પ્રણય રૉયના પાપનો ઘડો કેવી રીતે ભરાઈ ગયો

સામાન્ય રીતે આપણા મીડિયામાં આક્ષેપોની હેડલાઈન બને છે પણ આક્ષેપોને અપાયેલા રદિયાને કે એ વિશેના ખુલાસાને કચરા ટોપલીમાં પધરાવાય છે. અમેરિકાના મેઈનસ્ટ્રીમ મીડિયામાં આક્ષેપોની સાથે જ એને લગતી સ્પષ્ટતાઓ કે એને લગતા ખુલાસાઓ આપીને બને એટલી તટસ્થતા દેખાડવાની કોશિશ થતી હોય છે.

ગઈ કાલે (સોમવારે) મોડી સવારે એનડીટીવી નામની ન્યૂઝ ચેનલના માલિકોના ઘરે તથા એમના ધંધાદારી મળતિયાઓના ઘરે સી.બી.આઈ.એ દરોડા પાડ્યા ત્યારે ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એમની વેબસાઈટ પર આ સમાચાર આપ્યા પણ એનડીટીવીએ આ સમાચાર આપવાને બદલે માત્ર પોતાનો ખુલાસો મૂક્યો!

એનડીટીવીના માલિક અને કર્તાહર્તા સમાન સહસ્થાપક તથા એક્ઝિક્યુટિવ કો-ચેરપર્સન પ્રણય રૉય અને એમનાં પત્ની રાધિકા રૉય સામે સી.બી.આઈ.એ ૪૮ કરોડ રૂપિયાના ગોટાળાને લગતો કેસ દર્જ કર્યો છે એ સંદર્ભમાં એમના દિલ્હી તથા દહેરાદૂનના ઘરો સહિતના ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા. સ્વાભાવિક રીતે જ એનડીટીવીએ તાત્કાલિક આને ફ્રીડમ ઓફ પ્રેસ સામેનો હુમલો ગણાવીને તમામ આક્ષેપોને રદિયો આપતું નિવેદન બહાર પાડી દીધું છે. ઈન્ફર્મેશન અને સૂચના મંત્રી વેન્કૈયા નાયડુએ કહ્યું કે આમાં ક્યાંય કોઈના માટેનો દ્વેષ નથી, કોઈ વિચ-હન્ટિંગ નથી. કાયદો એનું કામ કરી રહ્યો છે.

દાઢીધારી, ચપડચપડ અંગ્રેજી બોલનારા, અત્યંત સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા, પોતાને સેફોલોજિસ્ટ કહેવડાવતા પ્રણય રૉયથી પ્રભાવિત થનારાઓનો એક બહુ મોટો વર્ગ છે. એમની વાક્છટાથી એક જમાનામાં હું પણ પ્રભાવિત હતો પણ જેમ જેમ સમજાતું ગયું કે બહારથી અતિ સંસ્કારી દેખાતા અને તર્કબદ્ધ દલીલો દ્વારા સામેવાળાને આંજી નાખનારા ટિપિકલ સેક્યુલરોની જમાતના તેઓ પ્રતિનિધિ છે અને એક ચોક્કસ સામ્યવાદી એજન્ડાના તેઓ પુરસ્કર્તા છે તેમ તેમ મારી આંખો ઊઘડતી ગઈ.

‘એનડીટીવી ફ્રૉડ્સ’ નામનું પુસ્તક શ્રી ઐયરે (શ્રી એમનું નામ છે) હજુ આ જ વર્ષે લખ્યું પણ પ્રણય રૉયનાં કુકર્મોની એક લાંબી ગાથા છેક ૨૦૦૨ ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં ગુજરાતના રમખાણોથી મેં આલેખેલી છે. આ સેક્યુલર ન્યૂઝ ચેનલે ગુજરાતનું, ગુજરાતીઓનું, ગુજરાતના તે વખતના મુખ્યમંત્રીનું અને સરવાળે આખા દેશનું ઘણું મોટું અહિત કરેલું છે. તિસ્તા સેતલવાડની હિંદુવિરોધી એન.જી.ઓ.ને જેમ કૉંગ્રેસનું પ્રોટેક્શન હતું અને કૉન્ગ્રેસનું રાજ જતાં જ તિસ્તા આણિ મંડળીએ કરોડો રૂપિયાના ગોટાળાના સંદર્ભે કોર્ટના કઠેડામાં ઊભા રહેવાનો વારો આવ્યો એવું જ કંઈક હવે પ્રણય રૉય આણિ મંડળી સાથે બનવાનું છે.

ટીવી પરની ન્યૂઝ ચેનલોના રસિયા પ્રેક્ષકોને યાદ હશે કે પ્રણય રૉય અને રાજદીપ સરદેસાઈ એક જ સિક્કાની બે બાજુઓ છે. પ્રયણ રૉયનાં પત્ની રાધિકા રૉય કટ્ટર સામ્યવાદી ન્યૂસન્સ બ્રિન્દા કરાતનાં બહેન થાય અને બ્રિન્દા કરાત સામ્યવાદી પાર્ટીના ૨૦૦૫થી ૨૦૧૫ દરમિયાન મુખિયા રહી ચૂકેલા પ્રકાશ કરાતનાં પત્ની થાય એ માહિતી સોશ્યલ મીડિયાના એડિકટ્સ માટે નવી નથી. પરેશ રાવળે હમણાં જેમની રેવડી દાણાદાણ કરી નાખી તે સ્નૂટી સેક્યુલર લેખિકા અરુંધતી રૉય પ્રણય રૉયની કઝિન થાય એ માહિતી પણ નવી નથી.

રાજદીપ સરદેસાઈ ભાસ્કર ઘોષની દીકરી સાગરિકા ઘોષના પતિ થાય. ભાસ્કર ઘોષ કૉન્ગ્રેસયુગમાં દૂરદર્શનના વડા હતા. દૂરદર્શનમાંથી નિવૃત્ત થતાં પહેલાં એમણે દીકરી – જમાઈને પ્રણય રૉયની એનડીટીવીમાં સારી રીતે ગોઠવી દીધાં અને બદલામાં ભારતીય કરદાતાઓના ખર્ચે એમણે પ્રણય રૉયને દૂરદર્શન વતી ચિક્કાર કમાણી કરાવી આપી. રાજદીપને પ્રણય રૉયે એનડીટીવીમાં નંબર ટુનું સ્થાન આપ્યું તેનું કારણ એ હતું કે રાજદીપના સસરાજીએ દૂરદર્શનનું સમગ્ર તોતિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર એનડીટીવીના ચરણે ધરી દીધું હતું.

એનડીટીવી (ન્યુ દિલ્હી ટેલિવિઝન) પ્રયણ રૉયની કંપની. પહેલાં આ કંપનીની કોઈ સ્વતંત્ર ચેનલ નહોતી. દૂરદર્શન એને પોતાની ચેનલમાં સ્લૉટ આપતી. ૧૯૮૮માં એનડીટીવીને ‘ધ વર્લ્ડ ધિસ વીક’ નામનો વીકલી કાર્યક્રમ બનાવવાનો કૉન્ટ્રાક્ટ મળ્યો. એક એપિસોડના બે લાખ રૂપિયા મળતા. એ જમાનામાં ‘રામાયણ’ કે ‘મહાભારત’ની સિરિયલને પણ એપિસોડ દીઠ આટલી જંગી રકમ મળતી નહોતી. પ્રણય રૉયના ‘ધ વર્લ્ડ ધિસ વીક’માં બધાં જ ક્લિપિંગ્સ ન્યૂઝ એજન્સી દ્વારા બેઠાં જ મેળવવાનાં હતાં, પોતે પ્રોગ્રામ કૉમ્પેર કરવા સિવાય બીજી કોઈ મહેનત કરવાની નહીં. એનડીટીવી અને પ્રણય રૉયની સમૃદ્ધિનો પાયો અહીંથી નખાયો, દૂરદર્શનના પૈસે, અર્થાત્ સરકારી પૈસે અર્થાત્ દેશના કરદાતાઓના પૈસે.

તે જમાનામાં કૉન્ગ્રેસ પાર્ટીનું એકચક્રી શાસન ચાલે. સરકારના સામ્યવાદીઓ પર તેમ જ સેક્યુલરો પર ચારેય હાથ. પ્રણય રૉય સામ્યવાદી પણ ખરા અને સેક્યુલર પણ ખરા.

શ્રી ઐયરે એમના પુસ્તક ‘એનડીટીવી ફ્રૉટ્સ’માં પ્રણય રૉય અને ટીવીની સેક્યુલર જમાતની પોલ ખુલ્લી પાડતાં લખ્યું છે કે પ્રણય રૉયે સરકારી પૈસે કમાણી કરીને જે કંપની ખોલી તેના શેર્સ ગોલ્ડમન સાક્સ અને મોર્ગન સ્ટેન્લી જેવી કંપનીઓને વેચીને ખૂબ કમાણી કરી.

એટલું જ નહીં, શ્રી ઐયર કહે છે કે, પ્રણય રૉયે એનડીટીવીમાં પત્રકાર તરીકે સરકારના ઉચ્ચ અધિકારીઓ, રાજકારણીઓ, પોલીસ તથા લશ્કરના અધિકારીઓ તેમ જ અન્ય વગદાર લોકોનાં સંતાનો, જમાઈઓ, ભાઈભત્રીજાસગા, સાળા, બનેવીઓ વગેરેની ભરતી કરીને ભારતના પત્રકારત્વનો આખો માહોલ જ બદલી નાખ્યો. આ લોકોને કારણે ચેનલ વધુને વધુ વગદાર બનતી ગઈ અને જ્યારે જ્યારે આવા લોકોને કામ પડતું ત્યારે ચેનલ એમને મદદ કરવા માટે ખડે પગે તૈયાર રહેતી. આ જ ચેનલની એક જાણીતી પત્રકાર બરખા દત્તના ભ્રષ્ટાચારના પુરાવાઓ ૨૦૧૦ની રાડિયા ટેપ્સમાં દસ્તાવેજીકરણ પામ્યા છે.

આર્થિક ઉદારીકરણના વખતમાં રૂપર્ટ મર્ડોકનું સ્ટાર ટીવીનું નેટવર્ક ભારતમાં પગપેસારો કરીને ધંધાનો વિકાસ કરવા માગતું હતું. તે વખતે પ્રણય રૉય વતી ઉચ્ચ સરકારી અધિકારીઓએ મર્ડોકનો હાથ મરડીને એનડીટીવી સાથે સ્ટાર ન્યૂઝ ચેનલ શરૂ કરવાનો કૉન્ટ્રાક્ટ કરાવ્યો. મર્ડોકને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો કે એનડીટીવી સાથે કરાર નહીં કરવામાં આવે તો ભારતમાં પગ મૂકવા નહીં મળે. મર્ડોકે વર્ષે બે કરોડ ડૉલરનો કૉન્ટ્રાક્ટ કરીને સ્ટાર ન્યૂઝ ચેનલનો ટોટલ કારભાર એનડીટીવીને સોંપવાની ફરજ પડી. સ્ટાર ન્યૂઝ ચેનલનું લૉન્ચિંગ ફેબ્રુઆરી ૧૯૯૮માં કૉન્ગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા, તે વખતના વડા પ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલના સત્તાવાર નિવાસસ્થાનેથી થયું હતું.

એનડીટીવીના પાપનો ઘડો ભરાવાનો આરંભ કૉન્ગ્રેસના શાસનથી જ થઈ ગયો હતો. સી.એમ. ઈબ્રાહિમ નામના કૉન્ગ્રેસી નેતા ઈન્ફર્મેશન એન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર હતા ત્યારે દૂરદર્શનના વિજિલન્સ વિભાગનું ધ્યાન ગયું કે છેલ્લાં દસ વર્ષથી એનડીટીવી જળોની જેમ દૂરદર્શનનું લોહી ચૂસી રહી છે. વિજિલન્સના રિપોર્ટને પાર્લામેન્ટની પેનલે મંજૂર રાખીને સી.બી.આઈ. તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. તે વખતે રૂ. ૩ કરોડ બાવન લાખનો લોચો બહાર આવ્યો હતો. અત્યારે આઈ.સી.આઈ.સી.આઈ. બૅન્ક પાસેથી રૂપિયા ૪૮ કરોડની લોન અંગે એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એનડીટીવી અને પ્રણય રૉયની આ ‘સતામણી’ને સખત શબ્દોમાં વખોડી નાખી છે.

આજનો વિચાર

અમુક લોકો તો એવી રીતે રિઝલ્ટ પૂછશે કે જાણે ભણવાનો બધો ખર્ચ એમણે જ આપ્યો હોય.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

વૉટ્સઍપના ગેરફાયદા:

એક બાળક ખોવાયું.

બાપે મેસેજ કર્યો.

સાંજે બાળક મળી ગયું.

પણ વૉટ્સએપ પર એ મેસેજ એક વર્ષથી ફરે છે. જેવો કોઈ છોકરો ઘરની બહાર જાય કે તરત જ કોઈને કોઈ એને પકડીને ઘરભેગો કરી દે છે.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 6 જૂન 2017)

5 comments for “પ્રણય રૉયના પાપનો ઘડો કેવી રીતે ભરાઈ ગયો

 1. Mukund ratilal Parekh
  June 6, 2017 at 6:06 PM

  very nice & eye opener. We common never knew these facts. Thanks

 2. Dhiraj Pandya
  June 6, 2017 at 8:51 PM

  Happy to read such article and you explained it nicely. Keen to read more such articles.

 3. Hemang barot
  June 7, 2017 at 1:16 AM

  સાહેબ તમારી કલમથી હું સારી રીતે વાકેફ છુ. એક જ આર્ટીકલમાં ફેસલો…..

 4. June 28, 2017 at 8:16 PM

  Amne aa badhi khabar j na hati.

 5. saksham
  September 20, 2017 at 11:03 PM

  Amne sachi knowledge apva thanks. Amari duniya ma etla khovayla hoiye chie ke ghani vato dyan ma nathi avti. Hindu dharm sathe ramati ramto hoy ke khota upjavi kadhela news amari aakhon kholi aapeche tamara lekh.duniya ne tamari drashti jota sachej amari aakhon band hati atyar sudhi avoo lage che. Thanks aa nava darvaja kholi aapva.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *