આ તમામ ઓરડા મારા છે, ધર્મશાળાના નહીં

સામાન્ય માણસ પોતે ધારે એટલો બીજા આગળ ખુલ્લો થઈ શકે છે અને ધારે એટલો બંધ રહી શકે છે.

ખુલ્લા દિલનો લાગે એવો માણસ તમારી સામે ઊભો છે અને તમે લિટરલી એના દિલમાં ડોકિયું કરી રહ્યા છો એવી કલ્પના કરો.

એના હૃદયમાં તમને કેટલાક ઓરડા દેખાશે. માની લો કે દસ ઓરડા છે. આ દસમાંનો એક સાવ ઉઘાડો છે. તમે એમાં પ્રવેશી શકો છો. ખૂણે-ખૂણો તપાસી શકો છો. આ ઓરડા સાથે નિસબત રાખતી વાત એ વ્યક્તિ તમારી સાથે કરે છે ત્યારે તમને લાગે છે કે માણસ કેટલા ખુલ્લા હૃદયનો છે. કશું જ છુપાવ્યા વિના મનમાં જે છે તે બધું જ બતાવી દે છે. આ ઓરડામાંથી બહાર નીકળતી વખતે તમને બાકીના નવ ઓરડા દેખાય છે. એમાંના એકેય ઓરડાના દરવાજે તાળું નથી. તમે માની લો છો કે એ ઓરડાઓમાં પણ તમે ધારો ત્યારે પ્રવેશી શકો છો. બહાર આવીને તમે જાહેર કરો છો કે આ માણસ ભારે નિખાલસ છે. જેવો છે તેવો જ દેખાય છે.

તમારો ભ્રમ ત્યારે ભાંગે છે જ્યારે ભવિષ્યમાં ક્યારેક તમે બાકીના નવમાંના કોઈ એક ઓરડામાં પ્રવેશ કરવાની કોશિશ કરો છો. બહારથી તાળું નથી લાગ્યું. આગળિયો પણ નથી વસાયો છતાં કમાડ ઉઘડતાં નથી. તમે ખૂબ કોશિશ કરો છો પણ દ્વાર ખૂલતાં નથી. એ અંદરથી બંધ છે. બહારથી એ ખુલ્લાં હોવાનો માત્ર આભાસ હતો. મારો એ દેખાડો હતો કે હું સંપૂર્ણપણે ખુલ્લો છું. વાસ્તવમાં પેલા એક ઓરડા પૂરતો જ હું ખુલ્લો છું. તમારા બદલે અન્ય કોઈ વ્યક્તિ મારા પરિચયમાં આવશે તો એના માટે એ ઓરડો પણ બંધ કરી દઉં એ શક્ય છે. એ ઓરડાને બદલે સાત નંબરનો ઓરડો એના માટે ખોલી દઉં (જે તમારા માટે બંધ હતો)એ પણ શક્ય છે. કોઈકના માટે એક કરતાં વધારે કમરા ખોલી આપું એ પણ શક્ય છે અને જે કમરો મેં ક્યારેય કોઈની આગળ ખુલ્લો નથી મૂક્યો તે પણ કોઈક વ્યક્તિની આગળ ખોલી દઉં અને આમ કરતી વખતે એ વ્યક્તિ માટે બાકીના બધા જ કમરા બંધ રાખું એ પણ શક્ય છે. અનેક પરમ્યુટેશન – કોમ્બિનેશન સંભવ છે.

ક્યારેક એવું પણ બને કે હું દસેદસ ઓરડા અંદરથી જડબેસલાક બંધ કરીને બેઠો હોઉં. વખત એવો હોય એને કારણે અથવા આગંતુક વ્યક્તિ એવી હોય એને લીધે મને આમ કરવું જરૂરી લાગે. એમ કરવું મારો અબાધિત અધિકાર છે એવું પણ હું માનતો હોઉં. આ દસેદસ ઓરડા મારા છે, ધર્મશાળાના નથી કે ગમે તે આવીને કહે કે આ કમરો ખોલી આપો એટલે મારે ખોલી આપવા જોઈએ – આવું પણ હું માનતો હોઈ શકું.

એક વાત નક્કી કે તમામે તમામ ઓરડા ઉઘાડાફટાક રાખવા મારા માટે જરૂરી નથી. એટલો નિખાલસ તમે ક્યારેય ન બની શકો કે તમારા દરેકે દરેક ઓરડામાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આંટા મારી જાય.

અહીં સુધી તો સમજ્યા પણ આગળ એક સવાલ. શું મને પોતાને ખબર છે કે આ દરેક ઓરડામાં શું શું છે? શું હું પોતે દસેદસ ઓરડાનો એકેએક ખૂણો તપાસી આવ્યો છું? મારાથી છૂપું એવું તો કશું નથી ને અહીં? કે પછી છે? દુનિયા માટે બંધ એવા મારા ખંડમાં શું છે તેની મને પોતાને ખબર હોય તો મારા પૂરતા નિખાલસતા અને દંભ એ બેઉ શબ્દો એક સરખા છે, બિનમહત્ત્વના છે.

આજનો વિચાર

જે પ્રગતિશીલ ફિલસૂફોએ વિચાર વિનાનું મન સર્જવાની વાત કરી એમણે મોક્ષ જેવી જ એક બીજી અસંભાવ્ય એવી ક્ધસેપ્ટ આપી, ચ્યુઇંગ ગમની જેમ ચગળ્યા કરવા માટે. ગમે એટલું ચાવવા છતાં પેટ ન ભરાય, કારણ કે ચાવવાના એ વ્યાયામમાંથી કશું જ નક્કર મળતું નથી. મન પર નિયંત્રણ હોવાનો અર્થ સારાનરસા વિચારો વિનાનું ખાલી મન નહીં. એવી પરિસ્થિતિ શક્ય જ નથી, એવો અવકાશ સંભવી શકે જ નહીં, સિવાય કે હૃદય બંધ પડી જાય, મગજ કામ કરતું અટકી જાય.

– અજ્ઞાત

એક મિનિટ!

ડૉક્ટર: તમારું વજન બહુ વધી ગયું છે. તમે જરા ખાવામાં ધ્યાન રાખો.

બકાભાઈ: ડૉક્ટરસાહેબ, મારું બધું જ ધ્યાન ખાવામાં જ હોય છે.

( મુંબઇ સમાચાર : સોમવાર, 22 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *