ફિફ્ટીઝના નેહરુજી અને અત્યારના રાહુલબાબા

નેહરુ પોતે જ્યારે વડા પ્રધાન હતા ત્યારે, ૧૯૫૫માં, એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. આગલા વર્ષે ડૉ. રાધાકૃષ્ણન અને રાજાજીને ભારતરત્ન આપ્યા પછી એક વર્ષમાં નેહરુએ પોતાનું સન્માન કરી નાખ્યું. નેહરુપુત્રી ઇંદિરા ગાંધીએ પણ ૧૯૭૧માં પોતાની જાતને ભારતરત્ન અવૉર્ડથી નવાજી લીધી હતી. રાજીવ ગાંધીને એમના અવસાન બાદ – ૧૯૯૧માં ભારતરત્ન આપવામાં આવ્યો. કૉન્ગ્રેસ સરકારને તે વખતે બે આંખની શરમ નડી હશે કે શું પણ છેક ૧૯૯૧માં સરદાર વલ્લભભાઈ પટેલને મરણોત્તર ભારતરત્ન આપવામાં આવ્યો. નવાઈ છે કે સ્વર્ગસ્થ સંજય ગાંધીને કેમ કોઈએ ભારતરત્ન આપ્યો નહીં!

સરદાર પટેલ સાથેના નેહરુના સંબંધો વિશે ખૂબ લખાયું છે પણ એક માહિતી મારા માટે નવી નવાઈની હતી. ભયંકર શૉકિંગ હતી. કઈ માહિતી? આ.

એમ. કે. કે. નાયર નામના આઈ.એ.એસ. અધિકારીએ ‘વિથ નો ઈલ ફીલિંગ ટુ એનીબડી’ નામની સંસ્મરણકથામાં નોંધ્યું છે:

‘(મુંબઈમાં) સરદાર પટેલ ગુજરી ગયા છે એવી ખબર નેહરુને (દિલ્હીમાં) મળી કે તરત એમણે ગૃહ મંત્રાલયને બે નોંધ મોકલી. (સરદાર ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર હતા અને ગૃહ મંત્રી હતા). આ બંને નોંધ મંત્રાલયના સચિવ વી. પી. મેનનને મળી. એક નોંધમાં નેહરુએ લખ્યું હતું કે સરદાર જે સરકારી કૅડિલેક કાર વાપરતા હતા તે તાબડતોબ પીએમની ઑફિસે મોકલી આપવી. બીજી નોંધ વધારે આઘાતજનક હતી. નેહરુએ એમાં લખ્યું હતું કે સરકારના જે સચિવો સરદારની અંતિમયાત્રામાં ભાગ લેવા (મુંબઈ) જવા માગતા હોય તે સૌએ પોતાના ખર્ચે જવું.’

આ વાત કનૈયાલાલ મુનશીના આ લખાણ પરથી રિ-ક્ધફર્મ થાય છે. મુનશી તો ત્યાં સુધી લખે છે કે: ‘મુંબઈમાં સરદારનું મૃત્યુ થયું છે એવા સમાચાર આવ્યા પછી જવાહરલાલે એમના પ્રધાનમંડળના પ્રધાનોને તેમ જ તે પ્રધાનોના મંત્રાલય સાથે સંકળાયેલા સચિવોને અંતિમયાત્રામાં હાજરી આપવા માટે મુંબઈ જવાની મનાઈ ફરમાવી હતી. પ્રધાનોમાં હું (ક. મા. મુનશી) તે વખતે માથેરાન હતો. શ્રી એન. વી. ગાડગીલ, શ્રી સત્યનારાયણ સિન્હા અને શ્રી વી. પી. મેનને આ સૂચનાનું ઉલ્લંઘન કરીને અંતિમયાત્રામાં હાજરી આપી. જવાહરલાલે રાજેન્દ્ર પ્રસાદ (રાષ્ટ્રપતિ)ને પણ મુંબઈ જવાની મનાઈ ફરમાવી હતી જેને રાજેન્દ્ર પ્રસાદે ધ્યાનમાં નહોતી લીધી.

ગાંધીજીએ કૉન્ગ્રેસની પ્રાદેશિક સમિતિઓએ આપેલા મતની અવગણના કરીને સરદારને બદલે નેહરુને વડા પ્રધાનપદ સોંપ્યું (તે વખતે કૉન્ગ્રેસનું પ્રમુખપદ) તેની પાછળ સરદારની કથળતી તબિયત કારણભૂત હતી એવી વાયકા છે. આ વાયકાને વધુ બળ એટલા માટે મળ્યું કે આઝાદી મળ્યાના સવા ત્રણ વર્ષ બાદ (૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ) સરદારનું અવસાન થયું. સરદારને પેટની બીમારી હતી તે સાચી વાત. પણ આ કારણોસર એમને વડા પ્રધાન બનાવવામાં નહોતા આવ્યા એવી વાયકાનો કોઈ ઐતિહાસિક પુરાવો તો બાજુએ, સંદર્ભ પણ અવેલેબલ નથી. લાગે છે કે આ એક જાણીજોઈને ચલાવવામાં આવેલું માત્ર ગપ્પું છે. (આ બાબતે જો કોઈની પાસે નક્કર સંદર્ભ/પુરાવો હોય તો મને મોકલવા કૃપા કરશો. એની સચ્ચાઈ તપાસીને આપણે એની આધારભૂતતા નક્કી કરીશું). નેહરુના અવસાન પછી એમના નિવાસસ્થાનને નેહરુના સંગ્રહસ્થાન તરીકે જાળવવામાં આવે છે. સરદાર દિલ્હીમાં જ્યાં રહેતા હતા તે ઘરનું નામોનિશાન મિટાવી દેવામાં આવ્યું છે. નેહરુએ સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં સરદારની તસવીર મૂકવા જેટલું સૌજન્ય પણ દાખવ્યું નહોતું. ૧૯૫૪માં ગ્વાલિયરના મહારાજા જીવાજી રાવ સિંધિયાએ સરદાર પટેલનું તૈલચિત્ર ભેટ આપીને સેન્ટ્રલ હૉલમાં મુકાવ્યું.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનું ૧૯૬૩માં બિહારમાં અવસાન થયું અને પટનામાં એમની અંતિમક્રિયા હતી ત્યારે વડા પ્રધાન નેહરુએ પોતાના દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ફ્યુનરલમાં હાજરી નહોતી આપી, એવું કહીને કે, ‘અત્યારે હું ગુજરાતમાં ઈલેક્શન કેમ્પેન ફંડ ઉઘરાવવામાં વ્યસ્ત છું!’ એટલું ઓછું હોય એમ નેહરુએ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે તમારે પણ ત્યાં જવાની જરૂર હોય.’ જેના જવાબમાં ડૉ. રાધાકૃષ્ણને નેહરુને સંભળાવી દીધું હતું કે:

‘ના, મારે તો ફ્યુનરલમાં જવું જ જોઈએ. એટલો આદર તો એમને આપવો જ ઘટે. મને લાગે છે કે તમારે પણ તમારો પ્રવાસ ટૂંકાવીને મારી સાથે પટના ચાલવું જોઈએ.’

નેહરુએ અપાર બ્લન્ડર્સ કરી. એમના જમાનામાં આજના જેવું મીડિયા હોત તો આજે આપણે નેહરુને મહાન નેતા ન ગણતા હોત. આ એક વાત થઈ. બીજી વાત એ થઈ કે તે વખતના જેવું જ મીડિયા આજે પણ હોત તો રાહુલ ગાંધીને આપણે સૌ ‘આધુનિક યુગના નેહરુચાચા’ ગણીને પૂજતા હોત. શું આનો અર્થ એ થયો કે નેહરુ એમના જમાનાના રાહુલબાબા હતા? વેલ, મેં તો માત્ર પ્રશ્ર્નાર્થ મૂક્યો છે. જવાબ તમારે આપવાનો છે.

આજનો વિચાર

અવાજ ઊંચો કરવાની જરૂર નથી, દલીલને વધુ દમદાર બનાવો તે પૂરતું છે.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

રેલવે સ્ટેશને પૂછપરછની બારી પર…

કલાર્ક: ભારે વરસાદને કારણે બધી ટ્રેનો રદ થઈ છે… કોઈને બીજું કંઈ પૂછવું છે?

એક બેન: ભાઈ, હું આ ડ્રેસમાં જાડી તો નથી લાગતીને?

( મુંબઇ સમાચાર : શનિવાર, 3 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *