ફિરોઝ ગાંધી વિશેની અફવાઓ

અરે ભાઈ, મસમોટો લોચો થઈ ગયો છે ગઈ કાલના લેખમાં. અને એ ભૂલ બર્ટિલ ફૉકની નથી, મારી છે. એમણે તો પી. ડી. ટંડને એમને ‘ફિરોઝ ધ ફર્ગોટન ગાંધી’ વિશે રિસર્ચ કરવામાં પી. ડી. ટંડને કેટકેટલી મદદ કરી એ લખ્યું. આપણને એમ કે ભલાઈ કરીએ અને પી. ડી. ટંડન કોણ એ જણાવીએ. એમાં બે પી. ડી. ટંડનો વચ્ચે ગોટાળો થઈ ગયો. મોટી ભૂલ થઈ. સુધારી લઉં છું. ફરી આવું ન થઈ જાય એની કાળજી રાખીશું. માફી માગું છું અને જે પી. ડી. ટંડન વિશે બર્ટિલ ફૉકે ઉલ્લેખ કર્યો છે તે પી. ડી. ટંડનની બે વાત કરીને ગાડી આગળ ચલાવીએ.

આ પી. ડી. ટંડન ૨૦૦૬માં ગુજરી ગયા ત્યારે સોનિયા ગાંધીએ એમને ભવ્ય અંજલિ આપી હતી. પત્રકાર ટંડન સાહેબ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના મિડલ ક્લાસ ફૅમિલીમાં જન્મ્યા. ૧૨મા ધોરણનું ભણવા અલાહાબાદ આવ્યા પછી આખી જિંદગી ત્યાં જ ગાળી. વ્યવસાયે પત્રકાર. અનેક છાપા-મેગેઝિનોના પ્રતિનિધિરૂપે કામ કર્યું. ૫૦ જેટલાં હિન્દી-અંગ્રેજી પુસ્તકોનાં લેખક. સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લઈને નૈની જેલમાં કારાવાસ પણ ભોગવી ચૂક્યા હતા. એક્ટિવ રાજકારણ પણ કર્યું. ઉત્તર પ્રદેશમાં કમલાપતિ ત્રિપાઠીની સરકારમાં પ્રધાનપદું પણ ભોગવ્યું. ‘સીઝન્ડ પોલિટિશિયન’ નહીં એટલે એકદમ ક્લીન ઈમેજ સાથે સરકારમાંથી બહાર નીકળી ગયા. જિંદગીનાં દરેક ક્ષેત્રના હુઝ હુ સાથે એમને ઘરોબો. અલહાબાદના ટોચના ડૉક્ટરો, વકીલો, પ્રોફેસરો, વગેરે સૌ કોઈ એમને માનથી જુએ, એમના ઘરે સૌની અવરજવર રહે. નાનકડા ઘરમાં સૌની ઉમળકાભેર આગતા સ્વાગતા થાય. કૉંગ્રેસી હોવા છતાં અત્યંત પ્રામાણિક એવા આ પી. ડી. ટંડનનો ઉલ્લેખ હરિવંશરાય બચ્ચનની આત્મકથામાં ખૂબ હૂંફાળી કલમે થયેલો છે. નવા પત્રકારોને તેઓ સલાહ આપતા, ‘સબ કો અપને કંધે પે બિઠા લો, તા કિ તુમ્હારે બિના વે ચલ ન સકે’ મતલબ કે છાપાની ઓફિસમાં ગધેડાની જેમ કામ કરતાં વધારેને વધારે કામ કર્યા કરો જેથી તમારા સિનિયર્સને તમારા વિના ચાલે જ નહીં!

મુંબઈના ફોર્ટ વિસ્તારની તેહમુલજી નરિમાન પારસી હોસ્પિટલમાં ૧૯૧૨ની ૧૨મી સપ્ટેમ્બરે ફિરોઝનો જન્મ થયો. બર્ટિલ ફૉકે પુસ્તકના ૨૮૯મા પાને બર્થ સર્ટિફિકેટ છાપ્યું છે જેમાં પિતા જહાંગીર ફરદૂનજી ગાંધી અને માતા રતનબાઈનાં નામ છે અને ઘરનું સરનામું ખેતવાડીની છઠ્ઠી ગલીના નવરોજી હાઉસનું છે જ્યાં ફિરોઝના બાળપણનો એકદમ શરૂઆતનો ગાળો વીત્યો. દીકરાનું નામ હજુ પાડ્યું ન હોય તે સ્વાભાવિક છે એટલે ૨૩-૯-૧૯૧૨ના રોજના સર્ટિફિકેટમાં ‘નેઈમ ઑફ ધ ચાઈલ્ડ, ઈફ એની’ની સામે ‘નોટ સ્ટેટેડ’ લખેલું છે.

પિતા જહાંગીરની સરનેમ ગાંધી પણ એનો સ્પેલિંગ તે જમાનામાં અંગ્રેજો જે રીતનો ઉચ્ચાર કરતાં તે મુજબનો જી.એ.એન.ડી.એચ.વાય. – ગેન્ઢી! ફિરોઝે મોટા થઈને ગાંધીજીની અસર હેઠળ પોતાની આ પુશ્તૈની અટકની જોડણી બદલી. (વૉટ્સએપિયાઓ તમને ઠસાવવા માગે છે કે ફિરોઝે ગાંધીજીની અસર હેઠળ જોડણી નહીં આખેઆખી અટક બદલી). જહાંગીર ગાંધી મૂળ ભરૂચના (જેને અંગ્રેજો બ્રોચ કહેતા જેમ વડોદરાને બરોડા અને ખંભાતને કૅમ્બે કહેતા. અંગ્રેજોના ગયા પછી છેક પચાસેક વર્ષ બાદ આપણી સરકાર ભરૂચ, વડોદરા વગેરે નામો એના મૂળ સ્વરૂપમાં અંગેજી લખવા માંડી). ફિરોઝના માતા રતન ઉર્ફે રતિમાઈની પિયરની સરનેમ કૉમિસેરિયેત હતી. રતિમાઈ મૂળ સુરતના. કૉમિસેરિયત કુટુંબ અંગ્રેજી અને ફ્રેન્ચને લશ્કરી તેમ જ અન્ય માલસામાન પૂરો પાડવાનો બિઝનેસ કરતું. જહાંગીર અને રતિમાઈનું પાંચમું અને છેલ્લું સંતાન ફિરોઝ. રતિમાઈ અને એમનાં બહેન શિરિન કૉમિસેરિયત અંગ્રેજીમાં મેટ્રિક થનાર પ્રથમ સ્ત્રીઓ. સુરતની મિશન સ્કૂલમાં ભણેલા. અંગ્રેજી ફાંકડું બેઉ બહેનોનું.

બર્ટિલ ફૉકને ૧૯૮૬માં ફિરોઝના એક સગા રતુ દસ્તુરે મુંબઈમાં એક વાત કહેલી. ફિરોઝના જન્મ પછી જહાંગીર ગાંધીએ ફિરોઝના જન્માક્ષર કઢાવીને કુંડળી બનાવડાવી અને એક જ્યોતિષને આપી. જ્યોતિષ અચંબામાં પડી ગયા. ‘આવું સંતાન તમારા કુટુંબમાં જન્મે જ કેવી રીતે? એનો જન્મ તો કોઈ રૉયલ પરિવારમાં થવો જોઈતો હતો. ઘણાં મોટા કામ કરશે આ બાળક. ખાનદાનનું નામ ઉજાળશે.’ આ સાંભળીને રતિમાઈ બોલ્યાં હતા: ‘કેવી વાહિયાત વાત કરે છે!’

ફિરોઝ ગાંધીના ઉછેરમાં જો સૌથી મોટો ફાળો કોઈએ આપ્યો હોય તો તે એમના શિરિન માસીએ. ફિરોઝ ગાંધી અલહાબાદમાં એમની નિશ્રામાં મોટા થયાં. શિરિનની પહેલેથી જ ઈચ્છા સર્જ્યન બનવાની. શિરિનના ફાધર અગેન્સ્ટમાં. પણ શિરિન એકદમ મક્કમ, જબરજસ્ત નિષ્ઠાવાન યુવતી. છેવટે ફાધરે ઝૂકી જવું પડ્યું. પિતાએ શિરિનને મેડિકલ થિયરી અને સર્જિકલ પ્રેક્ટિસના અભ્અયાસ માટે પેરિસ અને લંડન મોકલી. ઉચ્ચ અભ્યાસ અને તાલીમ સાથે શિરિન પાછી આવી. હિન્દુસ્તાનમાં એને યુનાઈટેડ પ્રોવિન્સીસ (આજના ઉત્તર પ્રદેશ)માં આવેલા અલહાબાદની પ્રખ્યાત લેડી ડફરીન હૉસ્પિટલનો કારભાર સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. બાવન જિલ્લાઓના સ્વાસ્થ્યની જવાબદારી આ હૉસ્પિટલ પર હતી.

શિરિનમાસી પરણી નહોતી. એટલે ફિરોઝ સાત મહિનાના હતા ત્યારે દત્તક લઈને માની જેમ ઉછેરવા લાગી.

ફિરોઝ ગાંધી સ્વતંત્ર મિજાજના માણસ હતા. નેહરુના જમાઈ હોવા છતાં નેહરુની સરકારના ભવાડાઓ વિશે સંસદમાં સવાલ પૂછતા. (પોતે રાયબરેલીની લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા. જે પાછળથી ઈન્દિરા ગાંધીની બેઠક બની અને હવે સોનિયા ગાંધી ત્યાંથી ચૂંટાય છે.) ફિરોઝ ગાંધી નેહરુની અનેક પૉલિસીઓના ટીકાકાર હતા. નેહરુના વખતમાં ભારતમાં ભાગ્યે જ કોઈ સ્ટ્રોન્ગ વિરોધ પક્ષ હતો. શ્યામા પ્રસાદ મુખર્જી જેવા બીજા કેટલાક રાષ્ટ્રવાદીઓ હતા જે નેહરુનો વિરોધ કરતા પણ તેમનો અવાજ દબાવી દેવામાં આવતો. ફિરોઝ ગાંધી નેહરુના જમાઈ હતા. વળી કૉંગ્રેસી તો ખરાજ. એમનો અવાજ દબાવી દેવાનું કામ મુશ્કેલ હતું. નેહરુના જમાઈનો અવાજ કોણ દબાવી શકે? એટલે નેહરુના પિઠ્ઠુઓએ અફવાઓ ફેલાવીને ફિરોઝ ગાંધીને બદનામ કરવાનું શરૂ કર્યું. ત્રણ અફવાઓએ તે જમાનામાં ખૂબ જોર પકડ્યુંં હતું. એક, ફિરોઝ પીવાના શોખીન હતા, જે હતા જ પણ પીવામાં અને ઢિંચવામાં જે ફરક હોય છે તે ભૂંસીને ડ્રિન્ક કરનારા ફિરોઝ ગાંધીને ડ્રન્કાર્ડ તરીકે ચીતરવામાં આવતા. જાણે કે દારૂ પીનાર દરેક વ્યક્તિ દારૂડિયો હોય.

બીજી અફવા ફિરોઝ ગાંધી રંગીન મિજાજના હતા, જે હતા જ પણ વિરોધીઓ અર્થાત્ નેહરુના પિઠ્ઠુઓ એમને વુમનાઈઝર તરીકે ચીતરતાં. રંગીન મિજાજનાં હોવા અને વુમનાઈઝર હોવા વચ્ચે જે સ્પષ્ટ ભેદરેખા હોય તેને ભૂંસીને ફિરોઝ ગાંધીને બદનામ કરવામાં આવતા.

ત્રીજી અફવા, ફિરોઝની માતા રતિમાઈ નહોતાં પણ તેઓ શિરિનમાઈનાં અનૌરસ સંતાન હતા. અફવા એવી હતી કે અલહાબાદ મ્યુનિસિપલ બોર્ડના ચૅરમેન અને ત્યાંની જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરતા રાજ બહાદુર કમલા પ્રસાદ કક્કડને શિરિન સાથે સંબંધ હતો અને ફિરોઝના અસલી માતાપિતા એ જ હતા! બર્ટિલ ફોકને ઘણાં લોકોએ છાતી ઠોકીને આ ‘હકીકત’ કહી. શિરિન અવારનવાર લાંબા ગાળા માટે વિલાયત જતાં અને ફિરોઝવાળી પ્રેગનન્સી વખતે તેઓ પરદેશ જઈને બાળકનો જન્મ કરાવીને અહીં લઈ આવ્યા. આ અફવાએ એ જમાનામાં ખૂબ જોર પક્ડયું હતું.

પણ બર્ટિલ ફૉકે બે જબરજસ્ત પુરાવા પેશ કરીને ઉપરોક્ત અફવાનું ખંડન કર્યું છે. એક, ફેબ્રુઆરી ૧૯૨૨માં ફિરોઝની નવજોતવિધિ કરવામાં આવી. ફિરોઝ માટે આ વિધિ ત્યારે જ શક્ય બને જ્યારે મા અને બાપ બેઉ પારસી હોય. પિતા બિન પારસી હોય તો આ વિધિ શક્ય જ ન બને! એ, બર્ટિલ ફૉકનું આ પુસ્તક ૨૦૧૬માં પ્રગટ થવા જઈ રહ્યું હતું ત્યારે તેમને મળેલું અને ૨૮૯મા પાનાં પર છપાયેલું બર્થ સર્ટિફિકેટ જે આ સંપૂર્ણ વિવાદ પર પૂર્ણવિરામ લાવી દે છે અને પુરવાર કરે છે કે ફિરોઝ ગાંધી નખશિખ પારસી હતા. વન્સ અગેઈન પી. ડી. ટંડનવાળી બ્લન્ડર માટે ખૂબ શરમિંદગી અનુભવું છું. સૉરી. ફિરોઝ ગાંધીની લાઈફની ફેસિનેટિંગ જર્ની ચાલુ રાખીશું.

આજનો વિચાર

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઈ પણ થરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

– રાજેન્દ્ર શુક્લ

એક મિનિટ!

બહેન: હલ્લો, બીએસએનએલ કસ્ટમર કેર?

સામે છેડેથી: હા બોલો.

બહેન: ૩ દિવસથી ઈન્ટરનેટ ચાલતું નથી. તમે જ કહો કે હું શું કરું?

સામે છેડેથી: મૅડમ, ઘરનું થોડું કામ કરી લ્યો હવે.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 16 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *