પંચમ-આશા

આજે પંચમજયંતી. રાહુલ દેવ બર્મન ૫૪ વર્ષની ઉંમરે ૧૯૯૪ની ચોથી જાન્યુઆરીએ આ દુનિયા છોડીને ચાલ્યા ન ગયા હોત તો આજે આપણે એમની ૭૮મી વર્ષગાંઠ ઉજવતા હોત. ઉજવણી તો આમેય થવાની જ છે. એમની ગેરહાજરી માત્ર દૌહિક છે. એમના પાર્થિવ દેહ સિવાયનું એમનું બધું જ તો છે આપણી પાસે. એટલે આજની સવારે ઘરની સાઉન્ડ સિસ્ટમમાં નહીં મીરાંનું ચલા વાહી દેસ વાગશે, નહીં નરસિંહનું નાનું સરખું ગોકુળિયું કે નહીં ચિન્મય મિશનવાળા સ્વામી બ્રહ્માનંદના કંઠે ભગવદ્ ગીતાના શ્ર્લોક ગવાશે અને પંડિત જસરાજના સ્વરમાં હનુમાન ચાલીસા પણ નહીં ગવાય. આજે, ૨૭મી જૂને આમાંનું કંઈ જ નહીં. બલ્કે બ્રાહ્મમુહૂર્તમાં પાડોશીઓ જાગી જાય એવા અવાજમાં સૌથી પહેલાં દુનિયા મેં લોગોં કો વાગશે, પછી પિયા તૂ અબ તો આ જા અને ત્યાર બાદ મહેબૂબા, મહેબૂબા… નહાઈને ચા પીતાં પીતાં સમંદર મેં નહા કે ઔર ભી નમકીન હોય ગઈ હો વાગશે અને ફુલ અમેરિકન બ્રેકફાસ્ટ કરતાં કરતાં યમ્મા યમ્મા, એ ખૂબસૂરત શમા સંભળાશે. પંચમના કંઠે ગવાયેલાં ગીતો સાંભળીને એમના ફ્રેમ કરેલા પોસ્ટર સામે દીવાબત્તી થશે. પછી શરૂ થશે આર.ડી.ના સંગીતની એકડે એકથી શરૂ કરીને જર્ની.

પંચમે ૩૩૧ ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું જેમાંથી ૨૯૨ હિન્દી હતી. બાકીની ફિલ્મોમાંથી ૩૧ બંગાળી અને એમણે તેલુગુ, તમિળ, ઓરિયા તથા મરાઠી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. આજે એ હોત તો અમે મિત્રોએ એમને એક ડઝન ગુજરાતી ફિલ્મો માટે ક્યારના કરારબદ્ધ કરી લીધા હોત.

‘છોટે નવાબ’ ૧૯૬૧માં આવી. એમની પહેલી ફિલ્મ. કૅપ્ટન ક્લબ નામની જગ્યામાં મહેમૂદ ભાઈજાન આલાપથી ગીત શરૂ કરે છે અને ફ્રિલવાળા મૅક્સીમાં કટીલી હેલનજી (એ જમાનાની હેલનજી!) ચુલબુલ નૃત્ય શરૂ કરે છે. મતવાલી આંખોંવાલે ઓ અલબેલે દિલવાલે, દિલ તેરા હો રહેગા ગર તૂ ઈસે અપના લે… અને શૈલેન્દ્રએ લખેલું આ ધીરગંભીર ગીત પણ એ જ ફિલ્મનું: ઘર આજા ધિર આયે બદરા સાંવરિયા, મોરા જિયા ધક ધક રે ચમકે બિજુરિયા…

૧૯૬૧ની આ ફિલ્મ એટલે પંચમ કેટલા વર્ષના તે વખતે? માંડ બાવીસ પણ પૂરાં નહીં થયા હોય. વીસ-એકવીસની ઉંમરે સ્વતંત્ર સંગીતકાર તરીકે ફિલ્મ કરવી અને પહેલે જ ધડાકે આવું ઉમદા મ્યુઝિક આપવું. જિનિયસનું જ આ કામ.

પંચમ જિનિયસ કરતાં પણ કંઈક વિશેષ હતા. જિનિયસ એને કહીએ જે એક્સેપ્શનલી ઈન્ટેલિજન્ટ હોય અથવા જેનામાં ક્રિયેટિવ પાવર કે બીજી નૈસર્ગિક પ્રતિભાઓ હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર બાબતમાં અસાધારણ સ્કિલ્સ હોય.

પંચમમાં આ બધું તો હતું જ. ઠાંસી ઠાંસીને ભર્યું હતું. આ ઉપરાંત એમનામાં પલાંઠી મારીને મા સરસ્વતીની સાધના કરવાની સાત્ત્વિક વૃત્તિ હતી. પૈસા પાછળ કે ફેમ પાછળ દોડવાને બદલે પંચમ પોતાને મળેલા મા ના આશીર્વાદને વફાદાર રહીને સંગીત ક્ષેત્રે સતત નવી નવી ક્ષિતિજો શોધતા રહ્યા. એ વિના કોઈ માણસ એક જ વર્ષના અંતરે દમ મારો દમ અને ચિંગારી કોઈ ભડકે બનાવી શકે? કઈ રીતે એ એક જ વર્ષમાં ઓ મેરી જાં મૈંને કહા અને જિસ ગલી મેં તેરા ઘર ના હો બાલમા બનાવી શકે? કઈ રીતે? કોઈ સમજાવી શકશે મને? જિનિયસ હોવા પૂરતી જ પંચમની પ્રતિભા મર્યાદિત હોત તો આજે સંગીતપ્રેમીઓ એમનો આદર જરૂર કરતા હોત, આટલો બધો પ્રેમ ન કરતા હોત. એમનાં ગીતો સાંભળીને જે જનરેશન ઊછરી છે એમનાં સંતાનો અને એ સંતાનોનાં પણ સંતાનો પંચમના મ્યુઝિકને ચાહે છે. પંચમ એવા જિનિયસ હતા જેમનું સંગીત પાંચ દાયકા પછી પણ જીવંત છે. ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬) કે ‘પડોસન’ (૧૯૬૮)નાં ગીતો આજે પણ એફએમ રેડિયોઝની જાન છે. ઈનફેક્ટ એફએમ ચેનલોનો અડધો ધંધો આર. ડી. બર્મનના મ્યુઝિક પર જ ચાલે છે. એટલું બધું રિલેવન્ટ, એટલું બધું ક્ધટેમ્પરરી મ્યુઝિક સર્જી ગયા એ.

ઘણું ઘણું લખ્યું એમના વિશે, એમના સંગીત વિશે. છતાં વાત ખૂટતી નથી. દર વખતે કંઈક ને કંઈક નવું મળી આવે છે. આજે સાંજે મિત્રો સાથે ભેગા મળીને ફરી એકવાર બ્રહ્માનંદ સિંહની પોણા બે કલાકની લાજવાબ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘પંચમ અનમિક્સ્ડ’ જોવાશે અને એની છેલ્લી પંદર મિનિટ જોતાં જોતાં ફરી એકવાર ધોધમાર રડાશે. પંચમ એક વાતાવરણ છે એવું વાતાવરણ જેમાં ચોવીસે કલાક પડ્યા પાથર્યા રહેવું તમને ગમે છે. એમાંથી ક્ષણભર પણ બહાર આવવાનું તમને મન થતું નથી. લક્ષ્મીકાન્ત પ્યારેલાલની કૉન્સર્ટ સાંભળતી વખતે પણ તમે ચૂપચાપ માર્ક કરતા રહો છો કે આ સાઈડ રિધમ સૌથી પહેલાં પંચમે વાપરી, આ ગીત તો બરાબર પંચમની સ્ટાઈલનું, આ બ્રાસ સેક્શનની મેલડી પંચમની છાયામાં સર્જાઈ, કિશોરકુમારનો આ હુંકાર, આશાજીનો આ ટોન – બધું જ પંચમ પહેલાં લઈ આવ્યા, કદાચ પ્રોડ્યુસરે એલ.પી. સમક્ષ ડિમાન્ડ કરી હશે કે આપડી ફિલમમાં એક ગાનું તો પંચમ સ્ટાઈલનું નાખવું જ પડે, ભૈ.

એલ.પી.ના છેલ્લા લેખમાં મારે એમના બીજા સાઠ-સિત્તેર એંશી જેટલા ફેવરિટ, સુપરહિટ ગીતોની યાદી આપીને કહેવું હતું કે એલપીનાં ગીતોની બૅક ટુ બૅક ચાર કૉન્સર્ટ્સ થાય તો પણ એકેય ગીત રિપીટ ના કરવું પડે. ગઈ કાલે મન ક્યું બહકાવાળા ગીતમાં મેં કહ્યું કે લતાજી-આશાજીના ડ્યુએટ ગીતો કેટલાં હશે? આંગળીના વેઢે ગણાય એટલા પણ નહીં. આ વાંચીને સવારના પહોરમાં મુંબઈમાં રહેતા ડાયમન્ડ મર્ચન્ટ, જેમની પાસે આર.ડી. બર્મન વિશે એટલી માહિતીનો ભંડાર છે કે ધારે તો એ સહેલાઈથી પંચમ વિશે ચાર-પાંચ પીએચ.ડી કરી શકે, એમનો લાંબો વૉટ્સઍપ આવ્યો. આ વાચકની ઓળખાણ આપતાં હું મિત્રોને એમ કહેતો હોઉં છું કે આર.ડી. બર્મન વિશે મારા કરતાં એમની પાસે ઘણી વધારે માહિતી છે એવું કહેવું, મૂકેશ અંબાણી પાસે મારા કરતાં વધારે પૈસા છે એવું કહેવું બરાબર છે. ભલા માણસ, મારી પાસ બુકની સરખામણી એમની તિજોરીઓ સાથે થઈ શકે કંઈ. પંચમના જ નહીં, ફિલ્મી સંગીતની બાબતમાં એમની પાસે જે ખજાનો છે તેનું નાનકડું સેમ્પલ સવારના પહોરમાં એમણે મોકલેલા વૉટ્સઍપમાં મળશે. એમણે કહ્યું છે: લતા મંગેશકર અને આશા ભોસલેએ તેઓ ‘આંગળીના વેઢે ગણાય એટલા નહીં પણ) પૂરા ૫૮ ગીતો સાથે ગાયાં છે. આપણને એ બધાં ગીતો વિશે ઝાઝો ખ્યાલ નથી હોતો કારણ કે આમાંના મોટાભાગનાં ફિફ્ટીઝ અને સિક્સ્ટીઝમાં ગવાયાં, તેઓ માહિતી આપે છે અને એમનો પંચમ પ્રેમ જણાવે છે: બેઉ મહાન બહેનોએ ગાયેલું સૌથી ફેમસ ગીત ‘પડોસન’નું મૈં ચલી, મૈં ચલી, દેખો પ્યાર કી ગલી, મુઝે રોકે ના કોઈ, મૈં ચલી… ના, ના, ના, મેરી જાં, દેખો જાના ન વહાં, કોઈ પ્યાર કા લૂટેરા, લૂટે ન મેરી જાં… અને બેઉ બહેનોએ પંચમ માટે સાથે ગાયેલું છેલ્લું ગીત ‘શાન’ માટે રેકૉર્ડ થયેલું જે ફિલ્મમાં વપરાયું નથી પણ નેટ પર ઉપલબ્ધ છે (મને લિન્ક મોકલી આપી છે). તેઓ કહે છે કે ‘શાન’ના એ ગીત (‘મિતવા, તેરે લિયે જિના, તેરે લિયે મરના, ઓ મિતવા… દુનિયા સે કયા ડરના..)ની હાઈલાઈટ એ છે કે કઈ રીતે આ બે લેજેન્ડરી સિંગર્સ એક જ ટ્યુનને પોતપોતાના આગવા અંદાજમાં ગાય છે. એકની ગાયકીમાં ભરપૂર મુરકીઓ અને તાનપલટા છે અને એની સામે બીજાની ગાયકીમાં સ્ટ્રેઈટ નોટ્સમાં આવતાં વેરિયેશન્સ માણવા જેવાં છે. છેલ્લે અજયભાઈ નોંધે કે આ ગીતના ત્રીજા અંતરામાં આનંદ બક્ષી સા’બે લખ્યું છે: હમ જીતે યા હારેં હર હાલ મેં અપની શાન નહીં છોડી… આ શબ્દો શું એમણે બેઉ બહેનોની પ્રોફેશનલ રાઈવલ્રીને ધ્યાનમાં રાખીને તો નહીં લખ્યા હોય ને!

ધેટ ગિવ્સ મી ઍન આઈડિયા. મારી પાસે આશાજીની બાયોગ્રાફી ઘણા વખતથી છે પણ એના વિશે કશું લખ્યું નથી. રાજુ ભારતન જેવા વેટરન પત્રકાર-લેખકે લખેલી આ બાયોગ્રાફીમાં નૅચરલી પંચમ વિશે પણ અઢળક વાતો હોવાની જ. તો આ વખતે પંચમને ઉજવવા માટે ‘આશા ભોસલેના સંદર્ભમાં આર.ડી. બર્મન’, પીએચ.ડી.ની થીસિસનો લાગે એવો, વિષય લઈએ. એઝ ઈટ ઈઝ ૨૭મી જૂને પ્રગટ થવા માટે લખાયેલો આ પીસ પૂરો કરીને આશા ભોસલેની હાજરીમાં ષણ્મુખાનંદ હૉલમાં યોજાયેલા આર.ડી. બર્મનના સંગીતના જલસામાં ઝટપટ પહોંચી જવાનું છે. ત્યાંથી પણ લખવા માટેનો મસાલો મળવાનો જ છે. વળી ગયા અઠવાડિયાના રવિવારે છેક ‘ન્યુ એક્સલસિયર’માં જઈને માત્ર આર.ડી.ના મ્યુઝિક માટે ‘નાઈન્ટીન ફોર્ટી ટુ: અ લવ સ્ટોરી’ જોઈ એટલે પંચમજયંતીની ઉજવણી તો બહુ વહેલી શરૂ થઈ ગઈ હતી અમારા માટે.

આજનો વિચાર

સંગીત વિનાની જિંદગી એક ભૂલ કહેવાય.

– ફ્રેડરિક નિત્શે

એક મિનિટ!

પતિપત્ની છૂટાછેડા માટે અદાલત ગયા.

જજ: તમારે ૩ બાળકો છે. તો તમે કઈ રીતે એમને તમારા બન્ને વચ્ચે સરખા ભાગે વહેંચશો?

પતિપત્ની વચ્ચે લાંબી વાત ચાલી અને છેલ્લે બેઉએ કહ્યું: ‘સર, અમે આવતા વર્ષે વધુ એક બાળક સાથે આવીશું.’

જોક હજુ પૂરો નથી થયો.

૯ મહિના પછી…

… એમને ટ્વિન્સ થયા.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 27 જૂન 2017)

1 comment for “પંચમ-આશા

  1. June 28, 2017 at 7:54 PM

    nice memories of Pancham and aashaji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *