જીવન = મન + તન + સંજોગો

માણસનું જીવન જે ત્રણ બાબતોથી ઘડાય છે તેમાંની પહેલી ચીજ એનું મન છે અને આ મનને ઘણેબધે અંશે આપણે આપણું કહ્યાગરું કરી શકીએ છીએ, જો ધારીએ તો, દૃઢ સંકલ્પ કરીને મનને સતત હુકમો આપીને અંકુશમાં રાખીએ તો.

બીજી બાબત છે એનું શરીર. આફ્રિકામાં જન્મેલા નીગ્રો જેટલું ખડતલ શરીર ગુજરાતી વાણિયાના દીકરાનું ન હોય તે સમજી શકાય. મા-બાપ અને પૂર્વજો થકી જેવું શરીર મળ્યું તે સ્વીકારી લીધા પછી એને કસીને સ્નાયુબદ્ધ બનાવવું કે શ્રીમંત શેઠિયાના પેટ જેવું ઢીલુંપોચું બનાવી નાખવું તે એના પોતાના હાથમાં છે.

મન પછી વારો તનનો. શરીરની આળસ હંમેશાં માત્ર મનને કારણે નથી સર્જાતી. નિષ્ક્રિય શરીર, ઝાઝું વપરાયા વિનાનું શરીર અથવા તો કહો કે ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે ખસેડાતું શરીર તમને જીવનમાં કેટલું કામ આવવાનું? કોઈની સાથે મારામારી કરવા જ કે મૅરેથોનમાં મૅડલ મેળવવા જ કસરતી શરીરની જરૂર છે એવું નથી. અનિલ અંબાણી જેવું ભૌતિક સુખ ધરાવનારા બીજા ભારતીયો કેટલા? છતાં તેઓ નિયમિત પરસેવો પાડતી કસરતો કરે છે. ધીરુભાઈના પૅરેલિસિસે માત્ર એમના પુત્રોને જ નહીં, અનેક સુખી ગણાતા લોકોને ચેતવણી આપી દીધી કે શરીર પર ધ્યાન નથી આપ્યું તો બાકીનું બધું જ નકામું છે. શસ્ત્રોના નામે બહુ ખોટી રીતે કેટલાક ધર્મગુરુઓ-ઉપદેશકો આપણને કહેતા રહે છે કે આ શરીર તો નાશવંત છે અને એનું કોઈ મૂલ્ય નથી. શરીરનું મૂલ્ય ઘણું મોટું છે. તમારા જીવનના ઘડતરમાં શારીરિક સ્વાસ્થ્યનો ફાળો જેવો તેવો નથી હોતો.

આનો અર્થ કોઈ એવો ના સમજે કે પહેલવાનો જ જીવનમાં સફળતા મેળવીને સુખી થતા હોય છે. સારું શરીર એટલે સારી તિજોરી જેમાં રાખેલું મનનું ધન અનેક આપત્તિઓ સામે સુરક્ષિત રહી શકે.

માણસના જીવનનો જેના પર આધાર છે એવી આ બીજી બાબત પર પણ માણસ પોતાની રહેણીકરણી તથા ખાણીપીણીની ટેવો દ્વારા કાબૂ મેળવી શકે છે. વારસામાં જે શરીર મળ્યું છે તેની જાળવણી કરવાની, તેમાં રહેલી ખામીઓને દૂર કરવાની કોશિશ કરવાની તથા ખૂબીઓને નિખારવાની જવાબદારી આપણી પોતાની જ. આ જવાબદારી નિભાવવામાં બીજું કોઈ આડે આવતું નથી, જે કંઈ વિઘ્નો આવે છે તે આપણી બિનસમજદારીને કારણે અથવા આળસને કારણે સર્જાય છે.

જો આટલી વાત સાથે સહમત હો તો શું હવે એવા મહત્ત્વના એક નિર્ણય પર આવી શકીએ કે આપણા જીવનની ગુણવત્તા નક્કી કરનારી ત્રણમાંની બે બાબતો તો મોટેભાગે આપણા તાબામાં જ છે.

ત્રીજી બાબત તે પરિસ્થિતિ. આ એક બાબત એવી છે જે આપણા કાબૂમાં નથી અથવા તો આપણે માની લીધું છે કે તે આપણા કાબૂમાં નથી. આપણા સંજોગોનું નિર્માણ આસપાસની અનેક વ્યક્તિઓ, ઘટનાઓને કારણે થતું હોય છે કબૂલ, પણ બીજાઓએ સર્જેલા સંજોગોને આધીન થઈ જવું કે નહીં તેનો નિર્ણય આપણે લેવાનો હોય છે. દેશની આર્થિક નીતિને કારણે તમારો ધંધો બેસી જશે એવી દહેશત થાય ત્યારે તમારે એ ધંધાની બાજુમાં નવું ક્ષેત્ર ખોલવું પણ પડે. બીજાએ સર્જેલી પરિસ્થિતિને આધીન થઈ જવાને બદલે કે એની સામે વ્યર્થ શિંગડાં ભરાવવાને બદલે તમે તમારો ચીલો બદલી નાખો છો ત્યારે તમને અનુકૂળ એવી પરિસ્થિતિનું નિર્માણ કરો છો. બીજી રીતે જોઈએ તો, આવું કરીને તમે તમારા માટેના નિષ્ફળતાના સંજોગોને સફળતાની પરિસ્થિતિમાં પલટી નાખો છો અર્થાત્ આવું કરવાથી તમે પરિસ્થિતિના નહીં, પરિસ્થિતિ તમારા કાબૂમાં થઈ જાય છે!

પરિસ્થિતિ ગમે એટલી પ્રતિકૂળ જણાતી હોય તો પણ યાદ એ રાખવાનું કે આ પરિસ્થિતિને શરણે થઈ જવું પડે તો પણ તમારા મન અને તમારા શરીર પરનો કાબૂ તમારે ગુમાવવાનો નથી. એવું થશે તો બળતામાં ઘી હોમાસે. આપણી ભૂલ શું થાય છે કે સંજોગો વિપરિત આવતાંની સાથે જ આપણે મનને હુકમો છોડવાનું બંધ કરી દઈએ છીએ, મન પરનું નિયંત્રણ પણ ખોઈ બેસીએ છીએ. અને ક્યારેક શારીરિક કાબૂ ખોઈને આળસુ પણ બની જઈએ છીએ.

ખોટી ટ્રેનમાં ચડી બેઠા છીએ એવું ભાન થતાં જ મુસાફર વધુ સતર્ક થઈ જાય. ખોટી પરિસ્થિતિ સર્જાઈ છે એવું જાણ્યા પછી મન-શરીરને વધુ સતર્ક બનાવવાને બદલે આપણે એ બેઉ પાસેથી સામાન્ય સંજોગોમાં જેવું અને જેટલું કામ લેતાં હોઈએ છીએ એના કરતાં ઘણું ઓછું કામ લેતાં થઈ જઈએ છીએ.

પરિસ્થિતિઓની સામે ઝઝૂમવાની ક્ષમતા સૌ કોઈનામાં નથી હોતી એ સમજવું જોઈએ. દરેક વિપરિત પરિસ્થિતિ સામે ઝઝૂમવાનું જરૂરી પણ નથી હોતું. પણ આવા સંજોગોમાં મન તથા શરીર પરનો કાબૂ છોડી દઈને આપણે વિપરિત પરિસ્થિતિ દ્વારા થઈ શકનારું નુકસાન અનેકગણું વધારી મૂકીએ છીએ.

જીવન જે ત્રણ બાબતોથી ઘડાય છે તે ત્રણેય બાબતોની માણસ પોતાના નિયંત્રણમાં રાખી શકતો ના હોત તો માણસે આજીવન લાચાર, નિ:સહાય, નિરુપાય બનીને જીવવું પડતું હોત. સદ્નસીબે આ ત્રણેય બાબતો વત્તેઓછે અંશે તેમ જ એક યા બીજા સ્વરૂપે માણસના નિયંત્રણ હેઠળ આવી શકે છે. આનો અર્થ એ થયો કે માણસ ધારે તે મુજબ પોતાના જીવનને વળાંક આપી શકે છે, માણસ પોતાનો ભાગ્યવિધાતા બની શકે છે.

આ વાત બાળકોને નાનપણથી શીખવવામાં આવે તો તેઓને પ્રારબ્ધવાદીને બદલે પુરુષાર્થવાદી બનવાની કળા આવડતી જાય. માણસની મુસીબત એ છે કે એ પોતાની ભૂલમાંથી તારવેલી શિખામણો નવી પેઢીને સમજાવવાને બદલે નવી પેઢીનો ઉપહાસ કરતાં કહ્યા કરે છે: મુજ વીતી, તુજ વીતશે…શા માટે, બાપા? તમારા પર જે વીતી તે, તમારી નવી પેઢી પર શા માટે એવી વીતવી જોઈએ?

ભગવાન પરની શ્રદ્ધા, નસીબનું જોર અને જ્યોતિષશાસ્ત્ર પ્રત્યેની આસ્થાનું મહત્ત્વ-આ સૌને પડકાર્યા વિના પણ તમે માની શકો છો કે જીવનનું ઘડતર કરનારાં અથવા જીવનને મહત્ત્વનાં વળાંકો આપનારાં ત્રણ સૌથી અગત્યનાં પરિબળો પર તમે ધારો તો કાબૂ રાખી શકો એમ છો. તમારી આસપાસ જે કોઈ નાની-મોટી સફળતા પ્રાપ્ત કરી મૂકનારા લોકો દેખાય છે તેમની જિંદગીનો જરા નજીકથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે એમણે જિંદગીના દરેક પગલે આ ત્રણેય પરનો કાબૂ જતો કર્યો નથી એટલે જ તેઓ એમની પાસે જે કંઈ છે તે મેળવી શક્યા છે.

આજનો વિચાર

જ્યારે તમે કોઈ વિચારધારા માટે લડત આપો છો અને લડત આપવા માટે તમારી પાસે સબળ કારણો હોય છે ત્યારે મોટે ભાગે તમે જીતી જાઓ છો.

-ઍડવર્ડ ટૅલર (હાઈડ્રોજન બૉમ્બના જનક)

એક મિનિટ

બાન્દ્રાની ફૅમિલી કોર્ટમાં એક ડિવોર્સ કેસ ચાલી રહ્યો હતો.

સ્ત્રી: જજસાહેબ, મારે મારા પતિ પાસેથી બીજું કંઈ નથી જોઈતું બસ, જે હાલતમાં હું એમને મળી એ જ હાલતમાં પાછી મૂકી દે એટલી જ ઈચ્છા છે મારી.

જજ: તમે કઈ હાલતમાં મળ્યાં હતાં એમને?

સ્ત્રી: વિધવા.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 18 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *