પ્રણય રૉય ૭ વર્ષ માટે જેલમાં જશે કે ભાગીને સાઉથ આફ્રિકા જશે?

કોઈ પાકિટમાર પકડાય છે ત્યારે એ એમ નથી કહેતો કે હું મોદીવિરોધી છું એટલે પોલીસ મારા પર ખોટો આક્ષેપ લગાવીને મારી હેરાનગતિ કરી રહી છે. પણ એનડીટીવીના માલિકો પર સી.બી.આઈ.ના દરોડા પડતા કે તરત એ લોકોએ કાગારોળ મચાવવાની શરૂઆત કરી દીધી કે સરકારની ટીકા કરવાને લીધે અમારી હેરાનગતિ થઈ રહી છે. એનડીટીવી અને પ્રણય રૉય કાયદાની ચુંગાલમાં આ પહેલવહેલા નથી ફસાયા.

છેક ૧૯૯૮માં સી.બી.આઈ.એ પ્રણય રૉય અને દૂરદર્શનના તેમ જ માહિતી તથા પ્રસારણ મંત્રાલયના કેટલાક અધિકારીઓ/કર્મચારીઓ વિરુદ્ધ એફ.આઈ.આર. દર્જ કરી હતી. તેમના પર મિલીભગત દ્વારા દૂરદર્શન પાસેથી રૂ. પાંચ કરોડ પડાવી લેવાનો આક્ષેપ હતો. તે સમયે રાજદીપ સરદેસાઈના સસરા ભાસ્કર ઘોષ ઉપરાંત રથિકાન્ત બસુ પણ દૂરદર્શનના ટોચના અધિકારી હતા. આ બસુએ પ્રણય રૉયને રુપર્ટ મર્ડોક સાથે ધંધો કરવામાં ઘણી મોટી મદદ કરી હતી. થોડા સમય પછી રથિકાન્ત બસુ સરકારી નોકરી છોડીને રુપર્ટ મર્ડોકના સ્ટાર ન્યૂઝમાં જોડાઈ ગયા હતા.

પ્રણય રૉય લકી હતા. ૧૯૯૮માં સી.બી.આઈ.એ એફઆઈઆર દાખલ કરી તેના એક જ વર્ષમાં પ્રણયના જૂના દોસ્તાર અરુણ જેટલી વાજપાયી સરકારમાં માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી બન્યા. જેટલીએ દૂરદર્શનને લૂંટવાના આરોપોવાળા પ્રણય રૉય પરના કેસને સ્થગિત કરી નાખ્યો. ૧૪ વર્ષ પછી, ૨૦૧૩માં સોનિયા ગાંધીની સરકારે ટ્રાયલ કોર્ટમાં સીબીઆઈ પાસે આ કેસનો ક્લોઝર રિપોર્ટ દાખલ કરાવીને કેસ બંધ કરાવી નાખ્યો.

૨૦૦૬ની સાલમાં એનડીટીવીના ટેક્સ રિટર્ન્સમાં ગેરરીતિઓ થઈ રહી છે એવી જાણ એક પ્રામાણિક ઈન્કમ ટેક્સ અધિકારી એસ. કે. શ્રીવાસ્તવને થઈ. આ આઈ.આર.એસ. અધિકારીને ખબર પડી કે એમનાં જુનિયર આઈ.આર.એસ. અધિકારી શુમના સેન એનડીટીવીની સાથે કુલડીમાં ગોળ ભાંગી રહ્યાં હતાં. શુમના સેન એનડીટીવીના ઈન્કમ ટેક્સ અસેસિંગ ઓફિસર હતાં અને એમના પતિ અભિસાર શર્મા એનડીટીવીના જર્નલિસ્ટ કમ ન્યૂઝ પ્રેઝન્ટર હતા. ઈન્કમ ટેક્સના ખાતાના નિયમોનું અહીં છડેચોક ઉલ્લંઘન થતું હતું. શુમના સેને ક્યારેય સરકારમાં જાહેર કર્યું નહીં કે પોતે જ જે કંપનીના કરવેરાનું અસેસમેન્ટ કરે છે તે જ કંપનીમાં એમનો હસબન્ડ તગડા પગારે નોકરી કરે છે.

પ્રામાણિક ઉપરી અધિકારી એસ. કે. શ્રીવાસ્તવે પકડી પાડ્યું હતું કે એનડીટીવીને રૂ. ૧.૪૧ કરોડનું રિઈમ્બર્સમેન્ટ પાસ કરીને શુમના સેને ફ્રોડ કર્યો છે. એ પછી એમણે એનડીટીવીને ગેરવાજબી લાભ કરાવી આપતાં શુમના સેનના બીજાં ઘણાં કરતૂતો પકડી પાડ્યાં. એનડીટીવી તરફથી શુમના સેનના પતિને પગારની તોતિંગ રકમ મળવા ઉપરાંત આ દંપતીને વિદેશ પ્રવાસ વગેરે જેવી ફેવર્સ પણ આપવામાં આવતી હતી. શ્રીવાસ્તવે જોયું કે આ કૌભાંડમાં બીજી એક આઈઆરએસ લેડી અફસર અશિમા નેબ પણ સામેલ હતી.

ઈન્કમ ટેક્સ કમિશનર શ્રીવાસ્તવે એનડીટીવીના ટેક્સ રિટર્ન્સને બિલોરી કાચથી તપાસવાનું શરૂ કર્યું. એમને એમાં અનેક ગેરરીતિઓ જણાઈ અને સંખ્યાબંધ એનડીટીવી દ્વારા શેલ કંપનીઝ દ્વારા મની લૉન્ડરિંગ થઈ રહ્યું છે એની પણ ગંધ આવી. શ્રીવાસ્તવે તમામ પુરાવા ભેગાં કરીને કાર્યવાહી આગળ વધારવા માટે પોતાના ઉપરીઓનો સંપર્ક સાધ્યો. અહીંથી શ્રીવાસ્તવના માથે આપત્તિઓના પહાડ તૂટી પડવાની શરૂઆત થઈ.

એનડીટીવી માટે પહેલા ખોળાના સંતાન જેટલું વહાલ ધરાવતી સોનિયા-મનમોહનના નાણાં મંત્રી પી. ચિદમ્બરમ્ શ્રીવાસ્તવની આ જુર્રતથી રાતાપીળા થઈ ગયા. શ્રીવાસ્તવ પર એમના ડીપાર્ટમેન્ટ દ્વારા જાતીય સતામણી સહિતના જાતજાતના કેસ ઊભા કરવામાં આવ્યા. એમને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. એમને આર્થિક અને માનસિક રીતે તબાહ કરી નાખવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા. એનડીટીવીના આર્થિક ગોસ્મોટાળાઓની જાડી ફાઈલ લઈને શ્રીવાસ્તવ અનેક વગદાર લોકોને મળ્યા પણ ચિદમ્બરમ્ અને એનડીટીવીનો કોપ પોતાને ભસ્મ કરી નાખશે એવી બીકે કોઈ શ્રીવાસ્તવની વહારે ધાયું નહીં.

૨૦૦૮માં ચિદમ્બરમ્ની જગ્યાએ પ્રણવકુમાર મુખર્જીને નાણામંત્રી બનાવવામાં આવ્યા. મુખર્જીએ શ્રીવાસ્તવ સામેના જુઠ્ઠા આરોપો પાછા ખેંચાવ્યા. જોકે, નોકરીનું સસ્પેન્શન હજુ પાછું ખેંચાવાનું બાકી હતું. દરમ્યાન, શ્રીવાસ્તવને એસ. ગુરુમૂર્તિ, રામ જેઠમલાણી અને મધુ કિશ્ર્વારનો સપોર્ટ મળ્યો. મધુ કિશ્ર્વાર એક જમાનામાં મોદી-ભાજપ વિરોધી એક્ટિવિસ્ટ હતાં. પણ અર્ણબ ગોસ્વામી તથા અનેક ગુજરાતી લેખકો – પત્રકારો – સાહિત્યકારોની જેમ મોદીનો ચડતો સિતારો જોઈને હિન્દુત્વની ચાલતી ગાડીમાં બેસી ગયેલાં. સારું જ છે.

શ્રીવાસ્તવની માનસિક હાલત આ વખતે એટલી બગડી ચૂકેલી હતી કે એક વખત તો કોર્ટે એનડીટીવી સામેની પિટિશન્સમાં વધુ પડતી કડક ભાષા વાપરવા બદલ એમને દંડ કરવો પડેલો. આ ત્રિપુટીની મદદ ન મળી હોત તો શ્રીવાસ્તવને કૉન્ગ્રેસી પિઠ્ઠુઓએ માનસિક રીતે પૂરેપૂરા હતાશ કરીને પાગલખાનામાં ધકેલી દીધા હોત. નસીબજોગે ૨૦૧૨માં ચિદમ્બરમ્ ફરી નાણાં મંત્રી બન્યા. શ્રીવાસ્તવનું સસ્પેન્શન દૂર કરવાની પ્રક્રિયા પર પાછું પૂર્ણવિરામ મુકાઈ ગયું.

પણ સમય વીતવાની સાથે શ્રીવાસ્તએ એનડીટીવી પર મૂકેલા મની લૉન્ડરિંગના આક્ષેપોમાં તથ્ય છે એ પુરવાર થતું ગયું. ૨૦૧૪માં મોદીની સરકાર આવ્યા પછી પ્રામાણિક શ્રીવાસ્તવને નોકરીમાં પાછા લેવામાં આવ્યા. ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટના ઈન્વેસ્ટિગેશનમાં એ પણ બહાર આવ્યું કે એનડીટીવીમાં નોકરી કરતા પત્રકાર અભિસાર શર્માની કુલ ગેરકાયદે આવક રૂ. ૪.૦૮ કરોડ હતી. એની વાઈફ આઈ.આર.એસ. ઓફિસર જેની પાસે એનડીટીવીની ટેક્સ રિટર્નની ફાઈલ અસેસમેન્ટ માટે આવતી હતી તેની કુલ ગેરકાયદે આવક રૂ. ૭ કરોડ હતી અને એમનાં કાળાં કૃત્યોમાં હાથ બટાવતી આઈ.આર.એસ. ઓફિસર અશિમા સેનની કુલ ગેરકાયદે આવક રૂ. ૨.૯૩ કરોડ હતી. સી.બી.આઈ.એ આ ત્રણેય સામે પ્રાથમિક તપાસનો આદેશ આપ્યો.

છેક ગયા વર્ષે, ૨૦૧૬ની સાલમાં, એનડીટીવી સામેની તપાસ આડે અરુણ જેટલી દ્વારા ઊભાં કરવામાં આવેલાં વિઘ્નો દૂર થયાં. વડા પ્રધાનના આદેશથી જો આ વિઘ્નો દૂર થયાં હશે તો એનડીટીવીના તમામ આર્થિક ગોટાળાઓ અને કૌભાંડો બહાર આવશે અને જો પ્રણય રૉયની લાગવગોમાંનો કોઈ સાથીદાર મદદરૂપ થશે તો પ્રણય રૉયની દાઢીનો વાળ પણ વાંકો નહીં થાય.

તપાસાધીન આર્થિક ગુનાઓની યાદી ઘણી લાંબી છે. ૨૦૦૮ની સાલમાં બર્મ્યુડા અને મની લૉન્ડરિંગની ફેસિલિટી આપતા બીજા દેશો દ્વારા એનડીટીવીએ જે રકમો ફેરવી તેના પર ઈન્કમ ટેક્સે રૂ. ૫૨૫ કરોડનો દંડ લગાવ્યો છે. એટલું જ નહીં ઈન્કમ ટેક્સ પાસે સાક્ષીઓ સહિતના પુરાવા છે કે એનડીટીવીના પ્રમોટર્સે પ્રાઈસવૉટરહાસ સાથે હાથ મિલાવીને યોજનાપૂર્વકનો ટેક્સ ફ્રોડ કર્યો છે. આ સંદર્ભમાં ઈન્કમ ટેક્સે ૨૦૧૫ના સપ્ટેમ્બરમાં કે. વી. એલ. નારાયણ રાવનું કબૂલાતનામું નોંધ્યું છે અને ૨૦૧૬માં વિક્રમ ચન્દ્રાને બોલાવીને એની પણ ઊલટતપાસ કરી છે. રાવ, તમને યાદ હશે એમ, એનડીટીવીના સીઈઓ હતા, હવે ડિરેક્ટર છે. રાવ એનડીટીવીમાં જોડાયા તે પહેલાં આઈ.આર.એસ. ઑફિસર હતા અને રાવના પિતા જનરલ કે. વી. કૃષ્ણરાવ ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા હતા. આ રાવસાહેબે એનડીટીવીને ઊંચે લાવવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે અને એનડીટીવીએ કેવી રીતે મની લૉન્ડરિંગ કર્યું તેનું કબૂલાતનામું તમે નેટ પર શોધશો તો પીગુરુઝ ડૉટ કૉમ પરથી મળી જશે.

રાવે ઈન્કમ ટેક્સ સમક્ષ કબૂલ કર્યું છે કે એનડીટીવીએ નેધરલૅન્ડ્ઝની શેલ કંપની દ્વારા ૧૫૦ મિલિયન ડૉલરનો ફ્રોડ કર્યો છે. ૨૦૧૫ની ૨૩મી જુલાઈના રોજ સેક્શન ૧૩૧ તહત તે વખતના એનડીટીવી કંપનીઓના ગ્રુપ સીઈઓએ સોગંદ હેઠળ ૩૩ હસ્તલિખિત પાનાંઓમાં આ કબૂલાત આપી છે.

ભારતની ન્યૂઝ ચેનલોમાં તે વખતે ૨૬ ટકાથી વધુ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ને મંજૂરી નહોતી એટલે એનડીટીવીએ આ ખોખા કંપનીઓ ઊભી કરીને સરકારની આંખમાં ધૂળ નાખેલી. આ ખોખા કંપની માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી અને એનું રજિસ્ટર્ડ એડ્રેસ એ દેશના એનડીટીવીના લૉયર્સની ઓફિસનું કે પછી કોઈ હોટેલની બિઝનેસ ફેસિલિટીનું રહેતું. આ ખોખા કંપનીઓની માલિકી પ્રણય રૉય, રાધિકા રૉય, બરખા દત્ત તથા વિક્રમ ચન્દ્રાના નામની રહેતી. ૪૮ કરોડ રૂપિયાની લોનની બાકી રહેલી રકમમાં આઈ.સી.આઈ.સી.આઈ.ની પૂંછડી પણ ચપટમાં આવવાની છે, જેની વાત કાલે કરીશું. સેબી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તથા દિલ્હી પોલીસની ઈકનોમિક ઓફેન્સ વિંગ પાસે પડેલી એનડીટીવી સામેની ફરિયાદો વિશે પણ માહિતી મેળવીશું. આ વર્ષની ૧૨મી જાન્યુઆરીએ દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ સંજીવ સચદેવે એનડીટીવી વિરુદ્ધ જે ઓર્ડર પાસ કર્યો તેની વિગતો પણ હજુ બાકી છે. છેલ્લાં બે વર્ષથી પ્રણય રૉય વારંવાર સાઉથ આફ્રિકામાંના પોતાના નિવાસસ્થાને આરામ કરવા ઉપડી જાય છે. એમના વિરુદ્ધની તમામ તપાસો નિષ્પક્ષ તરીકાથી થાય તો શક્યતા એવી છે કે કાં તો એમને ૩ થી ૭ વર્ષની જેલ થાય અથવા તો પછી જેમ ડૉ. ઝાકિર નાઈક, લલિત મોદી અને વિજય માલ્યાની જેમ ભારત બહાર છટકી જઈને બાકીની આખી જિંદગી દક્ષિણ આફ્રિકાના અજ્ઞાતવાસમાં ગાળવી પડે, સંગીતકાર નદીમ ગાળી રહ્યો છે એમ.

આજનો વિચાર

કૉન્ગ્રેસીઓને એક સવાલ. જો તમે ગૌરક્ષાનો વિરોધ બીફ ખાઈને કરશો તો મોદીના સ્વચ્છ ભારત અભિયાનનો વિરોધ શું ખાઈને કરશો!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

પત્ની સાથે ચર્ચામાં ઊતરવું અને ગૂગલની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવી બંને એક સરખું જ છે.
આખરે તો તમારે ‘આઈ એગ્રી’ કર્યા વગર છૂટકો જ નથી.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 8 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *