ગૌરવવંતા પારસી અને શાનદાર ભારતીય

હરિદાસ મુંદડા (અંગ્રેજી સ્પેલિંગમાં મુંધ્રા લખે) કલકત્તાનો ઉદ્યોગપતિ અને શેરબજારનો સટોડિયો. લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનની રચના પછી મુંદડા કૌભાંડ બહાર આવ્યું. ૧૬ ડિસેમ્બર ૧૯૫૭ના રોજ ફિરોઝ ગાંધીએ લોકસભામાં કહ્યું: ‘મિસ્ટર સ્પીકર, આજે હાઉસમાં ગોળીબાર થવાના છે અને ખૂનામરકી થવાની છે!’ આટલું કહીને ફિરોઝ ગાંધીએ હરિદાસ મુંદડાની કુંડળી ખોલી. આઝાદી પછી આ માણસે અંગ્રેજોની માલિકીની અનેક કંપનીઓના શેર્સ ચાલાકીપૂર્વક પોતાને કબજે કર્યા હતા અને આવું કરવામાં ભયંકર આર્થિક લોચાલાપસી કરવા પડ્યા હતા. પણ હરિદાસ મુંદડાએ અંગે્રજોની કંપની પર પોતાની માલિકી સ્થાપીને પોતે કેટલા મોટા રાષ્ટ્રવાદી છે અને રાષ્ટ્રનું હિત જાળવવા પોતે કેવડો મોટો ત્યાગ કરે છે એવી આભા ઊભી કરી હતી. ભલભલા રાજકારણીઓ પણ એને રાષ્ટ્રવાદી માનતા થઈ ગયા હતા. લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને રૂપિયા ૧ કરોડ ૨૬ લાખ ૮૬ હજાર ને એકસો જેવી જંગી રકમ હરિદાસ મુંદડા જેની સાથે સંકળાયેલા એવી કંપનીઓમાં ઈન્વેસ્ટ કર્યા હતા. એલઆઈસીના સાડા પાંચ કરોડ પૉલિસીધારકોનાં પ્રીમિયમ મુંદડાની કંપનીઓના શેર્સને બજાર ભાવ કરતાં ઊંચા ભાવે ખરીદવામાં વપરાયા હતા.

ફિરોઝ ગાંધીએ સંસદમાં કહ્યું કે, ‘નાણામંત્રી ટી. ટી. કૃષ્ણમાચારી જુઠ્ઠું બોલે છે કે આ બધા શેર્સ ઓપન માર્કેટમાંથી ખરીદાયા છે. જે દિવસે આ શેર્સ ખરીદાયા તે દિવસે મુંબઈ તેમ જ કલકત્તા- બેઉ શેરબજારો બંધ હતાં. આવું કરવા પાછળનું એકમાત્ર કારણ એ હતું કે મુન્દ્રા, જે ભયંકર આર્થિક તકલીફમાં તે વખતે હતા તેને મદદ થાય.’

ફિરોઝ ગાંધી પોતાની આદત મુજબ પાકું હોમવર્ક કરીને લાવ્યા હતા. તેમણે સંસદને જાણકારી આપતાં કહ્યું: ‘એન્જલો બ્રધર્સ નામની કંપનીનો દાખલો લઈએ: ૧૭મી જૂને એના શેરનો ભાવ કલકત્તા શેરબજારમાં રૂ. ૧૬.૮૭ બોલતો હતો. ૧૮મી, ૧૯મી, ૨૦મી અને એકવીસમીએ પણ ૧૬ રૂપિયા ૮૭ પૈસાનો જ ભાવ હતો. ૨૨મી અને ૨૩મીએ શનિ-રવિ એટલે શેરબજાર બંધ. ૨૪મીએ શું થાય છે? ૨૪મીએ બજાર ખૂલતાં જ શેરનો ભાવ ૨૦ રૂપિયા થઈ જાય છે. શેરદીઠ ૩ રૂપિયા ૩૮ પૈસાનો રાતોરાત વધારો! આવું જ ઓસિયર લૅમ્પ મેન્યુફેક્ચરિંગ કંપનીની બાબતમાં થયું. દસમી જૂનથી ૨૧મી જૂન દરમ્યાન એનો શેર કલકત્તા શેરબજારમાં રૂ. ૨.૮૧, રૂ. ૨.૮૭, રૂ. ૨.૮૪ જેવો રહ્યા કર્યો. સોમવાર ૨૪મીએ એનો ખૂલતો ભાવ રૂ. ૪ હતો અને ૨૫મીએ પાછો એનો ભાવ ગગડીને રૂ. ૨.૮૭ થઈ ગયો. એલ.આઈ.સી.એ ચાર રૂપિયાના ભાવે લાખો રૂપિયાનું રોકાણ કર્યું અને તે પણ કેવી કંપનીમાં? ૧૯૪૭માં સ્થપાયેલી આ કંપનીએ ૧૯૪૯ પછી પ્રેફરન્સ શેર્સ પર એક પૈસાનું ડિવિડન્ડ આપ્યું નથી અને છેલ્લાં દસ વર્ષથી, એટલે કે કંપનીની સ્થાપના થઈ ત્યારથી, ઓર્ડિનરી શેર્સ પર કોઈ ડિવિડન્ડ અપાયું નથી. શું એલ.આઈ.સી. આને હેલ્ધી ઈન્વેસ્ટમેન્ટ કહે છે? આ જ રીતે બ્રિટિશ ઈન્ડિયા કોર્પોરેશન નામની કંપનીમાં એલઆઈસીએ એક જ દિવસમાં ૪૨ લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું. અને એ કંપનીની બૅલેન્સ શીટ શું કહે છે? ૧૯૫૪માં એણે ૫ા ટકો ડિવિડન્ડ આપ્યું હતું, ૧૯૫૫માં કોઈ ડિવિડન્ડ નહીં અને ૧૯૫૬માં બે ટકા ડિવિડન્ડ આપ્યું હતું. આ કંપની એક જમાનામાં કાનપુરનું નાક ગણાતી પણ આજે એની એક મિલ મરવા પડી છે અને કંપની આખી મરવાને વાંકે જીવે છે.’

ફિરોઝ ગાંધીની આ સ્પીચ આઝાદ ભારતમાં સંસદમાં અપાયેલી બેસ્ટ સ્પીચ તરીકે આજે પણ વખણાય છે. બર્ટિલ ફૉકે ‘ફિરોઝ: ફર્ગોટન ગાંધી’ પુસ્તકના પરિશિષ્ટમાં છ પાનાં ભરીને ઝીણા અક્ષરમાં આખી સ્પીચનું પુન:મુદ્રણ કર્યું છે. પુસ્તક ઑનલાઈન મળી જશે.

આ સ્પીચ પછી મુંબઈ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ એમ. સી. ચાગલાના ચેરમૅનપદે તપાસ સમિતિ રચાઈ. ફિરોઝ ગાંધીને સૌથી પહેલા સાક્ષી તરીકે તપાસવામાં આવ્યા. ફિરોઝે પુરાવા સાથે કહ્યું કે મુંદડાએ એલઆઈસીને કેટલાક બનાવટી શેર્સ ગળે પહેરાવ્યા છે. તપાસના અંતે ફિરોઝ ગાંધીએ રજૂ કરેલા તમામ આક્ષેપોમાં સો ટકા તથ્ય જણાયું. નહેરુના જમણા હાથ સમા નાણામંત્રી ટી. ટી. કૃષ્ણમાચારીએ રાજીનામું આપવું પડ્યું. હરિદાસ મુન્દ્રાને ૨૨ વર્ષની જેલ થઈ.

૧૯૬૦ની ૮મી સપ્ટેમ્બરે માત્ર ૪૮ વર્ષની ઉંમરે ફિરોઝ ગાંધીનું અવસાન થયું. પારસી હોવા છતાં અલાહાબાદના નિગમ બોધ ઘાટ પર એમને અગ્નિદાહ દેવાયો. એમનાં કેટલાંક અસ્થિ ત્રિવેણી સંગમમાં નહેરુની હાજરીમાં પધરાવાયાં અને બાકીના અસ્થિ અલાહાબાદના પારસી આરામગાહમાં દફનાવવામાં આવ્યાં. મારા પારસી મિત્રનું કહેવું છે કે જે શહેરોમાં પારસી પરંપરા મુજબ મૃતદેહની અંતિમક્રિયા કરવાની સુવિધા ન હોય ત્યાં પારસી આરામગાહ હોય છે. એટલે ફરી એક વાર ફિરોઝ ગાંધીને ‘દફનાવવામાં’ કેમ આવ્યા અને શા માટે અલાહાબાદમાં ફિરોઝ જહાંગીર ગાંધીના નામની ‘કબર’ આજે પણ મોજૂદ છે એવું કહીને તેઓ મુસ્લિમ હતા એવો વિવાદ કરવો નહીં. ફિરોઝ ગાંધી એક ગૌરવવંતા પારસી હતા જેમણે દેશની શાનમાં ઉમેરો કર્યો હતો. કમનસીબે કૉંગ્રેસી ચિરકુટોએ ફિરોઝ ગાંધીની મહાનતાનો ઇતિહાસ છુપાવી રાખ્યો જેથી એમનું પોતાનું વહેંતિયાપણું ખુલ્લું ન પડી જાય. એક સ્વિડિશ લેખક છેક ગયા વર્ષે ફિરોઝ ગાંધીની ભરપૂર રિસર્ચવાળી જીવનકથા લઈને નથી આવતા ત્યાં સુધી આપણા ભારતીયો માટે એ ઈન્દિરા ગાંધીના પતિ કરતાં વિશેષ નહોતા. ભારતનો સાચો ઈતિહાસ લખાવાની જરૂર છે. લાલ સલામવાળા સામ્યવાદી ઈતિહાસકારો અને સેક્યુલર ગલૂડિયાંઓ ભલે કકળાટ કરે કે મોદીના રાજમાં ભારતના ઇતિહાસને ભગવા રંગે રંગવામાં આવી રહ્યો છે. આ ભારતનો ઈતિહાસ છે, પાકિસ્તાનનો નહીં. એને ભગવા નહીં તો શું લીલા રંગે રંગીએ?

આજનો વિચાર

રવિવારની મૅચ ભારત સરકારના પૂર્વયોજિત પ્લાનિંગ મુજબની હતી. પાકિસ્તાન સામે હારી જવાનું જેથી કાશ્મીરમાં જેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તે બધા જ્યારે ફટાકડા ફોડવા બહાર નીકળે ત્યારે લશ્કરના જવાનો એમને ગોળીએ દે!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

રૂપિયો ગાદલું આપે છે, ઊંઘ નહીં.

રૂપિયો જમવાનું આપે છે, ભૂખ નહીં.

રૂપિયો કપડાં આપે છે, સુંદરતા નહીં.

રૂપિયો એશ ને આરામ આપે છે, શાંતિ નહીં.

… એટલે જ તમારા રૂપિયા

…. મારા અકાન્ટમાં નાખીને સંન્યાસ લઈ લો.

– લિ. તમારો એક હમદર્દ

( મુંબઇ સમાચાર : બુધવાર, 21 જૂન 2017)

1 comment for “ગૌરવવંતા પારસી અને શાનદાર ભારતીય

  1. Bina
    June 22, 2017 at 1:02 AM

    Superb good work.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *