ફિરોઝ ગાંધીના પિતા નવાબ ખાન હતા? જે દારૂની સપ્લાયનો ધંધો કરતા?

ગાંધીજીવાળું ‘યંગ ઈન્ડિયા’ જુદું. આ તો ઇંગ્લેન્ડથી પ્રસિદ્ધ થતું તદ્દન ટચૂકડું, સાયક્લોસ્ટાઈલથી છપાતું ‘યંગ ઇન્ડિયા’ જેમાં ૧૯૯૪માં કોણ જાણે કોણે પણ આ અફવા છાપી નાખી હતી કે ફિરોઝ ગાંધી વાસ્તવમાં ફિરોઝ ખાન હતા અને એમના બાપનું નામ નવાબ ખાન હતું? જેમનો દારૂના સપ્લાયનો ધંધો હતો? આ અફવાને લંબાવતાં એમાં એવું પણ લખ્યું હતું કે મહાત્મા ગાંધીના કહેવાથી ફિરોઝ ખાનની અટક બદલાવીને ગાંધી કરી દેવામાં આવી જેના માટે લંડનમાં એક એફિડેવિટ કરવામાં આવી હતી અને ઇન્દિરા સાથે ફિરોઝનાં લગ્ન થયાં ત્યારે ખાનગીમાં મુસ્લિમ વિધિ મુજબ કરવામાં આવ્યા હતા.

‘ફિરોઝ ધ ફર્ગોટન ગાંધી’ પુસ્તક લખવા પાછળ બર્ટિલ ફૉક નામના સ્વિડિશ જર્નલિસ્ટે કેટલી મહેનત લીધી છે તેનો જરા અંદાજ તમને આપું જેથી ખ્યાલ આવે કે ફિરોઝ ગાંધીના જન્મ વિશેની તેમ જ ફિરોઝ ગાંધીના જીવન વિશેની વાતોની ઑથેન્ટેસિટી ચેક કરવા આ લેખક ક્યાં ક્યાં ફર્યા, કોને કોને મળ્યા અને કેવા કેવા દસ્તાવેજો ચકાસ્યા.

૧૯૭૭માં ઇન્દિરા ગાંધી હાર્યાં તે પછી, બર્ટિલ ફૉક પહેલવહેલી વાર ભારત આવ્યા. ઇન્દિરા ગાંધીના ઘરે જઈને એમણે પોતાના ન્યુઝપેપર (જેનો સ્વિડિશમાં ઉચ્ચાર અટપટો છે, પણ મીનિંગ થાય ‘ધ ઈવનિંગ પોસ્ટ’ યાને કે સાંજ સમાચાર) માટે એમનો ઇન્ટરવ્યૂ લીધો. ૪૦ મિનિટનો ઇન્ટરવ્યૂ લખીને એમણે સ્વીડનમાં પોતાના અખબારના તંત્રીને સબમિટ કર્યો ત્યારે તંત્રીએ એમને પૂછયું હતું કે તમે એમને મળ્યા છો એની સાબિતી આપતો એમની સાથેનો તમારો ફોટો ક્યાં છે? વરસ પછી બર્ટિલ ફૉક ફરી ઈન્ડિયા આવ્યા ત્યારે એમની દીકરી એમની સાથે હતી. ઇન્દિરા ગાંધીને એ ફરી મળ્યા ત્યારે દીકરીએ ફોટા પાડ્યા. બર્ટિલે જોયું કે ઇન્દિરા ગાંધી સાથે એમના બે દીકરાઓ પણ હતાં, એમનાં સંતાનો પણ હતાં. બર્ટિલને નવાઈ લાગી કે ઇન્દિરા ગાંધીના પતિ કેમ ક્યાંય દેખાયા નહીં. એમણે બીજા પત્રકાર-પરિચિતોમાં પૂછતાછ કરી તો ખબર પડી કે પતિનું નામ ફિરોઝ હતું પણ એ કોઈ મામૂલી માણસ હતા. બર્ટિલ ફૉકે વધારે રિસર્ચ કરી તો ખબર પડી કે ફિરોઝ ગાંધી મામૂલી માણસ નહોતા, નેહરુકાળમાં દેશના રાજકારણમાં એમણે ઘણો મોટો ભાગ ભજવ્યો હતો, ખાસ કરીને આયુષ્યના છેલ્લા અર્ધદશકમાં.

બર્ટિલ ફૉકે ફિરોઝ ગાંધી વિશે એક લેખ લખવાનું નક્કી કર્યું પણ જેમ જેમ એમના વિશે વધારે રિસર્ચ

કરતા ગયા તો એટલી બધી રોમાંચક માહિતી મળતી ગઈ કે એમણે નક્કી કર્યું કે એક આખું પુસ્તક લખ્યે જ છૂટકો છે. એ પછી તો અવારનવાર ઈન્ડિયા આવ્યા. ફિરોઝ ગાંધીનો જરા સરખો ઉલ્લેખ હોય એવાં તમામ પુસ્તકો લાઈબ્રેરીઓમાં જઈ જઈને ઊથલાવ્યાં. ફિરોઝ ગાંધી જેમની સાથે જીવન જીવ્યા, એમણે જેમની સાથે કામ કર્યું, એમની અંગત તેમ જ એમના પરિચયમાં હોય એવી વ્યક્તિઓમાંથી જે કોઈ હયાત હતી તે બધાને તેઓ રૂબરૂ મળ્યા. મુંબઈ, સુરત, રાયબરેલી, અલાહાબાદ, દિલ્હી, લખનૌ વગેરે સ્થળોએ રહેતી અનેક વ્યક્તિઓને મળ્યા. આ ઉપરાંત મીનુ મસાણી, તારકેશ્ર્વરી સિંહા અને દેવકાન્ત બરુઆ સહિતના જાણીતા રાજકારણીઓની મુલાકાતો લીધી. એટલું જ નહીં ઇન્દિરા ગાંધી, વિશે રિસર્ચ કરનારા વિદેશી પત્રકારોને તેમ જ બીજા લોકોને મળવા લંડન તેમ જ અમેરિકાની વિઝિટ પણ કરી અને એમની રિસર્ચમાં હાથ બટાવવા એક પત્રકારે તો સ્વીડન આવીને એમને મદદ કરી.

ભારતમાં સૌથી વધુ મદદ પી. ડી. ટંડને કરી. પી. ડી. ટંડન એટલે પુરુષોત્તમ દાસ ટંડન. નેહરુ સાથે ઘણા સારા સંબંધ પણ વખત જતાં સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ નજીક આવ્યા. નેહરુ સાથે મતભેદો થયા. કનૈયાલાલ મુનશીના સારા મિત્ર. અભ્યાસના માધ્યમ તરીકે માતૃભાષા જ હોવી જોઈએ એવો આગ્રહ. હિંદુત્વમાં અખંડ શ્રદ્ધા. પુરુષોત્તમ દાસ ટંડને સંસદસભ્ય તરીકે પોતાને મળતા ચારસો રૂપિયા જેટલા માસિક વેતન-ભથ્થાના ચેકને ડાયરેક્ટ જ કોઈ સામાજિક સેવાના કાર્યમાં વાપરવાની સૂચના આપી હતી. કારણ પૂછતાં જણાવતા કે મારે સાત દીકરા છે. સાતેય કમાય છે અને દર મહિને મને સો-સો રૂપિયા મોકલે છે. મારા માટે તો એ સાતસોમાંથીય ખર્ચ કર્યા પછી મહિનાને અંતે રકમ વધે છે જેને હું કોઈક સારી જગ્યાએ દાનરૂપે મોકલી દઉં છું. તો પછી આ વધારાના ચારસો રૂપિયા હું શું કામ લઉં? ૧૯૬૨માં એમનું અવસાન થયું તેના આગલા વર્ષે એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.

પુરુષોત્તમ દાસ ટંડને ફિરોઝ ગાંધી વિશે પુસ્તક લખવા માટે ઘણું પ્રોત્સાહન આપ્યું અને પોતાની જેટલી તસવીરો, જેટલા લેખો, દસ્તાવેજો, પુસ્તકો તેમ જ ફિરોઝ ગાંધીની જેટલી સ્મૃતિઓ પોતાના મનમાં હતી- તે બધું જ બર્ટિલ ફૉકને આપ્યું.

બર્ટિલ ફૉક માટે ફિરોઝ ગાંધી જીવનકથા લખવા માટે એક મોસ્ટ ફેસિનેટિંગ વિષય છે. દુનિયામાં એવી કેટલી વ્યક્તિ હશે જેમના સસરા, જેમની પત્ની અને જેમનો દીકરો- ત્રણેય વડા પ્રધાનપદે રહ્યા હોય. અફકોર્સ પત્ની અને પુત્ર તો એમની ગેરહયાતીમાં એ પદને પામ્યા. ફિરોઝ ગાંધી ૧૯૬૦માં માત્ર ૪૮ વર્ષની ઉંમરે ગુજરી ગયા. તબિયતનું ધ્યાન નહોતા રાખતા. સિગારેટ બહુ પીતા.

(ગઈ કાલે લખ્યું હતું કે શાંતિ ભૂષણે ફિરોઝ ગાંધીની એક જીવનકથા લખી જે અપ્રાપ્ય છે. શાંતિ નહીં શશી ભૂષણે એ બાયોગ્રાફી નામે ‘દેશભક્ત ફિરોઝ ગાંધી’ લખી છે જે ૧૯૭૬માં છપાઈ અને પછી ૧૯૭૭માં એનું અંગ્રેજી વર્ઝન ‘ફિરોઝ ગાંધી: સોશ્યલિસ્ટ, ડેમોક્રેટ, સેક્યુલર’ના શીર્ષકથી પ્રગટ થયું.)

બર્ટિલ ફૉકે ૨૦૦૯માં આ જીવનકથાની હસ્તપ્રત ફરી પૉલિશ કરી. ૨૦૧૫માં એક ફાઈનલ ટચ આપીને ૨૦૧૬માં પબ્લિશર્સને સોંપી. અને રોલી બુક્સે એને પ્રગટ કરી.

ફિરોઝ ગાંધી જેવા વિષય પર કામ કરવું ખૂબ અઘરું છે. ઇન્દિરા ગાંધીની બાયોગ્રાફી લખવી આસાન છે. એમના વિશે ઢગલો માહિતી તમને આસાનીથી મળી જાય. ફિરોઝ ગાંધી વિશે લખવામાં અલમોસ્ટ ચાર દાયકા વીતી જાય, કારણ કે સૌથી પહેલાં તો એ શોધવું પડે કે ફિરોઝ ગાંધી પારસી હતા કે મુસલમાન?

કાલે.

આજનો વિચાર

ના તને હારી ગયો છું,
ના તને જીતી ગયો છું.
કોઈને અગવડ પડે નહીં,
એમ બસ વીતી ગયો છું.

– અંકિત ત્રિવેદી

એક મિનિટ!

લગ્ન પછી છોકરો બ્યુટી પાર્લરમાં ગયો જ્યાં એની પત્ની તૈયાર થવા ગઈ હતી. છોકરાએ પાર્લરવાળીને એક આઈફોન-સેવન ભેટમાં આપ્યો અને જતો રહ્યો.

બ્યુટી પાર્લરવાળી મૅડમે ખુશીમાં આઈફોનનું બૉક્સ ખોલ્યું. અંદરથી નોકિયા-વનવનઝીરોઝીરો નીકળ્યો અને સાથે એક ચિઠ્ઠી હતી: ‘સેમ પિન્ચ!’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 15 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *