અલગ પાકિસ્તાન માટે જિન્નાહને નેહરુએ ઉશ્કેર્યા

૧૯૪૬માં સરદાર પટેલને બદલે જવાહરલાલ નેહરુને કૉન્ગ્રેસ પ્રમુખ બનાવવાના ગાંધીજીના પગલા વિશે સૌ કોઈને ખબર છે. પણ બહુ ઓછાને ૧૯૨૯માં આવું જ બન્યું હતું એની જાણ છે.

૧૯૨૮માં મોતીલાલ નેહરુ કૉન્ગ્રેસ પ્રમુખ હતા. એ વર્ષે વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહનું સફળ સંચાલન કરીને સરદારનું બિરુદ પામ્યા હતા. આ સત્યાગ્રહે સરદારને રાષ્ટ્રીય સ્તરે જાણીતા કર્યા. નેહરુ પાસે એ સમયે આવી કોઈ સિદ્ધિ નહોતી અને ઉંમરમાં પણ નેહરુ સરદાર કરતાં નાના હતા. આમ છતાં ગાંધીજીએ ગેરન્યાયી તેમ બિનલોકશાહી તરીકાથી સરદારને પાછળ ખસી જવાનું કહીને ૧૯૨૯-૩૦ની સાલ માટે નેહરુને કૉન્ગ્રેસ પ્રમુખ બનાવ્યા. એ વર્ષે પણ (૧૯૪૬ની જેમ) મોટા ભાગની પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિઓએ સરદારનું નામ પ્રમુખપદ માટે સૂચવ્યું હતું. આ સંદર્ભમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે લખ્યું હતું: ‘કૉન્ગ્રેસનાં વર્તુળોમાં એક સામાન્ય લાગણી એવી પ્રવર્તતી હતી કે આ બહુમાન સરદાર વલ્લભભાઈ પટેલને મળવું જોઈતું હતું.’

આચાર્ય ક્રિપલાણીએ ટિપ્પણી કરી હતી કે, ‘ગાંધીજીએ જવાહરલાલની પસંદગી કરી તેની પાછળ રાજકીય કરતાં વધુ અંગત કારણો હતાં.’

મોતીલાલ નેહરુએ સરદાર પટેલની બારડોલીના સત્યાગ્રહની જીત પછી ૧૧ જુલાઈ, ૧૯૨૮ના રોજ ગાંધીજીને લખ્યું હતું: ‘આ સમયના મહાનાયક તો નિ:શંક વલ્લભભાઈ છે એ બાબતે મને કોઈ શંકા નથી અને આપણે એમને જ કૉન્ગ્રેસ પ્રમુખનો તાજ પહેરાવવો જોઈએ. પણ જો એ શક્ય ન હોય તો હું માનું છું કે કોઈપણ સંજોગોમાં જવાહરની પસંદગી શ્રેષ્ઠ રહેશે.’

મોતીલાલ નેહરુએ બહુ જ સટલ રીતે પોતાના દીકરાને આગળ ધરીને ગાંધીજીને બીજા તમામ નેતાઓનું પત્તું કાપવાનું કહ્યું. નેહરુ કુટુંબનો સગાંવાદ અહીંથી શરૂ થયો. ૧૯૨૯-૩૦ની સાલમાં કૉન્ગ્રેસનું પ્રમુખપદ મેળવનાર વ્યક્તિ ગાંધીજીના વારસદાર તરીકે સ્થાપિત થવાની એ વાત સ્પષ્ટ હતી, કારણ કે પ્રમુખ દ્વારા કૉન્ગ્રેસની ‘પૂર્ણ સ્વરાજ’ની લડતની ઘોષણા થવાની હતી. ૧૯૨૯ની ૩૧મી ડિસેમ્બરે નેહરુએ લાહોર અધિવેશન દરમ્યાન રાવી નદીના કાંઠે તિરંગો લહેરાવ્યો હતો. કૉન્ગ્રેસે ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ હિન્દુસ્તાન માટે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી.

નેહરુની ૯૭ મેજર બ્લન્ડર્સવાળા પુસ્તકમાં લેખક રજનીકાન્ત પુરાણિકે આ ઘટનાને નેહરુની સૌથી પહેલી બ્લન્ડર ગણાવી છે જેમાં કદાચ નેહરુનો ઓછો પણ ગાંધીજીનો ફાળો મોટો હતો. નેહરુને એ પછીના વર્ષે ફરી કૉન્ગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યા જેમાં પણ ગાંધીજીનો મોટો ફાળો રહ્યો.

નેહરુની બીજી બ્લન્ડર સર્જાઈ ૧૯૩૬-૩૭ની પ્રાંતીય ચૂંટણીઓ વખતે. તે વખતે જિન્નાહની મુસ્લિમ લીગે ચૂંટણીમાં ઘણો ખરાબ દેખાવ કર્યો હતો. જિન્નાહે હિન્દુ – મુસ્લિમ એકતાને અખંડ રાખવા બૉમ્બે પ્રાંતની કેબિનેટમાં મુસ્લિમ લીગના બે સભ્યને પ્રધાનપદું આપવાની માગ કરી હતી પણ કૉન્ગ્રેસે સામે શરત મૂકી કે મુસ્લિમ લીગના ચૂંટાયેલા સભ્યો કૉન્ગ્રેસમાં આવી જાય તો જ એ શક્ય બને. ઉત્તર પ્રદેશ પ્રાંત માટેની વાટાઘાટો પણ નેહરુ તથા મૌલાના આઝાદે મૂકેલી આવી જ શરતોને લીધે પડી ભાંગી. ૧૯૩૬ અને ૧૯૩૭માં પણ નેહરુ કૉન્ગ્રેસ પ્રમુખ હતા એટલે આ નિર્ણયો માટે ભલે સંસ્થા તરીકે કૉન્ગ્રેસ જવાબદાર ગણાય પણ વ્યક્તિ તરીકે નહેરુ જ જવાબદાર ગણાય. કૉન્ગ્રેસે ઠુકરાવેલી જિન્નાહની ઑફરનું પરિણામ શું આવ્યું? મુસ્લિમ લીગે ભારતના ભાગલા પાડીને અલગ પાકિસ્તાનની માગ કરવાની યોજના બનાવી.

ત્રીજી બ્લન્ડર. પંડિત નેહરુને પોતાનો નજરિયો આંતરરાષ્ટ્રીયવાદી છે એવું દેખાડવાની બહુ મોટી હોંશ હતી. ૧૯૩૯ની ૩જી સપ્ટેમ્બરે બ્રિટને જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી. નેહરુ અત્યાર સુધી પોતાની જાતને એન્ટિ નાઝી, એન્ટિ ફસિસ્ટ ગણાવતા રહ્યા હતા. બ્રિટનની લડાઈ પણ એ જ નાઝી અને ફાસીવાદી તત્ત્વો વિરુદ્ધ હતી. એ રીતે જોતાં નેહરુએ લડાઈમાં બ્રિટનનો સાથ આપવો જોઈતો હતો અથવા તો પછી ચૂપ રહેવું જોઈતું હતું, પણ નહેરુએ તે વખતે એન્ટિ બ્રિટિશ વલણ અપનાવ્યું. આ તો હજુ અડધી જ વાત થઈ. ૧૯૪૧માં રશિયા યુદ્ધમાં જોડાયું અને બ્રિટનને ટેકો આપતું થયું. નેહરુ પોતે સામ્યવાદી મિજાજના અને રશિયાના પ્રશંસક. નેહરુએ તરત જ પોતાનો સૂર બદલીને રશિયાને અને એમ કરીને બ્રિટનને ટેકો આપવાનું શરૂ કર્યું.

આટલા બૅકગ્રાઉન્ડ પછી ફરી ૧૯૩૯ની સાલ પર આવીએ. એક વાત સમજી લઈએ કે ગાંધીજી તેમ જ એમની સાથેના સૌ કોઈએ બ્રિટિશરો સામે ભારતને સ્વતંત્રતા આપવાની ‘લડત’ નથી ચલાવી પણ કાયદેસર દાખલા દલીલો મૂકીને સ્વતંત્રતાનો પોતાનો હક્ક જતાવ્યો છે. કોઈની સામે લડવામાં અને કોઈની આગળ પોતાનો વાજબી હક્ક માગવામાં ફરક છે. હક્ક માગતી વખતે આપણે સામેના પક્ષને સમજાવતા હોઈએ છીએ, એને આપણી વિરુદ્ધ નથી કરતા. હક્ક માગતી વખતે આપણે આપણી તાકાતનો પરચો દેખાડતા હોઈએ છીએ, સામેવાળાની તાકાતને લલકારતા નથી હોતા. ‘લડત ચલાવવી’ હોય તો એમાં આ બધું કશું જ ન હોય. એમાં પછી મરો કાં તો મારો જેવી પરિસ્થિતિ હોય. ગાંધીજીએ વાજબી રીતે જ ‘લડવાને’ બદલે ‘સમજાવવા’નો માર્ગ અખત્યાર કર્યો. લડવા ગયા હોત તો આપણે અંગ્રેજોની પ્રચંડ લશ્કરી તાકાત આગળ ચપટીમાં જ ખુવાર થઈ ગયા હોત. વળી ગાંધીજી અંગ્રેજ પ્રજાના એક સદ્ગુણને બરાબર જાણતા હતા કે અંગે્રજો ન્યાયપ્રિય હતા.

ખૈર. ૧૯૩૯ના વિશ્ર્વયુદ્ધ સમયના ગાળામાં ભારતમાં કૉન્ગ્રેસની પ્રાંતીય સરકારો સરદાર પટેલની મહેનત અને સૂઝથી ચૂંટાઈને પ્રજાનું સારું કામ કરતી થઈ ગયેલી. બ્રિટિશ સરકાર અને મુસ્લિમ લીગના પેટમાં તેલ રેડાય એ રીતે આ કૉન્ગ્રેસી પ્રાંતીય સરકારોની તેમ જ સરદાર પટેલની લોકપ્રિયતા વધતી જતી હતી.

ગાડી સડસડાટ ચાલતી હતી ત્યાં જ જર્મની સાથેના યુદ્ધના પગલે બ્રિટનને અસહકાર આપવાના ઈરાદાથી નેહરુએ કૉન્ગ્રેસને પૂછયા કર્યા વગર વિવિધ પ્રાંતોની સરકારોમાંથી કૉન્ગ્રેસી પ્રધાનો રાજીનામું આપશે એવી ઘોષણા કરી દીધી. નેહરુએ એમ વિચારીને આ પગલું લીધું કે આવું કરવાથી બ્રિટિશ સરકારને સતાવીને, હેરાન કરીને આપણે એમની પાસેથી વહેલી આઝાદી મેળવી લઈશું!

સરદાર અને ગાંધીજી આ રાજીનામાવાળા તોફાનની સખત ખિલાફ હતા. પણ નેહરુ અને એમના સામ્યવાદી વિચારસરણીવાળા કૉન્ગ્રેસી સાથીઓ પોતાનું ધાર્યું કરીને જ જંપ્યા અને નવેમ્બર ૧૯૩૯ સુધીમાં બધી પ્રાંતીય સરકારો તૂટી પડી. એ વખતે જો ગાંધીજીનું સાંભળવામાં આવ્યું હોત અને સરદારનું કહ્યું માનવામાં આવ્યું હોત અને યુદ્ધમાં બ્રિટનને સાથ આપીને ઘરઆંગણે ભારતમાં એના માટે વધારાની વહીવટીય અગવડો ઊભી કરવામાં ન આવી હોત, તો ભાગલા વખતે કૉન્ગ્રેસનો હાથ ઉપર રહ્યો હોત. નેહરુની આ બ્લન્ડરને લીધે અંગ્રેજોએ એ વખતે મુસ્લિમ લીગને કૉન્ગ્રેસ જેટલું જ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું જે સ્વતંત્ર ભારતને ભારે પડ્યું.

આ તો બધી હજુ આઝાદી પહેલાંની બ્લન્ડર્સ થઈ. આઝાદી પછીની નેહરુની બ્લન્ડર્સ ગણાવવાની તો હજુ બાકી છે.

આજનો વિચાર

ઈન્ટરનેટ અને સોશ્યલ મિડિયા પર મુકાતી બધી જ વાતોને સો ટકા સત્ય માની લેતી વ્યક્તિ માટે એક નવો શબ્દ કોઈન થયો છે: વેબકૂફ!

– વૉટ્સ પર વાંચેલું

એક મિનિટ!

એક માણસની પત્નીનું ગુંડાઓ અપહરણ કરી ગયા. કિડનેપરોએ પતિને ફોન લગાવ્યો:

‘અગર આજ રાત તક પૈસે ન દિએ તો તુમ્હારી બીબી કો માર દેંગે.’

પતિ ચૂપ રહ્યો. કોઈ જવાબ આપ્યો નહીં.

બીજે દિવસે ફરી ફોન આવ્યો:

‘અગર આજ રાત તક પૈસે ન દિએ તો તુમ્હારી બીબી કે ટુકડે ટુકડે કરકે ચીલ-કૌંઓ કો ખિલા દેગેં.’

પતિની ફરી ચુપકીદી.

ત્રીજે દિવસે કિડનેપરે ફોન કર્યો:

‘અગર આજ રાત તક પૈસે ન દિએ તો તુમ્હારી બીબી સહી-સલામત લૌટા દી જાયેગી.’

પતિ બોલ્યો: ‘પૈસા કેટલા જોઈએ છે એ બોલ, કમીના, ડરાવે છે શું કામ?’

( મુંબઇ સમાચાર : મંગળવાર, 30 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *