રોજબરોજના સમાચારો અને શાશ્વત મૂલ્યો

સમાચારો અને વર્તમાન બનાવોની પાછળ પડી જતાં સમૂહ માધ્યમો (અર્થાત્ છાપાં, ટીવી ઈત્યાદિ) જીવનનાં શાશ્ર્વત મૂલ્યો વિશે કે નીતિમત્તાનાં ધોરણો વિશે ઉપરછલ્લો ઊહાપોહ કરીને તરત જ બીજા ધમાલિયા અવસરની શોધમાં લાગી જાય છે.

આને કારણે સામાન્ય વ્યક્તિના ચિત્તમાં છાપ એવી પડે છે કે રાજકારણ, ક્રાઈમ તથા રોજેરોજ બનતી આ પ્રકારની ઘટનાઓનું જ જીવનમાં સૌથી મોટું મૂલ્ય છે. જીવનને પોષતી, ઉછેરતી, વધુ સમૃદ્ધ બનાવતી વિચારધારા, કળા તેમ જ તત્ત્વજ્ઞાનને સામાન્ય લોકોથી બાર ગાઉનું છેટું છે એવી છાપ આપણા ચિત્તમાં પણ ઊપસે છે.

હકીકત ઘણી જુદી છે. આજે આ જુદી હકીકતોમાંની એક એવી કળા વિશે, કળાના ક્ષેત્ર વિશે બે વાત કરવી છે.

કળાનો શોખ હોવો એટલે શું? સંગીત, સાહિત્ય, ચિત્રકામ, શિલ્પ-સ્થાપત્ય ઈ. કળાઓ શું માણસના મનોરંજન માટે જ છે? અથવા તો શું એ સમય પસાર કરવાનાં સાધનો માત્ર છે? કળાઓમાંથી મનોરંજન જરૂર મળે છે, પરંતુ પ્રાથમિક હેતુ એ નથી હોતો. ફાજલ સમયનો સદુપયોગ પણ કળાને કારણે થાય છે; આમ છતાં આ હેતુ પણ પ્રાથમિક ન હોઈ શકે. કળાનો પ્રાથમિક મકસદ શો?

નીલકંઠ ઈશ્ર્વરદાસ મશરૂવાળાની ઓળખાણ દરેકને ન હોય એ સ્વાભાવિક છે. ગાંધીવાદી ચિંતક કિશોરલાલ ઘ. મશરૂવાળાના તેઓ ભત્રીજા. ની.ઈ. મશરૂવાળાનો જન્મ આ સદીના પ્રારંભના વર્ષમાં – ઈ.સ. ૧૯૦૦ની સાલમાં. ગુજરાતીમાં જેને ગધાપચીસીનાં વર્ષો કહે છે એ ટીન એ જ પછીનાં વર્ષોમાં તરુણ નીલકંઠ મશરૂવાળા કેદારનાથજીના સંપર્કમાં આવ્યા. ૨૧થી ૨૫ વર્ષની આ ઉંમર દરમ્યાન નીલકંઠે પોતાની રોજનીશી લખી જેમાં કેદારનાથજી સાથેના સત્સંગ દરમ્યાન ઉદ્ભવેલા પ્રશ્ર્નો તેમ જ એમની પાસેથી મળેલા ઉત્તરોનું આલેખન છે. આવી જ કોઈ બેઠક દરમ્યાન કળા અંગેની પોતાની વિચારણા કેદારનાથજીએ સ્પષ્ટ કરી. ઘણેબધે અંશે આ વિચારો સાથે સહમત થવાય એવું છે. ઘણેબધે અંશે.

કેદારનાથજી કહે છે કે કળા જે પ્રસંગે અને જે ભાવોથી ઉત્પન્ન થાય છે તે પ્રસંગ અને ભાવોને તે આપણા ચિત્તમાં ચિરસ્થાન આપવાનો પ્રયત્ન કરે છે. કેદારનાથજી માને છે કે જ્યાં સુધી એ પ્રસંગ અને ભાવ મનુષ્યને પુરુષાર્થમાં એટલે કે પ્રત્યક્ષ આચરણમાં પ્રવૃત્ત ન કરી શકે ત્યાં સુધી એનું (કળાનું) કોઈ ખાસ પરિણામ મળે છે એવું કહી શકાય નહીં. કળા પ્રત્યક્ષ જીવન પર શુભ પરિણામ કરે તો જ તેનું મહત્ત્વ.

આ અતિ ગંભીર અને ગહન વિચાર માગી લે તેવી વાત સરળ બનાવવા કેદારનાથજી એક દાખલો આપે છે. એક ચિત્ર છે. એ દયાભાવથી ભરેલું છે. હું એને રોજ જોઉં છું અને તે પ્રમાણે બીજાં ચિત્રો આલેખી પણ શકું છું. જોવાથી મારામાં એવો (દયાનો) ભાવ પણ ઊઠે છે, પરંતુ વાસ્તવિક જગતમાં આ પ્રસંગો જોઈને મારામાં દયાનો ભાવ ન ઊઠે કે દુખી માણસને પ્રત્યક્ષ મદદ કરવાની વૃત્તિ મારામાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ચિત્ર જોઈને કે આલેખીને મારામાં ઊઠેલા ભાવોનો ઉપયોગ શો? એનું મૂલ્ય કેટલું.

કેદારનાથજીની વાત સાથે ઘણા આધુનિકતાવાદીઓ સહમત નહીં થાય. કળા ખાતર કળા અર્થાત્ આર્ટ ફૉર ધ સેઈ્ક ઑફ આર્ટની વિચારધારા આજકાલ વધુ પ્રચલિત છે. કળા ખાતર કળાની વિભાવના અંશત: છેતરામણી છે. તમે કોઈ પણ કલાકૃતિ બનાવીને એને ભાવક સુધી પહોંચાડો છો ત્યારે કૃતિના સર્જન પાછળના તમારા પોતાના હેતુમાં ભાવકનો દૃષ્ટિકોણ ઉમેરાયા વિના રહેતો નથી. કૃતિને તમે ભાવક સુધી પહોંચાડી અર્થાત્ કવિતાને તમે છપાવી કે કોઈ શ્રોતા સમક્ષ ગાયું કે તમારું ચિત્ર/શિલ્પ તમે કોઈકને બતાવ્યું એટલે આપોઆપ તમારા સર્જનનો હેતુ માત્ર નિજાનંદનો રહેતો નથી. પોતાના આનંદ માટે જ સર્જન કરવું હોત તો કવિતાને લખીને સર્જકે પોતાની ડાયરીમાં જ સંઘરી રાખી હોત, ગાતી વખતે કોઈ શ્રોતાને સાથે ન રાખ્યો હોત કે એનું ધ્વનિમુદ્રણ કરાવ્યું ન હોત. ‘હું મારા પોતાના અને માત્ર મારા પોતાના જ માટે સર્જન કરું છું.’ એવો દાવો કરનારા સર્જકો, સાદી ભાષામાં કહીએ તો, દંભ કરે છે, જાતને તો છેતરે છે જ, બીજાઓને પણ છેતરે છે.

કેદારનાથજીના વિચારો સાથેની સંમતિ અહીં પૂરી થાય છે. હવે થોડી અસંમતિ. કોઈ નિશ્ર્ચિત હેતુસર, કોઈક વાદનો પ્રચાર કરવા માટે સર્જાતી કૃતિનો પર્સનલી, અમે વિરોધ કરીએ છીએ. દાખલા તરીકે જે જમાનામાં ભારતમાં માર્ક્સવાદી હોવું ફૅશનેબલ ગણાતું તે વખતે આ વિચારધારાને અનુસરતા સર્જકોએ સાહિત્યમાં, નાટ્યક્ષેત્રે અનેક કૃતિઓમાં આનો પ્રચાર કર્યો. એમાંની કેટલીક ટોચની સાહિત્યિક કૃતિઓ પણ ગણાઈ, પરંતુ એવું સદ્ભાગ્ય સોએ કે હજારે કે દસ હજારે માંડ એક કૃતિને મળે તો મળે. બાકીની તમામ રચનાઓમાંથી ભાવકને પ્રચારની બૂ આવે અને બહુ જલદી એવી કૃતિઓ સમયની ગર્તામાં ધકેલાઈ જાય. કાલ ઊઠીને ગુજરાતી કે પછી ભારતીય સાહિત્યમાં હિન્દુત્વનો પ્રચાર કરતી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ કે નાટકો લખાવા માંડે તો પણ એમાંથી એ જ કૃતિઓ કાળની ચાળણીમાંથી ખંખેરાયા વિના ટકી રહે જેમાં કળાની સચ્ચાઈ ટપકતી હોય, માત્ર વિચારોના પ્રચારની આંધી ન હોય.

બીજી અસહમતી. ભીમસેન જોષીના કે પંડિત જસરાજ કે કિશોરી આમોનકરના ગાનનું શ્રવણ કરીને મારા મનમાં જે ભાવો પ્રગટે છે તેને મારે પ્રત્યક્ષ જગતમાં કેવી રીતે મૂકવા? કારણ કે એ ભાવોને હું પોતે શબ્દસ્થ કરી શકતો નથી. જો મારા મનમાં રહેલો ભાવ વ્યવહારમાં અમલી ન બનતો હોય તો શું આ ગાયકોની કળા નકામી બની ગઈ? ના, એવું ન હોઈ શકે.

અને એક છેલ્લી અસહમતી. બળાત્કારનું ચિત્ર જોઈને ભાવક વ્યવહારમાં પણ એવું કરવા પ્રેરાય તો એ ચિત્રકળા હેતુપૂર્વકની થઈ ગણાય. છતાં કામની ખરી?

આ મુદ્દાઓ બાજુએ રાખીને કેટલાક બીજા મુદ્દાઓ તપાસીએ. કોઈ પણ સર્જન પાછળનો સર્જક એક મનુષ્ય તરીકે ઊણો ઊતરતો હોય તો એની કળાનો દરજ્જો પણ નીચે ઊતરી જાય? ચર્ચાસ્પદ મુદ્દો છે. એની ચર્ચા ફરી ક્યારેક.

કાગળ પરના દીવા

હમ હૈ કુછ અપને લિયે, કુછ ઝમાને કે લિયે,
ઘર સે બાહર કી ફઝા હંસને-હંસાને કે લિયે.

– નિદા ફાઝલી

સન્ડે હ્યુમર

બાહુબલીની હત્યા જોઈને ભયભીત થયેલું બાળક બોલ્યું:

‘વૅકેશનમાં નહીં જઉં મામાને ઘેર!’

( મુંબઇ સમાચાર : રવિવાર, 21 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *