જી.ઈ.ની ₹પ૦૦ કરોડની ખોટ, પ્રણયનો ₹પ૦૦ કરોડનો ફાયદો

વિજય માલ્યા ૯,૦૦૦ કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવીને લંડન ભાગી ગયો છે એની પાસેથી પૈસા પાછા મેળવવાને બદલે સરકાર અમારી પાછળ પડી ગઈ છે એવી બાલિશ દલીલ એનડીટીવીએ જે દિવસે પ્રણય રૉયના ઘરો પર દરોડાઓ પડ્યા તે દિવસે પોતાની વેબ એડિશન પર તેમ જ ટીવી ચેનલ પર કરી હતી. વળી એમ પણ કહ્યું કે ‘આઈ.સી.આઈ. સી.આઈ. તો પ્રાઈવેટ બૅન્ક છે એઝ ઈફ પ્રાઈવેટ બૅન્કની સાથે મળીને અમે કંઈ પણ આર્થિક કૌભાંડ કરીએ એમાં સરકારના બાપનું શું જાય? આ દલીલ ભોળા દર્શકોની આંખમાં ધૂળ નાખનારી હતી. સી.બી.આઈ. પાસે ખાનગી માલિકીની બૅન્ક દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓની તપાસ કરવાના પાવર્સ છે.

ખંધાર હાઈજૅક પ્રકરણ વખતે મીડિયાની ફરજ હતી કે જે ૧૬૨ જેટલા મુસાફરોના જાન જોખમમાં હતાં એમના સગાંવહાલાં પાસે જઈને ટીવી પર બોલાવડાવે કે: ‘મારો પતિ/મારી પત્ની/મારો દીકરો/મારા પિતા વગેરેની સલામતી હું ઈચ્છું છું, પણ એમને અપહરણકર્તાઓ પાસેથી છોડાવવા માટે ખૂંખાર આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવાની શરત મને મંજૂર નથી. મારા માટે દેશ પહેલો છે, પછી મારું સગુંવહાલું. દેશ માટે એક સૈનિક જેમ શહીદ થઈને એના માટે અજાણ્યા એવા કરોડોના જાન બચાવી લે છે એમ મારું સગું પણ આ કમનસીબ બનાવમાં શહીદ થઈ જશે તો હું શહીદનો પુત્ર/શહીદની પત્ની વગેરે હોવાનું ગૌરવ અનુભવીશ પણ કોઈ પણ સંજોગોમાં અપહરણકર્તાઓની એક પણ શરત મંજૂર ન રાખે એવી સરકારને હાર્દિક અપીલ કરું છું, કારણ કે જો આતંકવાદીઓને છોડી દેવાની માગણી સંતોષવામાં આવશે તો ફરી તેઓ દેશ માટે ખતરો ઊભો કરશે.’ (અને થયું પણ એવું જ મુંબઈમાં ટ્વેન્ટીસિક્સ/ઈલેવનવાળા તાજ-ઑબેરોય-લિયોપોલ્ડ વગેરેના હુમલામાં ખંધાર વખતે છોડી મુકાયેલા આતંકવાદીઓ જ સૂત્રધાર હતા.)

આવી અપીલો પ્રસારિત કરવાને બદલે પ્રણય રૉયની નવીનવેલી સ્ટાર ન્યૂઝના બરખા દત્ત તથા રાજદીપ સરદેસાઈ નામના બે માથે ચડાવેલા રિપોર્ટરોએ પ્લેનમાં મુસાફરોના ભારતમાંના સગાંઓ પાસે જઈ જઈને, એમના મોઢામાં માઈક ખોસી ખોસીને પૂછ્યું: શું તમને તમારા પતિ/દીકરા વગેરેની ચિંતા નથી થતી? શું તમે એમને જીવતા પાછા આવે એવું જોવા ઈચ્છતા નથી? શું ભારત સરકાર (વાજપેયીની સરકાર)ને તમારાં સગાંની સહેજ પણ પરવા નથી એવું તમને લાગે છે? આવા સવાલોના જવાબમાં બિચારા અબુધ સગાંઓ છાતી કૂટતા હોય, રડતા-કકળતા હોય એવાં કરુણ અને હૃદય દ્રાવિક દૃશ્યો ઊભા કરતાં જે કરોડો લોકો ટીવી પર જોતા. દેશમાં જાણે એવું વાતાવરણ આ બે સેક્યુલર પત્રકારોની જોડીએ ઊભું કર્યું કે સરકાર બિલકુલ નિષ્ઠુર છે અને જો સરકારમાં સહેજ પણ દયાનો છાંટો હોય તો એણે આ ૧૬૨ ઉતારુઓને કોઈ પણ ભોગે (રિપીટ કોઈ પણ ભોગે) સહીસલામત ભારત પાછા લઈ આવવા જોઈએ. સરકાર પર પ્રચંડ પ્રેશર નાખીને પાકિસ્તાનનું ભાવતું કરાવવાનું આ જર્નલિઝમ ભારત વિરોધી હતું.

ભારત વિરોધી રિપૉર્ટિંગ કરવાનો એનડીટીવી પરનો પ્રથમ આક્ષેપ નહોતો. એનડીટીવીના સીઈઓ ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફના દીકરા હતા તે તમે હવે જાણો છો. લશ્કર અને સરકારમાંના ઉચ્ચ સંપર્કો થકી એનડીટીવીએ જૂન ૧૯૯૯માં કારગિલની લડાઈનું લાઈવ કવરેજ કરવા બરખા દત્તને મોકલી. તે વખતે કેટલાય બેવકૂફ ઈન્ટેલેક્ચ્યુઅલ્સ બરખાની બહાદુરીનાં ઓપનલી વખાણ કરતાં થાકતા નહોતા. કારગિલના કવરેજમાં બરખા દત્તના રિપોર્ટિંગની બેવકૂફીઓને લીધે દુશ્મન દળોને ભારતીય લશ્કરની ટુકડીઓની મૂવમેન્ટ ખબર પડી જતી હતી. કારગિલમાં બરખાએ કરેલી કામગીરી બદલ કૉન્ગ્રેસ સરકારે એને પદ્મશ્રીથી નવાજી હતી. હકીકતમાં તો પાકિસ્તાન સરકારે એનું બહુમાન કરવાનું હોય.

કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે ઊંચકીને નવા ઈન્વેસ્ટરોના ગળે પહેરાવવા, વિદેશી મૂડીરોકાણને લગતા કાયદાઓને ચાતરીને પરદેશી ઈન્વેસ્ટમેન્ટ ભારતમાં લાવવું, ખોખા કંપનીઓ દ્વારા કાળું ધન ધોળામાં ફેરવીને મની લૉન્ડરિંગ કરવું – એનડીટીવી પરના આવા અનેક આક્ષેપોને લગતી ફાઈલો હજુય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઈન્કમ ટેક્સ અને સેબી પાસે છે.

બે ક્લાસિક કિસ્સાઓ જણાવીને વાત પૂરી કરીએ.

એનડીટીવીએ ઈન્ડિયા બુલ્સ પાસેથી જે લોન લીધી હતી તે ચૂકવવા એણે આઈસીઆઈસીઆઈ બૅન્ક પાસેથી બીજી લોન લીધી હતી. આ બીજી લોન રૂ. ૩૭૫ કરોડ રૂપિયાની હતી જે આરઆરપીઆર હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીને આપવામાં આવી હતી. આ કંપની (આરઆરપીઆર) રાધિકા રૉય અને પ્રણવ રૉયની ખાનગી માલિકીની હતી જે માત્ર કાગળ પરની કંપની હતી, જે કોઈ ધંધો નહોતી કરતી, જેની પાસે કોઈ અસેટ્સ નહોતી, જ્યાં કોઈ ટર્નઓવર થતું નહોતું. રિઝર્વ બૅન્કના નિયમોને ચાતરીને આ લોન આપવામાં આવી હતી. આ લોન રૉયદંપતીએ પાછી વાળી ત્યારે બૅન્કને અલમોસ્ટ રૂ. પ૦ કરોડ જેટલી નુકસાની થઈ હતી. બૅન્કના ઉચ્ચ અધિકારીઓ તથા સંચાલકો સાથેની મિલીભગત વિના આ કૌભાંડ આચરવું શક્ય નથી. ર૦૦૯માં આ બન્યું ત્યારે કૉન્ગ્રેસની સરકાર હતી. રિઝર્વ બૅન્કે તેમ જ સી.બી.આઈ.એ આ ફ્રોડની તપાસનો આદેશ તે વખતે કેમ ન આપ્યો તે સમજી શકાય એવી વાત છે

બીજો કિસ્સો. જનરલ ઈલેક્ટ્રિક નામની અમેરિકન કંપનીનું નામ તમે સાંભળ્યું છે. થોમસ આલ્વા એડિસન (જેણે વીજળીનો બલ્બ શોધ્યો અને બીજી ઘણી શોધખોળો કરી.) દ્વારા સવાસો વર્ષ પહેલાં સ્થપાયેલી આ તોતિંગ અમેરિકન મલ્ટિનેશનલ હવે તો અમેરિકાની ટોચની પ૦૦ કંપનીઓની યાદીમાં છઠ્ઠું સ્થાન ધરાવતી થઈ ગઈ છે. અને અનેક ધંધાઓમાં હાથ નાખતી થઈ ગઈ છે. આ કંપનીની એક સબ્સિડિયરી કંપની છે નેશનલ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન-યુનિવર્સલ (એનબીસીયુ). ર૦૦૮-૯ દરમિયાન આ સબ્સિડિયરીએ એનડીટીવીની એક ખોખા કંપની (જે નેધરલૅન્ડઝમાં એન.એમ.આઈ.એચ.-એનડીટીવી નેટવર્ક્સ ઈન્ટરનેશનલ હોલ્ંિડગ્સના નામે રજિસ્ટર કરવામાં આવી હતી તે) ને રૂ. પ૮૪.૪૬ કરોડની રકમ ટ્રાન્સફર કરીને એની પાસેથી શેર્સ ખરીદ્યા. નેક્સ્ટ ફિનાન્શિયલ યરમાં આ જ શેર એનડીટીવીની બીજી એક ખોખા કંપની (એનડીટીવી નેટવર્ક્સ બીવી)ને જીઈની સબ્સિડિયરીએ માત્ર રૂ. ૫૮ કરોડમાં વેચી નાખ્યા. જીઈ જેવી રેપ્યુટેડ કંપની બાર જ મહિનામાં પાંચસો કરોડ રૂપિયા કરતાં વધુની ખોટ આ રીતે શું કામ કરે? આ જ સવાલને બીજી રીતે મૂકીએ. જીઈ શું કામ એનડીટીવી એટલે કે પ્રણય રૉય અલમોસ્ટ જેને ‘રાતોરાત’ કહી શકીએ તે રીતે પાંચસો કરોડ રૂપિયાનો ફાયદો કરાવી આપે?

આ એક રહસ્ય છે અને તે રહસ્ય જ રહેશે જ્યાં સુધી કોઈ તરફથી તપાસ એજન્સી આના ઊંડાણમાં નહીં ઊતરે.

આ ટ્રાન્ઝેક્શન થયું તેના થોડાંક જ વર્ષ પહેલાં ર૦૦૬થી ર૦૦૮ના ગાળામાં જી.ઈ. કંપનીનો ડોળો ભારતીય રેલવે દ્વારા ઈલેક્ટ્રિક લોકોમોટિવ બનાવવાના રૂ. ૧૬,૦૦૦ કરોડના કોન્ટ્રાક્ટ પર હતો. ખાટલે મોટી ખોડ એ હતી કે નામમાં ‘ઈલેક્ટ્રિક’ શબ્દ ધરાવતી આ કંપનીને ઈલેક્ટ્રિક લોકોમોટિવ બનાવવાનો નહીં, પણ ડીઝલ લોકોમોટિવ બનાવવાનો જ અનુભવ હતો. તે વખતે રેલમંત્રી લાલુ યાદવ પોતાની કન્સ્ટિટ્યૂટ્સમાં આ પ્રોજેક્ટ નાખવા માગતા હતા. જી.ઈ.એ ઈન્ડિયન રેલવેઝને ખોટું સર્ટિફિકેટ દેખાડીને દાવો કર્યો હતો કે અમને કિર્ગોસ્તાનની રેલવે માટે આવા એન્જિન બનાવવાનો અનુભવ છે. જી.ઈ.નું આ જુઠ્ઠાણું એ જ કંપનીની લીગલ ટીમમાં કામ કરતી સીમા સપરાને કારણે ર૦૧૦માં ખુલ્લું પડ્યું. શ્રી અય્યરે ‘એનડીટીવી ફ્રોડ્સ’ પુસ્તકમાં લખ્યું છે કે શું આ બે વાતોને (રૂ. પ૦૦ કરોડનો પ્રણય રૉયનો ફાયદો અને જી.ઈ.નો રૂ. ૧૬,૦૦૦ કરોડનો રેલવેનો કૉન્ટ્રાક્ટ) પરસ્પર કોઈ સંબંધ હતો? તે વખતના પ્લાનિંગ કમિશનના સભ્ય મોન્ટેક સિંહ અહલુવાલિયા જી.ઈ.ને આ કોન્ટ્રાક્ટ અપાવવા માટે ઘણો પરસેવો પાડતા હતા. બીજા મિનિસ્ટરો પણ આ કોન્ટ્રાક્ટની તરફેણમાં હતા અને નાણામંત્રી ચિદમ્બરમના આશીર્વાદ તો હતા જ. એમની મંજૂરી વિના આ કોન્ટ્રાક્ટનું પાંદડુંય હાલે એમ નહોતું. આ કોન્ટ્રાક્ટ ભલે રૂ. ૧૬,૦૦૦ કરોડનો હોય પણ એના અમલીકરણ પછી ભાવના એસ્કેલેશનને લીધે રૂ. ૩૦,૦૦૦ કરોડનો થઈ જવાનો હતો. તે વખતે તો આ કોન્ટ્રાક્ટ ન થયો પણ થોડા વખત પછી રૂ. ૪૦,૦૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ, જી.ઈ.એ ભારતમાં ડીઝલ અને ઈલેક્ટ્રિક લોકોમોટિવ્સ બનાવવા માટે, સાઈન કર્યો.

ઈન્કમ ટેક્સ ઑથોરિટી એે જી.ઈ.ની સબ્સિડિયરીઓ પાસેથી એનડીટીવીની ખોખા કંપનીઓમાં ફરતાં ફરતાં પ્રણય રૉયને મળેેલી રૂ. પરપ કરોડની રકમ પર આવકવેરો ચૂકવવાની માગણી છેક અત્યારે કરી છે.

હું દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ તરીકે કામ કરતો હોઉં અને પ્રામાણિકતાની વાતો કરતો હોઉં તો તમે કહેવાના કે કાં તો તું આ કામ છોડી દે, કાં તને પ્રામાણિક ગણાવવાનું છોડી દે. રવીશકુમાર પ્રણય રૉય માટે કામ કરે છે. એનડીટીવી પરના ગંભીર આક્ષેપો બહાર આવ્યા પછી પણ, ટીવીનો સ્ક્રીન કાળો કરીને પોતાને પ્રામાણિકતાનું પૂંછડું ગણાવનાર રવીશે બીજે જ દિવસે બપોરે અડધો કલાકનો કાર્યક્રમ કરીને પોતે પ્રણય રૉયની પડખે છે એ મતલબની બકબક કરી હતી. દૂધની બાટલી પર ટોટી મૂકીને ચૂસતા સેક્યુલર બાબા-બેબીઓમાં રવીશ હજુ પણ ક્વાઈટ પૉપ્યુલર છે. આપણને ક્યાં એનો વાંધો જ છે?

આજનો વિચાર

મૅચ્યોરિટી એટલે તમે મોટી મોટી વાતોનાં બણગાં ફૂંકતા થઈ જાઓ તે નહીં, પણ નાની નાની વાતોને સમજતા થઈ જાઓ તે.

-વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

સેક્સી સેક્રેટરી બૉસની કૅબિનમાંથી ધૂંઆપૂંઆ થતી બહાર આવી. સ્ટાફે પૂછ્યું,

‘શું થયું?’

‘બૉસે મને પૂછ્યું કે આજે રાત્રે તું ફ્રી છે?’

‘તો તેં શું કહ્યું?’

‘મેં કહ્યું, હા.’

‘પછી?’

‘પછી બૉસે મને ૬૦ પાનાં ટાઈપ કરવા માટે આપી દીધાં’.

( મુંબઇ સમાચાર : શનિવાર, 10 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *