ગોવાને આઝાદી અપાવતાં પૂરાં ૧૪ વર્ષ થયાં

કાશ્મીર અને ચીનના મામલે નેહરુએ કરેલી બ્લન્ડર્સ બધાને ખબર છે, પણ બહુ ઓછાને જાણ છે કે આઝાદીના તુરંત બાદ જયારે હજુ ભારતીય લશ્કરના વડા નીમાયા નહોતા અને જનરલ સર મૅક્ગ્રેગર મૅક્ડોનાલ્ડ લૉકહાર્ટ સંયુક્ત ભારતના આર્મી ચીફ હતા અને થોડા મહિના સુધી (૧ ઑક્ટોબર, ૧૯૪૮ સુધી) ભારતના કમાન્ડર-ઈન-ચીફ રહ્યા ત્યારે એમણે નેહરુ સાથેની એક મીટિંગ બાદ શું કહ્યું. જનરલ લૉકહાર્ટે કહ્યું:

‘પ્રાઈમ મિનિસ્ટરે મેં રજૂ કરેલા પ્લાનના કાગળ તરફ એક નજર નાખી અને એમનો પિત્તો ગયો: “રબિશ! ટોટલ રબિશ! આપણને કોઈ કરતાં કોઈ ડિફેન્સ પ્લાનની જરૂર નથી. આપણે અહિંસામાં માનીએ છીએ. આપણને કોઈનાય તરફથી આક્રમણનો ભય નથી. આર્મીને વિખેરી નાખો. આપણી સંરક્ષણ જરૂરિયાતો માટે પોલીસ પૂરતી છે. નેહરુએ ઘાંટા પાડીને કહ્યું હતું.’

જનરલ લૉકહાર્ટે ક્વોટ કરેલા નેહરુના આ શબ્દો પછી આપણે ૧૯૬૨માં ચીન સામે શું કામ હાર્યા તે વિશે કારણો શોધવા જવાની જરૂર નથી.

નેહરુ કાશ્મીરના પ્રશ્ર્નને યુનોમાં લઈ ગયા એ તો એમની બ્લન્ડર ખરી જ, તિબેટના પ્રશ્ર્નને નેહરુ યુનોમાં ન લઈ ગયા એ એમની બ્લન્ડર હતી. ભારત અને ચીન વચ્ચે તિબેટ એક બફર જેવું રાષ્ટ્ર હતું. ચીને તિબેટ પર આક્રમણ કર્યું ત્યારે તિબેટે યુનોમાં ધા નાખી હતી. યુનોએ તિબેટની ફરિયાદ સાંભળવાની ના પાડી, કારણ કે તિબેટ યુનોનું સભ્ય નહોતું. તિબેટે ભારત સરકારને વિનંતી કરી કે તમે યુનોમાં તિબેટનો ઈશ્યૂ ઉઠાવો. ભારતે ચીન નારાજ થશે એવા ડરથી તિબેટની વિનંતી માન્ય રાખી નહીં. ઊલટાનું આપણે બેશરમ બનીને તિબેટને શીખામણ આપી કે તમે તમારા આક્રમણખોર સાથે શાંતિપૂર્ણ રીતે સુલેહ કરી લો. ૨૩ નવેમ્બર, ૧૯૫૦ના દિવસે તિબેટની અપીલ યુનોની જનરલ એસેમ્બલીમાં ડિસ્કશન માટે આવી ત્યારે ભારતે આ ડિસ્કશનનો કોઈ મતલબ જ નથી એમ કહીને રજૂઆત કરી કે ભારતને ચીનની ચિઠ્ઠી મળી છે કે તેઓ આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાના છે. આવા ફાલતુ કારણોસર ભારતે યુનોમાં તિબેટને લગતી ચર્ચાનો વિરોધ કર્યો હતો.

૧૯૫૩ના ઑગસ્ટમાં ભારતના અનેક નેતાઓ અને અગ્રણી નાગરિકોએ તિબેટ પર થયેલા ચીની આક્રમણનો વિરોધ કરવા ‘તિબેટ દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું ત્યારે નેહરુએ ઑલ ઈન્ડિયા કૉન્ગ્રેસ કમિટીને પત્ર લખીને કહ્યું હતું કે એક પણ કૉન્ગ્રેસીએ એમાં ભાગ લેવાનો નથી, કારણ કે આ ઉજવણી ચીન સાથેની આપણી મૈત્રી વિરુદ્ધનું કૃત્ય છે!

સર વૉલ્ટર ક્રોકર બેવાર ભારતમાં ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશ્નર તરીકે કામ કરી ચૂક્યા છે. એક વખત ૧૯૫૨થી ૧૯૫૫ દરમ્યાન અને બીજીવાર ૧૯૫૮થી ૧૯૬૨ દરમ્યાન. ૧૯૬૬માં વૉલ્ટર ક્રોકરે ‘નેહરુ: અ ક્ધટેમ્પરરી’ઝ એસ્ટિમેટ’ પુસ્તક લખ્યું જે નેહરુની બાયોગ્રાફી સમું છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રગટ કરેલા આ પુસ્તકમાં ક્રોકર લખે છે:

“૧૯૫૨-૫૩માં દિલ્હીમાં બોલાતું કે નેહરુ ખાનગીમાં તેમ જ જાહેરમાં તિબેટ પરના ચીનના આક્રમણને વાજબી ઠેરવતા હતા.

શું કારણ આનું? અરુણ શૌરીએ ‘આર વી ડિસીવિંગ અવરસેલ્વ્સ અગેઈન?’ નામનું પુસ્તક આ મુદ્દાની વિગતવાર છણાવટ કરવા માટે લખ્યું છે. રજનીકાન્ત પુરાણિક ‘નેહરુ’ઝ નાઈન્ટી સેવન બ્લન્ડર્સ’માં શૌરીના આ પુસ્તકને ક્વોટ કરતાં લખે છે કે નેહરુ કહેતા કે તિબેટમાં તો સામંતશાહી રાજ્યવ્યવસ્થા છે, એ કંઈ થોડો લોકશાહી દેશ છે? એને કેવી રીતે આપણાથી સપોર્ટ થાય?

એક જમાનામાં જે સરહદ ભારતની સૌથી સુરક્ષિત ગણાતી તે નેહરુના તિબેટ-બ્લન્ડરને લીધે એકદમ અસુરક્ષિત બની ગઈ. શૌરીએ નોંધ્યું છે કે ‘(નેહરુએ માની લીધેલું કે) આપણે જો અજગર સાથે સારી રીતે વર્તીશું તો એ આપણને ગળી નહીં જાય.’

વિન્સ્ટન ચર્ચિલે જુદા જ સંદર્ભમાં એક વાત કહી છે જે અહીં બરાબર ફિટ થાય છે: ‘ખુશામતિયો એ આશાએ મગરને ખવડાવતો હોય છે કે એ મને નહીં ખાય.’

૧૯૬૪ની સાલમાં નેહરુએ પોતાના જીવનના અંતિમ દિવસોમાં એવો વિલાપ કર્યો હતો કે, ‘મારા મિત્ર (ચીન)એ મને દગો આપ્યો.’

સ્વામી સચ્ચિદાનંદે નેહરુના આ શબ્દોના સંદર્ભમાં લખ્યું છે: ‘દુશ્મન દગો ન આપે તો બીજું શું આપે?’

ભારત છેક ૧૯૪૭માં આઝાદ થયું આમ છતાં ગોવામાંથી પોર્ટુગીઝોને હટાવતાં આપણને ૧૪ વર્ષ શું કામ લાગ્યાં?

૧૯૫૦માં વિદેશી બાબતોની સમિતિમાં થયેલી ચર્ચામાં ગોવા વિશે ખૂબ લંબાણપૂર્વક વાત થઈ ત્યારે સરદાર પટેલે નેહરુ તરફથી મળી રહેલા જાતજાતના મોળા-ભીરુ સૂચનોથી અકળાઈને કહ્યું હતું: ‘હમણાં જ લઈ લઈએ આપણે? બે જ કલાકની વાત છે.’

સરદારે આ પહેલાં જૂનાગઢ તથા હૈદરાબાદના પ્રશ્ર્નો સૉલ્વ કર્યા હતા. ગોવા કૉન્ગ્રેસને ૧૪ મે, ૧૯૪૬ના રોજ લખાયેલા પત્રમાંનું પ્રોમિસ પાળવા સરદાર આતુર હતા કે બને એટલું જલદી અમે તમને વિદેશીઓના (પોર્ટુગીઝોના) પંજામાંથી છોડાવી લઈશું, પણ નેહરુની હોતી હૈ ચલતી હૈ વાળી નીતિને કારણે ગોવાનો પ્રશ્ર્ન ઠેલાતો જ ગયો. બ્રિટિશ જો ભારત જેવડો મોટો પ્રદેશ ખાલી કરીને જતા રહી શકે તો ગોવા જેટલા ટચુકડા પ્રદેશ પર પોર્ટુગીઝોના કબજાને ભારત કેવી રીતે ચલાવી શકે એ વાત કોઈના સમજમાં આવતી નહોતી. નિર્ણયો લેવાની અશક્તિ, ગૂંચવાડા ભરેલી અને અસ્પષ્ટ વિદેશ નીતિ, હિંમતનો અભાવ અને ભારતની સંરક્ષણ તેમ જ સલામતી વ્યવસ્થા તરફનું દુર્લક્ષ ધરાવતું નેહરુનું ચિંતન – ગોવાએ આ બધાં કારણોસર છેક ૧૯૬૧ સુધી આઝાદી માટે રાહ જોવી પડી.

મોદીના પી.એમ. બન્યા પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન આ દેશની પ્રજાને અહસાસ થવા લાગ્યો છે કે નોર્થ-ઈસ્ટનાં ૭ રાજ્યો પણ ભારતનું જ અવિભાજય અંગ છે. ઈશાન ભારતને મેઈન સ્ટ્રીમમાં જોડવાના અનેક પ્રયાસોમાંનું લેટેસ્ટ ઉદાહરણ છે બ્રહ્મપુત્રની ઉપનદી પરનો સવા નવ કિલોમીટર લાંબો ભૂપેન હઝારિકા બ્રિજ. નેહરુએ ત્રણ કારણોસર આ સાત રાજ્યોની ઘોર ઉપેક્ષા કરી: ૧. ત્યાં ૨૨૦થી વધુ જાતિ-જનજાતિઓ વસે છે. આટલી વિભિન્ન પ્રજાને એક રાખવી અશક્ય છે. ૨. આ પ્રજાઓની માગણી સંતોષતા રહીશું તો ઠેર ઠેર આવી નાની જાતિઓ પોતાની માગણીઓ પૂરી કરવા આંદોલન ચલાવશે. ૩. આટલાં નાનાં રાજ્યોને સાચવવાં ભારતને આર્થિક રીતે પરવડે નહીં અને આ જ કારણોસર નેહરુએ ત્યાં ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ પર કોઈ લગામ રાખી નહીં.

આજનો વિચાર

કબ તક ખડે રહોગે, સેક્યુલરિઝમ કી ચૌખટ પે. કભી તો આઓ… મેરી જીપ કે બોનેટ પે… – કશ્મીર ટૂરિઝમ (વિથ ઈન્ડિયન આર્મી!)

– વૉટ્સ ઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો બગીચામાં એની આયટમ સાથે બેઠો હતો ત્યાં એક કાકા આવીને કહેવા લાગ્યા.

‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે?’

બકાએ કહ્યું: ‘ના અંકલ, આ તો જોશીકાકાની પલ્લવી છે!’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 1 જૂન 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *