મૈંને છોડા ઝમાના તેરે સાથ હો ગઈ

અરે! અચાનક આ શું થઈ ગયું? અત્યાર સુધી દેખાતાં સુંદર દૃશ્યો એકાએક કેમ ઓઝલ થઈ ગયાં? એનું કારણ છે. કારણ એ પ્રિયે, કે તેં આંખમાં મેશ શું આંજી, દિવસનું અજવાળું રાતનો અંધકાર થઈ ગયું.

છુપ ગયે સારે નઝારે ઓય ક્યા બાત હો ગઈ
તુને કાજલ લગાયા દિન મેં રાત હો ગઈ

ગયા શનિવારની સાંજે પાર્લા-ઈસ્ટના દીનાનાથ મંગેશકર હૉલના ઍડવાન્સમાં હાઉસફુલ થઈ ચૂકેલા કાર્યક્રમમાં લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની અમર જોડીના પ્યારેલાલજી શર્મા ૭૭ વર્ષની અડીખમ ઉંમરે પોતાનાં સ્વરાંકનોને સ્ટેજ પર સદેહે આવીને ક્ધડકટ કરી રહ્યા છે. લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની ટ્રેડમાર્ક રિધમ સમા ઢોલકની બબ્બે જોડીઓની સાથે બે તબલાંવાદકો, બે સાઈડ રિધમિસ્ટ, ડ્રમર અને ૭ વાયોલિનવાદકો તથા બ્રાસ સેક્શનના પાંચ વાદકો સહિત કુલ ૩ ડઝન કરતાં વધુ અનુભવી વાદ્યકારોની ઑરકેસ્ટ્રા ‘દો રાસ્તે’ના આ સદાબહાર ગીતના સંગીતકારને સાક્ષાત સ્ટેજ પર આવીને સૌનો હોંસલો બઢાવી રહેલા જોઈ પૂરા તાનમાં પોતપોતાના વાદ્યને વગાડીને ખુશ છે. સૌના ચહેરા પર પ્રસન્નતા છે. પ્યારેલાલજી પણ આનંદમાં ઝૂમી રહ્યા છે અને ઑડિયન્સમાં મોકાની બેઠકો પર બેઠેલા અમે સૌ હિન્દી ફિલ્મસંગીતનો એ સુવર્ણયુગ આંખ સામે ફરી પાછો દેખાઈ રહ્યો હોય એવું અનુભવી રહ્યા છીએ. ઑરેન્જ ચુડીદારમાં મુમતાઝ અને લાઈટ બ્લ્યુ શર્ટ-પેન્ટમાં રાજેશ ખન્ના માટે લતા મંગેશકર અને મોહમ્મદ રફી આનંદ બક્ષીના આ શબ્દો ગાઈ રહ્યા છે:

મિલ ગયે નૈના સે નૈના ઓય ક્યા બાત હો ગઈ
દિલ ને દિલ કો પુકારા મુલાકાત હો ગઈ

કલ નહીં આના મુઝે ના બુલાના કિ મારેગા તાના ઝમાના
તેરે હોઠોં પે રાત યે બહાના થા
ગોરી તુઝ કો તો આજ નહીં આના થા
તુ ચલી આઈ દુહાઈ ઓય ક્યા બાત હો ગઈ
મૈંને છોડા ઝમાના તેરે સાથ હો ગઈ

આ ગીતમાં મુમતાઝ-રાજેશ ખન્નાનાં કપડાંનું જે કલર કૉમ્બિનેશન છે – ઑરેન્જ – બ્લ્યુ – એવું જ, ડિટ્ટો એવું જ, બીજા એક ફેમસ ગીતમાં છે. યાદ કરો, ક્યું ગીત. ક્લ્યુ આપું: સંગીતકાર આર. ડી. બર્મન છે.

‘દો રાસ્તે’ ૧૯૬૯માં આવી ત્યારે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલને સ્વતંત્ર સંગીતકાર તરીકે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ લીધે માત્ર છ જ વર્ષ થયાં હતાં. હાલાંકિ કલ્યાણજી-આણંદજીના આસિસ્ટન્ટ તરીકે તેમ જ બીજા અનેક મહાન સંગીતકારોના રેકૉર્ડિંગમાં વાદક/અરેન્જનર તરીકેનો બહોળો અનુભવ ઘણી નાની ઉંમરમાં જ મળી ચૂક્યો હતો. ૧૯૬૯ના છેલ્લા મહિને રિલીઝ થયેલી ‘દો રાસ્તે’માં ‘છુપ ગયે સારે નઝારે’ સહિત ૬ ગીતો હતાં: છમાંના ચાર સુપર હિટ! બિંદિયા ચમકેગી, યે રેશમી ઝુલ્ફે, મેરે નસીબ મેં ઐ દોસ્ત તેરા પ્યાર નહીં અને બીજાં બે પણ ખાસ્સા જાણીતાં તો થયેલાં જ એ વખતે: દો રંગ દુનિયા કે ઔર દો રાસ્તે અને અપની અપની બીવી પે સબ કો ગુ રુર હૈ. ૧૯૬૯ની બિનાકા ગીતમાલામાં વર્ષનું શ્રેષ્ઠગીત ‘બિન્દિયા ચમકેગી’ હતું અને એ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ માટે લક્ષ્મી-પ્યારેને એમની કરિયરનો ત્રીજો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. ફિલ્મ હતી – ‘જીને કી રાહ’. એક બન્જારા ગાયે, આને સે ઉસ કે આયે બહાર, આ મેરે હમજોલી આ, આપ મુઝે અચ્છે લગને લગે, ચંદા કો ઢુંઢને. બધાં જ ગીતો સુપરહિટ.

લક્ષ્મીકાન્ત પ્યારેલાલની આ ખાસિયત હતી. જે ફિલ્મોમાં એમનું સંગીત સુપરહિટ ગયું હોય એમાં બધાં જ ગીતો યાદગાર હોવાનાં. અગાઉની બે ફિલ્મફેર અવૉર્ડ વિજેતા ફિલ્મોમાં ‘દોસ્તી’ (૧૯૬૪)ને લો: ચાહૂંગા મૈં તુઝે સાંજસવેરે, મેરી દોસ્તી મેરા પ્યાર, રાહી મનવા, મેરા તો જો ભી કદમ હૈ, વો તેરી રાહ મેં હૈ, ગુડિયા હમસે રૂઠી રહોગી કબ તક, જાનેવાલોં ઝરા… અને એ પછી ૧૯૬૮માં ‘મિલન’ માટે બીજો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો ત્યારે એનાં પણ બધાં જ ગીતો: સાવન કા મહિના પવન કરે સોર (એ જમાનામાં પ્રૂફ રીડિંગની ભૂલો પરથી પણ ગીતો બની જતાં), હમતુમ યુગ યુગ સે યે ગીત મિલન કે, બોલ ગોરી બોલ તેરા કૌન પિયા, મૈં તો દીવાના દીવાના, રામ કરે ઐસા હો જાયે, વગેરે.

પ્યારેલાલજી સાક્ષાત જે કાર્યક્રમમાં સાડા ત્રણ કલાક સ્ટેજ પર ઊભા રહીને આઠ-આઠ કોરસગાયકો સહિતની ઑરકેસ્ટ્રાનું સંચાલન કરતા હોય તે કાર્યક્રમ હિન્દી ફિલ્મ સંગીતના ચાહકો માટે ન ભૂતો, ન ભવિષ્યતિ સમો બનવાનો જ હોય.

‘સત્યમ્ શિવમ્ સુન્દરમ્’ના ટાઈટલ સૉન્ગ સાથે કાર્યક્રમની શરૂઆત થતાં પહેલાં પ્યારેલાલજીએ મ્યુઝિક ક્ધડકટરને છાજે એવો બ્લેક સૂટ પહેરીને સ્ટેજ પર પ્રવેશ કર્યો કે તરત આખું ઑડિયન્સ એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા હરખભેર ક્યાંય સુધી તાળીઓનો વરસાદ વરસાવતું રહ્યું. વાદ્યકારોમાંથી ક્યારે કોણ શું વગાડશે એ એમને હજુ પણ યાદ છે કારણ કે એમની પાસે સ્ટેન્ડ પર નોટેશન્સનાં કોઈ કાગળિયાં નથી. બધું સ્મૃતિબદ્ધ. સ્પ્લિટ સેક્ધડનાય વિલંબ વિના પ્યારેલાલજીના બેઉ હાથ અને દસેય આંગળીઓ આટલી મોટી ઑરકેસ્ટ્રાને, ચાર પુરુષ તથા ચાર સ્ત્રી કોરસ ગાયકોને તથા લીડ સિંગરને દિશાસૂચન કરતા રહે છે. એમની સહાયમાં જિતુ ઠાકર નામના સિનિયર અરેન્જર પણ સ્ટેજ પર છે.

નેક્સ્ટ ગીત અનાઉન્સ થાય છે. ફિલ્મ ‘લોફર’ અને મનની વાત, ક્ધટ્રોલ કરવા છતાં, હોઠ પર મુકાઈ જાય છે. યસ, એ જ ગીત છે. સ્ટેજ પર સાત-સાત ગિટારિસ્ટને કારણે જાણે રેકૉર્ડિંગ રૂમમાં બેસીને સાંભળી રહ્યા હો એ રીતે ગીતની શરૂઆત થાય છે. ગિટારની સાથે ઢોલક પર લક્ષ્મી-પ્યારેનો ફેમસ ઠેકો તો ખરો જ:

આજ મૌસમ બડા બેઈમાન હૈ,
આનેવાલા કોઈ તૂફાન હૈ

કાલી કાલી ઘટા ધિર રહી હૈ
ઠંડી આહેં હવા ભર રહી હૈ

સબ કો કયા કયા ગુમાં હો રહે હૈ
હર કલી હમ પે શક કર રહી હૈ

ફૂલોં કા દિલ ભી કુછ બદગુમા હૈ
આજ મૌસમ, હો આજ મૌસમ

‘લોફર’ (૧૯૭૬)ના આ ઉપરાંત પણ બીજાં ગીતો તમને યાદ આવી જાય: મૈં તેરે ઈશ્ક મેં મર ના જાઉં કહીં તૂ મુઝે આઝમાને કી કોશિશ ન કર, કોઈ શહરી બાબુ દિલ લહરી બાબુ હાય રે પગ બાંધ ગયા ઘુંઘરુ મૈં છમ છમ નચ દી ફિરાં, મોતિયોં કી લડી હૂં મૈં ફૂલવા કી છડી હૂં મૈં. રે સુન્દર પરી હૂં મૈ દુનિયા ભુલાય અખિંયાં બિછાય કબ સે ખડી હૂં મૈં. આ ઉપરાંત એક કેબરે ગીત અને મહેન્દ્ર કપૂરના અવાજમાં ઓમ પ્રકાશ પર ફિલ્માવેલું આ પ્રાર્થના ગીત: દુનિયા મેં તેરા હૈ બડા નામ/ આજ મુઝે ભી તુઝસે પડ ગયા કામ/ મેરી બિનતી સૂને તો જાનુ/ માનુ તુઝે મૈં રામ/રામ, નહીં તો કર દુંગા સારે જગ મેં તુઝે બદનામ…

‘આયે દિન બહારકે’ના ‘સુનો સજના પપીહે ને’ પછી માહોલ બરાબર જામ્યો છે અને ચોથા ગીતની જાહેરાત થાય છે. ફિલ્મ છે ‘મિલન’. તમે ગેસ કરવાનું શરૂ કરો છો. ક્યું ગીત હશે. પછી મેલ સિન્ગરનું નામ અનાઉન્સ થાય છે. એટલે ડ્યુએટ્સ વગેરેને ડિસ્કાર્ડ કરો છો. આગળ કંઈ વિચારો તે પહેલાં જ કોઈ મ્યુઝિક વિના તરત જ ગીત શરૂ થઈ જાય છે:

મુબારક હો સબકો સમા યે સુહાના
મૈં ખુશ હૂં મેરે આંસુંઓ પે ન જાના
મૈં તો દીવાના, દીવાના, દીવાના…

હઝારોં તરહ કે યે હોતે હૈં આંસૂં
અગર દિલ મેં ગમ હો તો રોતે હૈં આંસૂં
ખુશી મેં ભી આંખેં ભિગોતે હૈં આંસૂં
ઈન્હેં જાન સકતા નહીં યે ઝમાના

યે શહનાઈયાં દે રહી હૈ દુહાઈ
કોઈ ચીઝ અપની હુઈ હૈ પરાઈ
કિસી સે મિલન હૈ, કિસી સે જુદાઈ
નયે રિશ્તોં ને તોડા નાતા પુરાના

આનંદ બક્ષીએ દિલ નીચોવીને લખ્યું છે: ન ફિર યાદ કરના, ન ફિર યાદ આના, મૈં ખુશ હૂં મેરે આંસૂઓં પે ન જાના. અને મૂકેશજીએ પણ એટલી જ પૅશનેટલી ગાયું છે. પડદા પર સુનીલ દત્તસા’બ છે. મુન્નાભાઈનો પણ બાપ. તમને ખરેખર લાગે કે સુનીલસા’બે શું ચોટ ખાધી હશે. કેમ ન ખાય? દેવેન વર્મા જેવો લલ્લુ દેખાતો દુલ્હે રાજા નૂતનજી જેવી બ્યુટિને પરણવાનો હોય ત્યારે આપણને પણ કંઈ લેવાદેવા વગર સાલું લાગી આવે.

સુનીલ દત્ત પર ફિલ્માવેલું આ જ મૂડનું એક બીજું ગીત યાદ આવે છે? (એક્ચ્યુઅલી તો એ ગઝલ છે). મદનમોહનના સંગીતમાં? રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું/ યે મુરાદોં કી હસીં રાત કિસે પેશ કરું…

એક વિચાર આવે છે. પૂરા ત્રણ કલાકનો એક કાર્યક્રમ એવા ફિલ્મીગીતોનો બનાવીએ જેમાં મુબારક હો, રંગ ઔર નૂર, મેરી ભીગી ભીગી સી, તેરી શાદી પે હૂં તુઝ કો તોહફા મૈં કયા પેશ કરતા હૂં દિલ એક ટૂટા હુઆ ખુશ રહે તૂ સદા યે દુઆ હૈ મેરી, બેવફા હી સહી દિલરૂબા હૈ મેરી, તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ આજ કે બાદ વગૈરહ… જેવાં ‘બેવફા ગીતો’ જ હોય અને એવી સિચ્યુએશનવાળાં જેમાં પેલીની જ નહીં બધાની હાજરીમાં (પેલાની પણ) પાર્ટીમાં ગવાયાં હોય. પિયાનોવાળાં તો ખાસ (પથ્થર કે સનમ તુઝે હમને મુહબ્બત કા ખુદા જાના, દિલ કે ઝરોખે મેં તુઝ કો બિઠાકર). બસ પૂરા ત્રણ કલાક સુધી આ જ ગીતો ગવાય અને ઑડિયન્સમાં માત્ર આપણી જૂની પ્રેમિકાઓ જ હોય! હૉલ ખીચોખીચ થઈ જાય!

*આજનો વિચાર*

હું જ્યારે પણ મિત્રોને ઑનલાઈન જોઉં છું ત્યારે દિલને બહુ સુકૂન મળે છે…

… હું એકલો જ નવરો નથી. આ લોકો પાસે પણ કંઈ કામધંધો નથી!

– વૉટ્સએપ પર વાંચેલું

*એક મિનિટ!*

જીવતો રહીશ ત્યાં સુધી

પોસ્ટ કરતો રહીશ,

વૉટ્સઍપ કરતો રહીશ,

જે દિવસે પોસ્ટ ના કરી

એ દિવસે સમજી જજો કે…

… ફરવા ગયો હશે,

તમારે તો બસ

મારી જ નાખવો છે મને.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 22 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *