મૈત્રીનું મૂલ્ય કેટલા લાખ?

આજનો જમાનો કેવો છે એ નક્કી કરવાના માપદંડ કયા? એક માપદંડ છે જૂના જમાના સાથેની સરખામણી અને વીતેલા સમયની વાતો, એકદમ ઑથેન્ટિક વાતો, એ જમાનો જોઈ ચૂકેલી-અનુભવી ચૂકેલી વ્યક્તિઓ પાસેથી તમને જાણવા મળે. મૌખિક ઈતિહાસનો ભંડાર મળી જાય જો ૭૦-૮૦ વર્ષની કે એથીય વધુ ઉંમરની વ્યક્તિ સાથે વાતોએ વળગો તો અથવા એમનાં સંસ્મરણો વાંચો તો.

ગંગાદાસ પ્રાગજી મહેતાએ પોતાનાં આત્મકથનાત્મક લેખોના સંગ્રહ ‘અમારી લાખેણી જાત્રા’માં એક કિસ્સો ટાંક્યો છે. સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકર અને ગંગાદાસભાઈ સારા મિત્રો. હસમુખ ગાંધીએ એક જમાનામાં ગંગાદાસભાઈ વિશે લખ્યું હતું કે હૃષીકેશ કે હરદ્વારમાં કાયમ રહેતા સંન્યાસીઓ કરતાંય વધુ સંતોષ, આનંદ, પ્રસન્નતા અને સ્થિતપ્રજ્ઞતા ગંગાદાસ પ્રાગજી મહેતાના ચહેરા પર હોય.

બ્રોકરસાહેબ ગુજરાતી સાહિત્યની એ હસ્તી હતા જેમણે બળવંતરાય ઠાકોર અને ન્હાનાલાલનો જમાનો જોયો હતો, જેમણે ઉમાશંકર-સુન્દરમ્નો જમાનો માણ્યો હતો, જેમને મળવા માટે અમેરિકાવાસી મધુ રાય પણ આતુર રહેતા અને જેઓ સાહિત્યકાર-લેખકોની ચોથી પેઢીના અમારા જેવા નવા નવા લખતા થયેલા જુનિયરો સાથે પણ અદ્ભુત સંવાદ સાધી શકતા.

કિસ્સો ૧૯૪૫નો છે. કિસ્સો માણસના મતલબીપણાને ખુલ્લો કરનારો છે. કિસ્સો મૈત્રીના મૂલ્યનો છે. મૂલ્ય બેઉ અર્થમાં. વેલ્યુના અર્થમાં તેમ જ નીતિમત્તાના અર્થમાં.

એક દિવસ ગુલાબદાસ બ્રોકરે ગંગાદાસ મહેતાની ઑફિસે જઈને કહ્યું, ‘સરકારને ખાતરની બહુ જરૂર છે, એ ખાતર આયાત કરવાના પરવાના આપણને મળે તો આપણે સસ્તા ભાવે ખાતર મગાવી શકીએ.’

ગંગાદાસ મહેતાને આ પ્રપોઝલ ગમી ગઈ. બ્રોકરસાહેબ સાહિત્યકાર તરીકે તો તે વખતે પણ ખ્યાતિ મેળવી ચૂકેલા. વ્યવસાયે તેઓ વ્યાપારી અને નીતિમત્તા જાળવીને વેપાર કરવામાં માનનારા.

થોડા દિવસ પછી બેઉ મિત્રો શહેરની એક ખૂબ મોટી અને નામાંકિત વ્યક્તિને ત્યાં ગયા. જમવાના ટેબલ પર ધંધાની વાતો નીકળી. નામાંકિત પાર્ટીએ પૂછ્યું, ‘કમિશન કેટલું મળશે? આપણને નફો કેટલો થશે?’ ગંગાદાસભાઈએ જવાબ આપ્યો કે સારું એવું કમિશન મળશે અને બીજા લાભો પણ સાથે હશે. યજમાન વેપારીએ પૂછ્યું, ‘નફાની વહેંચણી કેવી રીતે કરીશું?’ અને ગંગાદાસભાઈએ સ્પષ્ટતા કરી કે ત્રણ સરખા ભાગે નફો વહેંચાશે: એક ભાગ તમારો, બીજો ગુલાબદાસભાઈનો, ત્રીજો મારો. અને સર્વસંમતિથી આગળ વધવાનું નક્કી થયું.

હવે આગળ શું થયું તે જુઓ. પેલા મહાશયે ગંગાદાસભાઈને ડાયરેક્ટ ફોન કર્યો. ધ્યાન રાખજો કે પેલા મહાશય પાસે ગંગાદાસભાઈને બ્રોકરસાહેબ લઈ ગયા હતા. મહાશયે કહ્યું કે ખાતરનો ઓર્ડર આપણને જ મળે એવી વાત પાકી થઈ ગઈ છે. પછી એ મહાશયે પ્રપોઝલ મૂકી, ‘જુઓ, ગંગાદાસભાઈ. ગુલાબદાસભાઈએ તો માત્ર આપણને બેઉને મેળવી આપવાનું જ કામ કર્યું છે. બાકી મહેનત તો આપણી જ છે. તમે માનો તો ખાતરના ઑર્ડર વિશે એમને જાણ થવા જ ન દઈએ અને જે નફો થાય તે આપણે બેઉ વહેંચી લઈએ, ફિફ્ટી-ફિફ્ટી.’

ગંગાદાસભાઈએ કહ્યું, ‘એ તો કેમ બને? અમારા એ મિત્ર. એમનો ભાગ તો રહેવો જોઈએ.’

મહાશયે એમને સમજાવ્યા, ‘બધું બને, ભાઈ. પૈસા કમાવા હોય તો આવું કરવું જ પડે અને આ એક જ કામ નથી. બીજાં ઘણાં કામો આપણે સાથે કરીશું’.

ગંગાદાસભાઈનો આત્મા ના પાડે અને આ બાજુ વેપારી મહાશય લલચાવે કે વિચારી તો જુઓ, આમાં લાખ્ખોનો નફો છે. પણ છેવટે લાલચની હાર થઈ, મૈત્રીનાં મૂલ્યોની જીત.

કોઈ પણ ભોગે પૈસો અને મતલબીપણું. આ બેઉ રોગ આજના જમાનાના રોગ ગણાય. આઈન રૅન્ડે ‘વર્ચ્યુ ઑફ સેલ્ફિશનેસ’ લખીને સ્વાર્થવૃત્તિની પ્રતિષ્ઠા કરી તે સ્વાર્થમાં અને મતલબીપણામાં ફરક છે, ઘણો મોટો ફરક છે. કોઈકનું નુકસાન કરીને, કોઈકનું છીનવી લઈને, કોઈકે મૂકેલા વિશ્ર્વાસનો દુરુપયોગ કરીને જે સ્વાર્થ સાધવામાં આવે છે તે મતલબીપણું છે. ક્યારેક એમાં જબ્બર મોટો ફાયદો થઈ જાય, પણ લાંબા ગાળે એ જ ફાયદો મોટી નુકસાની લઈને આવે. તમને ખબર પણ ન પડે ને તમે તારાજ થઈ જાઓ. આસપાસની દરેકેદરેક વ્યક્તિ પોતાને કયા ખપમાં આવશે એવો વિચાર જેના ચિત્તમાં ચોંટેલો રહે છે એનાં કાર્યો મતલબી બનવાનાં જ. કોણ પોતાને કામનું છે ને કોણ પોતાના માટે કામનું નથી એવી ગણતરીઓ પછી જે સંબંધો બંધાય છે, સચવાય છે કે તોડાય છે તેમાં વેપારની, સોદાબાજીની બૂ આવવાની જ.

આઈન રૅન્ડ જે સેલ્ફિશનેસની કે સ્વાર્થની વાત કરે છે તે સ્વાર્થ પોતાની જાતને અકબંધ રાખવાના પ્રયત્નોના પરિણામસ્વરૂપે જન્મે છે. વ્યક્તિ પોતાનું વ્યક્તિત્વ ખોઈ ન બેસે, બીજાઓ દ્વારા પોતાની ખાસિયતો, વિશિષ્ટતાઓ ચૂંથાઈ ન જાય અને બીજાઓ તમારો ગેરઉપયોગ કરી ન જાય, તમને વેરવિખેર કરી ન નાખે, તે માટે તમારે જે કંઈ કાંટાળી વાડ તમારી આસપાસ રચી દેવી પડે તે સ્વાર્થનું જીવનમાં ઘણું મોટું મહત્ત્વ હોવાનું.

અને રહી વાત કોઈ પણ ભોગે પૈસો કમાઈ લેવાની વૃત્તિની. આપણે જોયું છે કે પૈસા માટે, ભૌતિક સફળતા માટે જેણે સર્વસ્વ હોડમાં મૂકી દીધું છે એને પૈસો મળ્યો છે, સફળતા પણ મળી છે પણ સર્વસ્વ ગુમાઈ ગયા પછી આ બધું મળેલું છે. અંદરથી ખાલીખમ થઈ ગયા પછી મળેલા પૈસા કે સફળતાની કિંમત મિડાસને મળેલા વરદાન જેવી છે. ગ્રીક દંતકથાના રાજા મિડાસને એ જે કોઈ ચીજને સ્પર્શે તે સોનાની થઈ જશે એવું વરદાન મળ્યું ત્યારે એને ખબર નહોતી કે પોતાનો આ મિડાસ ટચ વરદાન નહીં, શાપ પુરવાર થશે. જમતી વખતે જમવાની થાળી સ્પર્શતી વખતે એ સોનાની થઈ જાય તે કોને ન ગમે પણ હાથમાં લીધેલો કોળિયો અને પવાલામાંનું પાણી પણ સોનાનું થઈ જાય ત્યારે? મૈત્રીના ભોગે પૈસો કમાઈ લેનારાઓને ખ્યાલ નથી રહેતો કે એમનો કોળિયો પણ સોનાનો થઈ જવાનો છે. પૈસા માટેની ભૂખ અંતે અન્ન માટેની ક્ષુધામાં પરિવર્તિત થઈ જતી હોય છે.

કાગળ પરના દીવા

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠની ખંજર તપાસ કર.

– ડૉ. હૅમેન શાહ

સન્ડે હ્યુમર

‘જોયુંને, આજે મળે છે તો કેવો રોફ મારે છે. બાકી, હું ને એ એક જ જેલમાં સાથે હતા. પૂરાં પાંચ વર્ષ!’

‘ખરેખર?’

‘હા, એ જેલર હતો.’

( મુંબઇ સમાચાર : રવિવાર, 28 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *