નેહરુના નિર્ણયથી કોમી રમખાણોમાં ૫,૦૦૦ની કતલ થઈ

૧૯૪૬માં નેહરુને ફરી એકવાર કૉન્ગ્રેસનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું જેના વાજબી હકદાર વલ્લભભાઈ હતા. પ્રમુખપદ મેળવ્યા પછી નેહરુએ કૅબિનેટ મિશન પ્લાન જેને કૉન્ગ્રેસે ઑલરેડી મંજૂર રાખેલો તેને અનુસરવાનો ઈનકાર કરી દીધો. નેહરુના આ ઈનકારને પગલે

જિન્નાહે ૧૬ ઑગસ્ટ ૧૯૪૬ના દિવસને ડાયરેક્ટ ઍક્શન દિવસ જાહેર કર્યો જેને કારણે પંજાબ, બંગાળ, દિલ્હી, મુંબઈ અને સૌથી વધારે તો કલકત્તામાં ભયંકર કોમી રમખાણો ફાટી નીકળ્યાં. આ રમખાણો મુસ્લિમ લીગે કરાવ્યાં હતાં. પાંચ હજારથી વધુ લોકોનાં મોત થયાં, પંદર હજાર ઘાયલ થયા અને એક લાખ લોકો બેઘર થયા.

સરદાર પટેલે આ સંદર્ભમાં ડી. પી. મિશ્રાને લખ્યું: ‘ચોથી વખત પ્રમુખપદે ચૂંટાયા પછી પણ નેહરુ એક બાળક જેવી રીતે વર્તે છે… પણ આપણે આપણો ગુસ્સો ખાળી રાખવો જોઈએ… નેહરુની પ્રેસ કૉન્ફરન્સ ઈમોશનલ ગાંડપણ સમાન હતી…’

કઈ પ્રેસ કૉન્ફરન્સની વાત હતી? આગળ આવશે. મૌલાના આઝાદે પણ આ બનાવ વિશે આત્મકથા ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’માં નોંધ્યું છે: ‘સરદાર પટેલને ટેકો નહીં આપવાની ભૂલ મેં કરી. અમે (મૌલાના આઝાદ અને સરદાર) ભલે અનેક બાબતો પર ભિન્નમત ધરાવતા હતા છતાં હું માનું છું કે જો કૉન્ગ્રેસ પ્રમુખ તરીકે મારા પછી સરદાર આવ્યા હોત તો એમણે કૅબિનેટ મિશન પ્લાનનો સફળતાપૂર્વક અમલ કર્યો હોત. જિન્નાહને આ પ્લાનનો ઉલાળિયો કરવા માટેની તક આપવાની જે ભૂલ જવાહરલાલે કરી તેવી ભૂલ સરદારે ચોક્કસ જ ન કરી હોત. મેં પોતે (સરદારને ટેકો નહીં આપવાની અને નેહરુને ફરી કૉન્ગ્રેસપ્રમુખ બનવા દેવાની) ભૂલો ન કરી હોત તો કદાચ એ દસકાનો ઈતિહાસ કંઈક જુદો જ હોત.’

કૅબિનેટ મિશન પ્લાનમાં શું હતું? ૧૯૪૬માં ઇંગ્લૅન્ડે ભારતના હાથમાં સરકારનો દૌર સોંપવા માટેની વિધિઓ નક્કી કરવા એક કૅબિનેટ મિશન મોકલ્યું હતું. આપણે જેની અંગ્રેજોથી ‘આઝાદી મેળવવાની લડત’ કહીએ છીએ તે અંગ્રેજોની દૃષ્ટિએ તેમ જ ફૉર ઑલ ધ પ્રેક્ટિકલ પરપઝ ‘ટ્રાન્સફર ઓફ પાવર’ની પ્રક્રિયા હતી, સત્તાના હસ્તાંતરણની પ્રોસેસ હતી. ઇંગ્લેન્ડના તે વખતના વડા પ્રધાન ક્લેમન્ટ એટલીના સુઝાવથી આ મિશન ભારત આવ્યું હતું. ૧૬ મે ૧૯૪૬ના રોજ જાહેર કરવામાં આવેલા કૅબિનેટ મિશન પ્લાનના મહત્ત્વના મુદ્દાઓ સમજી લઈએ:

૧. સંયુક્ત ભારતને આઝાદી મળશે અર્થાત્ આખેઆખું હિન્દુસ્તાન આઝાદી પામશે. અલગ પાકિસ્તાનની માગણીને નકારી કાઢવામાં આવી હતી.

૨. મુસ્લિમ બહુમતીવાળા સિંધ, પંજાબ, બલુચિસ્તાનનું એક જૂથ રચાશે અને બંગાળ તથા આસામનું બીજું એક જૂથ રચાશે.

૩. મધ્ય અને દક્ષિણ ભારતના હિંદુ બહુમતી પ્રાંતોનું જુદું જૂથ રચાશે.

૪. કેન્દ્ર સરકાર દિલ્હીમાં રહેશે જે સમગ્ર દેશની સંરક્ષણ વ્યવસ્થા, રાજદ્વારી સંબંધો તથા ચલણ માટે જવાબદાર રહેશે અને બાકીની તમામ સત્તાઓ પ્રાંતોની પાસે રહેશે.

આ પ્લાન કૉન્ગ્રેસ – મુસ્લિમ લીગ – કોઈને મંજૂર નહોતો એટલે ૧૬મી જૂને નવો કૅબિનેટ મિશન પ્લાન જાહેર થયો. નેહરુએ આ બીજા પ્લાનને નામંજૂર કરતી બેજવાબદારભરી જાહેરાત મુંબઈમાં ૭ જુલાઈ ૧૯૪૬ની પત્રકાર પરિષદમાં કરી. આ બીજા પ્લાનમાં દેશના ભાગલા પાડીને મુસ્લિમોને અલગ પાકિસ્તાન આપવાની જિન્નાહની માગણી સ્વીકારી લેવામાં આવી હતી. ભારતનાં રાજા-રજવાડાંને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની છૂટ આપવામાં આવી હતી. હિંદીઓની કામચલાઉ સરકાર તથા બંધારણીય સભા રચવાની વાત હતી. નેહરુએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે અમને આ પ્લાનમાંથી બંધારણીય સભા રચવાની વાત જ મંજૂર છે, બાકીની કોઈ વાત મંજૂર નથી. નેહરુની જાહેરાતના પગલે જિન્નાહે કહ્યું કે મુસ્લિમ લીગ બંધારણીય સભામાં ભાગ નહીં લે. નેહરુએ જો ધીરજ રાખી હોત અને હિંદીઓની કામચલાઉ સરકાર રચવાનું અંગ્રેજોનું સૂચન સ્વીકારી લીધું હોત તો ભારતના ભાગલા વખતે થયેલી કત્લેઆમ ખાળી શકાઈ હોત, મિલકતની વહેંચણી અંગે ઓછો વિખવાદ થયો હોત અને શરણાર્થીઓની સમસ્યા એટલી વિકટ ન બની હોત કારણ કે આ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે કામચલાઉ સરકારનું વિશાળ તંત્ર કામે લાગી ગયું હોત.

આસામના મુસ્લિમીકરણ માટે અને સિંધીઓને બેવતન બનાવી દેવા માટે પણ નેહરુએ લીધેલા નિર્ણયો જ જવાબદાર હતા. એ વિશે કાલે.

આજનો વિચાર

આજની તારીખે કોહિનૂર પછી ભારતની બીજી કોઈ મોંઘી ચીજ અંગ્રેજોના કબજામાં હોય તો એ છે વિજય માલ્યા. નવ હજાર કરોડનો હીરો છે!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

પત્ની: તમે મને કેટલો પ્યાર કરો છો?

પતિ: ૭૨%

પત્ની: ૧૦૦% કેમ નહીં.

પતિ: લક્ઝરીઝ પર ૨૮% જીએસટી છે.

( મુંબઇ સમાચાર : બુધવાર, 31 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *