બીજાઓના જીવનમાં દખલગીરી કરવાથી પોતાનું મન અશાંત થઈ જાય

બાધા કે માનતાને વ્યક્તિના નસીબ સાથે, એના પ્રારબ્ધ કે એની નિયતિ સાથે કોઈ સંબંધ ખરો? જો આમ થશે તો હું આમ કરીશ એવું આપણે ભગવાનને શા માટે પ્રાર્થતા હોઈએ છીએ? અને ક્યારેક અનુભવવા મળે છે કે ખરેખર જે બાધા રાખી હોય એ પૂરી પણ થાય છે. શું બાધા રાખવાથી નિયતિ પલટાઈ જતી હોય છે?

બાધા કે માનતા શ્રદ્ધાનો વિષય છે જેનો ધંધાદારી ગેરલાભ અંધશ્રદ્ધાને પોષતા લોકો કરતા હોય છે. અંગતપણે બાધાને હું સંકલ્પના બળ તરીકે જોઉં છું. પણ આજ બાધા જ્યારે તાર્કિકતાના તેજમાંથી અંધશ્રદ્ધાના અંધકારમાં સરી પડે છે ત્યારે ધાર્મિક-સામાજિક દૂષણો ઊભા થાય છે. મુદ્દો અહીં બાધાનો નહીં, એની સાથે સંકળાયેલી નિયતિનો છે.

સંત અમિતાભ વિશેની ગઈકાલવાળી વાત આગળ લંબાવતાં પહેલાં વિનંતી કે ગઈ કાલનો લેખ વાંચ્યો ન હોય તો આ લેખ ન વાંચવો. નિયતિને કયા સંદર્ભમાં મૂલવવાની છે તેનો ખ્યાલ ગઈકાલના લેખની પ્રસ્તાવના વિના નહીં આવે. આ અંગે કોઈ ગેરસમજ થશે તો આ લખનારને, વિશેષ તો વાંચનારને, અન્યાય થશે. બાધા અને સફળતાને સાંકળતી કડી નિયતિ વિશે સંત અમિતાભ કહે છે કે નિયતિથી વ્યક્તિ સંપન્ન બને છે, સ્વસ્થ બને છે, વ્યવસાયમાં સફળ થાય છે, એણે ધાર્યા મુજબનું થાય છે. આ બધું દેવી, દેવતા કે પ્રેતાત્માની માનતા માનવાથી થાય છે એવું નથી. આમ છતાં જેમની નિયતિમાં માનતા માનવાનું છે તેઓ માનતા માને છે અને માનતા રહેશે. જેમની નિયતિમાં બાધા માનવાનું નથી તેઓ બાધા રાખતા નથી અને રાખશે પણ નહીં. માનતા રાખવાવાળા બધા જ સફળ થતા નથી, બધા અસફળ પણ થતા નથી. માનતા ન રાખવાવાળા પણ બધા જ સફળ થતા નથી, બધા અસફળ થતા નથી.

સંત કહે છે કે બાધા રાખવાવાળાઓમાંથી એ જ લોકો સફળ થાય છે જેમની નિયતિમાં સફળ થવાનું લખ્યું છે. તેઓ પોતાની સફળતાનો યશ બાધાને આપે છે. સફળ નિયતિને કારણે થવું, છતાં એનો યશ માનતાને આપવો- આ પણ એક નિયતિ છે. માનતા કે બાધા કોઈને સફળ બનાવતી નથી. બાધા રાખવાને કારણે સફળ બની શકાતું હોત તો બાધા રાખવાવાળા બધા જ સફળતા પ્રાપ્ત કરતા હોત. પરંતુ એમાં એવી ક્ષમતા નથી એટલે બધા સફળ થતા નથી. કેટલાક સફળ થાય છે તે પોતાની નિયતિને કારણે, બાધાને કારણે નહીં. ફરી એકવાર સમજી લઈએ કે કેટલાક અસફળ થતા હોય તો તે પણ નિયતિને લીધે જ અસફળ થાય, માનતા ન રાખવાને કારણે તેઓ અસફળ થાય છે એવું નથી.

સંત અમિતાભની નિયતિ વિશેની ફિલસૂફી અંગે જાણકારી મેળવવાથી એક આમઆદમીને શું ફાયદો? આનો જવાબ સંત પોતે આપે છે. નિયતિની સમજણથી ચિંતામુક્તિનું વરદાન મળે છે. એક એવી સમજ પ્રગટે છે કે જે થવાનું છે તે થશે જ. ચિંતા કરીએ તો પણ થવાનું છે અને ચિંતા ન કરીએ તોય એજ થવાનું છે. ચિંતા કરવાથી એ ટળવાનું નથી તો પછી ચિંતા શા માટે કરવી? ચિંતા ન કરવાથી મન સ્વસ્થ બને છે, નિશ્ર્ચિત બને છે.

નિયતિ વિશેનું સંત અમિતાભનું તાર્કિક વિશ્ર્લેષણ વ્યક્તિને ‘છે’ અને ‘થશે’ વચ્ચેનો ભેદ સમજાવીને એને પોતાની આજમાં પ્રવૃત્ત કરે છે. સંત કહે છે કે ‘છે’ નિશ્ર્ચિત છે અને ‘થશે’ સંદિગ્ધ છે, અસ્પષ્ટ છે, ધૂંધળું છે. કોઈ પણ વ્યક્તિ આજે જે છે, તે કાલે હશે કે નહીં એ વિશે અસ્પષ્ટ છે. એના માટે આજનું ઘણું મોટું મૂલ્ય છે. આવતી કાલ એટલી મૂલ્યવાન નથી. જે આજને સુખી બનાવે છે એની આવતી કાલ, એના પછીની આવતી કાલ અને એ રીતે એનું આખું જીવન સુખી થઈ જાય છે. સંત કહે છે કે ઘણીબધી વ્યક્તિઓના જીવનમાં આજે દુ:ખનું કોઈ કારણ નથી હોતું છતાં તેઓ આજે સુખ અનુભવતા નથી. આવનારી કાલની ચિંતામાં વ્યસ્ત રહીને ‘તેઓ આજને અશાંત બનાવી દેતા હોય છે. આવતીકાલે બનવાની ઘટનાઓ વિશે અચોક્કસતા છે છતાં મન કહ્યા કરે છે: કાલે શું થશે? વૃદ્ધ થયા પછી કે માંદા પડ્યા પછી શું થશે? દીકરાઓ સેવા કરશે કે નહીં? કાલનો પ્રશ્ર્ન તીવ્ર ગતિથી મગજમાં ઘુમરાયા કરે છે જેના પરિણામે આજ દુ:ખી બની જાય છે. જે પોતાની આજને આ રીતે દુ:ખી બનાવે છે એની આવતી કાલ અને એનું સમગ્ર જીવન દુ:ખી બની જાય છે. નિયતિ વિશેની સાચી સમજથી માણસ પોતાની આજને દુ:ખી બનાવતાં અટકી જાય છે.

આ જ વિચારને આગળ લંબાવીને વ્યક્તિ પોતાના ઉપરાંત બીજાઓની ચિંતામાંથી મુક્ત થાય એ પણ જરૂરી છે. કેટલાક લોકો વિચારે છે કે મને મારી તો કોઈ ચિંતા નથી પણ હું નહીં હોઉં ત્યારે મારાં સંતાનોનું શું થશે, મારા પરિવારનું શું થશે? જીવતે જીવ ઘણા લોકોને પોતાનાં ભાઈ-બહેન, મા-બાપ, સગાં-મિત્રો અંગે ખરા હૃદયથી ચિંતા કરવાની ટેવ હોય છે. એમના પ્રત્યેની લાગણી આ ચિંતાના કેન્દ્રસ્થાને હોય છે. હું મારા માટે નહીં પણ બીજા માટે ચિંતા કરી રહ્યો છું એમ વિચારીને માણસ પોતાની આ ચિંતાને નિ:સ્વાર્થ અને વાજબી ઠેરવવાની કોશિશ કરે છે. સંત અમિતાભ આવું કરવાની ના પાડે છે અને કહે છે કે બીજાઓના જીવનમાં હસ્તક્ષેપ કરવાથી પોતાનું મન અશાંત થઈ જાય છે. જે થવાનું છે તે થઈને જ રહેશે, એને થવા દો, એનો વિરોધ ન કરો.

નિયતિનું ચિંતન ભયના નિવારણ માટે પણ ઉપયોગી છે. ભય કે ડર વિશે જે. કૃષ્ણમૂર્તિના જેવું ચિંતન અન્ય કોઈ ફિલસૂફે કર્યું નથી. સંત અમિતાભ એ જ કક્ષાનુું ચિંતન પ્રગટાવતા કહે છે કે ભયનો જન્મ એકલવાયા થઈ જવાથી નથી થતો, ક્રૂર કે હિંસક વ્યક્તિને કારણે પણ નથી થતો, હિંસક કે ઝેરીલા પશુને લીધે કે ચોર-લૂંટારાને કારણે પણ નથી થતો. અંધકાર, મૃત્યુ, ભેંકાર જગ્યા કે સ્મશાનને કારણે પણ ભય નથી જન્મતો. ભય જન્મે છે દુર્બળ મનને કારણે. દુર્બળ મન કલ્પનાઓ કર્યા કરે છે. આ કલ્પનાઓને કારણે ભયનો જન્મ થાય છે. સબળ મન, શાંત મન, વ્યક્તિને નિર્ભય બનાવે છે. ભયનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું. દુર્બળ મન માટે એવું અસ્તિત્વ છે. મનની દુર્બળતા મટે કે તરત ભયનું અસ્તિત્વ પણ મટી જાય. જે માણસ ડરતો નથી એને આ દુનિયામાં કોઈ ડરાવી શકતું નથી. ડર દૂર કરવા માત્ર આટલું જ વિચારવું પૂરતું છે: મારું અહિત કોઈ કરી શકે એમ નથી. કારણ કે જે થવાનું છે તે જ થશે. કોઈ કોઈનું હિત કરી શકતું નથી તેમ જ કોઈ કોઈનું અહિત પણ કરી શકતું નથી. પછી ડરવાનું કોનાથી? ડરવાનું શાનાથી? ડરવાનું શા માટે? નિયતિનું ચિંતન નિર્ભયતાનું વરદાન છે એવું સંત દૃઢપણે માને છે.

ઈર્ષ્યાગ્રસ્ત મનને શાંત પાડવા પણ નિયતિ વિશેની સમજ ઉપયોગી છે. સંત કહે છે કે ‘ક’ એની પોતાની નિયતિને કારણે આગળ વધ્યો છે, સફળ થયો છે. હું મારી નિયતિને કારણે પાછળ છું. આમાં ‘ક’નો કોઈ દોષ નથી. અશાંત બનવું જ હોય તો બનો. મારી ઈર્ષ્યાને કારણે ‘ક’ પાછળ પડવાનો નથી કે ઈર્ષ્યા કરવાથી તમે પોતે આગળ પણ વધવાના નથી.

નિયતિનું ચિંતન ઈર્ષ્યાની જ્વાળા પર પાણી છાંટે છે, મન હળવું બની જાય છે.

આજનો વિચાર

વ્યક્તિની દરેક યોજના અંતે તો નિયતિની યોજના છે.

– સંત અમિતાભ

એક મિનિટ!

કેટલાય વૈજ્ઞાનિકો થઈ ગયા.

અને તેમણે મેડલ પણ મેળવ્યા.

પણ એ ના શોધી શક્યા,

કે

નહાવાથી શરીર ચોખ્ખું થઈ જાય

તો પછી

ટુવાલ કેવી રીતે ગંદો થઈ જાય છે?

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 25 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *