કોણ સારું? આપણે કે રાજકારણીઓ? અને કોણ વધારે ખરાબ?

સમાજમાં તમને જે પ્રકારની વ્યક્તિઓ જોવા મળે છે તેના કરતાં રાજકારણમાં શું વધારે ખરાબ કે વધારે સારી વ્યક્તિઓ જોવા મળે છે? મારું નિરીક્ષણ છે કે બેઉ જગ્યાએ એકસરખી સારી અને એક સરખી વ્યક્તિઓ જોવા મળે છે.

જે લોકો માને છે કે રાજકારણીઓનો ભરોસો નહીં, આજે વચન આપે ને કાલે ફરી જાય, તેઓને પૂછવાનું કે શું સમાજમાં તમને એવા લોકો નથી મળ્યા ક્યારેય જેમણે તમને વચન આપ્યું હોય અને પાછળથી જેઓ ફરી ગયા હોય?

અહીં સમાજમાં કે રાજકારણમાં જોવા મળતા સારા લોકોની વાત નથી કરવી. સારા લોકો બેઉ જગ્યાએ છે. બધાને ખબર છે, પણ ખરાબ લોકો માત્ર રાજકારણમાં જ હોય એ ભ્રમણા દૂર કરવી છે. સમાજમાં રાજકારણીઓ જેટલા જ કે એમના કરતાંય વધુ નિર્વસ્ત્ર, નફ્ફટ, જાડી ચામડીવાળા, ક્રૂર લોકો તમને જોવા મળે છે. આ તમામ વિશેષણોવાળી એક વ્યક્તિ રાજકારણી હોય અને બીજી બિન-રાજકારણી તો રાજકારણી પર તમે ભરોસો રાખી શકો. કમ-સે-કમ એનામાં તમને આ વિશેષણો ખુલ્લેખુલ્લા જોવા મળશે. બિન-રાજકારણીઓમાં તે તમામ છુપાઈને બેઠેલા હોય છે.

પોતે સારા દેખાવા માગતા લોકો હંમેશાં પોતાના ગુણો કેળવવાની મહેનત કરવાને બદલે બીજાનાં દુર્ગુણો તમને ગણાવ્યા કરતા હોય છે. સમાજની શ્રીમંત વ્યક્તિથી માંડીને સાદાસીધા કલાર્કની નોકરીવાળા સુધીના સૌ કોઈ માટે ઉજળા દેખાવાનું સાધન રાજકારણી નામનું બ્લેક બોર્ડ છે. રાજકારણીઓને તેઓ જેટલા કાળા ચીતરશે એટલા પોતે ઊજળા દેખાશે એવા વહેમમાં તેઓ હોય છે.

રાજકારણીઓ પર એક મોટો આક્ષેપ સ્વાર્થી હોવાનો હોય છે. પોતાના સ્વાર્થ ખાતર તેઓ ગમે તે કરશે એવું આપણે માનીએ છીએ અને સાચું માનીએ છીએ. સવાલ એ છે કે શું આપણે પણ એવા જ નથી? આપણા લાભ ખાતર ગમે એટલી ખરાબ વ્યક્તિની પ્રશંસા કરતાં સંકોચ થયો છે આપણને ક્યારેય? આપણા સ્વાર્થ ખાતર ઉમદા વ્યક્તિને છેહ આપતાં બે વાર કદીય વિચાર કર્યો છે આપણે?

રાજકારણી માટે ક્યારેય દુશ્મની કે દોસ્તી કાયમી નથી હોતી, અને આપણા માટે? દોસ્તી અને દુશ્મની વિશેની શાયરીઓ ભેગી કરો તો એક આખો ગ્રંથ ભરાય. દુશ્મનનો દુશ્મન મિત્ર એવી ફિલસૂફીમાં આપણે નથી માનતા હોતા શું?

અંગત સ્તરે, કૌટુંબિક સ્તરે, સામાજિક સ્તરે કે એથીય વિશાળ સ્તરે એક માણસ બીજા માણસ સાથે જે રીતે વર્તે છે તેવું જ રાજકારણમાં છે. આપણે જેટલા ગણતરીબાજો છીએ એટલા જ તેઓ છે. માત્ર મથરાવટી એમની વિશેષ મેલી છે.

નાટ્યજગત સાથે સંકળાયેલા મિત્રોને એક રૂઢિપ્રયોગ માટે ભારે રોષ હોય છે. આપણે કોઈ ઢોંગ કરતું હોય ત્યારે કહીએ છીએ કે, ‘ચાલ હવે નાટક કરવાનું છોડ.’

નાટ્યમિત્રો કહે છે કે ‘નાટક કરવાનું છોડ એટલે? નાટક કરવું એટલે શું ઢોંગ કરવો? નાટક તો એક કળા છે એ વાત કેમ આ લોકો સમજતા નથી?’

રાજકારણીઓએ હજુ વાંધો લીધો નથી એ એમની ઉદારતા છે બાકી સમાજમાં એવા કેટલા શબ્દપ્રયોગો મળી આવે જેની સામે એમને વાંધો હોય. ઉદા.ત.: એ બે ભાઈ-ભાઈ વચ્ચે ઘણું પોલિટિક્સ ચાલતું, અમારી સ્કૂલના પોલિટિક્સને હિસાબે મારું પ્રમોશન અટકી ગયું, સ્પોર્ટ્સમાં જેટલું પોલિટિક્સ ચાલે છે એટલું બીજે ક્યાંય નહીં ચાલતું હોય…

મૂળ વાંક રાજકારણીઓ માટેની આપણી અપેક્ષાઓનો છે. બાથરૂમના કમોડનું ફલશ ઠીક તરહથી ચાલતું ન હોય કે ગલીના નાકે કચરાનો ઢગલો હોય કે કોલેજમાં એડમિશન મળતું ન હોય કે રસ્તા પર ખોદકામ ચાલતું હોય કે પેટ્રોલના ભાવ અને દેશની વસ્તી વધી રહ્યાં હોય… આ તમામ માટે જવાબદાર એક જ વ્યક્તિ હોય છે આપણા માટે-રાજકારણી.

માણસની પલાયનવાદી વૃત્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે. પોતે જે નથી કરી શકતા અથવા નથી કરવા માગતા તે માટે પોતે નહીં પણ કોક બીજું જ જવાબદાર છે એવું માનવું આપણા માટે સલામતીભર્યું છે. સામાજિક સ્તરે આપણે આ બાબતે બધો વાંક રાજકારણી પર ઢોળી દઈએ છીએ.

અને અંગત સ્તરે? તમને ખબર છે. પરણ્યા પહેલાં માબાપ પર, પરણ્યા પછી જેની સાથે લગ્ન થયાં છે તેના પર અને સાઠ વર્ષ વીતી ગયાં પછી સંતાનો પર.

આ હિસાબે રાજકારણીઓએ એમને મળતા શિરપાવો સાંભળીને માનવું જોઈએ કે એમની ટીકા કરનાર છેવટે તો એમને પિતા કે પુત્ર માનીને ટીકા કરે છે!

આજનો વિચાર

સફળતાનું માપ વ્યક્તિ એની જિંદગીમાં ક્યાં સુધી પહોંચે છે તેના પરથી નથી નીકળતું; જ્યાં પહોંચે છે ત્યાં સુધી પહોંચવામાં એણે કયાં કયાં વિઘ્નોનો સામનો કર્યો છે એના પરથી નીકળે છે.

-બુકર ટી. વૉશિંગ્ટન

એક મિનિટ!

માસ્તર: ૬૦ + ૬૦ + ૬૦ કેટલા?

બકો: ૧ ક્વાર્ટર!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 19 મે 2017)

1 comment for “કોણ સારું? આપણે કે રાજકારણીઓ? અને કોણ વધારે ખરાબ?

  1. અસ્મિતા ગાંધી
    May 31, 2017 at 12:07 AM

    સર, ખૂબ જ સરસ વાત કહી તમે.. બસ આ નીતિ જ થઇ ગઈ છે લોકો પોતાનામાં રહેલી ખામી સ્વીકારતા નથી બસ બીજાની ખામીઓ શોધવા માં અને તેના વિશે નિર્ણય લેવામાં તો જજ બની જાય છે. ખૂબ જ સાચી વાત કહી આ લેખ માં કે આપણા સમાજ ના દરેક તો ના કહી શકાય પણ ઘણી ખરી વ્યક્તિઓના મન માં આ વાત ઘર કરી ગઇ છે કે એક રાજકારણી જૂઠું બોલે એટલું કોઈ ના બોલતું હોય.અરે ક્યારેક તો નાનું બાળક નાની સરખી વાત માં ખોટું બોલે તો તેના ઘર ના વડીલ આમ કહી દે કે તું તો મોટો થઈ રાજકારણી જ બનીશ. અને પ્રયત્નો કરવા છતાં આ માનસિકતા ક્યારેય બદલાય ના શકે. ખરેખર ખૂબ જ સરસ આર્ટિકલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *