ફિરોઝ ગાંધીએ સંસદમાં ફટાકડા ફોડયા ત્યારે

રામકૃષ્ણ દાલમિયાના પિતા એમને ૧૮ વર્ષના મૂકીને ગુજરી ગયા ત્યારે પિતાના નામે કાણી પાઈ નહોતી. કુટુંબનું ભરણપોષણ કરવાની જવાબદારી એમના પર આવી ગઈ જે એમણે નિભાવી. ખૂબ પૈસા કમાયા. ભારતના સ્વાતંત્ર્યની લડાઈ વખતે એમના ચિક્કાર પૈસાનો લાભ આ ચળવળ ચલાવનારાઓને ભરપૂર મળતો રહ્યો અને દાલમિયાની વગ વધતી ગઈ. તે વખતના તમામ મોટા રાજનેતાઓ સાથે દાલમિયાને ઘરોબો. એક જમાનામાં નેહરુ એમને ભારતના નાણામંત્રી બનાવશે એવું કહેવાતું. દાલમિયાનાં દીકરીને ભણાવવા આવનાર શિક્ષક શાન્તિ પ્રસાદ જૈન પણ વખત જતાં ખૂબ મોટા ઉદ્યોગપતિ બન્યા.

શ્યુગર અને સીમેન્ટ ઈન્ડસ્ટ્રીના કિંગ ગણાતા રામકૃષ્ણ દાલમિયાએ આઝાદી પછી અંગ્રેજો પાસેથી બેનેટ, કોલમૅન ઍન્ડ કંપની ખરીદી લીધી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સહિતનાં અનેક અગ્રણી છાપાં-મૅગેઝિનોની માલિક એવી આ બેનેટ, કોલમૅન ઍન્ડ કંપનીને દાલમિયાએ ૧૯૫૫ની સાલમાં જમાઈ શાન્તિ પ્રસાદ જૈન પાસે રૂપિયા અઢી કરોડમાં ગિરવે રાખવી પડી. અત્યારે આ કંપની શાંતિ પ્રસાદ જૈનના પૌત્રો સમીર જૈન તથા વિનીત જૈન ચલાવે છે.

આટલું બૅકગ્રાઉન્ડ બાંધીને આપણે ફિરોઝ ગાંધીની વાત સાંધી લઈએ. ભારતની સ્વતંત્રતા માટે ભણવાનું છોડી દઈને આઝાદીની ચળવળમાં જોડાવાનો નિર્ણય લીધાના ૨૫ વર્ષ અને ૯ મહિના બાદ, ૬ ડિસેમ્બર, ૧૯૫૫ના રોજ ફિરોઝ ગાંધીએ લોકસભામાં પહેલવહેલી વાર સ્પીચ આપી. એ પહેલાં તેઓ બૅકબેન્ચર સંસદસભ્ય ગણાતા અને ચૂપ રહેતા. યુપીના પ્રતાપગઢ ડિસ્ટ્રિક્ટની રાયબરેલીની બેઠક પરથી ૧૯૫૨ની ચૂંટણીમાં તેઓ જીત્યા હતા. એ પહેલાં, બે વર્ષ માટે પ્રાંતીયસભામાં પણ તેઓ સભ્ય હતા. ૧૯૩૨ અને ૧૯૩૩માં બે વાર જેલમાં જઈ આવ્યા હતા. નેહરુના ખાસ સાથીદારોમાંના એક ગણાતા. ૧૯૩૬માં કમલા નેહરુ સ્વર્ગવાસી થયાં. એ પછી ઈંગ્લૅન્ડવાસ દરમ્યાન ફિરોઝ અને ઈન્દિરા એકમેકની વધુ નિકટ આવ્યાં. ૧૯૪૨ના માર્ચમાં હિન્દુ વિધિ પ્રમાણે બેઉનાં લગ્ન થયાં. નેહરુ જોકે, આ લગ્નની વિરુદ્ધ હતા. એમણે આ લગ્ન રોકવા માટે ગાંધીજીને પણ વિનંતી કરી જોઈ હતી. લગ્નનાં છ જ મહિના પછી ક્વિટ ઈન્ડિયાની ચળવળમાં ભાગ લેવાના આરોપસર આ નવદંપતીની ધરપકડ થઈ હતી. ફિરોઝે અલાહાબાદ નજીક આવેલી નૈની સેન્ટ્રલ જેલમાં એક વર્ષ ગાળ્યું. પછીનાં પાંચ વર્ષના સુખી લગ્નજીવન દરમ્યાન બે સંતાનોને તેઓએ જન્મ આપ્યો. ૧૯૪૪માં રાજીવને, ૧૯૪૬માં સંજયને. આઝાદી પછી ફિરોઝે અલાહાબાદમાં સસરાએ જેની સ્થાપના કરેલી તે દૈનિક ‘નૅશનલ હેરલ્ડ’ના મૅનેજિંગ ડિરેક્ટરની જવાબદારી સંભાળી લીધી.

સંસદસભ્ય બન્યા પછી ફિરોઝ ગાંધીએ જોયું કે અનેક બિઝનેસમૅનો તેમ જ ઉદ્યોગપતિઓ રાજનેતાઓની નિકટ આવીને આર્થિક ગેરરીતિઓ આચરી રહ્યા છે. ફિરોઝ ગાંધીએ એમને ખુલ્લા પાડવાનું નક્કી કર્યું.

૬ઠ્ઠી ડિસેમ્બર, ૧૯૫૫વાળી સંસદની એમની મેઈડન સ્પીચમાં ફિરોઝ ગાંધીએ રામકૃષ્ણ દાલમિયાના આર્થિક કૌભાંડો ખુલ્લાં પાડયાં. સંસદમાં લાઈફ ઈન્શ્યોરન્સને લગતા ખરડા પર ચર્ચા કરવા માટે પાંચ કલાક ફાળવવામાં આવ્યા હતા. ફિરોઝ ગાંધીએ આ ચર્ચામાં ભાગ લઈને જ દાલમિયાને ખુલ્લા પાડયા. એમની સ્પીચ એવી પાવરફુલ હતી કે અને બીજા સંસદસભ્યો પર એ સ્પીચની એવી જોરદાર અસર થઈ કે એમને એક કલાક ને પચીસ મિનિટ સુધી નૉન-સ્ટૉપ બોલવા દેવામાં આવ્યા.

સ્પીચના કેન્દ્રમાં ભારત ઈન્શ્યોરન્સ કંપની હતી જેની માલિકી દાલમિયા-જૈન ગ્રુપની હતી અને એમના પર આક્ષેપ હતો કે તેઓએ રૂ. ૨૨ લાખની ગોબાચારી કરી છે. એ વર્ષે સોનાનો તોલાનો ભાવ (તોલાનો, દસ ગ્રામનો નહીં) એંશીથી નેવું રૂપિયાની વચ્ચે હતો. ગણી કાઢો આજના કેટલા રૂપિયા થયા. પછી આ કૌભાંડ ‘માત્ર બાવીસ લાખ રૂપિયાનું’ હતું એવું નહીં લાગે. ફિરોઝ ગાંધીની વિગતપ્રચુર સ્પીચમાં કેવી રીતે કંપનીના પૈસાને અર્થાત્ જાહેર જનતાના પૈસાને કંપનીના સંચાલકો પોતાના આર્થિક હિતોને આગળ વધારવા માટે વાપરે છે અને કંપનીનું શોષણ કરે છે એ સમજાવ્યું. ફિરોઝ ગાંધીની સ્પીચ એક ડિટેક્ટિવ નોવેલ સાંભળતા હોઈએ એવી ઈન્ટરેસ્ટિંગ હતી એવું તે વખતના બીજા એક સંસદસભ્ય ડી. સી. શર્માએ કહ્યું છે. વિવિધ સ્રોતમાંથી એક ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટની અદાથી નક્કર હકીકતો શોધી લાવીને એની જિગ્ઝો પઝલ જોડીને ફિરોઝ ગાંધીએ આ સ્પીચ તૈયાર કરેલી. ફિરોઝ ગાંધીની આ ‘ડિટેક્ટિવ સ્ટોરી જેવી સ્પીચે’ રામકૃષ્ણ દાલમિયાની ખટિયા ખડી કરી દીધી. પોલીસ ફરિયાદ નોંધાઈ. કોર્ટ કેસ થયો. બે વર્ષની જેલની સજા થઈ. દાલમિયાએ બેનેટ, કોલમૅન ઍન્ડ કંપની જમાઈ પાસે અઢી કરોડ રૂપિયામાં ગિરવે રાખીને કોર્ટમાં દંડ વગેરેના અને બીજા ખર્ચાઓ કાઢવા પડયા. વખત જતાં આ ગિરવે રાખેલી મિલકતની માલિકી અંગે બેઉ પક્ષે કડવો વિવાદ પણ થયો અને છેવટે સમાધાન થતાં કંપનીની સંપૂર્ણ માલિકી જૈન કુટુંબના હાથમાં આવી.

આ બાજુ પ્રાઈવેટ ઈન્શ્યોરન્સ કંપનીઓને બદલે સરકારી વીમા કંપની ઊભી કરવાની જરૂરિયાત અંગે સૌ કોઈ સહમત થયું. ૧૯૫૬ના જુલાઈમાં લાઈફ ઈન્શ્યોરન્સ ઑફ ઈન્ડિયા ઍક્ટ પસાર થયો. પ્રાઈવેટ જીવન વીમા કંપનીઓ પર પ્રતિબંધ આવ્યો. આ ઍક્ટ આવ્યા પછી ૨૫૦ જેટલી ઈન્શ્યોરન્સ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ થયું અને સરકારી માલિકીની લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા નામની એક જાયન્ટ કંપનીની રચના થઈ.

ફિરોઝ ગાંધી આ ઉપરાંત બીજા ઘણા મુદ્દા સંસદમાં ઉઠાવતા રહ્યા. એમણે રેલવેમાં ચાલતી આર્થિક ગેરરીતિઓને ઉઘાડી પાડી ત્યારે ૨૬ ઑગસ્ટ, ૧૯૫૭ના રોજ તે વખતના રેલવે મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર શાહનવાઝ ખાને સંસદમાં કબૂલ કરવું પડયું કે ભારતમાં અને ભારત બહાર જે ભાવે બોઈલર્સ તથા લોકોમોટિવ્સ મળે છે તેના કરતાં તાતા એન્જિનિયરિંગ ઍન્ડ લોકોમોટિવ કંપની (ટેલ્કો)માંથી એ ચીજો ખરીદવાની મોંઘી પડે છે.

૧૯૫૭ની ૧૬મી ડિસેમ્બરે ફિરોઝ ગાંધીએ સંસદમાં જે સ્પીચ આપી તેને લીધે તેઓ ‘જાયન્ટ કિલર’ તરીકે ઓળખાયા. આ સ્પીચમાં એમણે જે કૌભાંડ બહાર પાડયું તેના છેડા તે વખતના નેહરુની કેબિનેટના સભ્ય નાણામંત્રી ટી. ટી. કૃષ્ણમાચારી (ટીટીકે)ને અડકતા હતા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અને નેહરુના જીવનકાળમાં માત્ર કાળી ટીલી નહીં પણ મસમોટો કાળો ધબ્બો પુરવાર થયેલા આખા દેશમાં ચકચાર જગાવનાર આ કુખ્યાત મુન્ધ્રા કૌભાંડ વિષે આગલી પેઢીના લોકોને બધી જ જાણકારી હશે. આપણને નથી. હોવી જોઈએ.

કાલે.

આજનો વિચાર

કપ નો લાવો તો કાંઈ નય, ઓલો વિજય માલ્યો બેઠો છે ઈને લેતા આવજો.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

સીધું ગણિત હતું.

રન તો ૧૫૪ જ કરવાના હતા. કારણ કે…

૩૩૯માં ૧૮% જી.એસ.ટી. કાપતાં ૨૭૮ વધે અને આગળની મૅચના ૧૨૪ રન બાદ કરતાં ૧૫૪ રન કરવાના હતા.

ભારતે ૧૫૮ રન કર્યા. ભારત ૪ રને ફાઈનલ જીતી ગયું. હવે છોને, પાકિસ્તાન ફટાકડા ફોડે!

( મુંબઇ સમાચાર : મંગળવાર, 20 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *