠાઓ માટે. જ્યારે પંચમના મ્યુઝિકને અગાઉ આવું રેક્ગ્નિશન નહોતું મળ્યું, આ પહેલી વાર મળ્યું. ‘કારવાં’ પહેલાં ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬), ‘પડોસન’ (૧૯૬૮), ‘પ્યાર કા મૌસમ’ (૧૯૬૯), ‘કટી પતંગ’ (૧૯૭૦), ‘ધ ટ્રેન’ (૧૯૭૦) અને બીજી પણ કેટલીક હિટ ફિલ્મો આવી ગઈ હતી. ઈનફેક્ટ ૧૯૭૧માં ‘કારવાં’ની સાથે પંચમના મ્યુઝિકવાળી કેટલી બધી યાદગાર ફિલ્મો રિલીઝ થઈ: ‘બુઢ્ઢા મિલ ગયા’, ‘હલચલ’, ‘લાખોં મેં એક’, ‘મેલા’, ‘પરાયા ધન’ વગેરે. પણ ન પંચમને અત્યાર સુધી એકેય ફિલ્મફેર મળ્યો, ન એમણે સર્જેલા ગીતના ગાયકોને.

પિયા તૂ પછી બીજા જ વર્ષે આશાજીને ‘હરે રામ હરે કૃષ્ણ’ના કલ્ટ ગીત દમ મારો દમ માટે પણ ફિલ્મફેર મળ્યો. પંચમનું સંગીત અવૉર્ડ સર્કિટમાં પણ રેક્ગ્નાઈઝ થવા માંડ્યું. હિન્દી ફિલ્મ સંગીતના આર્ડન્ટ ફૅન્સે તો ક્યારનું એ સંગીત દિલમાં વસાવી લીધું હતું. છેક ‘તીસરી મંઝિલ’નાં ગીતોથી, પંચમે આશા ભોસલેને એક નવા ટોન સાથે હિન્દી ફિલ્મ મ્યુઝિક જગતમાં નવી પહેચાન આપી દીધી હતી.

ફિલ્મના છમાંના બે સિવાયનાં બધાં જ ગીતોમાં આશા ભોસલે. ત્રણમાં મોહમ્મદ રફી સાથે ડ્યુએટ અને એક આશા ભોસલેના અવાજમાં સોલો: દેખિયે સાહિબાન વો કોઈ ઔર થી, ઓ હસીના ઝુલ્ફોંવાલી, ઓ મેરે સોના રે સોના (સોલો) અને આજા આજા મૈં હૂં પ્યાર તેરા…

આ છેલ્લા ગીત પાછળની એક નાનકડી કહાણી સોમવારે ષણ્મુખાનંદ હૉલમાં ‘લવ યુ પંચમ’ના કાર્યક્રમમાં આશા ભોસલેના મોઢે સાંભળી. આજા આજામાં રફીસા’બ અને એમણે પોતે આ…આ… આજા ગાતી વખતે શ્ર્વાસ પરની પક્કડ દેખાડવાની હતી. ગીતના રેકોર્ડિંગના આગલા અઠવાડિયાથી આશાજી નર્વસ. (૧૯૬૫-૬૬નો જમાનો. બેઉ બહેનો પેડર રોડ પર મહાલક્ષ્મીના મંદિરની ડાયગ્નોલી અપોઝિટ આવેલા, આપણા સૌના માટે સરસ્વતી મંદિરસમા ‘પ્રભુ કુંજ’ બિલ્ડિંગના પહેલા માળે રહે. એ વખતે આશાજી હજુ ઓ.પી. નૈય્યર સાથે રહેવા માટે નેપિયન્સી રોડ પરના ‘મીરામાર’ બિલ્ડિંગમાં શિફ્ટ નહોતા થયા.) આશાજીએ સોમવારે સાંજે ઑડિયન્સને સંબોધીને કહ્યું: ‘હું નર્વસ થઈને આ રૂમમાંથી પેલા રૂમમાં આંટાફેરા કરતી હતી. દીદી (લતા મંગેશકર) એમના રૂમમાં પોતાના લાંબા વાળ પર કાંસકો ફેરવતી હતી. મને પૂછે: શું થયું, આશા? આટલી નર્વસ કેમ છે? (અહીં આશાજીએ અદ્લોઅદ્લ લતાજીના અવાજની મિમિક્રી કરીને ઑડિયન્સને ખુશ કરી દીધું. તાળીઓ). મેં એમને કહ્યું કે, આ ગીતમાં હું અને રફી ગાવાના છીએ. શરત લાગી છે કે કોણ વધારે સારું ગાશે. નસિરસા’બે (નસિર હુસૈન, પ્રોેડ્યુસર – ડિરેક્ટર) રફી પર પાંચસો રૂપિયા લગાવ્યા છે અને પંચમને એમ છે કે હું સારું ગાઈશ એટલે એણે મારા પર ૫૦૦ની બેટ લગાવી છે… આ સાંભળીને દીદી કહે: તું ભૂલી ગઈ છે કે તું ભોસલે બની તે પહેલાં મંગેશકર હતી! જા, સારું જ ગાવાની છે તું… અને રેકૉર્ડિંગ થયું. સૌએ કહ્યું કે આશાએ વધારે સારું ગાયું.’

આ કિસ્સો કહેવામાં આશાજીની કોઈ આપવડાઈ નહોતી કે નહોતો રફીસા’બને ઉતારી પાડવાનો કોઈ આશય. આજે પણ તમે આ ગીત સાંભળો તો ‘આ… આ… આજા’ના રેન્ડિશનમાં રફી-આશા વચ્ચેનો ભેદ તમને ઊડીને કાને વળગે છે. બે ‘આ…’ની વચ્ચેનો આશાજીનો શ્ર્વાસ આ ફરકને ખુલ્લો પાડે છે. યુ ટ્યુબ પર જોઈ લેજો. અને ટાઈમ હોય તો લગે હાથ આ જ ફિલ્મનું ઓ હસીના ઝુલ્ફોંવાલી પણ જોઈ લેજો – સલમાન ખાનના પિતા સલીમસા’બ તમને ડ્રમ સેટ વગાડતા જોવા મળશે અને સલીમસા’બનાં દ્વિતીય ધર્મપત્ની હેલનઆંટીજી પણ લચકદાર નૃત્ય કરતાં જોવા મળશે.

પિયા તૂની સફળતા પહેલાં આર.ડી. એ આશાજી પાસે ‘કટી પતંગ’માં એક રૅપ સૉન્ગ ગવડાવ્યું હતું. બિન્દુજી પર ફિલ્માવાયેલા આ ગીતમાં આર.ડી.નો પણ અવાજ છે. મેરા નામ હૈ શબનમ, પ્યાર સે લોગ મુઝે શબ્બો કહતે હૈ, તુમ્હારા નામ ક્યા હૈ? લીના, મીના, અંજુ, મંજુ યા મધુ?

આ ગીત અત્યાર સુધી આશાજીએ ગાયેલાં ગીતો કરતાં ઘણું જુદું હતું. અફ્કોર્સ, આશાજીએ ઓ.પી. નૈય્યરના સંગીતમાં માદક ગીતો ગાયાં જ હતાં પણ આ જુદી ફીલ હતી. એમ તો આશાજીએ ‘પડોસન’માં પણ પંચમ માટે ગાયું હતું. (દીદી સાથે ‘મૈં ચલી, મૈં ચલી). પણ ‘કટી પતંગ’ના જ રિલીઝ વર્ષમાં આવેલી ‘ધ ટ્રેન’માં પંચમે ફરી એક વાર ગાતાં ગાતાં શ્ર્વાસની આવનજાવનને ક્ધટ્રોલ કરવાની ટ્રિક શિખવાડીને આશાજી પાસે ઓ મેરી જાં મૈંને કહા, મેરી જાં તૂને સુના ગવડાવ્યું અને પોતે પણ એમાં સાથ પુરાવ્યો. આ ઉપરાંત એ જ ફિલ્મમાં આશાજી પાસે બીજાં બે ગીત પણ ગવડાવ્યાં: અરુણા ઈરાની પર ફિલ્માવેલું છૈયાં રે છૈયાં રે તારોં કી છૈયાં, સૈયાં રે સૈયાં રે છુપકે સૈયાં આઈ કે પકડ લી ની બૈયાં, મૈં કા કરું, મૈં કા કરું… અને બીજું ગીત હેલનજી પર ફિલ્માવેલું: મૈંને દિલ અભી દિયા નહીં, મૈં અભી ક્યા જાનૂં, મૈં હૂં નાદાન તૂ અંજાન, મૈં કૈસે માનૂં.

૧૯૭૨માં બે ફિલ્મો એવી આવી જેમાં આશા-પંચમની જોડીએ હિન્દી ફિલ્મ સંગીતને આપેલા નિખારને એક ઔર નવી ઊંચાઈ બક્ષી. ‘અપના દેશ’નું દુનિયા મેં લોગોં કો ધોખા કભી હો જાતા હૈ’ (જે ગીતથી અમારા માટે પંચમ-જયંતીની સવાર પડી, એ ગીત ધ્યાનથી જોજો. અડધા ગીત પછી મુમતાઝ એક પગ ઘૂંટણથી વાળીને બીજા પગે જમીન પર ઝડપથી સરકે છે એવા સ્ટેપ્સ છે. એમાં મુમતાઝનો ડ્રેસ ઊંચો થઈ જવાથી જમીન સાથે ઘસડાવાથી એમનો નાજુક ઘૂંટણ છોલાઈ ના જાય એ માટે સફેદ પાટો બાંધેલો છે. જો જો મઝા આવશે. પગ પર બાંધેલો પાટો જ જોવાનો, ઉપર-નીચે બીજું કશું દેખાય તો આંખો મીંચી દેવાની).

અને બીજી ફિલ્મ ‘જવાની દીવાની’. ‘તીસરી મંઝિલ’ની જેમ અહીં પણ છમાંના ચાર ગીતોમાં આશાજી જેમાંનું એક એમનું સોલો: હાય તૌબા મુઝે તૂને. ત્રણ ડ્યુએટ્સ કિશોરકુમાર સાથે: અગર સાઝ છેડા તો, જાને જાં ઢૂંઢતા ફિર રહા અને નહીં નહીં અભી નહીં…’

જાને જાં ઢૂંઢતા ફિર રહામાં તમને ટ્રાન્સમાં લઈ જતી અવાજને ઓવરલેપ કરતી ટેક્નિક સાંભળીને તમે કોઈક અલગ જ દુનિયામાં ખોવાઈ જાઓ.

‘આશા ભોસલે: અ મ્યુઝિકલ બાયોગ્રાફી’ (લેખક: રાજુ ભારતન, એક મહાન સિનિયર વર્સેટાઈલ પત્રકાર)માંથી એક જાણકારી પહેલી વાર મળી. ૧૯૭૫ની શરૂઆતના મહિના, ૧૯૭૨ની સાલમાં આશાજી ઓ.પી. નૈય્યર સાથે છેડો ફાડીને ‘મીરામાર’માંથી ફરી પાછા ‘પ્રભુ કુંજ’માં રહેવા આવી ગયા હતા. આ બાજુ આર.ડી. બર્મને રીટા પટેલ નામની ગુજરાતી યુવતી સાથે કરેલા લગ્ન બહુ ઓછા વખતમાં પડી ભાંગ્યા. આર.ડી. ઘર છોડીને મહિનાઓ સુધી ખારની ‘સીઝર્સ પેલેસ’ નામની હૉટેલમાં પર્મેનન્ટ રૂમ રાખીને રહેતા (મુંબઈના અંડરવર્લ્ડની ગૅન્ગે જે ધોળકિયાનું ખૂન કર્યું તેની માલિકીની આ હૉટેલ ખારમાં અમારી પ્યુપિલ્સ ઓન સ્કૂલથી વૉકિંગ ડિસ્ટન્સ પર હતી પણ એ વખતે આપણને ક્યાં એવી ખબર કે ભવિષ્યમાં અમે જેમની પૂજા કરવાના છીએ તે દેવતાએ એમનું કામચલાઉ મંદિર અહીં વસાવ્યું છે. એ જ રૂમ એમનો મ્યુઝિક રૂમ પણ ખરો).

૧૯૭૫ની ૩૦મી માર્ચની સાંજ. ફિલ્મફેર અવૉર્ડની સાંજ. આશાજીને ૧૯૭૪માં રિલીઝ થયેલી ‘પ્રાણ જાય પર વચન ન જાયે’ ફિલ્મમાં ગાયેલા ચૈન સે હમ કો કભી ગીત માટે અવૉર્ડ મળવાનો હતો. ગીત ઓ.પી. નૈય્યરે કંપોઝ કર્યું હતું. પણ પંચમને ૧૯૭૪ની ‘આપ કી કસમ’ના જાનદાર સંગીત માટે અવૉર્ડ નહોતો મળવાનો. (૧૯૭૪ની ફિલ્મ માટેનો અવૉર્ડ ‘કોરા કાગઝ’ માટે કલ્યાણજીભાઈ – આણંદજીભાઈને મળ્યો હતો.) આશાજી અવૉર્ડ લેવા ના ગયાં. એમણે પંચમને કહ્યું: ‘ઓકે, એ લોકોએ તમને આપ કી કસમ માટે અવૉર્ડ નથી આપ્યો તો મારે પણ ફંક્શનમાં જવાની જરૂર નથી. ઈન કેસ ‘મનોરંજન’માં મેં તમારા માટે ગાયેલા ગીત ચોરી ચોરી સોલા સિંગાર કરુંગી માટે મને અવૉર્ડ આપ્યો હોત તો જરૂર જાત. ઓ.પી. નૈય્યરે કંપોઝ કરેલું. ગીત ગાવા માટેનો અવૉર્ડ લેવા હું નથી જવાની.’

લગ્ન તો એમણે છેક પાંચ વર્ષ પછી ૧૯૮૦માં કર્યાં. બેઉએ એકબીજાની સાથે રહીને એકમેકના સંગીતને નિત નવી ઊંચાઈઓ આપી. આશાજી-પંચમના સંગીત સાયુજ્યનું સર્વોચ્ચ શિખર ક્યું? મારે હિસાબે તો આ. ૮ જુલાઈ ૧૯૮૮ના રોજ રિલીઝ થયેલી ‘ઈજાજત’ના આ ગીત માટે આશાજીને અને ગુલઝારસા’બ – બેઉને નૅશનલ અવૉર્ડ મળ્યો અને ફિલ્મફેર પણ. આર.ડી.ને આમાંનું કંઈ નહીં. પણ ઠીક છે, યાર. આર.ડી.ને કરોડો ચાહકોનો જે પ્રેમ મળ્યો છે તે આવા તમામ અવૉર્ડ-ફેવૉર્ડનું સાટું વાળી દે. ગીત સાંભળો તમે. એક દિવસ આ ગીત અમારા ઘરમાં ગવાતું હતું ત્યારે બિલ્ડિંગનો વૉચમેન આવ્યો. સૂચનાની આપલે કરીને પાછો ગયો. ચોવીસ કલાકમાં એણે આખા મકાનમાં અફવા ફેલાવી દીધી કે વો સાત માલેવાલે તો શિફ્ટ હો રહે હૈ… કોઈએ પૂછ્યું કે કેમ? તો કહે: કલ સે ઉન કે ઘર મેં કુછ સામાન શિફ્ટ કરને કી બાત હો રહી હૈ…

આજનો વિચાર

જી.એસ.ટી. નામનું ભૂત એટલું ડરાવે છે કે સેન્ટ્રલ રેલવેના પેસેન્જરોને ટ્રેનમાં મસ્જિદ બંદર જાય એ પછી સંભળાય છે: અગલા સ્ટેશન – જી.એસ.ટી…

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

ફિલ્મ ‘કરણ અર્જુન’માં મા રાખીનો એના બાળકો સાથે સંવાદ:

‘બેટાઓ, જરા ચેક કરો તો. ઘરમાં ઈલેક્ટ્રિસિટી તો કટ નથી થઈ ગઈને?

કરણ: મા, ‘ફૅન’ નહીં ચાલ્યો.

અર્જુન: અને ‘ટ્યુબલાઈટ’ પણ નથી ચાલતી.

( મુંબઇ સમાચાર : બુધવાર, 28 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *