ફિરોઝ ગાંધી અને કમલા નેહરુ વચ્ચે કશુંક હતું?

ફિરોઝ ગાંધી ઈન્દિરાને પરણ્યા તે પહેલાં શું એમને ઈન્દિરાના માતા કમલા સાથે સારી મૈત્રી હતી? પોતાનાથી મોટી ઉંમરની એવી આ પં. નેહરુની સુશીલ પત્ની પર ક્રશ હતો? કે પછી એ બંને વચ્ચે આડા સંબંધ હતા?

નેહરુ નૈની જેલમાં હતા ત્યારે અલાહાબાદમાં ઠેર ઠેર ફિરોઝ ગાંધી અને કમલા નેહરુ વચ્ચે સંબંધોની અફવાને લઈને પોસ્ટરો ચિપકાવવામાં આવ્યા હતા, આટલું ઓછું હોય એમ પોસ્ટરોની બે નકલ કોઈક ‘હિતેચ્છુ’એ નેહરુને જેલમાં પણ મોકલી આપી. આ પોસ્ટરો છપાવવા પાછળ કોનો હાથ હતો? કોઈ વિરોધીઓનું આ કાવતરું હતું કે પછી ઘરના જ કોઈ ભેદીઓએ લંકાની પડતીમાં ભાગ ભજવ્યો હતો? આગળ જોઈએ પણ એ પહેલાં ફિરોઝ ગાંધીની નેહરુ કુટુંબ સાથે કેવી રીતે ઓળખાણ થઈ તે જાણવું જરૂરી છે.

સાલ ૧૯૨૮. ફિરોઝ ગાંધીની ઉંમર ૧૬ વર્ષની. ૩જી ફેબ્રુઆરીએ સાયમન કમિશનના સાત સભ્યો મુંબઈ ઊતર્યા અને આખો દેશ ‘સાયમન, ગો બૅક’, ‘સાયમન, પાછો જા’ના નારાઓથી ગૂંજી ઊઠ્યો. અલાહાબાદમાં પણ કાળા વાવટાઓ સાથે સૂત્રોચ્ચારો થતા રહ્યા. ફિરોઝ એમાં ભાગ લીધા વિના દૂરથી આ દેખાવો જોતા હતા. એ વખતે એમને પોલિટિક્સમાં કોઈ રસ નહોતો એટલું જ નહીં એમનો પરિવાર અંગ્રેજોને વફાદાર ગણાતો હતો. અચાનક પોલીસ ત્રાટકી અને યુવાન ફિરોઝને ઊંચકીને માર મારતી પોલીસ સ્ટેશન લઈ ગઈ. થાણા જઈને જ્યારે પોલીસને ખબર પડી કે આ છોકરો કયા પરિવારનો છે ત્યારે એને કડક ઠપકો આપીને ઘરે મૂકવા આવી કારણ કે છોકરાની માસી (શિરિન) સરકારી કર્મચારી કહેવાય. ઘરે આવ્યા પછી ફિરોઝને એમના મોટાભાઈ (બે વર્ષ મોટા) ફરદૂને માર્યો એમ કહીને કે આપણાથી આવી ચળવળોમાં ભાગ ન લેવાય.

બર્ટિલ ફૉકને આ વાત આનંદ મોહન લિખિત ‘ઈન્દિરા ગાંધી: અ પર્સનલ ઍન્ડ પૉલિટિક્લ બાયોગ્રાફી’ પુસ્તકમાંથી જડી. અ બર્ટિલ ફોક ‘ફિરોઝ ધ ફોર્ગોટન ગાંધી’ પુસ્તકમાં શશી ભુષણ લિખિત ફિરોઝ ગાંધીની જીવનકથાનો ઉતારો આપીને આનાથી તદ્દન જુદું જ ચિત્ર આપે છે.

શશી ભુષણે લખ્યું છે કે સાયમન કમિશન સામેના દેખાવો થતા હતા ત્યારે ફિરોઝ ઘરેથી નીકળીને એ દેખાવોમાં જોડાઈ ગયા હતા. હાલાકી નીકળતી વખતે એમણે માસી અને મોટાભાઈને કહ્યું હતું કે, ‘હું ખાલી જોવા જ જઉં છું’ પણ ત્યાં જઈને એ દેખાવોમાં જોડાઈને સાયમન કમિશન વિરુદ્ધ નારાઓ લગાવવા માંડ્યાં. પોલીસે ફિરોઝને પકડી લીધા. થાણા લઈ જઈને એમને પોલીસે મૂઢમાર માર્યો. અને નાબાલિગ ઉંમરના હોવાથી ધરપકડ કરવાને બદલે એમને વૉર્નિંગ આપીને છોડી મૂકવામાં આવ્યા. ઘરે પાછા આવ્યા પછી એમના ભાઈએ એમને ફરી ફટકાર્યા અને ફરી ક્યારેય આવી પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લેવાની વૉર્નિંગ આપી. પણ ફિરોઝ આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહ્યા. એક વખત તો ફિરોઝની બ્રિટિશ સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિઓને લીધે એમનાં શિરિનમાસીની નોકરી જતાં જતાં રહી ગઈ. તે વખતે જેમ તેમ કરીને એમણે પોતાની નોકરી બચાવી લીધી અને પોલીસને ખાતરી આપી કે હવે પછી ક્યારેય મારો ભાણિયો આવું નહીં કરે.

આ બધી ઘટનાઓને કારણે છોકરમતમાં દેખાવોમાં ભાગ લેવા જતા ફિરોઝમાં અચાનક જ રાજકીય સૂઝસમજ આવવા લાગી. ભારતની વાસ્તવિકતા સમજમાં આવવા માંડી. થોડા જ મહિનાઓમાં એ મહાત્મા ગાંધીની અહિંસક અસહકારની ચળવળથી પ્રભાવિત થવા લાગ્યા. જોકે, લાંબાગાળે તેઓ ક્યારેય ગાંધીજીના વિચારો સાથે પૂરા હૃદયથી સંમત થઈ શક્યા નહીં.

આ વર્ષોમાં ફિરોઝ ગાંધીના મનનમાં અંગ્રેજો માટે ભારોભાર તિરસ્કાર રહ્યો જે આજીવન જળવાયો. રાષ્ટ્રવાદી આંદોલનોમાં ભાગ લેવાનું ચાલુ રહ્યું અને ધરપકડો પણ અવારનવાર થતી રહી. પોતાના પરિવારમાં ફિરોઝની ઘોર ઉપેક્ષા થતી રહી એટલું જ નહીં ઠપકો મળ્યા કરતો, અપમાનો થયાં કરતાં. ફિરોઝનાં બહેન તેહમિનાનો એક કિસ્સો મઝાનો છે. ફિરોઝની ‘હરકતો’થી માસીની નોકરી જઈ શકે છે અને ભાઈ ફરદૂનને કાયદાનો અભ્યાસ કરવામાં અડચણ આવી શકે છે તેમ જ પોતાને પણ માસ્ટર્સ ડિગ્રી લેવામાં બાધાઓ નડી શકે છે એવું લાગતાં તેહમિના ફિરોઝ પર બરાબરની ચોંપ રાખતા કે એ આવા દેખાવોમાં ભાગ લેવા ચુપકીદીથી ઘરની બહાર ન સરકી જાય. તેહમિના ફિરોઝનાં કપડાં અને શૂઝ છુપાવી દેતાં. કહેવાય છે કે એક વખત ફિરોઝને કપડાં મળ્યાં નહીં તો એ ઉઘાડેપગે માત્ર અંડરવેઅર પહેરીને રેલીમાં ભાગ લેવા નીકળી પડ્યા. જોકે આ કિસ્સાને માત્ર રમૂજ તરીકે જ લેવો જોઈએ. બહાર જવાનાં કપડાં ન હોય તોય ઘરમાં પહેરવાનાં કપડાં તો એમણે પહેરેલાં હોય જ ને. આ રમૂજકથા ફિરોઝની પૅશન તથા એમના પરિવારના વિરોધને પ્રગટાવવાની પ્રતીક કથા છે એવું માનવું.

એ જમાનામાં ફિરોઝના ઘરની બાજુમાં જ જવાહરલાલ નેહરુના કઝિન શામલાલ નેહરુનું ઘર. શામલાલનાં પત્ની ઉમા નેહરુ. (આ દંપતીના પૌત્ર અરુણ નેહરુ એક જમાનામાં રાજીવ ગાંધીના ખાસ હતા. પાછળથી જબરા વિરોધી બનેલા).

ઉમા નેહરુએ ગાંધીજી સાથે દાંડી માર્ચમાં પણ ભાગ લીધેલો અને ક્વિટ ઈન્ડિયા વખતે જેલવાસ પણ ભોગવેલો. આઝાદી પછી ઉત્તર પ્રદેશના સીતાપુરની બેઠક પરથી બે વાર લોકસભામાં ચૂંટાયેલા અને ત્યારબાદ ૧૯૬૨માં ગુજરી ગયાં ત્યાં સુધી રાજ્યસભાના સભ્ય હતાં.

ફિરોઝ ગાંધી પોલીસનો માર ખાઈને આવે, ઘરે માર ખાઈને આવે ત્યારે એ ઉમા નેહરુના ઘરે જઈને પાટાપિંડી કરાવે. માસી ડૉક્ટર ખરાં પણ એમની તો બીક લાગે. એક દિવસ યુઇંગ ક્રિશ્ર્ચન કૉલેજની કમ્પાઉન્ડ વોલ પર બેસીને મહિલા સ્વાતંત્ર્ય સૈનિકોના મોરચાને નિહાળી રહેલા ફિરોઝે કમલા નેહરુને જોયાં.

શ્ર્વસુરગૃહમાં કમલા નેહરુને એમની નણંદ વિજયા લક્ષ્મી પંડિત સાથે ઊભેય નહોતું બનતું. હાલાકિ સસરા મોતીલાલ પુત્રવધૂને માન આપતા. જવાહરલાલ પોતાની બહેનથી વધારે પ્રભાવિત હતા. કમલાનું શરીર નાજુક હતું. ટી.બી. હતો એમને. પણ પતિની સ્વાતંત્ર્ય ચળવળમાં એમણે અડીખમ રહીને સાથ આપ્યો એટલું જ નહીં પોતે પણ એમાં સક્રિય ભાગ લીધો. જવાહરલાલને જેલ થઈ ત્યારે પતિની ગેરહાજરીમાં ઘરે બેસી રહેવાને બદલે એમણે આખા અલાહાબાદમાં અહિંસક દેખાવોનું નેતૃત્વ સંભાળી લીધું. મીનુ મસાણી ભારતીય રાજકારણનું એક અત્યંત આદરણીય નામ. નેહરુના નિકટના મિત્ર. બીજી, ત્રીજી અને ચોથી લોકસભામાં રાજકોટનું પ્રતિનિધિત્વ કર્યું. મીનુ મસાણીએ ૧૯૯૧માં બર્ટિલ ફૉકને લખેલા એક પત્રમાં કહ્યું:

‘કમલા નેહરુ એક અત્યંત આદરપાત્ર સન્નારી હતાં. અલાહાબાદમાં તો ઘણીવાર ત્યાં સુધી કહેવાતું કે જવાહરલાલ નેહરુ કરતાં પણ રાષ્ટ્રપ્રેમમાં અને રાષ્ટ્રભક્તિમાં કમલા આગળ નીકળી જતાં. કમલા બ્યુટિફુલ નહોતાં પણ ક્વાઈટ પ્રેઝન્ટેબલ હતાં અને એમનું સ્માઈલ લવલી હતું.’

આવાં કમલા અને ફિરોઝ (જે પાછળથી એમના જમાઈ બન્યા. જોકે તે વખતે કમલા હયાત નહોતાં) વચ્ચેની અફવાઓમાં કોણે ઘી હોમ્યું તે વિશે તેમ જ ફિરોઝ ગાંધીએ ઈન્દિરાને પરણ્યા પછી સસરા જવાહરલાલ વિરુદ્ધ ચલાવેલી ઝુંબેશ વિશે સોમવારે.

આજનો વિચાર

સત્યને અનેક ચહેરા હોય છે. તમે કઈ દિશાથી એને જુઓ છો તે તમારા પર છે.

– અજ્ઞાત

એક મિનિટ!

શેર બ્રોકર: (૮૮ વર્ષના દાદાને) સર, આ કંપનીના શેર લઈ લો. એક વર્ષમાં ભાવ ડબલ થઈ જવાના.

દાદા: ભઈલા, મારી ઉંમર એવી છે કે હું કેળાંય કાચા નથી લેતો.

( મુંબઇ સમાચાર : શનિવાર, 17 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *