બાટાનાં ગાદીવાળાં ચંપલ

જો ઈશ્વર એમ કહે કે ભઈલા, આ તારી દૌલત – શોહરતના બદલામાં હું તને તારું બચપન પાછું આપું છું તો હું શું કરું. મેં ભગવાનની આ એક્સચેન્જ ઓફર સ્વીકારી ન હોત.

કવિઓ, શાયરો માટે આવું બધું બરાબર છે અને કોઈ ગાય તો બે ઘડી મોજ પણ આવી જાય, પરંતુ આ પ્રકારની રોમાન્ટિસિઝમ મારા મિજાજમાં નથી. મને વિતેલા દિવસ પર ઉડતી નજર નાખીને આવતીકાલ તરફ જોવું ગમે છે. નોસ્ટેલ્જિયા મારા માટે એક કિંમતી જણસ છે, ખૂબ મોંઘી મૂડી છે – પણ અતીતની સુવર્ણમુદ્રાઓને રોજરોજ તિજોરીમાંથી બહાર કાઢીને ગણ્યા કરવાની ના હોય. વચ્ચે મારા વિશે પૂછવામાં આવેલા પ્રોફાઈલનો સાર હતો: તમારા બેડરૂમમાં શું શું છે? મેં લખ્યું થોડાક ડ્રીમ્સ, થોડાક નાઈટમેર્સ અને ખૂબ બધા ડે ડ્રીમ્સ…

અશ્ર્વિન વાડીલાલ શાહ અને સુરબાળા અશ્ર્વિન શાહનું હું બીજું સંતાન એટલે મા-બાપને કે કુટુંબમાં અન્ય લોકોને પ્રથમવાર ઘોડિયું બંધાવાનો રોમાંચ નહીં જ હોય. પહેલો દીકરો અને આ બીજો પણ દીકરો જ એટલે લક્ષ્મીજી પધાર્યાંની ખુશાલી પણ નહીં જ હોય. જો કે, આ રોમાંચ – ખુશાલીની ગેરહાજરી મારી કવિકલ્પના છે. (અહીં કવિકલ્પના એટલે ‘કવિની’ કલ્પના નહીં, ‘કવિ જેવી’ કલ્પના). મને ત્યારે કે અત્યાર સુધી આવું કંઈ લાગ્યું નથી. મજાકમાં હું પપ્પા – મમ્મીને આ ઉંમરે કહું ખરો કે તમને તો મોટો પરાગ વહાલો છે અને નાની અપેક્ષા વહાલી છે. પેરન્ટ્સની હયાતી દરમ્યાન હું એમને કહેતો કે : એ બંને જણા દર અઠવાડિયે અમેરિકા- નાસિકથી તમારી જોડે વડોદરા ફોન પર નિયમિત વાતો કરે છે એ તમે બધાંને કહો છો, પણ હું દર મહિને આવવા જવાની લાંબી મુસાફરી કરીને કલાકો સુધી તમને રૂબરૂ મળતો હોઉં છું એવું તો તમે કોઇનેય નથી કહેતા..!

છુટીછવાયી યાદો રિવાઈન્ડ થઈ રહી છે. મારી અગિયાર વરસની ઉંમરે પપ્પાએ બે એક વર્ષ વાપીમાં કામ લીધાં હતાં – જીઆઈડીસીનું સંકુલ નવું નવું ઊભું થઈ રહ્યું હતું ત્યાં ફેક્ટરીઓ બાંધવાના. પપ્પા બી.ઈ. (સિવિલ) એન્જિનિયર અને ક્ધસ્ટ્રક્શનનો એમનો પોતાનો ધંધો હતો. એક દિવસ મેં મુંબઈના અમારા સૌથી પહેલા નિવાસસ્થાન, શિવાજી પાર્ક વિસ્તાર પાસેના સિટી લાઈટ સિનેમાની સામે એ-ફાઇવ,, દીનાથ વાડીના અમારા નેક્સ્ટ ડોર નેબર સાવંતકાકા પાસે મેઇડ ઇન ચાઈનાનું ‘હીરો’ બ્રાન્ડનું માઉથ ઓર્ગન જોયું. તે વખતે ચાઈનાથી ક્વોલિટીવાળો માલ આવતો હતો. મેં મમ્મી આગળ જીદ કરી. મારે પણ આવું મોઢેથી વગાડવાનું વાજું જોઈએ. રોજ જીદ કરતો. વીક ઍન્ડમાં પપ્પા આવ્યા. બેઉ દિવસ એમની પાસે પણ ધમપછાડા કર્યા. સોમવારે સવારે, છેવટે એમણે વાપી જતાં જતાં મમ્મીને કહેવું પડ્યું કે વાજું અપાવી દેજે. સોમવારે એ વિસ્તારની દુકાનો બંધ. માએ બીજે દિવસે રમકડાંની દુકાને લઈ જઈને પાંચ રૂપિયાનું દેશી બનાવટનું વાજું અપાવ્યું અને આપણે કલ્યાણજી – આણંદજી બની ગયા.

થોડાં વર્ષો પછી જ્યારે મને રિયલાઈઝ થયું કે એ વર્ષો તો પપ્પાના સ્ટ્રગલિંગ યર્સ હતાં. પપ્પા પોતે તે વખતના થર્ડ ક્લાસની મુસાફરી કરતા. વાપીમાં પણ પોતાના સ્ટાફ સાથે તાણીતૂસીને રહેતા અને ઘરથી સાઈટ જવા આવવા એક લ્યુના વસાવ્યું હતું. જૂની પાર્ટનરશિપમાંથી છુટા થઈને પ્રોપરાયટર તરીકેનો આ એમનો પહેલો ધંધો હતો. બજારમાંથી મોંઘી ઈંટ ખરીદવી ના પડે એટલે બેકવર્ડ ઈન્ટીગ્રેશન કરીને સાઈટ નજીક પોતાનો ભઠ્ઠો પણ ચાલુ કર્યો હતો. મને મારી જાત માટે ખૂબ શરમ છૂટી હતી.

આ બનાવના થોડાક મહિના પહેલાં કે પછી, મારાં ચંપલ નવાં લેવાનાં હતાં. થોડે દૂર, બાટાની દુકાનમાં મમ્મી મને લઈ ગઈ. બાર – તેર રૂપિયા (અને ઉપર પંચાણું પૈસા)ના ગાદી વગરનાં સાદા ચંપલ હતાં અને એનાથી પાંચેક રૂપિયા વધુવાળાં ગાદી સાથેનાં ચંપલ હતા. નેચરલી મને મોંઘા ચંપલ વધારે ગમ્યાં. મમ્મીએ સમજાવ્યું કે અત્યારે જરૂર છે એટલે સાદાં લઈ લઈએ. ભલે. ચંપલ જોઈને ઘરે પાછાં આવ્યાં મમ્મીએ મને દસ – દસ રૂપિયાની બે નોટ આપીને કહ્યું કે તું પેલા તેર રૂપિયાવાળાં ચંપલ લઈ આવ. હું જઈને બધા પૈસા વાપરી આવ્યો. ગાદીવાળાં ચંપલ જોઈને મમ્મી ગુસ્સે થઈ ગઈ. ખૂબ રોષે ભરાઈ. નવા ને નવા ચંપલથી મને ખૂબ ફટકાર્યો. પછી હું અને મમ્મી બેઉ બહુ રડ્યાં. સાંજે મને લઈને પાછી બાટાની દુકાને આવી અને દુકાનદારને સમજાવ્યો કે છોકરાએ ભૂલ કરી છે, હજુ વાપર્યા પણ નથી (જો કે, એ ખોટું બોલી કહેવાય, પહેરવામાં નહીં તો બીજા ઉપયોગમાં, પણ વપરાયાં તો હતાં જ!), તમે બદલી આપો. ચંપલ બદલાવીને, ઉપરના પૈસા પાછા લઈને અમે ઘરે આવ્યાં.

એ વર્ષોની પપ્પા – મમ્મીના આર્થિક સંઘર્ષની વાતો તો મોટા થયા પછી ખબર પડતી ગઈ. તે ગાળામાં મારા કાકા વડોદરા એમ.એસ.માંથી કોમર્સ ગ્રેજ્યુએટ થઈને સી.એ. થવા મુંબઈ આવ્યા. અમે સાથે જ રહેતા. ઘરમાં વાસણો પિત્તળનાં હતાં. માત્ર પપ્પા માટે એક સ્ટીલની થાળી વસાવી હતી. અજિતકાકા અમારી સાથે રહેવાના હોય અને બેઉ ભાઈ જમવા બેસે ત્યારે મોટા ભાઈની સ્ટીલની થાળીની બાજુમાં નાનાની પિત્તળની થાળી ના પીરસાય એ માટે મમ્મીએ કાકા આવ્યા તે પહેલાં જ પસ્તીના પૈસા બચાવવાની શરૂઆત કરી દીધી હતી. એમાં થોડોક ભંગાર વેચાતા પૈસા ઉમેરીને નવી નક્કોર સ્ટીલની થાળી લઈ આવી હતી. કાકાને એ નવી થાળીમાં પીરસાતું. મને તો આ બધું યાદ પણ નથી અને તે વખતે મેં આવું નોટિસ પણ ક્યાંથી કર્યું હોય. બહુ મોટા થયા પછી મમ્મી પાસે સ્મૃતિનો ડાબરો ખોલાવ્યો ત્યારે આ સ્ટીલની થાળી એમાંથી બહાર નીકળી હતી.

કાચી ઉંમરમાં મારી સમજ પણ કાચી હતી. એ તો એવું જ હોય. ખરેખર? ના. હું નથી માનતો કે એ તો એવું જ હોય. ધારે તો છોકરાઓ સમજી શકે, ધારે તો મા-બાપ પણ એ ઉંમરેય સમજાવી શકે.

મારો મોટો દીકરો તલ્કીન જ્યારે મારી બાટાની ગાદીવાળી ચંપલવાળી ઉંમર કરતાંય ચારેક વર્ષ નાનો હતો ત્યારે એની વર્ષગાંઠે હું એને કોઈ મનગમતી ગિફ્ટ અપાવવા અમારા ૧૭ વર્ષ પછીના નવા નિવાસસ્થાનથી નજીક પડતી જુહુ સ્કીમની મોટી રમકડાંની દુકાને લઈ ગયેલો. મારે એને બસો-ત્રણસોનાં સ્કેટસ અપાવવાં હતાં. એણે જોયાં પણ કહે કે સ્કેટિંગથી ડર લાગે છે. ભલે. બીજી બે ચાર છ ચીજો જોઈ, બજેટમાં બેસતી હતી તે બધી જોઈ. પણ તલ્કીનને કોઈ પસંદ ના આવી. છેવટે એણે કેસિયોનું નાનું સિન્થેસાઈઝર જોયું – અઢારસો રૂપિયાનું. એને ગમી ગયું. મેં ડરતાં ડરતાં એને કહ્યું કે બેટા, એટલા પૈસા તો આપણી પાસે છે નહીં, આપણું એટલું બજેટ જ નથી, ના પોસાય આપણને. તલ્કીને તરત એ દુકાનદારના ટેબલ પર મૂકી દીધું. મને ગિલ્ટ ફીલ થયા કરે. હું એને આ બતાવું, તે બતાવું – બજેટમાં સો – પચાસ રૂપિયા વધારે લાગે એવી ચીજો પણ કઢાવી. પણ એને કશું ગમ્યું નહીં. હવે? ડેડી, જવા દે ને, ફરી ક્યારેક તું કંઈ પણ અપાવજે આજે રહેવા દઈએ! દીકરાએ રિસાયા વગર, બાપાને રોન્ગ બોક્સમાં મૂકવાનો ઍટિટ્યુડ બતાડ્યા વગર ખૂબ સાહજિકતાથી કહ્યું હતું. વરસગાંઠને દિવસે કોઈ બાળક કશું જ ખરીદ્યા વિના રમકડાંની દુકાનમાંથી બહાર નીકળીને હસતે મોઢે ઘરે પાછો આવે એવું બને ત્યારે બાપને કેવું લાગે?

બાટાની એ ચંપલ સાચવી રાખી હોત તો બેડરૂમ બંધ કરીને મેં પોતે જ મારા માથા પર ફટકાર્યા હોત.

આજનો વિચાર

દરેક શાકભાજી ને મૂઢમાર મારી ને સાચી હકીકત ને ઢાંકી દેવાની રેસિપી એટલે—-પાંઉભાજી.

– વોટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

નટો – “એલા કેશુ તું આયા શું કરશ…

કેશુ – “કઈ ની, એક દોસ્તાર ને મળવા આવ્યો તો…

બેય ૭.૩૦ સુધી બેઠા…

કેશુ – “નટા સાચું કે તું અહી શું કામ આવ્યો છો?

નટો – “એલા, ફેસબુકમાં પ્રિયા લાડલી નામની સોકરીને એડ કયરી તી. એને મળવા આવ્યો સુ.

કેશુ – “તું પરી એન્જલ સો??

નટો – “હા, પણ તને કેમ ખબર?

કેશુ – “હું પ્રિયા લાડલી…

બેય એક બાઈકમાં ગામડે પાસા આવી ગયા…

તે દિવસ અને આજની ઘડી, નટા એ હજુ ફેસબુક ખોલ્યું નથી.

( મુંબઇ સમાચાર : સોમવાર, 12 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *