પાપ તારું પરકાશ, પ્રણય રૉય

આંકડાની ભુલભુલામણીમાં અટવાયા વિના એનડીટીવી અને એના ‘માલિક’ પ્રણય રૉય આણિ મંડળીએ ખેલેલી આર્થિક રમતના તાણાવાણા એસ. ગુરુમૂર્તિએ સમજાવેલી વિગતોના આધારે જોઈએ. ગુરુમૂર્તિ એક જમાનામાં ઈન્ડિયન એક્સપ્રેસના સર્વેસર્વા રામનાથ ગોએન્કાના જમણા હાથસમા હતા. પ્રણય રૉયની જેમ ગુરુમૂર્તિ પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના છે. હવે આવનારી માહિતી એસ. ગુરુમૂર્તિએ જાહેર કરેલી છે:

એનડીટીવીની તિજોરીઓ છલકાઈ તે પહેલાં એ ન્યૂઝ ચેનલ સાવ ભૂખડી બારસ થઈ ગઈ હતી. ૨૦૦૪ની સાલમાં યુપીએ સરકારે અર્થાત્ સોનિયા-મનમોહનની સરકારે દિલ્હી પર સત્તા જમાવી તે વખતે એનડીટીવી રૂ. ૨૪૮ કરોડની ખોટમાં હતું. એની પાસે પોતાના પત્રકારો તથા અન્ય કર્મચારીઓને આપવાના પૈસા નહોતા. એના શેર બજારમાં ઍટ પાર બોલાતા હતા. સોનિયા-મનમોહનની કૉન્ગ્રેસી સરકાર સત્તા પર આવી એની સાથે એનડીટીવીનું ભાગ્ય બદલાયું. ૨૦૦૪ બાદ બનેલી અનેક બેનામી કંપનીઓ દ્વારા એનડીટીવીને ફંડિંગ મળવા લાગ્યું.

૨૦૦૬થી ૨૦૧૦ વચ્ચેનાં વર્ષોમાં એનડીટીવીએ પોતાની સંપૂર્ણ માલિકીની ૨૦ જેટલી સબ્સિડિયરી કંપનીઓ વિશ્ર્વના વિવિધ દેશોમાં ખોલી જેમાંની ૭ મોરેશિયસમાં, ૮ ભારતમાં, બે નેધરલૅન્ડ્સમાં, એક લંડનમાં, એક યુએઈમાં અને એક સ્વીડનમાં સ્થપાઈ. આ બધી કંપનીઓ ટેક્સ બચાવવા માટે કાગળ પર ઊભી કરાયેલી હતી. આ સબ્સિડિયરી કંપનીઓએ ૪૧૭ મિલિયન ડૉલર ઊભા કર્યા. (એક મિલિયન એટલે દસ લાખ અને ડૉલરનો ભાવ ગૂગલ સર્વ કરવાથી મળી જશે). આમાંથી ૩૧૦ મિલિયન ડૉલર સંપૂર્ણ માલિકીની યુ.કે.ની એનડીટીવી નેટવર્ક પીએલસી દ્વારા મેળવવામાં આવ્યા અને ૧૧૭ મિલિયન ડૉલર પ્રાઈવેટ નેગોશિયેશન તથા પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા યુનિવર્સલ સ્ટુડિયોઝ દ્વારા ક્ધટ્રોલ થતી જી. ઈ. કોર્પોરેશનને એનડીટીવી ઈમેજિન નામની ચેનલ વેચીને ઊભા કરવામાં આવ્યા. ૪૧૭ મિલિયન ડૉલરમાંથી ૨૬૭ મિલિયન ડૉલર સીધી યા આડકતરી રીતે જી.ઈ. કોર્પોરેશનમાં ઈન્વેસ્ટ કરવામાં આવ્યા.

સી.બી.આઈ. દ્વારા પ્રણય રૉયનાં નિવાસસ્થાનો પર રેડ પાડવામાં આવી છે તે આઈ.સી.આઈ.સી.આઈ. બૅન્કની રૂ. ૪૮ કરોડની લોનનો મામલો તો ટિપ ઑફ ધ આઈસબર્ગ છે એવું એસ. ગુરુમૂર્તિની આ માહિતી પરથી સાબિત થાય છે:

ઈન્કમ ટેક્સ સત્તાવાળાઓ પાસે પ્રણય રૉય – રાધિકા રૉય અને એનડીટીવીના અન્ય ડિરેક્ટર્સ વચ્ચે જે કેટલાક ઈમેલની આપલે થઈ તેના પરથી ફલિત થાય છે કે આ લોકો આટલી મોટી રકમના ફંડિંગને કેવી રીતે છુપાવવું તેની ગડમથલમાં હતા અને કરવેરાની ચુંગાલમાંથી કેવી રીતે છટકવું તેની પેરવીમાં હતા.

૨૨-૫-૨૦૦૮ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યે પ્રાઈસ વૉટરહાઉસ કૂપર્સના વિવેક મહેતાએ પ્રણય રૉયને કરેલા ઈમેલમાં લખ્યું હતું: ‘સબ્જેક્ટ: રેફરન્સ: ફૉર્વર્ડ: પ્રેસ અનાઉન્સમેન્ટ્સ વગેરે. ડિયર પ્રણય, તમે જે ડ્રાફટ (મુસદ્દો) મોકલ્યો તેના જવાબમાં મારા વિચારો. તમારો પ્રોબ્લેમ હું સમજી શકું છું પણ સાચું કહું તો ટેક્સ ઑથોરિટીઝને આમાં વચ્ચે લાવીશું તો મામલો ઔર બિચકશે. અત્યારે હું બીજા પાર્ટનર્સ સાથે પણ આ ડ્રાફટ વિશે ચર્ચા કરી રહ્યો છું. બને એટલા જલદી આપણે આ વિશે ફોન પર વાત કરી લઈએ. રિગાર્ડ્સ – વિવેક.’

અહીં ‘ટેક્સ ઑથોરિટીઝને વચ્ચે લાવીશું તો…’ વાળી જે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે તેના પર ગૌર ફરમાવજો.

આ ઈમેલના આગલા દિવસે, ૨૧-૫-૨૦૦૮ના રોજ રાત્રે ૧૦.૧૬ વાગ્યે વિવેક મહેતાએ પ્રણય રૉયને લખ્યું હતું:

‘ડિયર પ્રણય ઍન્ડ ઑલ અબવ, હવે જ્યારે આપણે છેક છેવાડે આવી ગયા છીએ ત્યારે મારે તમને સૌને પ્રેસ રિલીઝ માટે ફરી યાદ અપાવવાની છે… એનડીટીવી અને એનબીસીયુ – બેઉના તરફથી સ્ટૉક એક્સચેન્જ માટેની તેમ જ બીજી બધી અખબારી યાદી જે તૈયાર કરવામાં આવે તેને રિલીઝ કરતાં પહેલાં અમે એક વખત જોઈને એને તપાસી જઈએ છે તે અત્યંત જરૂરી છે. આપણે ધ્યાન રાખવું પડશે કે એ અખબારી યાદીઓમાં જણાવાયું હોય કે એનબીસીયુ ૧૫૦ મિલિયન ડૉલર એનડીટીવી નેટવર્કની વિદેશી ગ્રુપ કંપનીના ૨૬ ટકા શેરના બદલામાં ઈન્વેસ્ટ કરી રહી છે. આપણે એવું મેન્શન ન કરવું જોઈએ કે એનડીટીવીને ૧૫૦ મિલિયન ડૉલર ડિવિડન્ડ કે બીજી કોઈ રીતે મળી રહ્યા છે. જો કોઈ પૂછે કે આ રકમ શેના માટે વપરાશે? તો આપણે એના જવાબમાં શું કહેવું તે કાળજીપૂર્વક નક્કી કરી લેવું પડશે.

થેન્ક્સ.

વિવેક’.

આ ઈમેલમાં ‘એનડીટીવીને આ રકમ ડિવિડન્ડ કે બીજી કોઈ રીતે મળી રહી છે’ એવું જ કહેવું જોઈએ તે વાક્ય અને ‘રકમ કેવી રીતે વપરાવાની છે તેનો જવાબ આપવામાં કૅરફુલ’ રહેવાની વાત તમારામાં સંશય જગાવે એ સ્વાભાવિક છે.

આ પછી ૨૨-૫-૨૦૦૮ના રોજ બપોરે ૨.૦૯ વાગ્યે પ્રણય રૉયે વિવેકને અને અન્યોને લખ્યું: ‘ફૉર એવરીવન… ધિસ ઈઝ વેરી ઈમ્પોર્ટન્ટ. વિવેક, તમે પ્રેસ રિલીઝનો ડ્રાફટ મોકલશો પ્લીઝ… જેનો આપણે ઉપયોગ કરી શકીએ અને એન.બી.સી.યુ.ને પણ મોકલી શકીએ. જો શક્ય હોય તો, પ્રેસ રિલીઝમાં એ સ્પષ્ટતા જરૂરી છે કે રકમ એનડીટીવીમાં આવવાની છે અને નેટવર્ક્સ (ની કંપનીઓમાં) પડી રહેવાની નથી.’

આના જવાબમાં ૨૨-૫-૨૦૦૮ના રોજ બપોરે ૩.૦૬ વાગ્યે વિવેક મહેતાએ પ્રણય રૉયને જે ઈમેલ લખ્યો (જેનો ઉલ્લેખ અગાઉ આપણે કરી ચૂક્યા) તેમાં ઉમેર્યું કે: ‘…મારે સૌથી પહેલાં તો એક પાયાનો મુસદ્દો (ડ્રાફટ) જોઈશે… કોઈ મને મોકલી આપશે? અને તમારી જે સેક્ધડ રિક્વાયર્મેન્ટ છે તેના વિશે હું કંઈ પણ કહેવાનું ટાળીશ, એના વિશે ડિસ્કસ કરતાં પહેલાં મને બેઝ ડ્રાફટ જોઈ લેવા દો.’

એ જ દિવસે સાંજે ૫.૩૦ વાગ્યે રાધિકા રૉયે કે.વી.એલ. નારાયણ રાવને ઈમેલ મોકલ્યો. રાવ એનડીટીવીના સી.ઈ.ઓ. છે. મઝેલા ખેલાડી છે. અગાઉ આઈ.આર.એસ. (ઈન્ડિયન રેવન્યુ સર્વિસીઝ)માં હતા. એમણે ઈન્ડિયન એક્સપ્રેસથી કરિયરની શરૂઆત કરી હતી. એનડીટીવીને એક પ્રોડક્શન હાઉસમાંથી બ્રોડકાસ્ટર બનાવવામાં રાવનો ઘણો મોટો ફાળો છે.

રાવને લખેલા ઈમેલમાં રાધિકા રૉય લખે છે:

‘ડિયર નારાયણ, … પણ આમાં પ્રણયે અગાઉના ઈમેલમાં ડિસ્કસ થયેલી વાતોને તો આવરી લેવાઈ નથી. કોઈ પણ ગેરસમજને દૂર કરવાની આ તક રોળી નાખવાનો કંઈ અર્થ નથી. જસ્ટ ટુ રિમાઈન્ડ યુ, પ્રણયના ચાર મુદ્દાઓ હતાં.’

૧. દરેક જણાએ માની લીધેલું કે રકમ નેટવર્ક્સ(ની કંપનીઓ)માં જમા થશે… તો એનડીટીવીની આ રૂ. ૬૦૦ કરોડને લીધે શેરહોલ્ડર્સની આંખમાં કોઈ વેલ્યુ નહીં વધે.

૨. રકમ નેટવર્ક્સમાં નહીં પણ એનડીટીવીમાં આવવાની છે એ વાત જાહેર થાય તે ખૂબ જરૂરી છે, કારણ કે એને લીધે આ સોદાનું વેલ્યુએશન એનેલિસ્ટ્સ દ્વારા જે મૂલ્યાંકન થશે તેના પર સીધી અસર પડશે… અને આ બિગ બૂસ્ટ તો જ મળશે જો એ લોકોને ખબર પડે કે આ રકમ નેટવર્ક્સને નહીં એનડીટીવીને મળવાની છે. મને ખબર છે કે આપણે આ રકમ કંપનીના શેર્સ વેચવાને લીધે મળી રહી છે એવું કહી શકવાના નથી (જે વાત આમેય સાચી નથી) પણ આપણે એટલી તો સ્પષ્ટતા કરવી જ પડે કે આ રકમ નેટવર્ક્સ(ની કંપનીઓ)માં રહેવાની નથી.’

રાધિકા રૉય જે કહી રહ્યાં છે તે જ વાત પ્રણયે અગાઉના ઈમેલમાં કહી છે પણ પીડબ્લ્યુસી (પ્રાઈસ વૉટરહાઉસ કૂપર્સ, ઑડિટ ટેક્સ સર્વિસ – ફાઈનાન્શિયલ ક્ધસલ્ટિંગ જેવી સેવાઓ આપતી ટોચની પ્રોફેશનલ કંપનીઓમાં આગલી હરોળની મલ્ટિનેશનલ) એની સાથે સહમત નથી.

ઈ ઈમેલ્સ જંગી રકમનું ફંડિંગ ક્યાંથી આવે છે તે છુપાવવાનો ઈરાદો સ્પષ્ટ કરે છે. ટેક્સ ઑથોરિટીઝે આ ઈન્વેસ્ટમેન્ટને વાજબી રીતે જ અજાણ્યા સોર્સમાંથી થયેલી આવક તરીકે એને કરપાત્ર ગણ્યું. આમાં એક એન્ગલ મની લૉન્ડરિંગનો પણ હોઈ શકે. શક્યતા એવી પણ ખરી કે આમાંની કેટલીક કે ઘણી બધી રકમ એનડીટીવી જેમને છાવરે છે એવા કૉન્ગ્રેસી રાજકારણી કે ભ્રષ્ટ બ્યુરોક્રેટ્સની હોય જેને બ્લેકમાંથી વ્હાઈટમાં ફેરવવામાં આ આખો રૂટ પસંદ કરવામાં આવ્યો હોય. એનડીટીવીએ આ કેસ ન થાય એ માટે ખૂબ ધમપછાડા કર્યા હતા, પણ દિલ્હી હાઈ કોર્ટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કરેલા અસેસમેન્ટને માન્ય રાખ્યું. આમ છતાં યુપીએ સરકારના શાસન દરમ્યાન એનડીટીવીએ પોતાની સબ્સિડિયરી કંપનીઓમાં નાણાં ક્યાંથી આવ્યાં તે વિશેની માહિતી ઈન્કમ ટેક્સના સત્તાવાળાઓને ના આપી તે ના જ આપી. એટલું જ નહીં કાયદા પ્રમાણે જે અનિવાર્ય છે તે આ સબ્સિડિયરી કંપનીઓની બૅલેન્સ શીટ્સ પણ સબમિટ ન કરી. આટલું ઓછું હોય એમ, બૅલેન્સ શીટ રજૂ ન કરવા માટેની પરમિશન પણ એનડીટીવી કૉન્ગ્રેસરાજ દરમ્યાન કંપની લૉ ડિપાર્ટમેન્ટ પાસેથી લઈ આવી.

આંકડાની આ મગજમારી પૂરેપૂરી સમજમાં ન આવી હોય તો એનડીટીવીના આ ઉપરાંતનાં પાપ, જેના માટે એના પર કાયદેસરના પગલાં લેવાયાં છે, તે વિશે આવતી કાલે વાત કરીશું.

આજનો વિચાર

સત્તા તમને કરપ્ટ નથી કરતી, ડર કરપ્ટ કરે છે, સત્તા ગુમાવવાનો ડર.

– જહૉન સ્ટાઈનબેક

એક મિનિટ!

બકો: હાય!

બકી: હાય, શું? કાલે મારા ભાઈએ મને તારી સાથે બાઈક પર કૉલેજ જતાં જોઈ લીધી.

બકો: પછી શું થયું?

બકી: પછી શું… બસના પૈસા પાછા લઈ લીધા. તને ખબર છે ને મારી ફેમિલી કેટલી સ્ટ્રિક્ટ છે…

( મુંબઇ સમાચાર : બુધવાર, 7 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *