જવાહરલાલ નેહરુની ૫૩મી પુણ્યતિથિએ

ટુ સ્ટાર્ટ વિથ પંડિત જવાહરલાલ નેહરુના પ્લસ પોઈન્ટ્સ ગણાવી લઈએ, પછી એમની બ્લન્ડર્સ વિશે વાત કરીએ. રજનીકાન્ત પુરાણિક ‘નેહરુ’ઝ નાઈન્ટીસેવન મેજર બ્લન્ડર્સ’ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે એ વાત કબૂલ કરવી જોઈએ કે નેહરુ પોતે પ્રામાણિક હતા, અપરાઈટ હતા, નૉલેજેબલ હતા, સેક્યુલર હતા, કલ્ચર્ડ અને હાર્ડ વર્કિંગ હતા, નિષ્ઠાવાન હતા. શક્તિશાળી નેતા હતા અને દેશ માટે જાત નિચોવી કાઢેલી એમણે. નેહરુની ફિઝિકલ ફિટનેસ ગજબની હતી. બિઝી અને સ્ટ્રેસફુલ જિંદગીમાં પણ એમણે તબિયતનું ધ્યાન રાખ્યું. યોગ કરતા. હેલ્ધી લાઈફસ્ટાઈલ હતી. કહેવાય છે કે ૨૭ મે, ૧૯૬૪ના રોજ તેઓ ગુજરી ગયા તેના બે વર્ષ પહેલાં એમની તબિયત કથળી ત્યારે જ એમણે દવાઓ લીધી. આયુષ્યનાં આ બે અંતિમ વર્ષ સિવાય એમણે જિંદગીભર ક્યારેય દવાઓ લેવી પડી નહોતી. એમણે પુસ્તકો લખ્યાં. એમનામાં હિંમત હતી. નિર્ભય હતા. ૧૯૪૭માં દિલ્હીનાં કોમી રમખાણો વખતનો એક ફેમસ કિસ્સો છે. એક માણસ પર હુમલો થતાં એમણે જોયું. તરત પોતાની ગાડી રોકાવીને એને બચાવવા દોડી ગયા હતા. નેહરુ લોકપ્રિય નેતા હતા. સંસદીય લોકશાહીમાં વિશ્ર્વાસ ધરાવતા. પાક્કા રાષ્ટ્રવાદી હતા. એમણે જ પ્લાનિંગ કમિશન, આઈઆઈટી, આઈઆઈએમ અને પબ્લિક સેક્ટરની અનેક જંગી કંપનીઓની સ્થાપનાને ઉત્તેજન આપ્યું.

અંગત રીતે નેહરુ અત્યંત પ્રામાણિક હતા. નેહરુના પી.એ. એમ.ઓ. મથાઈએ ‘રેમિન્સીન્સીસ ઑફ ધ નેહરુ એજ’માં નોંધ્યું છે કે એક વખત મેં (મથાઈએ) નેહરુને સજેસ્ટ કર્યું હતું કે તમારાં પુસ્તકોના વેચાણમાંથી પબ્લિશર તમને જે રૉયલ્ટી આપે છે તે આવક પર તમે ઈન્કમ ટેક્સ ભરતી વખતે ટાઈપિંગ અને બીજા પરચૂરણ ખર્ચાઓ મજરે લઈ શકો છો. કાયદેસર તમને આ ખર્ચાઓ બાદ મળી શકે એમ છે, પણ નેહરુએ ના પાડી. એમ કહીને કે મેં એ બધા ખર્ચા કર્યા જ નથી તો હું શા માટે ઓછો ટેક્સ ભરવા મારા રિટર્નમાં દેખાડું.

કુલદીપ નાયરે ‘બીયૉન્ડ ધ લાઈન્સ’માં એક કિસ્સો નોંધ્યો છે. તે વખતના પંજાબના મુખ્ય પ્રધાન ભીમસેન સાચર નેહરુ પાસે એક વાત લઈને આવ્યા. નેહરુનાં બહેન વિજ્યાલક્ષ્મી સિમલાના સરકીટ હાઉસમાં રહી ગયાં હતાં અને એમણે રૂપિયા અઢી હજારનું બિલ ચૂકવ્યું નહોતું. તે વખતે સિમલા પંજાબ રાજ્યનો હિસ્સો ગણાતું. મુખ્યમંત્રી સાચરને કહેવામાં આવ્યું કે રાજ્યના ગવર્નર સી. ત્રિવેદીએ આ બિલને રાજ્ય સરકારના ખાતામાં પરચૂરણ ખર્ચ પેટે મૂકવાનું સૂચન કર્યું છે. સાચર જોકે, આવી અપ્રામાણિકતાના વિરોધી એટલે એમણે નેહરુનું ધ્યાન દોર્યું. નેહરુએ કહ્યું કે આટલી મોટી રકમ એક ધડાકે મારાથી પંજાબ સરકારને ચૂકવી નહીં શકાય પણ હપ્તે હપ્તે સગવડ કરી આપું. એ પછી નેહરુએ પાંચ હપ્તે એ બિલ ભરી આપ્યું. દરેક વખતે એમના પર્સનલ બૅન્ક અકાઉન્ટમાંથી ચેક જતો.

કમનસીબે, નેહરુએ આવી દરકાર પોતાની આસપાસના નેતાઓની ન રાખી. પોતાની સરકારના માણસો પાસે પણ આવી અપેક્ષા ન રાખી. મનમોહન સિંહ જેવું જ કદાચ નેહરુનું પણ હતું.

નેહરુની બ્લન્ડર્સ વિશે વાત માંડતાં પહેલાં રજનીકાન્ત પુરાણિકના પુસ્તકમાં કેટલાક મહાનુભાવોને ટાંકવામાં આવ્યા છે. અબુલ કલામ આઝાદે ‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’માં લખ્યું છે:

“… (તે વખતે) મને એવું લાગતું હતું કે જવાહરલાલ (કૉન્ગ્રેસના) નવા પ્રેસિડન્ટ બનવા જોઈએ (૧૯૪૬માં અને જે કૉન્ગ્રેસ-પ્રમુખ બને તે જ આઝાદી પછી દેશના પ્રથમ વડા પ્રધાન બનશે તે નક્કી હતું)… મેં તે વખતે મને જે શ્રેષ્ઠ લાગ્યું તે પ્રમાણે નિર્ણય લીધો હતો પણ એ પછી જે રીતે ઘટનાઓ બનતી ગઈ તે જોતાં મને ભાન થયું કે મેં મારી રાજકીય જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે… મારી બીજી ભૂલ એ હતી કે ન હું પોતે (કૉન્ગ્રેસ પ્રમુખના પદની ચૂંટણી માટે) ઊભો રહ્યો, ન મેં સરદાર પટેલને ટેકો આપ્યો.

નેહરુની કેબિનેટના એક પ્રધાન રહી ચૂકેલા એન. વી. ગાડગિલે કહ્યું છે:

‘દરેક તબક્કે સમાધાન કરીને નમતું જોખવાની નેહરુની વૃત્તિને લીધે કાશ્મીરનો પ્રશ્ર્ન લંબાયા કરે છે. વલ્લભભાઈને આ સમસ્યા સૂલઝાવવાની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હોત તો આ પ્રશ્ર્નનો ઉકેલ કયારનો આવી ગયો હોત. કમ સે કમ એમણે એટલું તો કર્યું જ હોત કે જમ્મુકાશ્મીરનો આંશિક કબજો મેળવવાને બદલે એ આખોય પ્રદેશ ભારતના તાબામાં રહે અને આ પ્રશ્નને એમણે ક્યારેય (યુનોમાં લઈ જઈને) આંતરરાષ્ટ્રીય ઓપ તો ન જ આપ્યો હોત.’

સરદાર પટેલના સેક્રેટરી વી. શંકરે ‘માય રેમિન્સીન્સીસ ઑફ સરદાર પટેલ’માં નોંધ્યું છે:

‘લૉર્ડ માઉન્ટબેટનનો પંડિત નેહરુ તેમ જ ગાંધીજી પર કેવડો મોટો પ્રભાવ હતો તેનાથી સરદાર વાકેફ હતા. મોટેભાગે આ પ્રભાવ ખૂબ નિર્ણાયક પુરવાર થતો. સરદારે નક્કી કરી નાખેલું કે ભારતીય રાજ્યો-રજવાડાંઓનો એકત્રીકરણ માટે એમણે જે નીતિ અપનાવેલી તે મુજબ હૈદરાબાદને પણ ભારતમાં ભેળવી દેવું અનિવાર્ય છે… મને યાદ છે કે અન્ય રાજ્યોને ભારતમાં સમાવી લેવામાં સરદારે જે ત્વરાથી કામ લીધું હતું તેની સરખામણીએ હૈદરાબાદની બાબતમાં એટલો બધો વિલંબ થઈ રહ્યો હતો કે સરદાર ખૂબ અકળાયેલા રહેતા… હૈદરાબાદ સામે પોલીસ ઍક્શન લેવાની બાબતમાં અસહમતિ દર્શાવનારા રાજાજી અને પંડિત નેહરુ વિશે સરદાર કહેતા કે: અહિંસક લડતને બદલે પોલીસ એક્શન લેવાની વાત આવે છે ત્યારે આ બે વિધવાઓ એમના સદ્ગત પતિ (અર્થાત્ ગાંધીજી)ને યાદ કરીને છાતી કૂટીને આક્રંદ કરતી હોય છે!’

રાજાજી એટલે ચક્રવર્તી રાજગોપાલાચારી જેમને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા અને જેમની પંદર વર્ષની દીકરી લક્ષ્મી ગાંધીજીના ૨૮ વર્ષના દીકરા દેવદાસ ગાંધીના પ્રેમમાં પડી ત્યારે બેઉ પિતાઓએ પોતાનાં સંતાનોને પાંચ વર્ષ સુધી એકબીજાને મળ્યા વિના રાહ જોવાનું કહ્યું. પાંચ વર્ષ પછી લગ્ન થયાં. દેવદાસ ગાંધીના ચાર પુત્રો રાજમોહન ગાંધી, ગોપાલકૃષ્ણ ગાંધી, રામચન્દ્ર ગાંધી અને તારા ગાંધી – ભટ્ટાચાર્ય. રાજમોહન ગાંધી ૧૯૮૯માં રાજીવ ગાંધી સામે અમેઠીમાંથી લોકસભાની ચૂંટણી લડેલા. હારી ગયેલા. ૨૦૧૪માં કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાઈને ઈસ્ટ દિલ્હીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડેલા. ફરી હારી ગયેલા. ગોપાલ ગાંધીને સોનિયા-મનમોહન સરકારે ૨૦૦૪થી ૨૦૦૯ સુધી પશ્ર્ચિમ બંગાળના ગવર્નરપદે રાખેલ અને રામચંદ્ર ગાંધીએ આજીવન યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણક્ષેત્રે કામ કર્યું.

નેહરુની બ્લન્ડર્સ પર તો વાત આગળ વધારીશું જ. ક્યારેક એ સમયના અન્ય રાજનેતાઓની બ્લન્ડર્સ વિશે પણ ખૂલીને ચર્ચા કરવી જોઈએ.

આજનો વિચાર

જીવો છો ત્યાં સુધી રોજ ડી.પી. બદલતા રહો…

… મર્યા પછી તો એક જ ફોટો લટકશે દીવાલ પર.

-વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

વાંઢો બકો લગ્નની સીઝનમાં દરેક આમંત્રણને માન આપીને પહોંચી જાય છે, એ આશાએ કે..

કાશ, કોઈ વરરાજા દહેજ ન મળવાને લીધે લગ્નમંડપમાંથી ઊભો થઈને ઘેર જતો રહે અને ક્ધયાના પિતા બકાની સામે હાથ જોડીને કહે,

‘બેટા, મારી ઈજ્જત સાચવી લે…’

( મુંબઇ સમાચાર : શનિવાર, 27 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *