પઠાણકોટ, મુંબઈ, ગુજરાત, ખંધાર, કારગિલ: એનડીટીવીએ શું શું કારનામાં નથી કર્યાં

આર્થિક બાબતોને લગતા ગોટાળાઓથી ઘડી ભર બીજે ધ્યાન લઈ જઈને સમજીએ કે બિન-આર્થિક બાબતોમાં પણ એનડીટીવીએ પોતાની મનમાની કઈ હદ સુધી કરી હતી અને અત્યાર સુધીની બધી જ સરકારોએ એને ચલાવી દીધી. પાંચ કિસ્સાઓને ખૂબ ટૂંકમાં જોઈ લઈએ.

૯ નવેમ્બર ૨૦૧૬. સરકારના આદેશને કારણે રાત્રિના બાર વાગ્યા પછી પૂરા ૨૪ કલાક માટે એનડીટીવીએ પ્રસારણ બંધ રાખવું એવો આદેશ જારી થયો. આવું ભારતના ઈતિહાસમાં પહેલી વાર બન્યું. એનડીટીવીએ ૨ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ પઠાણકોટના એરફોર્સ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલાનું કવરેજ કરતી વખતે રાષ્ટ્રનું નુકસાન થાય એવી માહિતી લીક કરી હતી. એનડીટીવીના લાઈવ કવરેજને કારણે આતંકવાદીઓને અને આતંકવાદીઓને ગાઈડ કરનારા હેન્ડલર્સ યાને કિ એમના પાકિસ્તાની આકાઓને ખબર પડી ગઈ કે આ એરફોર્સ સ્ટેશનની નજીક શસ્ત્રો અને દારૂગોળો આપણે ક્યાં છુપાવ્યાં છે અને સ્કૂલો અને રહેવાસી ઈલાકાઓ ઘટના સ્થળથી કેટલા દૂર છે. કવરેજમાં આતંકવાદીઓ એક્ઝેટલી ક્યાં છુપાયા છે તેની પણ માહિતી ખુલ્લી કરી દેવામાં આવી (જેને સંરક્ષણ દળોએ ખાનગી રાખી હતી) અને એને લીધે આતંકવાદીઓને પોતાનું સ્થાન બદલવાની સૂચના એમના આકાઓ આપી શક્યા.

આ પત્રકારત્વ નહોતું, આ બહાદુરી નહોતી. આ નરી બેવકૂફી હતી, ચોખ્ખો રાષ્ટ્રદ્રોહ હતો. ભારતમાં ટીવીની ન્યૂઝ ચેનલો (તેમ જ અન્ય ચેનલો માટે) કેબલ ટીવી નેટવર્ક (રેગ્યુલેશન) ઍક્ટ છે. આ કાયદાની ૬(૧)(પી) કલમ મુજબ ભારતીય સંરક્ષણ દળો કોઈ પણ એન્ટી-ટેરરિસ્ટ ઑપરેશન કરતાં હોય ત્યારે એના લાઈવ કવરેજનું પ્રસારણ કરવા પર સખત પાબંદી ફરમાવવામાં આવી છે. મિડિયાએ આ સંજોગોમાં પોતાનું કવરેજ લાગતાવળગતા લશ્કરી અધિકારી દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતીના બ્રીફિંગ પૂરતું જ સીમિત રાખવું એવી સ્પષ્ટ સૂચના આ કાયદામાં છે. ઑપરેશન જ્યાં લગી પૂરું ન થાય ત્યાં સુધી તમામ ટીવીવાળાઓએ આનું ચુસ્તપણે પાલન કરવાનું રહે છે.

પણ એનડીટીવી પોતાની વાયડાઈ ત્યજી શક્યું નહીં એટલે ૨૯મી જાન્યુઆરીએ એને કાયદાના ભંગ બદલ શો કોઝ નોટિસ મોકલાઈ. પાંચમી ફેબ્રુઆરીએ એનડીટીવીએ તુચ્છકારથી નોટિસનો જવાબ વાળ્યો કે અમારું કવરેજ બૅલેન્સ્ડ અને જવાબદારીભર્યું હતું. એ પછી ૨૫ જુલાઈએ એનડીટીવીના પ્રતિનિધિઓને સરકાર સમક્ષ રૂબરૂ જઈને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળી. નવેમ્બરની બીજીએ સરકારે એનડીટીવી પરના એક દિવસ માટેના પ્રતિબંધની જાહેરાત કરી. એનડીટીવી આ ઓર્ડરની સામે કોર્ટમાં જઈ શકે છે એવું પણ કહેવામાં આવ્યું. એનડીટીવીએ ફ્રીડમ ઑફ પ્રેસની કાગારોળ મચાવી. છેક છેલ્લી ઘડીએ સરકારે એનડીટીવીનો કોલર છોડી દઈને પ્રતિબંધના આદેશનો અમલ ‘મુલતવી’ રાખ્યો.

પણ આ તો ઊંટની પીઠ પરનું છેલ્લું તણખલું હતું. ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે મુંબઈ તાજ, ઓબેરોય ટ્રાયડન્ટ હોટેલો, લિયોપોલ્ડ કાફે, સીએસટી વગેરે પર હુમલો થયો. બરખા દત્તનું નામ લીધા વિના નેવીના ચીફ ઍડમિરલ સુરેશ મહેતાએ નેક્સ્ટ અઠવાડિયે, ૪થી ડિસેમ્બરના નેવી દિન નિમિત્તે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ‘મિડિયાનાં કેટલાંક તત્ત્વોને આડે હાથ લીધાં અને કહ્યું કે કેટલીક ટીવી ચેનલોના લાઈવ કવરેજને લીધે સંરક્ષણ દળોની વ્યૂહાત્મક વિગતો ટેરરિસ્ટને ગાઈડ કરનારાઓ સુધી પહોંચી ગઈ હતી, જેમ કે કમાન્ડોઝને (છાજડ હાઉસમાં) એર ડ્રોપ કરવામાં આવ્યા તેની માહિતી એ મકાનની અંદર રહેલા આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં અમુક ચેનલોનો (જેમાં એનડીટીવીનું દોઢ ડહાપણ ઊડીને આંખે વળગે એવું હતું) મોટો ફાળો હતો.

હજુ આગળ જઈએ. ૨૦૦૨ના ગોધરા હિંદુ હત્યાકાંડના પગલે ગુજરાતમાં કેટલેક ઠેકાણે રમખાણો થયાં જેમાં મુસલમાનો તેમ જ હિંદુઓ – બેઉ કોમના લોકો માર્યા ગયા. તે વખતે એનડીટીવી રૂપર્ટ મર્ડોક સાથેના કોન્ટ્રાક્ટ હેઠળ સ્ટાર ન્યૂઝની ચેનલ ચલાવતું હતું અને પ્રણય રૉય ઉપરાંત બરખા દત્ત અને રાજદીપ સરદેસાઈ જેવા બેજવાબદાર પત્રકારો આખો કારભાર સંભાળતા (આમાંના કેટલાક ભ્રષ્ટ પણ હતા તે તો નીરા રાડિયાની ટેપ્સ બહાર આવી ત્યારે તેમ જ મની લૉન્ડરિંગનું કૌભાંડ ખુલ્યું ત્યારે લોકોને ખબર પડી.) સુરતમાં રમખાણનું કવરેજ કરતી વખતે બરખા દત્ત લાઈવ કવરેજ કરતી વખતે કહેતી કે, ‘આ જુઓ સુરતનું ડાયમન્ડ માર્કેટ. અહીં એક પણ પોલીસ નથી…’ એ જ રીતે રાજદીપ સરદેસાઈ અમદાવાદના સી. જી. રોડ પર જ્વેલર્સ અને બીજા પ્રતિષ્ઠિત શો રૂમ્સને કૅમેરામાં દેખાડીને લાઈવ કવરેજમાં કહેતો કે ‘જુઓ, અહીં એક પણ પોલીસ નથી.’

આ લાઈવ કવરેજ વિશે તત્કાલીન ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને જાણ કરવામાં આવી ત્યારે એમણે આ રિપોર્ટરોને ફોન કરીને કહ્યું કે, આવું કરીને તમે તો રમખાણ કરનારા તોફાનીઓને આમંત્રણ આપી રહ્યા છો… તમને ખબર પણ છે કે તમારા કવરેજ પછી ત્રણ જ મિનિટમાં તોફાનીઓ ત્યાં પહોંચી જશે જ્યારે મારે એ લોકોને રોકવા/પકડવા માટે પોલીસ તેમ જ અન્ય દળોને બીજી જગ્યાઓએથી ત્યાં ખસેડવા માટે ત્રણ કલાકનો સમય જોઈશે.

મોદીએ તે વખતે તોફાનની આગમાં ઘી રેડતી ટીવી ચેનલો પર એક દિવસનો પ્રતિબંધ મૂક્યો હતો.

એનડીટીવી સાથેના પ્રેસ-પોલિટિશ્યનવાળા સંબંધનો છેડો મોદીએ ત્યારે ફાડી નાખ્યો જ્યારે એનડીટીવીના ગુજરાતના પ્રતિનિધિ વિજય ત્રિવેદીને મોદીએ પોતાના હેલિકોપ્ટરમાં બેસાડવાની ભૂલ કરી. ત્રિવેદીએ ટિપિકલ એનડીટીવી સ્ટાઈલમાં એ જ જૂના-ચવાયેલા સવાલોને અપમાનજનક ભાષામાં જાણે (મોદીને ધમકાવતા હોય એમ) પૂછવાનું શરૂ કર્યું. મોદીએ સમજી વિચારીને જવાબો આપવાનું બંધ કર્યું (એમ વિચારીને કે છો ને કૂતરાઓ ભસ્યા કરતા) મોદી મૌન થઈ ગયા. એનડીટીવીના પત્રકારનો ફિયાસ્કો થઈ ગયો. ઈન્ટરવ્યૂ તો મળ્યો નહીં અને હીરો ઘોઘે જઈ આવ્યો એવી વાત પત્રકાર જગતમાં ન ફેલાય તે માટે પોતાની સ્કિન બચાવવા એનડીટીવીના એ પત્રકારે એવી અફવા ફેલાવી કે મેં મોદીને ‘ટફ ક્વેશ્ર્ચન્સ’ પૂછ્યા એટલે મોદીએ મને આકાશમાં, હવામાં અધ્ધર હતા ત્યારે, હેલિકોપ્ટરમાંથી નીચે ફેંકી દેવાની ધમકી આપી! તે દિવસથી મોદીએ નક્કી કર્યું કે એનડીટીવીને ન તો ઈન્ટરવ્યૂ આપવો, ન એમના કોઈ પ્રતિનિધિએ પૂછેલા સવાલનો જવાબ આપવો.

ગુજરાતના રાયટ્સ પહેલાં મે ૧૯૯૯માં કારગિલની લડાઈ થઈ. પણ એની વાત છેલ્લે રાખીએ. ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ ૮૧૪ કાઠમંડુના ત્રિભુવન ઍરપોર્ટથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઍરપોર્ટ પર આવવા માટે ટેકઓફ થઈ. જેવી આ ફ્લાઈટ ભારતના આકાશમાં પ્રવેશી કે તરત હાઈજેકર્સનો હુકમ થયો. ફ્લાઈટને અમૃતસર ઉતારવામાં આવી. ત્યાંથી લાહોર લઈ જવામાં આવી. પછી દુબઈ અને છેવટે અફઘાનિસ્તાન ખંધાર (ગાંધાર) ઍરપોર્ટ પર ઉતારવામાં આવી. દુબઈમાં અપહરણકાર આતંકવાદીઓએ ૧૭૬માંના ૨૭ મુસાફરોને છોડી મૂક્યા પણ એકની હત્યા કરી નાખી, બીજા કેટલાકને ઘાયલ કર્યા. સાત દિવસ સુધી ચાલેલી આ હોસ્ટેજ ક્રાઈસિસ બાદ મૌલાના મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુશ્તાક અહમદ ઝરગર જેવા ત્રણ ખૂંખાર આતંકવાદીઓને ભારતની જેલમાંથી મુક્ત કરીને ખંધાર જઈને આતંકવાદીઓના હાથમાં સોંપી દીધા પછી ભારતીય વિમાન તથા પેસેન્જરોનો છુટકારો થયો.

તે વખતે દિલ્હીમાં ભાજપ (એનડીએ)ની સરકાર હતી. ક્રાઈસિસ પૂરી થયા પછી ઘણા લોકોએ સરકારને ગાળો આપી કે શું જરૂર હતી આતંકવાદીઓને છોડી દેવાની?

જસવંત સિંહ તે વખતે વિદેશ મંત્રી હતા. ૨૦૦૬માં એમણે ‘અ કૉલ ટુ ઓનર’ શીર્ષકથી આત્મકથા લખી. એમાં તેઓ આ કિસ્સો યાદ કરીને કહે છે: ‘જે દિવસે મને ખબર પડી કે અપહરણકર્તાઓએ ૨૦૦ મિલિયન ડોલર (તે વખતના લગભગ ૯૦૦ કરોડ રૂપિયા) ઉપરાંત ૩૬ જેટલા હાર્ડકોર આતંકવાદીઓના છૂટકારાની માગણી કરી છે તે દિવસે મેં આ માહિતી કેબિનેટમાં મૂકી. કેબિનેટે સર્વાનુમતિથી નિર્ણય લીધો કે ‘આ માગણી ફગાવી દો અને આ વિશે પ્રેસને યોગ્ય શબ્દોમાં જાણ કરી દો.’ મેં બહાર ઊભેલા પત્રકારોને મળીને અપહરણકર્તાઓની માગણી વિશે વાત કરીને એટલું જ ઉમેર્યું કે, ‘હું મારા સમગ્ર દેશને તથા દુનિયાને આ માગણી વિશે વિચાર કરવાનું કહું છું’ કારણ કે એ વખતે આથી વધુ કે આથી ઓછું હું કંઈ જ કહી શકું એમ નહોતો.’

જસવંત સિંહના આ પ્રેસ બ્રીફિંગ પછી નવી નવી શરૂ થયેલી, સ્થાપનાને બે વર્ષ પણ જેને પૂરાં નહોતાં થયાં તે સ્ટાર ન્યૂઝ (અર્થાત્ એનડીટીવીના પૂર્વાવતાર)ના પત્રકારોએ કેવો ઉધમ મચાવ્યો? આવતીકાલના છેલ્લા હપ્તામાં વાંચો એનડીટીવીના પત્રકારોના વધુ પાપ વિશે જેમાં ખંધાર ઉપરાંત કારગિલની વાતો છે અને આર્થિક બાબતોના કૌભાંડની વાતોનું સમાપન છે.

આજનો વિચાર

ઝડપ કરતાં દિશા વધારે મહત્ત્વની છે.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

ઉકો: આ આખા ઈન્ડિયામોં ફર્યો. મને તો કઈએ અચ્છે દિન ના દેખાયા… એલા ભીખા, બોલ જોય… ચોં છ અચ્છે દિન?

ભીખો: અલા આના માટે પારખુ નજર જોઈએ, એ હોય તો જ ખબર પડે. લા રમજાન મઈનામોં રાહુલ ગોંધી ઈફ્તાર પાર્ટીઓ કરવાને બદલે ગીતા, રામાયણ, ઉપનિષદ એવું બધું વોન્ચતો થૈ ગયો એનાથી વધારે અચ્છે દિન બીજા ક્યા ઓય?

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 9 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *