અરુણ શૌરીએ આવું કેમ કર્યું

કેટલાક માણસો પોતાના ટૂંકા સ્વાર્થ માટે વૈચારિક પલટી મારતા હોય છે તો કેટલાક વખાના માર્યા, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંજોગવશાત્ પલટી મારતા હોય છે. અને કેટલાક અરુણ શૌરી જેવા હોય છે જેઓ હન્ડ્રેડ પર્સેન્ટ જેન્યુઈન માણસો હોવા છતાં પલટી મારતા હોય છે. આપણને રસ આ ત્રીજા પ્રકારના માણસની બીહેવિયરના એનેલિસિસમાં છે જેમનું આવું વર્તન તમને અકળાવે છે. તમે આવા વર્તન પાછળનાં ખરાં કારણો શોધી શકતા નથી અને તમને એય ખબર છે શૌરી જેવી વ્યક્તિઓ પહેલા બે પ્રકારમાં બંધબેસે એવી નથી હોતી – ન તો એમાં એમનો કોઈ લાંબો-ટૂંકો સ્વાર્થ હોય છે, ન એમણે પોતાના સર્વાઈવલ માટે સંજોગો આગળ ઝૂકી જવું પડ્યું હોય છે. કારણ કે શૌરીની કે એમના જેવા બીજા લોકોની જિંદગીમાં ભૂતકાળમાં એકાધિક એવા પ્રસંગો બની ગયા જ્યારે તેઓ સંજોગો સામે ઝૂકી ગયા નહોતા કે પોતાનો સ્વાર્થ સાધવા બેસી ગયા નહોતા.

શૌરીનું નામ એટલા માટે વારંવાર આવી રહ્યું છે કે વીતેલા પખવાડિયા દરમ્યાન એમણે એવું કંઈક કર્યું છે જે તમે કલ્પનામાં પણ ન વિચાર્યું હોય. એનડીટીવીના પ્રણય રૉય પરની સીબીઆઈની રેડના સંદર્ભમાં પ્રણય રૉયે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પત્રકારોના/મીડિયાના પ્રશ્ર્નોનો સંતોષકારક જવાબ આપવાને બદલે પ્રણય રૉય કેટલાક છાપેલાં કાટલાં જેવા જાણીતા સેક્યુલરોની એક સભા ભરીને એમાં એ સૌની આગળ પ્રવચનો કરાવ્યાં જેમાં અરુણ શૌરી જેવા રાષ્ટ્રવાદી પણ સામેલ થઈ ગયા. આ સૌએ પોતપોતાની રીતે મોદી સરકારની મારઝૂડ કરી અને ફ્રીડમ ઑફ પ્રેસ ખતરામાં છે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી. આતંકવાદીઓ જેમ ‘ઈસ્લામ ખતરે મેં હૈ’ના નારા સાથે મુસ્લિમોને ઉશ્કેરતા હોય છે, બરાબર એ જ રીતે આ સભામાં ભેગા થયેલા ઉચ્ચ કક્ષાના વિદ્વાનોએ પોતાની સેક્યુલરગીરી દાખવવા અખબારી સ્વાતંત્ર્ય ખતરામાં છે અને જો તમે મોદી વિરુદ્ધ બોલશો, લખશો કે કરશો તો તમારા પર સી.બી.આઈ.ની રેડ પાડવામાં આવશે એવું કહીને પોતપોતાની છાતીઓ કૂટી. કોઈ માઈનો લાલ એવું ન બોલ્યો કે ભારતમાં અખબારી સ્વાતંત્ર્ય આજે જેટલું છે એટલું પાછલાં ૭૦ વર્ષમાં ક્યારેય નહોતું અને આવી ફરિયાદ માત્ર એ જ લોકો કરે છે જેઓ તિસ્તા સેતલવાડ અને પ્રણય રૉયનાં કુકર્મોના સાથી હોય અથવા એમના સમર્થક હોય. કેટલાક લલ્લુઓ તો ઉત્સાહમાં પ્રણય રૉયને રામનાથ ગોએન્કાની સમકક્ષ મૂકવાની ધૃષ્ટતા કરીને પસ્તાતા હોય છે. મોદી ભક્તોની સામે પ્રણયપિમ્પ્સની એક આખી જમાત રાતોરાત ઊભી થઈ ગઈ છે.

અરુણ શૌરી તો ‘સેક્યુલર એજન્ડા’ નામનું એક આખું પુસ્તક લખી ચૂક્યા છે. સામ્યવાદીઓને ઉઘાડા પાડતાં અને મુસ્લિમોને લાડ લડાવતા નેતાઓને ઉઘાડા પાડતાં પુસ્તકો પણ શૌરીએ લખ્યાં છે. શૌરી જેવા રાષ્ટ્રવાદી લેખક તો અમારા જેવા ટમટમિયા કોડિયાની સરખામણીએ પ્રખર સૂરજ સમાન ગણાય.

મારી પાસે શૌરીએ પ્રણય રૉયને આપેલા સમર્થનના પગલાંની ટીકા કરવા માટે યોગ્ય અભિવ્યક્તિ નથી પણ અમૃત હલાન નામના એક જાગ્રત લેખકે મિડિયમ ડૉટ કૉમ પર ૧૧મી જૂને લખેલા લેખ ‘વૉટ અરુણ શૌરી કુડ હેવ લર્ન્ટ ફ્રોમ માલિની પાર્થસારથિ’માંથી ક્વૉટ કરીને હું એમના શબ્દો દ્વારા મારે જે કહેવું છે તે કહી શકીશ એવું લાગે છે.

પણ એ પહેલાં એક ખાસ વાત. અરુણ શૌરીના પ્રણય રૉયને સમર્થન આપવાની વાત સાથે તમે સહમત છો એવું કેટલાક સેક્યુલરિયાઓ મને પૂછી બેસે છે ત્યારે હું એમને એટલું જ કહું છું કે હું તો શૌરીની આ એક જ વાત સાથે સહમત નથી, તમે લોકો તો શૌરીની બાકીની ૯૯ વાતો સાથે સહમત નથી એનું શું?

અમૃતભાઈ જે માલિની પાર્થસારથિનો ઉલ્લેખ કરે છે તે બહેન ‘હિન્દુ’ નામના સાઉથના ભયંકર હિન્દુદ્વેષી અખબારનાં ભૂતપૂર્વ તંત્રી છે. સેક્યુલર માલિનીબહેનને પ્રણય રૉયે ટ્વિટર પર બ્લૉક કર્યા. શું કામ? આ બે ટ્વીટને કારણે: ૧. મીડિયા હાઉસીસે પોતાની વિશ્ર્વસનીયતા જાળવવા અને પબ્લિકનો એમના પરનો વિશ્ર્વાસ અકબંધ રાખવા બીજા કોઈ પણ બિઝનેસની જેમ પોતાની જાહેર તપાસ થતી હોય ત્યારે એને આવકારવી જોઈએ. બીજું ટ્વીટ: એનડીટીવીએ પોતાની તપાસ થવા દેવી જોઈએ અને ફ્રીડમ ઑફ પ્રેસના અંચળા હેઠળ છુપાઈ ન જોવું જોઈએ, કારણ કે પર્સનલ ઈશ્યુઝ માટે ફ્રીડમ ઑફ પ્રેસ જેવી મૂલ્યવાન ક્ધસેપ્ટનો આશરો ન લેવાય.

બ્લૉક્ડ.

પછી માલિનીબહેને લખ્યું: પ્રણય રૉય એનડીટીવીએ મને બ્લોક કરી દીધી છે. એક બાજુ ફ્રીડમ ઑફ પ્રેસની વાત કરવી અને બીજુ બાજુ (અતિ સંસ્કારીપણે કરેલા વિરોધને ધ્યાનમાં લીધા વિના) કોઈના ફ્રીડમ ઑફ એક્સપ્રેશન પર લગામ નાખવાની!

અને છેલ્લે માલિનીબહેને પોતાની પોઝિશન ક્લિઅર કરતાં કહ્યું કે: એનડીટીવી સાથે સહમત ન થવાનો મતલબ એ નથી થતો કે હું સેફ્રોન બ્રિગેડમાં જોડાઈ ગઈ છું. નો વે!

અમૃતભાઈ કહે છે કે માલિનીબેનની જેમ શૌરીસાહેબ પણ પોતાના આદર્શો તથા સિદ્ધાંતો હિન્દુવાદી છે, એન્ટિ સેક્યુલર છે એમ કહીને એનડીટીવીને ટેકો આપી શક્યા હોત.

જોકે, વાત આખી ટેકો આપવા ન આપવા પર જ કેન્દ્રિત છે એટલે મારે હિસાબે શૌરી અને માલિનીબેનની સરખામણી ખોટી છે.

અમૃતભાઈ લખે છે કે એક જમાનામાં જે અરુણ શૌરી સેક્યુલરિયાઓ માટે ‘સંઘી’ (એટલે કે અડધી ખાખી ચડ્ડીવાળા) હતા તેમને રાતોરાત આ સેક્યુલરિયાઓ ‘એમિનન્ટ જર્નલિસ્ટ’ અને ‘ફૉર્મર મિનિસ્ટર’ ગણાવતા થઈ ગયા છે. બાકી હજુ ગઈ કાલ સુધી શૌરીએ મિશનરીઓની જે પોલ ખોલી, ફતવાઓ વિશે જે અદ્ભુત રિસર્ચ કર્યું અને કૉન્ગ્રેસે જે દાયકાઓથી તદ્દન ગલત ચીન-નીતિ અપનાવી તેના વિશે જે પુસ્તકો લખ્યાં તે બદલ આ જ લોકો એમને હડધૂત કરતા હતા. અરે ‘વર્શિપિંગ ફૉક્સ ગોડ્સ’ લખીને એમણે બંધારણ રચવામાં બીજા કોનો કોનો મહત્ત્વનો હાથ હતો તે વાત દસ્તાવેજી પુરાવાઓ સાથે દુનિયા સમક્ષ મૂકી અને ત્યારે કેટલાક તોફાની તત્ત્વોએ મંચ પર ચડીને શૌરીનું મોઢું કાળા રંગે રંગ્યું તે વખતે આ સેક્યુલરિયાઓમાંથી કોઈ શૌરીને વહારે ધાયો નહોતો. પણ આજે એ આ સૌના લાડકા બની ગયા, કારણ કે એનડીટીવી પરના મંચ પરથી તેઓ નરેન્દ્ર મોદીની ટીકા કરતા થઈ ગયા.

આ એ જ શૌરી છે જેમણે કહ્યું હતું કે બાબરી તોડીને ઈતિહાસમાં થયેલી ભૂલને (આપણે) સુધારી લીધી છે. આ એ જ શૌરી છે જેમણે વાજપેયીની સરકારમાં ડિસ્ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર તરીકે નેત્રદીપક કામ કર્યાં છે. આ એ જ શૌરી છે જેમની પ્રામાણિકતા અને નિષ્ઠા નેકસ્ટ ટુ ગાંધીજી અને મોદીજી છે. અને આ એ જ શૌરી છે જેમણે કહ્યું હતું કે ઈન્ડિયાના પ્રાઈમ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી બેસ્ટ ચોઈસ છે.

તો સડનલી શૌરીને કેમ એવું લાગવા માંડ્યું કે આ દેશમાં મોદીના જુલમી શાસન હેઠળ ડિક્લેર કર્યા વિનાની ઈમરજન્સી ચાલી રહી છે, કોઈને કશા પ્રકારની સ્વતંત્રતા નથી રહી, કમ્યુનલ ટેન્શન ટોચ પર છે, અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે.

અમૃતભાઈ લખે છે કે શૌરીને અત્યારે આવું લાગતું હોય અને શૌરી સાચા પણ હોય તોય એમણે નરેન્દ્ર મોદીની સરકારથી નારાજ થઈને, જે પ્રકારના લોકોની વિચારસરણીનો તેઓ વરસોથી કડક વિરોધ કરતા આવ્યા છે તેમના હરેમની કૉન્ક્યુબાઈન બની જવાની જરૂર નહોતી. હરેન એટલે જનાનખાનું અને જે બીજો શબ્દ છે તેનો અર્થ થાય રખાત.

મોદી અત્યારે એમને ઈગ્નોર કરે છે, વાજપેયીએ આપ્યું એવું પ્રધાનપદું નથી આપતા એટલે શૌરી ગુસ્સામાં છે? અમૃતભાઈ પૂછે છે.

શૌરી એવા સાંકડા મનના હોય એવું હું નથી માનતો. શૌરી નરેન્દ્રભાઈની સરકાર માટે એક ખૂબ ઉપયોગી જણસ બની શક્યા હોત પણ એમને ઈગ્નોર કરવામાં આવ્યા તેની પાછળ જરૂર કોઈક કારણો હશે. ક્યારેક ચાન્સ મળ્યે આ વિશે પીએમને પૂછવું પણ જોઈએ.

અરુણ શૌરીનું આ દેશમાં એટલું મોટું સ્થાન છે કે એમને કોઈ (ઈવન મોદી પણ) ઈગ્નોર કરે તો કોઈ ફરક નથી પડતો. એમને કોઈનીય જરૂર નથી. ઈન ફેક્ટ એમની ગુડવિલની જરૂર સૌને પડી રહી છે જે એનડીટીવીવાળા મામલામાં તમે જોઈ લીધું.

અમૃત હલાન કોઈ નિષ્કર્ષ પર નથી આવ્યા. અઘરું કામ છે, પણ બે વાત જરૂર કે અરુણ શૌરીએ પ્રણય રૉયની બાબતે જે કર્યું તે નહોતું કરવું જોઈતું અને બીજી વાત કે આવું કર્યા પછી પણ અમારા માટે તો અરુણ શૌરી, અરુણ શૌરી જ રહેવાના છે. સેક્યુલરિયાઓ ભલે એમનો ઉપયોગ કરીને, એમને નીચોવીને, રસ કાઢીને એમને ફગાવી દે. અમારા માટે તો શૌરી અને એમણે ભૂતકાળમાં કરેલાં અનેક અભૂતપૂર્વ કાર્યો અમર રહેવાનાં છે.

કાગળ પરના દીવા

એ જ ગઝલો, એ જ લોકો, એ જ અધૂરાં સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.

– સૌમ્ય જોશી

સન્ડે હ્યુમર

સિત્તેર વર્ષ પછી

ઈંગ્લેન્ડે ફરી એ જ કર્યું:

તમે લોકો લડો,

અમે તો આ ચાલ્યા!

( મુંબઇ સમાચાર : રવિવાર, 18 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *