ગજા ઉપરાંતની પ્રવૃત્તિનાં પરિણામો

અપ્પાજી બળવંત કુલકર્ણીનું નામ કદાચ અજાણ્યું હશે પણ એમના પુત્ર કેદારનાથજીનું નામ જરૂર કાને પડ્યું હશે. કેદારનાથજીના પુસ્તક ‘વિવેક અને સાધના’માંના વિચારોથી એક આખી પેઢી પ્રભાવિત થઈ. ગાંધીજી માટે પોતાના મનમાં અત્યંત આદર હતો છતાં પોતે એમના ભક્ત થઈ શક્યા નહીં એવું ખુદ કેદારનાથજીએ એક જગ્યાએ નોંધ્યું છે. કિશોરલાલ ઘ. મશરૂવાળાથી માંડીને કાકાસાહેબ કાલેલકર અને સ્વામી આનંદ સુધીના અગ્રણી ગાંધીવાદીઓ કેદારનાથજીના પરિચયમાં આવ્યા હતા.

‘વિવેક અને સાધના’ વિશે કેદારનાથજીએ નોંધ્યું છે: ‘વિવેક અને સાધના’ (પુસ્તકના લેખન)થી મને શાંતિ મળી. તે પછી મેં છોડી દીધેલ પરિશ્રમવાળું જીવન ફરી શરૂ કરવાનું હું વિચારવા લાગ્યો, કારણ કે પરિશ્રમયુક્ત જીવન એ માનવધર્મના એક ભાગરૂપ જ છે એવું હું માનતો હતો. અંગત જીવન બધી બાજુએથી પવિત્ર, પ્રામાણિક અને ધાર્મિક વર્તનવાળું બનાવી જાતમહેનત કરી જીવનનિર્વાહ કરતાં કરતાં જ જનસેવા કર્યા કરવી એ હેતુથી મેં સુથારીકામ, વણાટકામ, સીવણકામ જેવા ધંધા-ઉદ્યોગમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો, તે માટે હું જુદાં જુદાં કારખાનાંઓમાં પણ રહ્યો હતો.

‘વિવેક અને સાધના’માં પથરાયેલા અનેક વિચારો અનેક વ્યક્તિઓને વિવિધ રીતે સ્પર્શ્યા છે. આ ગ્રંથના બીજા ભાગમાં કેદારનાથજીએ નિશ્ર્ચયના બળ વિશે એક સંપૂર્ણ પ્રકરણ લખ્યું છે. તેઓ કહે છે કે પ્રગતિની ઈચ્છા રાખનાર વ્યક્તિ પાસે માનસિક દૃઢતા હોય એ જરૂરી છે. મન વિચારોમાં ખોવાઈ જતું હોય છે અને કોઈ હેતુ વિના અનેક દિશાઓમાં વેગથી દોડ્યા કરતું હોય છે. આ મનને રોકવાની શક્તિ એ જ સંયમશક્તિ અને તે શક્તિ વધારવા માણસે નિશ્ર્ચયી બનવું જોઈએ. કેદારનાથજી કહે છે કે પૂર્વ સંસ્કાર પ્રમાણે દોડતા મનને યોગ્ય વિષયમાં અને યોગ્ય દિશા તરફ વાળવાનું કામ નિશ્ર્ચય વગર ન થઈ શકે.

કેદારનાથજી કહે છે કે વ્રતો-ઉપવાસો દ્વારા માણસની સંયમશક્તિ જાગ્રત થાય છે. સંયમ સાધવા માટે ઉપવાસ, અર્ધ-ઉપવાસ જેવાં વ્રતો દરેક પ્રચલિત ધાર્મિક સંપ્રદાયોમાં કહેલાં છે, પરંતુ તેની પાછળનો હેતુ આપણે ભૂલી ગયા હોવાથી ઘણાં વરસોથી એ જાતનાં વ્રતો આપણે આચરતાં આવ્યા હોવા છતાં જીભ પર કાયમનો સંયમ આપણે સાધી શક્યા નથી. ઉન્નતિની દૃષ્ટિથી તે વ્રતો નિષ્ફળ નીવડ્યાં છે. સાત, પંદર કે ત્રીસ દિવસમાં એક દિવસ મૌન પાળીએ, બાકી બધા દિવસ જીભને છૂટી દોર મૂકવામાં આવે તો તે મૌનનો કશો અર્થ નથી. શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિયોને નિયમનમાં રાખીને મનોવૃત્તિઓને કાબૂમાં લાવવાની હોય. આ ઈન્દ્રિયોની અગાઉની અયોગ્ય ટેવો અને અગાઉનાં અયોગ્ય સંસ્કારો બદલવાનાં છે.

કેદારનાથજી કહે છે કે લાલસાતૃપ્તિથી જે ક્ષણિક આનંદ થાય છે તેના કરતાં સંયમથી વધારે સંતોષ અને કાયમની પ્રસન્નતા થાય છે કે નહીં તે તપાસવું જોઈએ. સંયમ, નિગ્રહ અને પવિત્રતા વગેરેને લીધે આપણામાં જે શક્તિઓ અને સદ્ગુણો પેદા થશે તેનું પરિણામ આપણા આખા જીવનવ્યવસાય પર સહેજે થશે અને તેમાં પણ આપણે બીજા કરતાં સહેજે વધારે યશસ્વી થઈશું.

વ્રત અને નિયમના એ પ્રકાર સમજાવતા કેદારનાથજી કહે છે કે એક પ્રકાર સંયમ છે અને બીજો ક્રિયાત્મક છે. અર્થાત્ પ્રથમ પ્રકારમાં કશુંક ન કરવું એવો સંકલ્પ છે તો બીજા પ્રકારમાં કશુંક કરવાનો નિર્ધાર છે. ઉપવાસ પ્રથમ પ્રકારનો સંયમ થયો. જ્યારે ઠરાવેલ વખતે પરિશ્રમ કરવો, અભ્યાસ કરવો, સેવા કરવી, નિયમિતપણે પોતાનાં કામ જાતે કરવાં, દાન કરવું, સામાજિક ઋણ અદા કરવું વગેરેને અંગે કરેલા નિયમો નિશ્ર્ચયપૂર્વક પાળવા માટે કર્તૃત્વની જરૂર છે. હંમેશાં સવારે જલદી ઊઠવામાં સંયમ છે, પણ કેવળ તે સંયમ સિદ્ધ થાય તેની ઉન્નતિ થઈ જશે એવી ખાતરી નથી, કારણ કે સવારે જલદી ઊઠીને માણસો કુકર્મો પણ કરે. તેથી સંયમની સાથે સત્કર્મનો નિયમ પણ માણસે પોતાની ઉન્નતિ માટે સ્વીકારવો જોઈએ.

કેદારનાથજીએ શાશ્ર્વત આત્મસંતોષ વિશે, કર્મરત રહેવાની શંકા વિશે તેમ જ ગજા ઉપરાંતની પ્રવૃત્તિના પરિણામ વિશે પણ ઊંડાણપૂર્વકના વિચારો પ્રગટ કર્યા છે. પાત્રતા ન હોવા છતાં કેવળ ધનતૃષ્ણાથી વધારેલો વેપારનો પસારો જેમ કર્તાને અથવા તેના વારસોને દેવાળું કાઢવાનું કારણ બને; તે જ રીતે કોઈ પણ પ્રકારની શુભવૃત્તિથી થતી પ્રવૃત્તિની અતિશયતા પણ કોઈને કલ્યાણપ્રદ થાય એ સંભવ નથી.

કેદારનાથજી કહે છે કે જીવનનું ધ્યેય શું હોવું જોઈએ એ માનવીના જીવનનો સૌથી મોટો પ્રશ્ર્ન છે. માણસના વર્તનનું અને તેના જીવનની નાની-મોટી બાબતોનું વલણ, તેમ જ તેનો પુરુષાર્થ અને તેના સામાજિક સંબંધો પણ તેના જીવનના ધ્યેય પર અવલંબે છે. તેથી ધ્યેય નક્કી કરવામાં ભૂલ કે દોષ ન રહેવાં જોઈએ. સમયની સાથે જગત વિશેનો આપણો અનુભવ વધતો જાય તેમ અનેક બાબતો અંગેની આપણી કલ્પનાઓમાં થતા વિચારોમાં ફેરફારો થતા જાય છે. જીવનના ધ્યેયની બાબતમાં પણ યોગ્ય ફેરફાર થવાની જરૂર છે.

કેદારનાથજી જરા ભારેખમ પણ ધીરજ રાખીને સમજવા જોઈએ એવા શબ્દોમાં કહે છે કે વિવેક, સંયમ, મિતીશુદ્ધિ અને પુરુષાર્થ એ મુખ્ય સાધનો દ્વારા આપણું અને સમાજનું કલ્યાણ સાધીને માનવતાની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ જ માનવીના જીવનનું ધ્યેય છે.

હકીકત એ છે કે જીવનનું ધ્યેય દરેક જણે પોતપોતાની રીતે નક્કી કરી લેવાનું હોય. બીજાના જીવનધ્યેયની નીચે પોતાની સહી કરવાથી અનુકરણની તમામ આડઅસરોના ભોગ બની જવાતું હોય છે. ધ્યેય નક્કી કરવા માટે માણસે બીજાની આંગળીને માત્ર દિશાસૂચન પૂરતું જ મહત્ત્વ આપવાનું હોય. એ આંગળીને પકડીને ચાલવા માંડવાનું ન હોય.

આજનો વિચાર

શિખવાડવું એટલે ફરી એક વાર શીખવું.

-અજ્ઞાત

એક મિનિટ!

કેજરીવાલ: અરે ભાઈસા’બ, ઈલેક્શન કમિશન જો ઈવીએમ મશીનને અડકવા પણ નહીં દે તો કયો મંત્ર બોલીને એને હૅક કરી શકાય? મશીન ખોલીને આપો તો અમે હૅક કરીને બતાવીએ.

દિલ્હીનો મતદાર: હૅક કરવાનો મતલબ ઈવીએમ ખોલવું એવો નથી થતો, કૉમ્પ્યુટર ખોલીને કોઈએ હૅક કર્યું હોય એવું સાંભળ્યું છે?

( મુંબઇ સમાચાર : મંગળવાર, 23 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *