સોશ્યલ મીડિયા અને ફિરોઝ ગાંધી

ટ્વિટર, ફેસબુક અને વૉટ્સએપ જેવા સોશ્યલ મીડિયા એક જમાનામાં સેક્યુલરોએ હાઈજેક કરી લીધેલા. તે વખતે રાષ્ટ્રવાદીઓ કાં તો આળસુ હતાં, કાં સેક્યુલરોના અટેકથી ડઘાઈ ગયેલા, કાં એમની સોશ્યલ મીડિયાના ઈમ્પેક્ટની ગતાગમ નહોતી. આ ત્રણ કારણો ઉપરાંત ઘણું મોટું કારણ એ કે રાષ્ટ્રવાદીઓ ડરતા હતા- સેક્યુલરો અમને ચૂંથી નાખશે, સેક્યુલરો અમને ક્યાંયના નહીં રહેવા દે, સેક્યુલરો જાહેરમાં અમારાં લૂગડાં ઉતારશે, સેક્યુલરોની સ્માર્ટ દલીલોની આગળ અમે રોંચા જેવા ગામડિયા દેખાશું- આવો ડર. સાચું જાણતા હોવા છતાં સાચું બોલીશું તો ફેંકાઈ જશું એવો ડર. પણ ૨૦૧૪ની ચૂંટણી દરમ્યાન અને તે પછી રાષ્ટ્રવાદીઓનો આ ડર નીકળી ગયો અને સાથે જ પેલાં ત્રણ કારણો પણ દૂર થઈ ગયાં. સોશ્યલ મીડિયા પર રાષ્ટ્રવાદીઓ હાવી થઈ ગયા અને સેક્યુલરો બિચારા ફરિયાદ કરતા થઈ ગયા કે રાષ્ટ્રવાદીઓ અમને કનડે છે, રાષ્ટ્રવાદીઓ અનફેર છે, અમને ટ્રોલ કરે છે, રાષ્ટ્રવાદીઓ સોશ્યલ મીડિયા પર ચડી બેઠા છે, સોશ્યલ મીડિયાને એમણે હાઈજૅક કરી લીધું છે.

એ તો થવાનું જ હતું. આ દેશમાં ૮૫ ટકા રાષ્ટ્રવાદીઓ છે અને આની સામે સેક્યુલરો કેટલા? બહુ બહુ તો ૧ ટકો જેટલા. ક્યાં એક ટકો અને ક્યાં પંચ્યાશી ટકા. અત્યાર સુધી સેક્યુલરોએ માની લીધું હતું કે અમે ભલે એક ટકા જેટલી મિનિસ્ક્યુલ લઘુમતીમાં હોઈએ પણ દેશમાં અમારું જ રાજ ચાલવાનું છે અને કમનસીબે, તેઓ સાચા હતા, સાઠ-સિત્તેર વર્ષ સુધી નહેરુની લેગસીને કારણે આ માળા બેટાઓ આપણા બધાના બાપ થઈને બેઠા હતા. પણ સોશ્યલ મીડિયામાં છેલ્લાં ત્રણ વર્ષમાં જે થયું છે તે હવે પછીનાં વર્ષોમાં મીડિયામાં- પ્રિન્ટ, ટીવી, તમામ મીડિયામાં- થવાનું. ૨૦૦૨માં, તે પહેલાં ૧૯૯૨માં અને ઈવન આજે પણ આપણે ફરિયાદ કરીએ છીએ કે લાર્જલી મીડિયા હિંદુવિરોધી છે. આગામી વર્ષોમાં સેક્યુલરો આવી જ ફરિયાદ કરતા હશે કે સમગ્ર મિડિયા સાલું હિંદુતરફી બની ગયું છે.

સોશ્યલ મીડિયા પર રાષ્ટ્રવાદીઓ હાવી થઈ ગયા તે સારું જ થયું. પણ આવેશમાં ને આવેશમાં કેટલાક લોકો એવી હકીકતોને વાઈરલ કરે છે જે એપરન્ટલી હિંદુત્વ અને રાષ્ટ્રવાદનો ફેલાવો કરતી હોય પરંતુ હોય એ વાત પાયાથી જ ખોટી. વચ્ચે એનડીટીવીની ખિલાફ સમાચાર આવ્યા તો કેટલાક લોકોએ એ ચેનલના લોકો વિશે એવી મનઘડંત વાતો ફેલાવવા માંડી જે વાંચવામાં પણ તમને હાસ્યાસ્પદ લાગે, જેને કોઈ ધડમાથું જ ન હોય. એટલું ઓછું હોય એમ મારા પ્રણવ રૉય વગેરે વિશેના લેખોની સિરીઝનો મને પૂછ્યાકર્યા વિના અનુવાદ કરીને મારા નામે એ લેખોમાં એવા એવા આક્ષેપો એનડીટીવી વિશે ઘુસાડ્યા હોય જે તદ્દન બેપાયાદાર હોય. આવા ઉત્સાહી લોકોને ખબર નથી કે આ કંઈ રાષ્ટ્રવાદ ન થયો. ક્યારેક મને ડાઉટ લાગે છે કે આવું કરવાનું સેક્યુલરોને જ સૂઝે જેઓ રાષ્ટ્રવાદીઓને બૂરા ચીતરવા માટે આવાં કાળાં કામ કરતા હશે.

સોશ્યલ મીડિયા કેટલું પાવરફુલ છે અને ભારતમાં પણ તેનો કેટલો પોઝિટિવ ઉપયોગ થઈ શકે છે, કેટલી મોટી જવાબદારીઓ સોશ્યલ મીડિયાને સોંપી શકાય છે તે સમજ આપવાનો સૌથી મોટો જશ જો કોઈ એક જ વ્યક્તિને આપવાનો હોય તો તે નરેન્દ્ર મોદીને આપવો પડે. એમણે વડા પ્રધાનપદની રેસમાં ઊતરતાં વેંત સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવા માંડ્યો. વડા પ્રધાન બન્યા પછી તો એથી ય વધુ ઉપયોગ કર્યો. એમનું જોઈને રાષ્ટ્રવાદીઓને ચાનક ચડી અને રાષ્ટ્રવાદીઓની પ્રચંડ હાજરી સોશ્યલ મીડિયા પર છવાઈ ગયેલી જોઈને સેક્યુલરોના પેટમાં એવી ફાળ પડી કે બિચારા હાંફળાફાંફળા થઈને તિતરભીતર થઈ ગયા. અત્યાર સુધી કેવું હતું કે મીડિયામાં સેક્યુલરિયાઓ જે જુઠ્ઠાણું ચલાવતા એને સોશ્યલ મીડિયાના સેક્યુલરિયાઓ બઢાવો આપતા અને વાઈસે વર્સા. પણ હવે મીડિયામાં સેક્યુલરિયાઓ જરા સરખું જુઠ્ઠાણું ચલાવે કે બીજી જ મિનિટે રાષ્ટ્રવાદીઓનો વિશાળ વર્ગ સોશ્યલ મીડિયામાં એમની પોલ ખુલ્લી પાડી દે છે. સેક્યુલર મીડિયાના જુઠ્ઠાણાની આવરદા રાષ્ટ્રવાદી સોશ્યલ મીડિયાને કારણે સાવ ઘટી ગઈ છે, સમજો ને કે એ જુઠ્ઠાણાઓનું લગભગ લગભગ બાળમરણ જ થઈ જતું હોય છે. સેકયુલરિયાઓ ફ્રસ્ટ્રેટ ન થાય તો જ નવાઈ.

પ્રસ્તાવના કરતાં કરતાં એક આખો લેખ પૂરો થઈ ગયો. હું લખવા બેઠો હતો ફિરોઝ ગાંધી વિશે. જવાહરલાલ નહેરુના આ જમાઈ મુસ્લિમ હતા અને નહેરુ ફૅમિલીના જમાઈ તરીકે ફિરોઝ ગાંધીએ પણ (રોબર્ટ વડરા જેવાં) કાળાં કામો કર્યા હતા. એવો એક મેસેજ ઘણા વખતથી સોશ્યલ મીડિયામાં ફરે છે. મારી સાથેની વાતચીતમાં કોઈ એનો ઉલ્લેખ કરે તો હું યશાશક્તિ જવાબ આપતો પણ મારી પાસેની ઑથેન્ટિક માહિતી અપૂરતી હતી એટલે મને જ મારી દલીલો પાંગળી લાગતી. ફિરોજ ગાંધી વિશે સૌથી પહેલાં શાંતિ ભૂષણે એક સ્વતંત્ર પુસ્તક લખ્યું છે જે બજારમાં અપ્રાપ્ય છે. ફિરોઝ ગાંધી વિશેની છૂટીછવાયી વિગતો તમને નહેરુ, ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધી વિશે લખાયેલાં પુસ્તકોમાંથી અને બીજાં કેટલાંક પુસ્તકોમાંથી મળી રહે પણ તે માહિતીઓ એવી જ હોય- છૂટીછવાયી. એ માહિતીઓ પરથી કોઈ ચોક્કસ ચિત્ર ઊભું ન થઈ શકે. શોધતાં શોધતાં મને બર્ટિલ ફૉક નામના સ્વિડિશ પત્રકારે લખેલા એક દળદાર પુસ્તક વિશે માહિતી મળી. હજુ ગયા વર્ષે જ પ્રગટ થયું છે પણ જેની પાછળ ૪૦ વર્ષનું, હા પૂરા ચાર દાયકાનું રિસર્ચવર્ક બોલે છે એ પુસ્તકનું નામ છે ‘ફિરોઝ ધ ફર્ગોટન ગાંધી.’ નેટ પર તપાસ કરશો તો ઈઝીલી મળી જશે. કાલે મારે ફિરોઝ ગાંધી વિશે સોશ્યલ મીડિયામાં ફરતા એ સંદેશાના સંદર્ભમાં આ પુસ્તકના રેફરન્સથી વાત કરવી છે.

આજનો વિચાર

તમારો ફોન સ્વિચ ઓફ કરી દો. શાંતિથી બેસો અને તમારા શ્ર્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. કુદરતે તમને મોકલેલા અગણિત મિસ્ડ કૉલ અને અનેક વંચાયા વિનાના મેસેજ તમને જોવા મળશે.

– વૉટ્સ એપ પર વાંચેલું.

એક મિનિટ!

સરકારી આંકડા કહે છે કે આપણા પછીની પેઢીઓને વાઘ જોવા નહીં મળે.

તો?

એમાં આપણે શું કરીએ?

એમ તો આપણે પણ ડાયનોસોર ક્યાં જોયા છે?

ફરિયાદ કરી કોઈ દિવસ?

મુદ્દાની વાત એ છે કે આ દેશમાં ૧૦૦૦ છોકરાની સામે ૯૪૦ છોકરીઓ જ છે.

માટે લડકી બચાવો.

વાઘને પછી બચાવી લઈશું.

આફટર ઑલ,

બાઈક પર પત્નીને બેસાડવાની છે, વાઘને નહીં!

( મુંબઇ સમાચાર : બુધવાર, 14 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *