સારું છે ઈમર્જન્સી આવી ને ગઈ

૧૯૭૫ની પચ્ચીસમી જૂનની મધરાતે ઈન્દિરા ગાંધીએ પોતાનું વડા પ્રધાનપદ બચાવવા આખા દેશમાં ઈમર્જન્સી ડિક્લેર કરી તે સારું જ થયું. ઈમર્જન્સી પછી એમના જે હાલહવાલ થયા તે જોઈને એમના પછીના કૉન્ગ્રેસી-બિનકૉન્ગ્રેસી વડા પ્રધાનોએ પ્રણ લીધું કે સત્તા ટકાવી રાખવા માટેનો અનિકૃષ્ટ ઉપાય છે. ઈન્દિરાજીએ ઈમર્જન્સીનો અનુભવ દેશને ના આપ્યો હોત તો દેશ જાગૃત થઈને એક ના થયો હોત. ભલે એ એકતા ૧૯૭૭થી ૧૯૭૯ સુધી જ ચાલી. આ બે ફાયદા ઉપરાંત ત્રીજો ફાયદો એ થયો કે આપણા રાજનેતાઓ શીખ્યા કે વિચ હન્ટનું કે વેન્ડેટાનું પોલિટિક્સ જોખમી છે. બદલો લેવાની ભાવનાથી તમે જ્યારે તમારા રાજકીય પ્રતિસ્પર્ધીને એ સત્તા પર ન હોય ત્યારે એની પ્રગટપણે હેરાનગતિ કરો છો ત્યારે પ્રજા તમારી વિરુદ્ધ થઈ જતી હોય છે. મોરારજી દેસાઈની સરકારે ઈન્દિરા ગાંધીને જેલમાં નાખ્યાં એ પછી ઈન્દિરાજીનું કદ હતું એના કરતાં વધી ગયું. પ્રજાની સહાનુભૂતિ તખ્ત પરથી ફેંકાઈ ગયેલાં ઈન્દિરા ગાંધીને મળી અને લાગ મળતાં જ જાન્યુઆરી ૧૯૮૦ની ચૂંટણીમાં પ્રજાએ મોરારજીભાઈ અને એમના સાથીઓનો સાથ છોડીને ઈન્દિરા ગાંધીનો હાથ પકડી લીધો.

ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સીએ આ ત્રણ સૌથી મોટા સબક આપણને શીખવાડ્યા.

બાકી, ઈમર્જન્સી વખતે સરકારી કર્મચારીઓમાં ભ્રષ્ટાચાર ઘટી ગયો કે તેઓ ટાઈમસર નોકરીએ આવતા થઈ ગયા કે ટ્રેનો નિયમિત દોડતી થઈ ગઈ એ બધો માત્ર પ્રચાર હતો. કોઈ આધારભૂત અને ઈન્ડિપેન્ડન્ટ સર્વેમાં આવું નથી કહેવાયું. પ્રચાર એવો જોરદાર હતો કે આજે પણ એવું કહેનારા નીકળી આવે કે હા, હા, ટ્રેનો નિયમિત દોડતી થઈ ગઈ એ મેં જાતે પોતે અનુભવ્યું છે.

પ્રચારનું શું છે કે ચારે તરફ તમે જે કંઈ વાંચો, સાંભળો કે જુઓ તે તમે માની જ લેવાના છો. કારણ તમારી પાસે એ બનાવટી માહિતીની સામે તથ્ય શું છે તે પહોંચ્યું જ નથી હોતું. કારણ કે એક ઈન્ડિવિજ્યુઅલ તરીકે તમારી કોઈ તાકાત નથી કે તમે એ તથ્ય સુધી પહોંચવા માટે નીકળી પડો. કારણ કે બધા જે માને છે તે સાચું જ છે એવી ઘેટાંવૃત્તિમાં આપણે સો તરત તણાઈ જતા હોઈએ છીએ. દાખલા તરીકે એક જમાનામાં, ૨૦૦૨ના ગોધરાના હિન્દુ હત્યાકાંડ પછીનાં ગુજરાતનાં રમખાણો વખતે જો તમારે તટસ્થ, આદરણીય અને સ્વીકાર્ય બનવું હોય તો હિન્દુત્વને ફટકારવું જ પડે એવો માહોલ. દાખલા તરીકે આજે ખેડૂતના નામે વિપક્ષો મવાલીઓ પાસે તોફાનો કરાવે છે ત્યારે ભોળી પ્રજા માની બેસે છે કે ખેડૂતો પર કેટલો જુલમ થાય છે. દાખલા તરીકે સોશ્યલ મીડિયામાં મેસેજીસની ભરમાર ચાલે એટલે કમ અક્કલ લોકો માની જ લેવાના કે મોદીએ રામદેવ બાબાને બિઝનેસમૅન બનાવ્યા (જે વાત ખોટી છે. રામદેવ કે એમના સાથીઓ કંઈ ટિપિકલ બિઝનેસમૅન નથી. પણ બાળબુદ્ધિ ધરાવનારાઓ આવા પ્રચારમાં હઈશો હઈશો કરીને જોડાઈ જતા હોય છે) અને હવે જી.એસ.ટી. લાવીને મોદી બિઝનેસમૅનોને બાબા બનાવી દેવાના છે. હકીકત એ છે કે જી.એસ.ટી. આવ્યા પછી એ જ બિઝનેસમૅનો બાબા બની જવાના છે જેઓ અત્યાર સુધી બે નંબરી ધંધો કરીને કાળું નાણું કમાતા રહ્યા હોય અને હજુય સુધરવા માગતા ન હોય.

ઈમર્જન્સી વખતે તો કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવાનું સરકાર માટે સાવ સહેલું હતું, કારણ કે તે વખતે છાપાંઓ પર સેન્સરશિપ હતી. વિચાર કરો કે આજે સેન્સરશિપ નથી તો પણ મીડિયામાં થતો ખોટો પ્રચાર માની લેવાની બેવકૂફી આપણે કરી બેસીએ છીએ તો તે વખતે તો ‘ઈમર્જન્સીને કારણે રાષ્ટ્ર શિસ્તબદ્ધ થઈ ગયું છે, રાષ્ટ્ર મહેનત કરતું થઈ ગયું છે’ એવો પ્રચાર જનમાનસ પર ચીટકી જ જવાનો હતો.

ઈમર્જન્સી ૧૯૭૫માં આવી ને ગઈ એને લીધે તે વખતના જમાના પ્રમાણે જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું. પણ વિચાર કરો કે એકવીસમી સદીમાં આવ્યા પછી, સોનિયા ગાંધીએ (મનમોહન સિંહ દ્વારા) કે ઈવન નરેન્દ્ર મોદીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ઈમર્જન્સી લાદવાનું વિચાર્યું હોત તો ભારત કેટલું પાછળ ફેંકાઈ ગયું હોત તેની કલ્પના કરો. ઈન્દિરાજી વખતે વિશ્ર્વભરમાં ભારતની આબરુ જેટલી ખરડાઈ તેના કરતાં અનેકગણી વધુ ખરડાઈ હોત અને ભારત આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ગયું હોત. ઈન્દિરાજીએ જે ભૂલ કરી તે અમારાથી ન થાય એવું એમના અનુગામી વડા પ્રધાનો સમજ્યા, શીખ્યા એનો ફાયદો એ થયો કે દેશના રાજકારણમાં સરમુખત્યારપણાના તત્ત્વને ઊગતું જ ડામી દેવામાં આવ્યું.

દરેક શક્તિશાળી નેતા પોતાને સરમુખત્યાર તરીકે જ જોતો હોય છે. હું ધારું તે જ થવું જોઈએ એવું માનનારા નેતાઓ પ્રજા માટે જોખમ ઊભું કરતા હોય છે. આવા નેતાઓ પોતાની આસપાસ માત્ર જીહજૂરિયાઓને જ રાખતા હોય છે. ઈન્દિરા ગાંધીએ પોતાની ઈમેજના ભોગે અને પોતાનો એવો કોઈ હેતું નહોતો છતાં દેશના તમામ રાજકારણીઓને ચોખ્ખો સંદેશો આપ્યો કે તમારામાંના ડિક્ટેટરને કાબૂમાં રાખો કારણ કે જે દિવસે એ તમારા માથે ચડી જશે એ દિવસે તમારો અંત નિશ્ર્ચિત છે. ઈમર્જન્સીની ૪૨મી તિથિ નિમિત્તે ઈન્દિરા ગાંધીનો સૌથી મોટો આભાર માનવાનો હોય તો તે કોણે એ તમે જાણો છો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ.

કાગળ પરના દીવા

ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની,
મળે છે તળિયે એ ડૂબ્યા નથી ઍક્ચ્યુલી.

હસીને ભલે આવકારો સદા આપતા હો તમે,
પણ કદી દ્વાર ખોલ્યાં નથી ઍક્ચ્યુલી.

– ભાવેશ ભટ્ટ

સન્ડે હ્યુમર

બકાએ હાઈવે પર હોટેલ ખોલી.

કસ્ટમર: ભાઈ, તમે જે સૂપ આપ્યો ને તેમાં તો માખી ડૂબેલી છે.

બકો: તો ભઈલા, તું જ કહે કે હું હોટેલ સંભાળું કે એને સ્વિમિંગ શીખવાડું?

( મુંબઇ સમાચાર : રવિવાર, 25 જૂન 2017)

1 comment for “સારું છે ઈમર્જન્સી આવી ને ગઈ

  1. June 28, 2017 at 8:02 PM

    nice thoughts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *