નસીબનો નિર્માતા કોઈ નથી

નિયતિ પર આધાર રાખીને બેસી રહેવું અને નિયતિને એ આવે તે અવસ્થામાં સ્વીકારી લેવી – આ બે બાબતમાં ઘણા લોકો ભેળસેળ કરી નાખે છે. બેઉ મનોદશા વચ્ચે આભજમીનનો તફાવત છે. નિયતિ અથવા તો નસીબ યાને કિ કિસ્મત પર આધાર રાખીને બેસી રહેતા પ્રારબ્ધવાદીઓ ક્યારેય મન દઈને કામ કરી શકતા નથી. તેઓ સતત ભવિષ્યના વિચારોમાં રાચે છે. જે નથી એની કલ્પના કર્યા કરે છે તેઓ, વાદળને મુઠ્ઠીમાં લેવાના પ્રયત્નો કરતા હોય એમ. એમના હાથમાં અંતે કશું નથી આવતું. આવતી કાલના વિચારોમાં તેઓ આજને પણ હાથમાંથી સરી જવા દે છે.

તમામ પ્રયત્નો કર્યા પછી, પોતાની શ્રેષ્ઠ કામગીરી દેખાડી દીધા પછી પણ ધાર્યું કામ ન થાય તો એને ઉપરવાળાની મરજી તરીકે સ્વીકારી લેવાની ઉદારતા બહુ ઓછા લોકોમાં હોય છે. તમામ પ્રયત્નો કર્યા પછી પરિણામને ખેલદિલીપૂર્વક સ્વીકારનારાઓ જાણ્યેઅજાણ્યે ભગવદ્ ગીતાના એ બોધને પચાવી ગયેલા હોય છે. નસીબને હંમેશાં ભવિષ્યકાળને બદલે ભૂતકાળના સંદર્ભમાં જોવાની જ મઝા છે. મારા નસીબમાં હશે તો એ થશે એવું વિચારીને આરંભ કરવાથી કાર્યની શરૂઆત જ દમ વગરની અને મોળી થાય છે. એના કરતાં મારા નસીબમાં લખાયેલું હતું એ જ થયું એવું વિચારવાથી સંતોષ મળતો હોય છે. આવું તમે ત્યારે જ વિચારી શકો જ્યારે કામનું પરિણામ આવી ચૂક્યું હોય, એ ભૂતકાળ બની ચૂક્યું હોય. સારા-માઠા પરિણામનો બધો જ અપજશ-જશ નિયતિના નામે લખી દેવાથી જશ પછીના અહંકારમાંથી અને અપજશ પછીની આત્મનિંદામાંથી ઉગરી શકાય છે.

પ્રારબ્ધનો કાળસંદર્ભ બદલાઈ જવાથી, એને ભૂતકાળમાં બની ચૂકેલી ઘટના સાથે સાંકળવાને બદલે આગામી સમય સાથે સાંકળી લેવાથી માણસની મનોદશા અંધશ્રદ્ધાભરી તેમ જ એને કર્મયોગથી દૂર લઈ જનારી બની જાય. આ લેખમાં હવે પછી જ્યાં નિયતિનો સંદર્ભ આવે ત્યારે આપણે કઈ નિયતિનો ઉલ્લેખ કરી રહ્યા છીએ એ અંગે કોઈ ગેરસમજ ન થાય એ માટે આ દીર્ઘ પ્રસ્તાવના બાંધી. હવે ઝંપલાવીએ.

આબુસ્થિત જૈન સાધુ સંત અમિતાભજીનું નામ આ કોલમના વાચકો માટે સાવ અજાણ્યું નથી. એમનું એક પુસ્તક છે: નિયતિ કી અનન્ત રેખાએં. સંત અમિતાભજીના ચાહકો આ પુસ્તકને વધુ રસપ્રદ માને છે અને એમના આ અભિપ્રાયને આ પુસ્તકનો અભ્યાસ કર્યા પછી હું અનુમોદન આપું છું. અને ફરી એક વાર યાદ કરાવું છું કે જે થવાનું હશે તે થશે એવા પલાયનવાદી પ્રારબ્ધમાં માનવું ખોટી વાત છે. જે થવાનું હતું તે જ થયું એવા વાસ્તવવાદી ભાગ્યમાં માનવાથી જ જીવન વિશેની સમજ થોડીક વધી શકે.

સંત અમિતાભે સૌથી પહેલાં નિયતિના સ્વરૂપ વિશે સ્પષ્ટતા કરી છે. તેઓ કહે છે કે નિયતિનું નિર્માણ કોઈનાય દ્વારા થતું નથી. નસીબનો નિર્માતા કોઈ નથી. કોઈ વસ્તુ હોય, ચીજ હોય તો એનો નિર્માતા હોય. નિયતિ કોઈ વસ્તુ નથી. એ એક સ્થિતિ છે અને સ્થિતિ રહેશે. આ સ્થિતિ અનુસાર વ્યક્તિ, વસ્તુ યા પરમાણુ પર વિવિધ સમયે વિભિન્ન પ્રકારની ઘટનાઓ બને છે અને બનતી રહેશે. સંત કહે છે કે અનન્ત અતીતમાં જ્યારે, જ્યાં કંઈ, જે થયું છે, એ બધું જ અગાઉથી નક્કી થયા મુજબનું હતું. જ્યારે, જ્યાં, જે કંઈ થશે એ પણ નિશ્ર્ચિત જ હશે. આ નિશ્ર્ચિત કરવાવાળી કોઈ વ્યક્તિ નથી, કોઈ શક્તિ પણ નથી.

એક પ્રશ્ન થાય છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની નિયતિને બદલી શકે ખરી? માની લો કે જ્યોતિષીએ તમને કહ્યું કે આવતા વર્ષે તમને ધંધામાં ખોટ જવાની કારણ કે તમારા ગ્રહો અમુકતમુક પ્રકારના છે. ખોટની આગાહી સાંભળીને તમે ખૂબ પ્રયત્ન કરો અને એ વર્ષે અગાઉ ન કરી હોય એટલી મહેનત કર્યા પછી નફો કરી બતાવો. તો શું આમાં નિયતિ ખોટી પડી? ના. જ્યોતિષશાસ્ત્ર ખોટું પુરવાર થયું. નફો થયા પછી તમારી નિયતિ તો એ જ ઘટના થઈ જે ભૂતકાળમાં બની ચૂકી છે. આટલી સ્પષ્ટતા પછી સંત અમિતાભનાં આ વાક્યોને યોગ્ય સંદર્ભમાં સમજી શકાશે: નિયતિને બદલવી કોઈનાય માટે શક્ય નથી. નિયતિ એ જ છે જે બદલી શકાતી નથી. જેને બદલી શકીએ છીએ એ નિયતિ નથી હોતી.

બીજો એક પ્રશ્ન થાય કે સૌની નિયતિ એકસરખી કેમ નથી હોતી, દરેકનું ભાગ્ય જુદું જુદું શા માટે હોય છે? આનો જરા ગૂઢ જવાબ સંત પાસેથી મળે છે: નિયતિ સકારણ નહીં, નિષ્કારણ હોય છે. દરેકની નિયતિમાં સામ્ય ન હોય એ જ સ્વાભાવિક છે અર્થાત્ એ જ નૅચરલ છે. સ્વાભાવિકતાને કોઈ કારણ નથી હોતું. જે કુદરતી છે એને કારણ કેવી રીતે હોઈ શકે? કારણ એમાં હોય જે અસ્વાભાવિક હોય, જે અકુદરતી હોય. જેની જે નિયતિ હોય એ જ હોય. એમાં ‘કેમ’ કે ‘શા માટે’ એવા પ્રશ્ર્નને સ્થાન જ નથી. સંતની આ ગહન વાત ક્યારેક શાંતિથી મમળાવવા જેવી છે. મહિનો પૂરો થયા પછી કિલોના ભાવે પસ્તીવાળાને આપી દેવાને બદલે પોતાની પાસે સાચવી રાખવા જેવી છે.

એક ડગલું આગળ વધીએ. શું કોઈ બીજા કોઈને સુખી કે દુ:ખી કરી શકે? સંત અમિતાભ ના પાડે છે. કહે છે કે દરેક વ્યક્તિ પોતાની નિયતિને કારણે સુખી થાય છે અને નિયતિને કારણે જ દુ:ખી થાય છે. સુખી બનવામાં તમે બહુ બહુ તો નિમિત બની શકો છો. એવું જ દુ:ખની બાબતમાં. જે વ્યક્તિની નિયતિમાં કોઈકના સુખદુ:ખમાં નિમિત્ત બનવાનું લખાયું હશે તે નિમિત્ત બનશે જ.

અહીં બ્રેક.

નિયતિમાં લખાયું છે કે આ વિષય વિશે બાકીની વાત આવતી કાલે થશે.

નસીબમાં હશે તો થશે.

અને નસીબમાં નહીં હોય તો અનિવાર્ય સંજોગો ઊભા થશે!

આજનો વિચાર

પ્રશંસા સાંભળીને ખુશ થઈ જનાર સાબિત કરે છે કે પોતાની પાત્રતા અને યોગ્યતા ઓછી હતી.

– અજ્ઞાત

એક મિનિટ!

એક વાર આ ટ્રિપલ તલાકવાળો ઈશ્યુ સોલ્વ થઈ જાય…

પછી આ સાત જન્મોવાળા પ્રોબ્લેમને સંયુક્ત રાષ્ટ્રસંઘ સુધી લઉં છું, જો જો ને…

( મુંબઇ સમાચાર : બુધવાર, 24 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *