ત્રણ વર્ષમાં મોદીએ શું શું નથી કર્યું

૨૬ મે, ૨૦૧૪ પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાં સારાં કામ કર્યાં તે વિશે તમને મારા જેવા અન્ય મોદીભક્ત રાઈટરો જણાવી ચૂક્યા છે. ૨૬ મે, ૨૦૧૪ પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં કામ કરવાં જોઈતાં હતાં પણ નથી કર્યાં તે વિશે પણ તમને મોદીદ્વેષી રાઈટરો જણાવી ચૂક્યા છે.

મારે તમને એ જણાવવું છે કે મોદી ભારતને મળેલા સૌથી શ્રેષ્ઠ વડા પ્રધાન એટલા માટે છે કે એમણે આ દેશના પ્રથમ પ્રાઈમ મિનિસ્ટર પંડિત જવાહરલાલ જેવી બ્લન્ડર્સ આ ત્રણ વર્ષમાં કરી નથી, એક પણ નથી કરી. મોદીએ જે કર્યું છે તે માટે તેઓ મહાન છે અને મોદીએ જે નથી કર્યું તે માટે પણ તેઓ વધારે મહાન છે. પંડિતજીએ એમની આવરદા દરમ્યાન એકાધિક બ્લન્ડર્સ કરી હતી. મિસ્ટેક એટલે ભૂલ જે અજાણતાં થઈ શકે. પંડિતજીએ મિસ્ટેક્સ નહીં બ્લન્ડર્સ કરી હતી. બ્લન્ડર એટલે બેદરકારીને કારણે કે મૂર્ખામીને કારણે કે પછી ટૂંકી દૃષ્ટિ કે ટૂંકા સ્વાર્થને કારણે કે ટૂંકી સમજણને કારણે કરેલી એવી ભૂલ જે આરામથી ટાળી શકાઈ હોત. પંડિતજીએ કરેલી બ્લન્ડર્સને, જો બીજા કોઈ વડા હોત તો ટાળી શકાઈ હોત.

‘નેહરુ’ઝ નાઈન્ટીસેવન મેજર બ્લન્ડર્સ’ નામના પુસ્તકમાં રજનીકાન્ત પુરાણીએ પંડિતજીની ૯૭ બ્લન્ડર્સ ગણાવી છે. એમાંની ઘણી એકબીજા સાથે ઓવરલેપ થાય છે અને કેટલીક કદાચ બ્લન્ડર્સના ખાનામાં ન આવે એવું પણ કોકને લાગે. આપણને ૯૭ એટલે ૯૭ જ એવી કોઈ સંખ્યામાં રસ નથી. સત્તાણુંને બદલે માત્ર એક જ કેમ ન હોય. બ્લન્ડર એટલે બ્લન્ડર. એક જ બ્લન્ડર કરીને વ્યક્તિ પોતે ખેદાનમેદાન અને વેરવિખેર થઈ જતી હોય છે અને વડા પ્રધાન જો એક બ્લન્ડર કરે તો એ નહીં, એનો આખો દેશ ઊંધોચત્તો થઈ જતો હોય છે.

મોદીએ નેહરુની આ તોતિંગ બ્લન્ડર્સનાં પરિણામો સામે લડીને ત્રણ વર્ષ દરમ્યાન જે કંઈ સિદ્ધિઓ મેળવી છે તેને બિરદાવવી જોઈએ. નેહરુ અને એમના વારસદારોનો આ વારસો મોદીને ભાગે ન આવ્યો હોત તો મોદી પોતાના વિઝન દ્વારા આ દેશને હજુય ક્યાંનો ક્યાં આગળ લઈ ગયા હોત. નેહરુ તથા એમની લેગસીને આગળ વધારનારા વડા પ્રધાનોએ જે જે રોડ બ્લૉક્સ ઊભા કર્યા તેને હટાવતાં હટાવતાં મોદીએ આગળ વધવું પડ્યું છે તે યાદ રાખવું. આ વિઘ્નદોડને બદલે સીધીસપાટ મૅરેથોન દોડવાની હોત તો મોદીની અસલ શક્તિ, દીર્ઘદૃષ્ટિ અને એમના રાષ્ટ્રપ્રેમનો પરચો અત્યારે મળી રહ્યો છે તેના કરતાં અનેકગણો મળી શક્યો હોત.

ભારતનું પછાતપણું હજુય જે જે ક્ષેત્રોમાં દેખાય છે તેના માટે લાર્જલી નેહરુ જવાબદાર છે અને નેહરુના વંશજો જવાબદાર છે અને એ સૌની બ્લન્ડર્સને છાવરનાર સેક્યુલર મીડિયા જવાબદાર છે કારણ કે આ સેક્યુલર મીડિયાને તેમ જ સ્યુડો સેક્યુલર બૌદ્ધિકોને નેહરુ દ્વારા તેમ જ એમના વારસદારો દ્વારા ટુકડાઓ નાખી નાખીને ભસતા અટકાવી દેવામાં આવ્યા, પૂંછડી પટપટાવતા કરી દેવામાં આવ્યા. ગુજરાતમાં અને ગુજરાતીમાં લખનારોઓમાં પણ આવા પૂંછડી પટપટાવનારાઓ હજુ પણ છે જેઓ પોતાને મળેલી ટ્રેનિંગના ભાગ અનુસાર મોદી પર ભસ્યા કરે છે, મોદીભક્તો પર ભસ્યા કરે છે. તેઓએ ભસવું જ પડે. ના ભસે તો એમને મળતા ટુકડાઓ બંધ થઈ જાય. ના ભસે તો એમને ઘર ચલાવવાના ફાંફા પડે. ના ભસે તો તેઓને એમની કમ્યુનિટીમાંથી હડેહડે કરીને કાઢી મૂકવામાં આવે. આ એ જ સ્યુડો ઈન્ટલેક્ચ્યુઅલ્સ સામ્યવાદી અને એન્ટીહિન્દુ પ્રજા છે જેમણે નેહરુ સરકાર અને નેહરુના વારસદારોની સરકારો પાસેથી મળતા ટૂંકા ગાળાના લાભો મેળવવા આ દેશને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડ્યું છે.

આર્થિક બાબતોમાં ભારત વર્ષો સુધી પછાત રહ્યું, ભૂખાનંગા હિન્દુસ્તાનની ઈમેજ આખી દુનિયામાં પ્રોજેક્ટ થતી રહી તે નેહરુને લીધે. સામાજિક સમરસતા વધવાને બદલે આઝાદી પછી જે રીતે મુસ્લિમોને અને દલિતોને વોટ બૅન્કમાં તબદીલ કરવા માટે મેઈનસ્ટ્રીમથી વેગળા રાખવામાં આવ્યા તે પણ નેહરુની નીતિઓ-રીતિઓને કારણે. રાજકીય ક્ષેત્રે તેમ જ સરકારી ક્ષેત્રે પરફોર્મન્સને નહીં પણ જીહજૂરિયાગીરીને પ્રાધાન્ય આપવાનો ટ્રેન્ડ પણ નહેરુશાસન દરમ્યાન ટોચ પર પહોંચ્યો જે નેહરુના અનુયાયીઓએ આગળ વધાર્યો. દેશની આઝાદી માટે નિ:સ્વાર્થપણે લડેલા સ્વાતંત્ર્ય સૈનિકોના ત્યાગ પછી દેશને મોદી જેવા નિ:સ્વાર્થ નેતૃત્વનો લાભ મળવો જોઈતો હતો એને બદલે આઝાદી પછી આ દેશ બાપીકી જાગીર હોય એ રીતે એને લૂંટીને સત્તાધીશોએ અંગત તિજોરીઓ ભરવાનું શરૂ કર્યું તે પણ નેહરુએ કરી આપેલી મોકળાશોને કારણે.

માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં, થાઉઝન્ડ ડેઝમાં, એક વડા પ્રધાન પોતાના દેશ માટે શું શું કરી શકે છે તે તમે જોયું. ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી ભારત પાસે ઘણી મોટી ઓપોર્ચ્યુનિટીઝ હતી. ૧૯૫૦ સુધીમાં તો નેહરુ ભારતને ક્યાંથી ક્યાં લઈ જઈ શક્યા હોત. પણ એવું થયું નહીં. શું કામ ન થયું? એમણે ઉપરાછાપરી કરેલી બ્લન્ડર્સને પરિણામે. કઈ કઈ બ્લન્ડર્સ? આવતી કાલે નેહરુની પુણ્યતિથિ છે. આવતી કાલથી એ બ્લન્ડર્સપુરાણ ખોલીએ, રજનીકાન્ત પુરાણિકે લખેલી કિતાબના આધારે.

આજનો વિચાર

આપણું ભવિષ્ય ખૂબ જ આશાભર્યું છે અને આવું માનવાને મોટું કારણ છે સોવિયેત રશિયા સાથેની આપણી મૈત્રી.

– વડા પ્રધાન જવાહરલાલ નેહરુ

એક મિનિટ!

કેટલાક વરરાજાઓ લગ્નમાં એવી એવી શેરવાની પહેરે છે કે નવરીનાઓ વર ઓછા ને જાદુગર વધારે લાગતા હોય છે.

– વૉટસઍપ પર વાંચેલું.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 26 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *