લાંબા સમયથી અમુક વસ્તુ છે એટલા જ માટે એને પાછી લાંબા વખત સુધી ટકાવી રાખવાની?

માણસનો સ્વભાવ કોણ વધારે સારી રીતે પારખી શકે? માનસશાસ્ત્રી કે સાહિત્યકાર? માનસશાસ્ત્રી પાસે સ્વભાવના દરેક લક્ષણ માટેનું એક ચોક્કસ ખાનું હોય છે, તેઓ જનરલાઈઝેશનમાં તથા તેમાં રહેલા ચોક્કસ અપવાદોમાં રાચે છે. સાહિત્યકાર માટે દુનિયાની દરેક વ્યક્તિનો સ્વભાવ એ વ્યક્તિની ફિંગર પ્રિન્ટ જેટલો જ અલગ, અનોખો હોવાનો.

રમણલાલ સોનીએ મૌલિક સાહિત્ય અને બાળસાહિત્ય ઉપરાંત બંગાળી સાહિત્યની અનેક ઉત્તમ ચીજો ગુજરાતીઓને આપી જેમાં શરદચંદ્ર ચેટર્જીની નવલકથાઓના અનુવાદો એમનું શિરમોર પ્રદાન. શરદબાબુની નવલકથાઓમાંથી તારવેલી સંખ્યાબંધ ચિંતનકણિકાઓ ‘શરદવંદના’ રૂપે પ્રગટ થઈ હતી.

‘કંઈ એક અભાવનું દુખ દબાઈ રહેલી શરદીની પેઠે, એક ઉંમરમાં શરીરના અણુએ અણુમાં વ્યાપી જાય છે.’ સાઈકીએટ્રિની કિતાબમાં માણસની વેદનાને તમે આ અંદાજમાં વ્યક્ત થયેલી નહીં જુઓ.

‘તમામ ઘટનાઓનું કારણ જણાવવાનો આગ્રહ મનુષ્યમાં એક ઉંમરે હોય છે.’ – આવું કહીને શરદબાબુ અંગત સંબંધોમાં મૌનની સર્વોપરિતા સ્થાપે છે. તો બીજી બાજુ વ્યવહારના જગતમાં થતી ચોરીચપાટી માટેના પસ્તાવાને તેઓ આ રીતે પ્રગટ કરે છે: ‘જે કલમ વડે આખી જિંદગી કેવળ ખોટા દસ્તાવેજ તૈયાર કર્યા છે, તે જ કલમ વડે આજે હવે દાનપત્ર લખવા હાથ ચાલતો નથી.’

નૈતિકતાના માપદંડ વ્યક્તિએ વ્યક્તિએ જુદા હોઈ શકે છે એ વાતને સ્વીકારવાનું વિશાળ હૃદય બધા પાસે નથી હોતું. શરદબાબુની નવલકથાના પાત્ર પાસે એવું હૃદય છે જેનો જશ સ્વાભાવિક રીતે જ એ પાત્રના સર્જકને જાય: ‘દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો અપરાધ હશે, કે ઈચ્છીએ તો એની માફી ન આપી શકીએ.’

કેટલાંક આવરણો જરૂરી હોય છે. જીવનમાં થોડીક કિલ્લેબંધી, થોડીક અંગત દુનિયાની સાચવણી અનિવાર્ય હોય છે. શરદબાબુ ખૂબસૂરત તરીકાથી આ વાત સમજાવે છે: ‘બહારથી ઇંડાનું કવચ તોડી અંદરના જીવને છૂટો કરવાથી એ છૂટો થતો નથી – મરે છે.’ શરદબાબુ પાસે અનુભવી આંખે જોયેલો જગતનો વ્યાપ છે. એમની નવલકથામાં આવતાં અનેક વાક્યો પર એક વિશાળ ભાષ્ય લખી શકો એવી અર્થસભરતાં છે: ‘લાંબા સમયથી અમુક વસ્તુ છે એટલા જ વાસ્તે એને પાછી લાંબા વખત સુધી ટકાવી રાખવી જોઈએ એ કેવી વાત?’

ઘણા લોકોને સાવ નાની એવી કડવી વાતમાં સર્જાતા સંબંધો પર છેકો મૂકી દેવાની ટેવ હોય છે. દરેક મનુષ્યના સ્વભાવમાં રહેલા પાયાના વિરોધાભાસને બહુ ઓછા લોકો સમજી શકે છે અને જેઓ સમજે છે એમાંથી બહુ ઓછા લોકો એ વાતને સ્વીકારી શકે છે. શરદબાબુ લખે છે: ‘હા, મનુષ્યનો સ્વભાવ જ એવો છે. સહેજ દોષ જોવામાં આવતા આગલી ક્ષણનું બધું જ ભૂલી જતાં તેને કેટલી ઓછી વાર લાગે છે.’

મા-બાપ તરફથી બાળકોને અનેક સંસ્કાર આપવામાં આવે પણ સંતાને એના અંગત જીવનમાં સંબંધોની શરૂઆત કેવી રીતે કરવી, એની જાળવણી કેવી રીતે કરવી અને અનિવાર્ય પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એની સમાપ્તિ કેવી રીતે કરવી એ વિશેની સમજ આપવાની જરૂર ભાગ્યે જ કોઈ મા-બાપ અનુભવે છે. પશ્ર્ચિમની જેમ હવે ભારતમાં પણ મૅરેજ કાઉન્સેલર અર્થાત્ લગ્નજીવનની સમસ્યાઓ અંગે સલાહ આપનારા પ્રોફેશનલ્સ પ્રેક્ટિસ કરતાં થયા છે. વાસ્તવમાં તો લગ્નજીવનમાં તડ પડે ત્યારે એવા સલાહકારોની જેટલી જરૂર હોય એના કરતાં વધારે ઉપયોગિતા એવી તડ ન સર્જાય એ માટે સલાહ આપનારા કાઉન્સેલરોની છે. શરદબાબુ બાળકોને અપાતા સંસ્કારમાં રહી જતી ગંભીર ખામીઓ વિશે ટિપ્પણ કરતાં લખે છે:

‘લગભગ બધાં જ છોકરાંનાં મનમાં એવી વિચિત્ર માન્યતા હોય છે કે નાનપણમાં પૈસાની ચોરી કરવી એ જ માત્ર વાસ્તવિક ચોરી છે, બાકી બધું જે ખોટું છે તે ખોટું ખરું પણ કોણ જાણે કેમ એ બધી ખોટી વાતોને ચોરી ન કહેવાય એવું બાળકોના મનમાં ઘર કરી જાય છે.’

ઉપકારો અને અહેસાનો જીવનનું અવિભાજ્ય અંગ છે. અનેક વ્યક્તિઓ તમારા માટે એવી કેટકેટલી ઘટનાઓ સર્જી જાય છે. જેનો આભાર શબ્દોમાં માનવા જાઓ તો આખો શબ્દકોશ ઓછો પડે. સાહિત્યકાર જ ઓછામાં ઓછા શબ્દોમાં આ કામ કરી શકે: ‘જેના હૃદયમાંથી આવું ભારે વણમાગ્યું દાન આટલી સ્વાભાવિક રીતે બહાર નીકળી આવે તેને ભુલાય પણ કેમ કરી? તે હૃદય શાના વડે, કોણે ઘડ્યું હશે?’

આગળ દરેક વ્યક્તિમાં રહેલા વિરોધાભાસની જે વાત કરી એને શરદબાબુએ પોતાની આગવી શૈલીમાં મૂકી આપી છે: ‘એક વ્યક્તિની અંદર બીજી વ્યક્તિ કેવી રીતે જીવતી હશે? પરંતુ માણસ છે જ એવો! એટલે જ તો એ માણસ છે!’

માનવ સ્વભાવની સ્થિતિસ્થાપકતા ફ્લેક્સિબિલિટી અથવા તો પરિસ્થિતિને અનુકૂળ થઈ જવાની ક્ષમતાને પારખીને શરદબાબુએ લખ્યું હતું, ‘માણસના મનને સહેલાઈથી કેટલું બધું પલટાવી શકાય છે!’

મતભેદ અને મનભેદ વિશે અનેક લોકોએ ચિંતન કર્યું પણ શરદબાબુ જેવી વિચારોની સ્પષ્ટતા બહુ ઓછા પાસે છે:

‘મન જ્યાં મળ્યું છે ત્યાં ભલેને મતનો અમેળ હોય; ભલેને કામની રીત જુદી જુદી હોય; એથી બગડી શું ગયું? પારકાના મત તરફ જો સન્માન ન રાખી શક્યા તો પછી શિક્ષણ શાનું? મત અને કાર્ય બહારની વસ્તુઓ છે, મન જ સત્ય છે.’

કેટલીકવાર માનસશાસ્ત્રીઓ જે સલાહો આપે તે ગળે નથી ઊતરતી પણ એ જ વાતને લેખક જ્યારે પોતાની રીતે સમજાવે છે ત્યારે તરત મન સ્વીકારી લે છે. શરદબાબુએ કહ્યું:

‘જે મન વસ્તુસ્થિતિની સામે જોઈ શકતું નથી એને હું વૃદ્ધ મન કહું છું. જે ભવિષ્યની સમસ્ત આશાને તિલાંજલિ દઈ ફક્ત ભૂતકાળમાં જ જીવતું રહેવા ચાહે છે તે મનને હું માંદલું અને જરાગ્રસ્ત કહું છું. આવા રોગિષ્ઠ મન માટે ભૂતકાળ જ એનું સર્વસ્વ છે. તે જ એનો આનંદ, એની વેદના – તે જ એની મૂડી છે. તેને વટાવીને એ જિંદગીના બાકીના દિવસોને જેમ તેમ જીવી કાઢવાનું કહે છે.’

આપત્તિથી ઘેરાઈ ગયેલી દરેક વ્યક્તિએ દીવાલ પર કોતરી રાખવા જેવા શરદબાબુના આ શબ્દો છે: ‘બહુ દુખ પામ્યા સિવાય કોઈ પણ મોટી વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી.’

ભૂલ થયા પછી એ ભૂલ હતી એવું સમજાય એ મોટી વાત છે અને એથીય મોટી વાત છે એ ભૂલ માટે માફી માગવાની ઈચ્છા પ્રગટ થાય તે. પણ આ માફી કેવી રીતે પ્રગટ થવી જોઈએ. આ માફીનું મહત્ત્વ કેટલું જીવનમાં? શરદબાબુ ત્રણ અલગ સંદર્ભમાં લખે છે:

‘ક્ષમા જ પ્રેમનો સાચો પ્રાણ છે. જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના છે… હૃદયમાં ક્ષમા માગી લેવા કરતાં હંમેશાં પ્રકટ રીતે ક્ષમવા માગવી સારી જ છે એવું નથી… ભૂલ કર્યા પછી સજા ખમી લેવી સારી, એથી પાપનું પ્રાયશ્ર્ચિત મળી જાય.’

અગાઉના લખનૌમાં જેમ લહિયાઓના સુંદર અક્ષરે લખેલી કુર્રાનની આયાતો, ચિત્રોને બદલે ફ્રેમમાં મઢાવીને રાખવામાં આવતી એમ આ આધુનિક જગતમાં સ્ટડી રૂમના ટૅગ બોર્ડ પર કૅલિગ્રાફીથી આ આટલી વાત શરદબાબુની લખી રાખવી જોઈએ:

‘જેઓ એમ માને છે કે સંપૂર્ણ મૈત્રી માટે ખૂબ દિવસો અને પુષ્કળ વાતચીત હોવી જરૂરી છે એમને અહીં સ્મરણ કરાવવું જરૂરી છે કે ના, એવી કોઈ ખાસ જરૂર નથી.’

કાગળ પરના દીવા

કોઈકના મોઢે જ્યારે હું સાંભળું છું કે, ‘જિંદગી તો બહુ કઠિન છે.’ ત્યારે મને હંમેશાં એવું પૂછવાનું મન થાય છે કે, ‘શેની સરખામણીએ?’

– સિડની જે. હેરિસ

સન્ડે હ્યુમર

સિત્તેર વર્ષના બકાભાઈ કરોડપતિને એમની ૨૫ વર્ષની પરી જેવી વાઈફ સાથે બારમાં ડ્રિન્ક કરતાં જોઈને બકાભાઈના દોસ્તારે એમને દૂર લઈ જઈને પૂછયું,

‘આટલી નાની છોકરીએ તારી સાથે લગ્ન કેવી રીતે કર્યાં?’

બકાભાઈ: ‘મેં એને મારી ઉંમર ખોટી કહી.’

મિત્ર: ‘તેં એને એમ કહ્યું કે તું ૫૦નો છે?’

બકાભાઈ: ‘ના, મેં કહ્યું કે મને નેવું થયા!’

( મુંબઇ સમાચાર : રવિવાર, 4 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *