ટીન એજ ક્રશ, કાફ-લવ અને એવું બધું

મીઠાના સત્યાગ્રહ વખતે નહેરુની ધરપકડ થઈ. જેલમાં ગયા, કમલા નહેરુએ અલાહાબાદ શહેર કૉંગ્રેસ સત્યાગ્રહ સમિતિનું નેતૃત્વ સંભાળી લીધું. કમલા નહેરુ નિયમિતતા અને સમયપાલનના ચુસ્ત આગ્રહી. કાર્યકર્તાઓમાં કોને કઈ જવાબદારી સોંપવી એની ઝીણવટભરી સૂઝ. ખુદ લાલ બહાદુર શાસ્ત્રીએ કમલા નહેરુનાં આ ગુણોની પ્રશંસા કરતાં કહ્યું હતું. નેતૃત્વ સંભાળ્યું એના પહેલા જ દિવસે કમલા નહેરુએ (લાલ બહાદુર શાસ્ત્રીનાં પત્ની) લલિતા શાસ્ત્રીને એક સીધી સાદી ગૃહિણીમાંથી નક્કર કાર્યકર્તા બનાવી દીધાં.

આવું આકલન લાલ બહાદુર શાસ્ત્રીએ શેના પરથી કર્યું હશે? લલિતા શાસ્ત્રીની જવાબદારી વિદેશી માલની દુકાનો આગળ પિકેટિંગ કરવાની. લલિતાજીએ આવી એક વિદેશી કાપડની દુકાન પાસે જઈને એક ગ્રાહકને બે હાથ જોડીને વિનંતી કરી કે વિદેશનું કાપડ નહીં ખરીદતા. આ જોઈને દુકાનદાર બોલ્યો, ‘બહેનજી, તમે મારા ઘરાકને વારો છો પણ તમે જે બંગડીઓ પહેરી છે તે પણ વિદેશની જ છે.’ લલિતાજીએ પૂછયું, ‘ખરેખર?’ દુકાનદારે કહ્યું, ‘બિલકુલ.’ લલિતા શાસ્ત્રીએ ઘડીભર વિચાર કરીને દુકાનમાં પડેલો વાર માપવાનો લોખંડનો ગજ લીધો અને બધી બંગડીઓ તોડી નાખી. પછી ફરી એમણે બે હાથ જોડીને ગ્રાહકને વિદેશી કપડું નહીં ખરીદવાની વિનંતી કરી. ઘરાક અને દુકાનદાર બેઉ આભા જ બની ગયા. આજુબાજુના દુકાનદારો પણ લજવાયા. સૌ કોઈએ શટર પાડીને લલિતા શાસ્ત્રીને વધાવી લીધાં.

કૉંગ્રેસના સ્વયંસેવક તરીકે કમલા નહેરુએ લલિતા શાસ્ત્રી જેવાં કંઈ કેટલાય કાર્યકર્તાઓ તૈયાર કર્યા. સરઘસમાં કમલા નહેરુ મોખરે રહેતાં. પોલીસની લાઠીઓ કે ગોળીઓ આવવાની હોય તો ભલે આવતી. પુરુષ કાર્યકર્તાઓ જેવો જ પહેરવેશ પહેરતાં. ખાદીનો પાયજામો-કૂર્તા અને માથે ટોપી પહેરીને વહેલી સવારની કવાયત કરવા જતાં.

પ્રોમિલા કલ્હનને ક્વોટ કરતાં બર્ટિલ ફૉકે ‘ફિરોઝ: ધ ફર્ગોટન ગાંધી’માં લખ્યું છે: ‘અલાહાબાદની સરકારી કૉલેજ પાસેના આવા જ કોઈ એક સરઘસ દરમ્યાન વિદ્યાર્થી અવસ્થાના ફિરોઝ ગાંધીને પહેલવહેલીવાર જોયા. આ કિસ્સાનાં એક સાક્ષી પણ છે. જવાહરલાલનાં બહેન કૃષ્ણા નહેરુ જે પાછળથી કૃષ્ણા હઠીસિંહ બન્યાં. કૃષ્ણા હઠીસિંહ લખે છે: ‘અમે કેટલીક મહિલાઓ કૉલેજ પાસે પિકેટિંગ કરતી હતી ત્યારે કૉલેજની દીવાલ પર બેઠેલા છોકરાઓ અમને જોઈ રહ્યા હતા. અમે સૂત્રોચ્ચાર કરતાં હતાં અને અમે એ છોકરાઓને પણ અમારી સાથે રાષ્ટ્રીય ચળવળમાં જોડાઈ જવાનું આહ્વાન કર્યું. ફિરોઝ એમાંના એક હતા. એ દિવસે ઘણી ગરમી હતી. ધોમધખતા તડકામાં કલાકો સુધી અમે દેખાવો કર્યા પછી સૌનું ગળું શોષાતું હતું. નૉર્મલી અમારું સરઘસ દૂરથી જોનારાઓ અમને પાણી પીવડાવે પણ આ છોકરાઓમાંથી કોઈએ એવી તસદી લીધી નહીં. છોકરાઓને જાણે ગમ્મત પડી રહી હોય તે રીતે બધા અમારી તરફ જોતા રહ્યા. અચાનક કમલાને ચક્કર આવ્યાં. એ જોતાં જ છોકરાઓ દોડીને અમારા તરફ આવ્યા. કમલાને ઊંચકીને ઝાડના છાંયા નીચે લઈ ગયા. પાણી માટે દોડ્યા, ભીનું કપડું કમલાની આંખો પર મૂકયું. કોઈ હાથપંખો લઈ આવ્યું. કમલાને સહેજ સારું લાગ્યું એટલે અમે એને ઘરે લઈ ગયાં.’

ગાંધીજીના સત્યાગ્રહમાં અંગ્રેજી ભણતરનો બહિષ્કાર પણ આવી જતો. તે દિવસે બપોરે યુઇંગ ક્રિશ્ર્ચિન કૉલેજની સામેના દેખાવોમાં કમલા નહેરુના નેતૃત્વમાં માત્ર ‘ભારત માતા ઝિંદાબાદ’ અને ‘મહાત્મા ગાંધી ઝિંદાબાદ’ જેવા રેગ્યુલર નારાઓ જ નહોતા લગાવાયા પણ બ્રિટિશ શિક્ષણનો બૉયકૉટ કરવાનું કહેતાં સૂત્રો પણ ઉચ્ચારાતા હતા.

તે દિવસે કમલા નહેરુને ચક્કર આવ્યાં ત્યારે સૌથી પહેલો જે છોકરો દોડતો આવ્યો તે ફિરોઝ ગાંધી. બીજે દિવસે એ પોતાના મિત્રો સાથે ‘આનંદ ભવન’ આવ્યો હતો અને એ સૌએ જે ગેરવર્તન કર્યું તે બદલ માફી માગીને ફિરોઝે કહ્યું હતું, ‘તમે જે કહેશો તે કરવા અમે તૈયાર છીએ.’ આ માહિતી પુષ્પા ભારતીએ ધર્મવીર ભારતીના સંપાદન હેઠળ પ્રગટ થતા હિંદી સાપ્તાહિક ‘ધર્મયુગ’માં ‘એક કહાની ભૂલી સી’ શીર્ષક હેઠળના લેખમાં લખી હતી.

૧૯૩૦ના એપ્રિલનો પહેલો દિવસ. સત્તર-અઢાર વર્ષના ફિરોઝ ગાંધીએ ભણવાનું છોડીને સ્વતંત્રતાની ચળવળમાં ઝંપલાવ્યું. કમલા નહેરુને કારણે ફિરોઝ ગાંધી એક નવી જ દુનિયામાં પ્રવેશ્યા.

૧૯૩૦ની સાલની જ વાત. ફિરોઝ ગાંધીના નિકટના મિત્ર સીતારામ તે વખતે ૧૭ વર્ષના અને ઈન્દિરા નહેરુ ૧૪ વર્ષનાં. સીતારામ તે વખતે ઈન્દિરાના બૉયફ્રેન્ડ હતા. ઈન્દિરા તે વખતે ખૂબ જ સ્વતંત્ર મિજાજનાં ટીનેજર. પિતા જેલમાં. માતા શહેરની સડકો પર દેખાવો, સરઘસો અને પિકેટિંગ કરવામાં વ્યસ્ત. કૃષ્ણા હઠીસિંહ લખે છે: ‘તે વખતે અમારું ઘર દસથી પંદર વર્ષનાં બાળકો-ટીનેજરોથી ભર્યુંભર્યું રહેતું. છોકરીઓ પણ છોકરાઓ જેવાં ખાદીનાં કૂર્તા-પાયજામા પહેરીને આવે.’

કૃષ્ણા હઠીસિંહ આગળ ખુદ ૧૪ વર્ષનાં ઈન્દિરાને ટાંકે છે. ઈન્દિરાના શબ્દોમાં: ‘મારે કૉંગ્રેસમાં જોડાવું હતું પણ મને કહેવામાં આવ્યું કે ૧૮ વર્ષની થાઉં પછી જ જોડાઈ શકીશ. એટલે મેં ખીજાઈને કહી દીધું કે તો પછી હું મારું પોતાનું સંગઠન શરૂ કરું છું.’

કૃષ્ણા હઠીસિંહે ઈન્દિરા નહેરુને ટાંકીને ‘વાનરસેના’ની સ્થાપના પાછળ ઈન્દિરાનો પોતાનો વિચાર હતો એવું પ્રતિપાદિત કર્યું છે. પણ બી.એન. પાન્ડેનું વર્ઝન જુદું જ છે. પાન્ડેજી તે વખતે શહેર કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી અને દેખાવો, સભાઓ, પ્રચાર વગેરેના આયોજન માટે જવાબદાર. પાન્ડેજીના કહેવા મુજબ એક દિવસ કોઈ એક ઉંમરલાયક સ્ત્રીએ કમલા નહેરુને ચિક્કાર બચ્ચાંકચ્ચાંઓથી ઘેરાયેલાં જોઈને કહ્યું કે રામની વાનરસેનાની જેમ તમારી વાનરસેના પણ એકદમ ચંચળ છે અને ઉત્સાહથી સતત થનગનાટ કરતી હોય છે. કમલા નહેરુએ પાન્ડેજી સામે જોઈને કહ્યું: ‘આ બહેને કિંમતી સૂચન કર્યું છે. આપણે આપણી ચળવળને સહાય કરી શકે એવી વાનરસેના રચવી જોઈએ.’

પાન્ડેજીએ છોકરાંઓને પૂછી જોયું. સેંકડો છોકરાંઓ તૈયાર થઈ ગયાં અને એનું નેતૃત્વ ઈન્દિરાને સોંપાયું.

આ ગાળામાં ફિરોઝ ગાંધી કમલા નહેરુને દેખાવો વગેરેમાં મદદ કરવા સતત ખડે પગે તૈયાર રહેતા. કૃષ્ણા હઠીસિંહ લખે છે કે નજીકનાં ગામડાઓ વગેરેના પ્રવાસ વખતે ફિરોઝ કમલાના ચા-નાસ્તાની બાસ્કેટ ઊંચકીને કમલાની સાથે ને સાથે જ જતા.’

વખત જતાં આને કારણે અફવાઓ ફેલાવા લાગી અને પોસ્ટરો લાગ્યાં. જેલમાં કોઈ દોઢડાહ્યાએ જવાહરલાલને આ પોસ્ટરો મોકલ્યાં. નહેરુ ગુસ્સે થયા. પણ ન તો એમણે કમલાને આ વિશે કંઈ પૂછ્યું, ન ફિરોઝને. એટલી તો સમજણ હતી એમનામાં પણ રફી અહમદ કિડવાઈને કામ સોંપ્યું કે આ પોસ્ટરો છપાવવા પાછળ કોનો હાથ છે તેની તપાસ કરો.

કિડવાઈએ આ પોસ્ટરો કયા છાપખાનામાં છપાયાં હતાં તે શોધી કાઢ્યું. મંગલા પ્રસાદ, બિશંભરનાથ પાન્ડે અને ઉમા નહેરુએ આ કૃત્ય કર્યું. ઉમા નહેરુ જવાહરલાલના કઝિનને પરણેલાં અને ફિરોઝનાં શિરિનમાસીની બાજુમાં જ ઉમાજીનું ઘર જ્યાં ફિરોઝ ઘણી વખત, પોતાને પોલીસે માર માર્યો હોય ત્યારે પાટાપીંડી કરાવવા જતા.

મીનુ મસાણીએ ૧૯૯૩માં બર્ટિલ ફૉકને રૂબરૂ મુલાકાત વખતે મુંબઈમાં આ વાત કહી હતી. મીનુજી કહે: ‘૧૯૩૦ના દાયકાની વાત છે. એક દિવસ અલાહાબાદની મુલાકાત દરમ્યાન ‘આનંદ ભવન’માં મારો ઉતારો હતો. સવારે અમે નાસ્તો કરતા હતા ત્યારે ફિરોઝ ગાંધીનો નામોલ્લેખ થયો ને તરત જ જવાહરલાલે મારી તરફ જોઈને કહ્યું: ‘મીનુ, તું કલ્પના કરી શકે છે કે કોઈ મારી આ વાઈફના પ્રેમમાં પડી શકે?’ જવાબમાં મેં સહજ નમ્રતા સાથે અને સ્ત્રીદાક્ષિણ્ય દેખાડવા કહ્યું: યસ, હું પોતે પડી શકું છું! આ સાંભળીને કમલાએ મારા તરફ પ્રેમથી સ્માઈલ કર્યું પણ જવાહરલાલમાં કોઈ સેન્સ ઓફ હ્યુમર હતી જ નહીં. એ મને કહે: ‘ગુડ ફૉર યુ.’ આ કિસ્સો કહીને મીનુ મસાણીએ બર્ટિલ ફૉકને કહ્યું: ‘ફિરોઝ હૅડ કાફ-લવ ફૉર કમલા નહેરુ.’

મુગ્ધાવસ્થામાં છોકરો કે (છોકરી) કોઈના પર ક્રશ ધરાવે તેને કાફ-લવ કહીએ. બર્ટિલ ફૉકનું આકલન એવું છે કે ફિરોઝ ગાંધીને કમલા નહેરુ માટે કાફ-લવ હશે પણ બંને વચ્ચે એવી કોઈ ‘ઈમ્પ્રોપર રિલેશનશિપ’ તો નહોતી જ નહોતી.

ઉમા નહેરુ અને બિશંભરનાથ પાન્ડેએ શું કામ આવાં પોસ્ટરો છપાવ્યાં હશે તે તો ભગવાન જાણે. ઈન્દિરા ગાંધીને પણ વર્ષો પછી આ પોસ્ટર યુદ્ધ પાછળ કોનો હાથ હતો એની ખબર પડી હતી. છતાં એમણે બિશંભરનાથ પાન્ડેની રાજકીય કારકિર્દીને ધક્કો પહોંચાડવાની કોશિશ કરી નહીં. બિશંભરનાથ પાંડે ઓરિસામાં ગવર્નર હતા ત્યારે ઈન્દિરાજીએ ઓરિસાની મુલાકાત વખતે એમની સાથે ડિનર પણ લીધું હતું. ડિનર લીધું એ દિવસે સવારે જાહેર પ્રવચનમાં ઈન્દિરાજીના આ અમર શબ્દો બોલાયા: ‘હું જ્યારે મરીશ ત્યારે મારા લોહીનું એક એક ટીપું ભારતમાં નવા પ્રાણનું સિંચન કરશે અને દેશને વધુ શક્તિશાળી બનાવશે.’

આ શબ્દો બોલાયાના થોડાક જ દિવસમાં ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪નો એ કાળો દિવસ હતો.

ઈન્દિરાજીએ પ્રોમિલા કલ્હનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું: ‘હું ૧૬ વર્ષની હતી ત્યારે ફિરોઝે મને પ્રપોઝ કર્યું હતું. તે વખતે મારી મા જીવતી હતી. અમને બંનેને લાગ્યું હતું કે આ ઉંમરે લગ્ન કરવા બહુ વહેલું કહેવાય.’

કમલાએ ૧૭ વર્ષની ઉંમરે જવાહરલાલ સાથે લગ્ન કરી નાખ્યાં હતાં એટલે સ્વાભાવિક રીતે જ તેઓ પોતાની દીકરીને આટલી વહેલી લગ્નના બંધનમાં બંધાવા દેવા માગતાં નહોતાં.

બર્ટિલ ફૉક ઉમેરે છે: ૧૯૩૩માં જવાહરલાલ ૪૪ વર્ષના હતા, કમલા ૩૪ વર્ષના હતાં, ફિરોઝ ગાંધી ૨૧ના અને ઈન્દિરા ૧૬નાં હતાં. કમલા જવાહરલાલ કરતાં પોતાની જાતને ફિરોઝ તેમ જ પોતાની દીકરીની જનરેશન સાથે વધુ રિલેટ કરતાં હોઈ શકે. જોકે, ફિરોઝ એમને કમલા આન્ટી કહેતા. ૨૧ વર્ષની ઉંમરે ફિરોઝ ગાંધી સ્વતંત્રપણે રાજકારણમાં કાઠું કાઢી ચૂક્યા હતા અને ઈન્દિરા નહેરુને પરણવા પણ આતુર હતાં. વધુ કાલે.

આજનો વિચાર

કામ એવા કરો દોસ્તો, કે ટીવીમાં આવો, સીસીટીવીમાં નહીં!

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

પતિ! આજે રવિવાર. રજાનો દિવસ. આજનો આખો દિવસ જલસા કરવાનો વિચાર છે. આ લે ફિલ્મની ૩ ટિકિટ.

પત્ની: ત્રણ કેમ?

પતિ: એક તારી અને બે તારા મમ્મીપપ્પાની!

( મુંબઇ સમાચાર : સોમવાર, 19 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *