નેહરુની અર્થનીતિઓએ ભારતને ઈન્ટરનેશનલ ભિખારી બનાવ્યું હતું

નેહરુના વારસદારો અત્યાર સુધી કહેતા રહ્યા અને પાઠ્યપુસ્તકો દ્વારા આપણને ભણાવતા રહ્યા કે નેહરુ આઝાદ ભારતના ઘડવૈયા હતા, આર્કિટેક્ટ ઑફ ધ ન્યુ ઈન્ડિયા. સાચી વાત છે. પણ એમણે કેવું ભારત ઘડ્યું એ આપણાથી છુપાવવામાં આવ્યું.

સિદ્દવનહલ્લી નિજલિંગપ્પા નામના સિનિયર કૉન્ગ્રેસી નેતા એસ. નિજલિંગપ્પાના નામે વધારે જાણીતા હતા. ૧૯૫૬-૧૯૫૮ દરમિયાન મૈસૂર રાજ્યના અને ૧૯૬૨-૧૯૬૮ દરમિયાન કર્ણાટક રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નિજલિંગપ્પા સાતેક વર્ષ પહેલાં જ ૯૭ વર્ષની ઉંમરે ગુજરી ગયા. ‘માય લાઈફ ઍન્ડ પોલિટિક્સ’ એમની આત્મકથા જેમાં લખ્યું છે:

‘ગ્રામીણ અર્થવ્યવસ્થાની અવગણના કરવા બદલ, ખાસ કરીને કૃષિ ક્ષેત્ર તરફ બેધ્યાન બનવા બદલ અને કૃષિ અર્થતંત્ર માટે જેની સૌથી મોટી આવશ્યકતા હોય તે સિંચાઈ ક્ષેત્રને નિગ્લેક્ટ કરવા બદલ હું એમની (નેહરુની) સાથે ઝઘડ્યો છું. નેહરુએ મને ઉતારી પાડતાં કહ્યું હતું કે, ‘તમે તો સાવ ગંવાર છો, ગામડિયા છો, આ બધામાં તમારી ચાંચ ના ડૂબે.’ હું એમની સામે બોલતો, ‘તમને જો ગામડાંઓ માટે મને જેટલો લગાવ છે એના દસમા ભાગનો પણ પ્રેમ હોત તો ભારતનું અર્થતંત્ર સાવ જુદું જ હોત…’ હું માનું છું કે આ બાબતમાં રશિયાની વાનરનકલ કરવા સિવાય બીજી કોઈ સૂઝ એમનામાં નહોતી.’

નિજલિંગપ્પાનું નિરીક્ષણ સાચું છે. નેહરુ ભારતમાં રશિયાની જેમ સહકારી ખેતી કરવા માગતા હતા. ખેતીનો અનુભવ જેમના લોહીમાં હતો તે ચૌધરી ચરણ સિંહે નેહરુની સહકારી ખેતીની નીતિના ગતકડાનો તીવ્ર વિરોધ કર્યો હતો. છેવટે કૉન્ગ્રેસે આ અખતરો પડતો મૂકવો પડ્યો હતો.

જપાન અને જર્મની તો મહાન રાષ્ટ્રો હતાં જે બીજા વિશ્ર્વયુદ્ધમાં તબાહ થઈને ટૂંકા ગાળામાં અતિ સમૃદ્ધ બની ગયાં. મલેશિયા, સિંગાપોર, સાઉથ કોરિયા સહિતનાં છૂછાં દેશો પણ એક દોઢ દાયકામાં ક્યાંના ક્યાં નીકળી ગયા. એની સામે ભારતની છાપ એક આંતરરાષ્ટ્રીય ભિખારી તરીકેની રહી. યુનો અને વર્લ્ડ બૅન્ક પાસેથી તેમ જ સમૃદ્ધ દેશો પાસેથી લોન મળે ત્યારે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેતી તેમ જ ઉદ્યોગને લગતાં કામ થાય. નેહરુના આ કમનસીબ વારસાનો પડછાયો છેક ૧૯૮૦ના દાયકા સુધી લંબાયો જ્યારે મુંબઈની મ્યુનિસિપાલિટીએ શહેરમાં રસ્તા, ગટર, ફૂટપાથ કે રડ્યાખડ્યા ફ્લાયઓવર બનાવવા વર્લ્ડ બૅન્કની લોન મંજૂર થાય એની રાહ જોવી પડતી.

કૃષિ-સિંચાઈની અવગણના કરવાને લીધે આપણો દેશ ભૂખડી બારસોનો દેશ બની ગયો, માયકાંગલો બની ગયો. જપાન જેવા દેશો ખેતી અને શિક્ષણને પ્રાધાન્ય આપીને ઝડપભેર પગભર બની ગયા અને પગભર બનીને ભારે ઉદ્યોગોના ક્ષેત્રમાં વિકાસ કરી ગયા. નેહરુએ રશિયાની દેખાદેખી કરીને લોકોને આંજી નાખવા સીધી જ છલાંગ લગાવીને ભારે ઉદ્યોગો સ્થાપવાનું શરૂ કર્યું અને પાયાનાં બે ક્ષેત્રો-કૃષિ અને પાયાના શિક્ષણની ઘોર અવગણના કરી. નેહરુ ભૂલી ગયા કે રશિયા ભારે ઉદ્યોગો સ્થાપવાના ચક્કરમાં વારંવાર આવતા દુકાળથી પીડાતું રહ્યું હતું.

અન્નની કાયમી તંગી નેહરુ યુગનું એક ખૂબ મોટું લક્ષણ હતું. આવું જ બીજું એક પાસું એ જમાનાનું હતું – ખખડધજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર. તૂટ્યા ફૂટ્યા શેરી કક્ષાની ગલીઓ જેવા નેશનલ હાઈવેઝ, એના પર દોડતી ખડખડ પાંચમ જેવી એમ્બેસેડરો, ફિયાટ્સ અને ખટારા જેવા માલવાહક વાહનો. બીજા વિશ્ર્વયુદ્ધના જમાનાના લશ્કરી સરંજામવાળું સૈન્ય અને થ્રી નોટ થ્રી જેવી બાબા આદમના જમાનાની રાયફલોથી દેશની આંતરિક સુરક્ષા કરતી રાજ્યોની પુલિસફોર્સ. સંદેશવ્યવહારમાં સાધનોનાં ઠેકાણાં નહીં, વાહનવ્યવહારની સુવિધાના નામે મોટું મીંડું.

આ જ ગાળામાં દુનિયાના ટચુકડા દેશો પ્રગતિ કરીને આપણા કરતાં અનેકગણા આગળ નીકળી ગયા. ૧૯૪૭ થી ૧૯૬૪નો ગાળો ભારત માટે ઑપોર્ચ્યુનિટીઝની દૃષ્ટિએ સુવર્ણયુગ હતો પણ નેહરુ પોતાની ઈમેજને ચકચકિત રાખ્યા કરવામાં એટલા વ્યસ્ત હતા કે તેઓ દેશની આ દરેક સમસ્યાને સુલઝાવી શકે એવા વિચારોમાં ઓતપ્રોત થઈ શક્યા નહીં અને આ સમસ્યાઓના ઉકેલ માટે અધિકારી હોય એવા લોકોને પોતાની આસપાસ ભેગા કરી શક્યા નહીં. એને બદલે તેઓ સતત હજૂરિયાઓથી ઘેરાયેલા રહ્યા.

નેહરુના પગલે ચાલેલી કૉન્ગ્રેસી સરકારને પ્રતાપે છેક ૨૦૧૧માં પણ ભારતની ૩૩ ટકા પ્રજા ગરીબીની રેખા હેઠળ જીવી રહી હતી. વર્લ્ડ બૅન્કના આંકડા છે. રોજના સવા ડૉલર (અમેરિકી ડૉલર) કરતાં ઓછું કમાતો માણસ ગરીબીની રેખા હેઠળ જીવે છે એવું કહેવાય. ૬૯ ટકા ભારતીયો રોજના બે ડૉલર કરતાં ઓછું કમાય છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફન્ડ (આઈ.એમ.એફ.)ના આંકડા મુજબ માથાદીઠ આવકના આંકડામાં ૧૮૩ દેશોની યાદીમાં ભારતનો નંબર ૧૨૯મો આવે. શ્રીલંકા, મલેશિયા અને જમૈકા સુદ્ધાં આપણા કરતાં આગળ છે. સમાજવાદના ઓઠા હેઠળ નેહરુએ સામ્યવાદી નીતિઓ અપનાવી તેને બદલે સ્પર્ધાત્મક વાતાવરણ સર્જતા મૂડીવાદને પ્રોત્સાહન આપ્યું હોત તો ભારત ૭૦ના નહીં તો છેવટે ૮૦ના દાયકામાં પગ મૂકતાં જ આજે છે એવું – ચીન અને અન્ય જાયન્ટ દેશોની બરોબરી કરતું થઈ ગયું હોત.

અંગ્રેજોના જમાનામાં સરકારી તંત્ર લોકોના શોષણ માટે હતું. લોકોના ખર્ચે અને જોખમે આ તંત્ર તથા તંત્ર ચલાવનારાઓ તગડાં બનતાં. નેહરુના આગમન પછી આ તંત્રમાં કોઈ સુધારો થયો નહીં. સરકારી નોકરો એટલા જ, બલકે વધુ, ઉદ્ધત, કામચોર, બેજવાબદાર અને સગાવાદીઓ બન્યા. મોદીએ ત્રણ જ વર્ષમાં સરકારી તંત્રના ટોચના લોકોનો અટિટ્યુડ બદલી નાખ્યો અને સૌને કામ કરતા કરી દીધા અને પંદર દિવસ પહેલાં એમણે દરેક મિનિસ્ટ્રીના સચિવોને પોતાની સાથેની હૉટલાઈન આપી દીધી જેથી સારાં કામમાં કોઈ પ્રધાન પણ આડે ન આવે.

નેહરુએ પ્રથમ દાયકાના શાસન દરમ્યાન દેશમાં થોડીક આઈઆઈટી અને આઈઆઈએમ સ્થાપી પણ પાયાના ભણતરની અવગણના કરી. પેલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પણ આટલા મોટા દેશમાં અપૂરતી હતી, પણ પોતે શિક્ષણ ક્ષેત્રે ઝડપી કદમ ઉઠાવી રહ્યા છે તેનો દેખાવ કરવા માટે પૂરતી હતી. નેહરુએ આ જ કર્યું. જાહેર ક્ષેત્રનાં એકમોથી લઈને કેટલાક ભારે ઉદ્યોગોની સ્થાપના દ્વારા પ્રજામાં એ જતાવવાની કોશિશ કરી કે પોતે કેટલા પ્રગતિશીલ છે, દીર્ઘદૃષ્ટા છે. પણ પાયાની સગવડોની ઘોર અવગણના કરી. હિંદી – સંસ્કૃતની ઉપેક્ષા અને અંગ્રેજી – ઉર્દૂને ઉત્તેજનવાળી નેહરુની શિક્ષણ નીતિએ ભારતને દાયકાઓ સૌથી અભણ રાખ્યું.

નેહરુએ ભારતના ઈતિહાસને મનમાન્યો મોડ આપીને લખ્યો જેનાં જ્વલંત ઉદાહરણો તમને નેહરુનાં પુસ્તકો ‘ગ્લિમ્પ્સીસ ઑફ વર્લ્ડ હિસ્ટરી’ તથા ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’માં મળશે. ઈતિહાસની આવી જ ખોટી રજૂઆત નેહરુએ ભારતની શાળા – કૉલેજોમાં ભણાવાતાં પાઠ્યપુસ્તકોમાં થવા દીધી. સેક્યુલરિઝમને નામે એમણે સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારનો પણ વિરોધ કર્યો હતો.

વિશ્વનો ઈતિહાસ કહે છે કે આક્રમણખોરોએ જે દેશમાંથી લૂંટફાટ ચલાવી હોય તે લૂંટનો માલ એ દેશોને પાછો મેળવવાનો હક્ક છે. નાઝીઓએ યુરોપમાંથી જે જે માલ લૂંટીને જર્મની ભેગો કર્યો હતો તે સઘળો માલ યુરોપના દેશોએ બીજા વિશ્ર્વયુદ્ધ પછી જર્મની પાસેથી પાછો ઓકાવ્યો હતો. અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે એમણે દેશમાંથી કોહિનૂર સહિતની જે દુર્લભ અસ્ક્યામતો લૂંટી હતી તે પાછી માગવાની ફરજ તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુની હતી. નેહરુએ આવું કરવાને બદલે માગણી કરનારાઓને શું જવાબ આપ્યો ખબર છે? નેહરુએ કહ્યું: ‘જે દેશ (ઈંગ્લેન્ડ) સાથે હવે આપણા સારા સંબંધ છે એની પાસેથી ભૂતકાળમાં આપણે આપેલી ભેટ-સોગાદો પાછી માગવાનું આપણને શોભે નહીં. (કોહિનૂર બ્રિટિશરોને ભેટ આપવામાં આવ્યો હતો એવું જુઠ્ઠાણું નેહરુએ સ્વીકારી લીધેલું). ઊલટાનું વિદેશી મ્યુઝિયમોમાં ભારતની કળાકૃતિઓ હોય તે સારું જ છે’!

કાલે પૂરું.

આજનો વિચાર

આટલું બધું શા માટે શીખવે છે જિંદગી? અમારે અહીં ક્યાં સદીઓ વીતાવવાની છે?

– અજ્ઞાત્ (વૉટ્સએપ પર વાંચેલું)

એક મિનિટ!

બકી: હેલો, ક્યાં છે તું?

બકો: મોટીવેટ કરી રહ્યો છું.

બકી: કોને?

બકો: કોને શું? તારી વેટ કરી રહ્યો છું, એક કલાકથી, મોટી!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 2 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *