તમારું જ મન તમારું કહ્યું કેમ નથી કરતું

માણસનું જીવન ત્રણ બાબતોને આધારે ઘડાતું હોય છે એવું મારું માનવું છે. આ ત્રણેય બાબતો વત્તેઓછે અંશે માણસના કાબૂમાં હોય છે અથવા એને કાબૂમાં લેવાનો એ પ્રયત્ન કરી શકે એવી હોય છે.

આપણે માની લીધું છે કે ભગવાને આપણા માટે નિર્માણ કર્યું હશે તે જ થવાનું છે. આવું માનવું સારું છે, જો શ્રદ્ધા વધતી હોય તો. આવું માનવાથી જો નિરાશા વધતી હોય તો? તો એને શ્રદ્ધા નહીં પલાયન કહેવાય.

ભગવાને જે નિયતિ ઘડી છે તે તમારું સારું થાય તે માટે જ ઘડી છે. પણ આપણે નથી માનતા કે આપણું સારું જ થવાનું છે. માનતા હોત તો પેલી ત્રણેય બાબતોને આપણા તાબામાં લઈ લીધી હોત. કમ સે કમ, નિયંત્રણમાં રાખવાની કોશિશ તો જરૂર કરી હોત.

કઈ ત્રણ બાબતો? સૌથી પહેલાં તો મન. એના માટે કહેવાયું છે કે એ તો ક્યારેય વ્યક્તિના કાબૂમાં ન રહે, એ ચંચળ છે, ભટક્યા જ કરે. તમને ભરમાવવા માટે કોઈક આવું કહ્યા કરે અને તમે માની લો કે આવી વાતોને તો નુકસાન તમારું જ.

મન છેવટે તો તમારા કહ્યા પ્રમાણેનું આચરણ કરતું હોય છે. તમે હુકમ આપો તે મુજબ વર્તન કરતું હોય છે. ખાટલે મોટી ખોડ એ કે તમને હુકમ આપતાં નથી આવડતું. ક્યારેક તો જવું હોય ઉત્તર પણ મનને દક્ષિણે જવાનો હુકમ આપીએ છીએ. અને જ્યારે ખરેખર ઉત્તરે જવાનો હુકમ અપાય છે ત્યારે ખૂબ મોળો હુકમ હોય છે: હા, ઠીક છે, તારે ઉત્તરે જવું હોય તો એ તરફ લઈ લે, મને વાંધો નથી…આ રીતે તમારો કોઈ સેવક તમારું કહ્યું…માને ખરો? સત્તાવાહી સ્વરે હુકમ આપવાનો હોય. અને હા, મન સેવક છે તમારો. માલિક તમે છો, એ નહીં.

જીવનમાં એવા કેટલાય દાખલા મળી આવશે જ્યારે તમે મનને મનાવી લીધું હોય. કોઈ અપમાન કરે ત્યારે તરત જે આગ લાગતી હોય છે, બદલો લેવાની તીવ્ર ઈચ્છા થતી હોય છે, તે એક કલાક પછી કે એક દિવસ કે એક સપ્તાહ પછી ક્યાં જતી રહેતી હોય છે? આ સમયગાળામાં તમે મનને મનાવી લીધું હોય છે કે તમે જેને હાડોહાડ અપમાન માની લીધું છે તે કંઈ એટલી મોટી હીણી ઘટના નહોતી. ઉપરાંત તમારી સાથે આવું થયું એમાં ક્યાંક તમારો પણ વાંક હતો.

આવી સમજ શું તમને બીજા કોઈએ આપી છે? ના, તમે જ તમને આપી છે. તમે એટલે તમારી બુદ્ધિએ. મન અને બુદ્ધિને એકમેકના વિરોધી ગણવામાં આવ્યા છે. વાસ્તવમાં આ બેઉ એકમેકનો પર્યાય છે, બેઉ એક જ છે વાસ્તવમાં. બંંને વચ્ચેનો કાલ્પનિક ભેદ ત્યારે સર્જાય છે જ્યારે બે વિરોધાભાસી વિચારો એક સાથે વહેતા હોય. તે સમયે આપણે સગવડતા ખાતર કહીએ છીએ કે મારું મન આમ કહે છે અને મારી બુદ્ધિ તેમ કહે છે. આવી સગવડતાભરી વિચારણાઓ જ છેવટે મન અને બુદ્ધિ બે અલગ ચીજ છે એવો ગૂંચવાડો ઊભો કરે છે.

અપમાનની તીવ્રતાની જેમ સ્વજનના મૃત્યુનો આઘાત પણ વખત જતાં આપણે પચાવી લઈએ છીએ. તે વખતે દુ:ખનું ઓસડ દહાડા એવું કહીને પોતાની જાતને સાંત્વન આપીએ છીએ પણ ખરું ઓસડ, ખરું ઔષધ તમારું પોતાનું મન જ છે. તમે ચાબુક મારી મારીને તમારી સાથે બનેલી કોઈ દુર્ઘટનાની યાદ તાજી રાખશો, તમે એ ઘાને વારંવાર ખોતર્યા કરશો તો સ્વાભાવિક રીતે જ એ કડવી યાદ તમારું જીવન ઝેર બનાવી દેશે, એ ઘા હંમેશ દૂઝતો જ રહેશે. આત્મપીડનમાં આનંદ મેળવનારા કેટલાક લોકો કહેતા હોય છે કે હજુય હું એ પીડામાંથી મુક્તિ નથી પામ્યો. કેટલાક લોકો બીજા સમક્ષ પોતાનું સારું લગાડવાય આવું બોલતા કે જતાવતા હોય છે.

સારી ઘટનાનો ઊભરો શમી જવાનું પણ એ જ કારણ હોય છે. મનને એ ઘટના માટે કેટલા ખુશ રહેવું એની બરાબર ખબર હોય છે. તમે ક્યારેક કોઈ સારી મ્યુઝિક સિસ્ટમ ખરીદી હોય તો બે મહિના કે બે વર્ષ પછી પણ શું ખરીદીના દિવસ જેવો રોમાંચ અનુભવી શકવાના છો. સ્વાભાવિક છે કે ના. એ ચીજ ખરીદવાનો ક્ષણિક ઊભરો છે. અને તમને ખબર છે કે જેમ ખરાબ ઘટના પછી બહુ લાંબો સમય સુધી ઉદાસીની ખીણમાં પડ્યા ન રહેવાય તેમ ઉછળતા ફીણની ટોચે પણ વધુ વખત ટકી રહેવાની કોશિશ ના કરવાની હોય. તમારો આ હુકમ મન સુધી બરાબર પહોંચતો હોય છે. બસ, મનને હુકમ આપતાં રહેવું જોઈએ. મનને સ્પષ્ટ હુકમ નથી મળતો ત્યારે એની ઈન-બિલ્ટ સિસ્ટમ મુજબ, એ તમારે જે હુકમ આપવાનો હતો તે મુજબનું જ કાર્ય કરે છે, પણ એ પ્રક્રિયામાં જરાક વાર લાગી જાય છે. હુકમ આપતાં રહીએ તો કામ સમયસર થતું જાય છે.

ખરી સમસ્યા એ લોકોના જીવનમાં ઊભી થાય છે જેઓ પોતાના મનને ખોટો હુકમ આપી બેસે છે. અથવા તો મનને હુકમ આપવાની જેમને ટેવ પડી જ નથી અથવા લાંબા સમયથી છૂટી ગઈ છે.

મનને સતત માર્ગદર્શન આપીને જ્યાં જવાનું છે ત્યાં જવાનું કહીએ તે ઉત્તમ. વચ્ચે ક્યારેક કોઈ વાર, એકાદબેવાર સૂચન આપવાનું ભૂલી જઈએ તો, મન થોડુંક મોડેથી પણ તમારા ધાર્યા મુજબનું જ કરશે એય ખરું, પણ તમે સાવ જ મનને હુકમ કરવાનું છોડી દો તે ના ચાલે. મનને ખોટા હુકમો આપ્યા કરો તે પણ ના ચાલે.

મનને હુકમ આપવાનું છોડી દેવાથી વહેલું-મોડું એ સ્વચ્છંદી બની જશે. તમારે વિદ્યાર્થી તરીકે ડૉક્ટર બનવું હોય તો મનને સતત કહ્યા કરવું પડશે કે હું ડૉક્ટર બનીશ. તમારે ભવિષ્યમાં નોકરીને બદલે ધંધો કરવો હોય તો મનને કહ્યા કરવું પડે કે ‘તારે ધંધો કરવો છે. મોટેભાગે બને છે એવું કે આપણે આવું કહેવાને બદલે આપણી જાતને કે મનને કહેતા રહીએ છીએ કે હું વળી કેવી રીતે ડૉક્ટર બનીશ કે ધંધો કરીશ, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી… જે નથી તે મેળવવાની કોશિશ થઈ શકે છે. પહેલાં એ નક્કી કરવાનું કે તમારે ખરેખર શું કરવું છે.’

મજબૂત મનવાળા લોકોનાં વખાણ થતાં હોય છે. વાસ્તવમાં મન મજબૂત, કઠોર કે પછી નબળું વગેરે હોતું જ નથી. મન માત્ર મન હોય છે. એને અપાતો હુકમ દૃઢતાભર્યો કે પછી નમાલો હોઈ શકે છે. એમાં વાંક હુકમ આપનારનો છે. ઘોડાને નેતર-ચામડાની સોટી વડે હુકમ આપવો પડે, ઘાસના તણખલાંની ઝૂડી, બનાવીને ઘોડેસવારી કરનારું કોઈ જોયું છે તમે? હાથી માટે ધાતુનો અંકુશ જોઈએ, મોરપિચ્છના ઝાડુ વડે હાથી માને?

જે થવાનું હશે તે થશે એવું માનીને ચાલનારા લોકોને જીવનમાં એવી ફરિયાદ કરવાનો કોઈ હક્ક નથી કે મેં જે ધાર્યું હતું તે હું કરી શક્યો નહીં. મનમાં ધારવું કે કલ્પના કરવી કે દીવાસ્વપ્નો જોવાં એટલે મનને હુકમ આપવો એવું નહીં. ધારણા-કલ્પના હુકમનું પહેલું પગથિયું છે, ખુદ હુકમ નથી. રાજા પોતાની પ્રજા માટે કશુંક કરવા ઈચ્છે તેમાં અને એ બાબતને લગતો નિર્ણય કરે, ઢંઢેરો પીટાવે એમાં ઘણો તફાવત છે. અહીં રાજા અને પ્રજા બેઉ તમે જ છો. તમારે તમારી જિંદગી પાસેથી કશુંક મેળવવું છે, એવી ઈચ્છા તમને થાય છે. પણ એ પછી તમારે તમારી સાથે મંત્રણા કરીને નિર્ણય લેવો પડશે કે તમારે ખરેખર શું પામવું છે જિંદગી પાસેથી, ક્યારે અને કેટલું પામવું છે. એ પછી તમે મનને હુકમ કરી શકો. ઈચ્છા કરવા માત્રથી હુકમ અપાય એવી ભ્રમણામાં રાચનારાઓ જ ફરિયાદ કરતા હોય છે કે મારું મન મારા કહ્યામાં નથી રહેતું? ક્યાંથી રહે? તમે એને કંઈ કહો ત્યારે એ તમારા કહ્યા મુજબ વર્તે. તમે નબળા મનના છો એવું તમને લાગતું હોય તો ફરી એક વાર વિચારજો. તમે કે તમારું મન નબળું નથી. મન સુધી પહોંચતા તમારા સંદેશા ઢીલાપોચા છે.

મનને સમજાવવું શક્ય છે. સાવ સહેલું તો નથી, પણ ખૂબ અઘરું તો નથી જ. અપ્રિય ઘટનાઓના સંદર્ભમાં સ્મૃતિ સાથે કેવી તડજોડ કરવી એની કળા મન પાસે રહેલી છે. તમે હુકમ કરો એટલી જ વાર. તમારા ભાવિને લગતી યોજનાઓને કેવી રીતે સફળ બનાવવી એની કળા પણ મનમાં ઈન-બિલ્ટ છે, એના માટે જ તો આ મન સર્જાયું છે. પણ તમારા તરફથી હુકમ છૂટવો જોઈએ. સતત હુકમ છોડતા સ્વામીનું કહ્યું માનવાની સેવકને ટેવ પડી જાય છે. તમારે માત્ર હુકમો જ તો છોડવાના છે. એટલુંય નહીં કરો તો મન ક્યાંથી કાબૂમાં રહેશે, એ તમારું કહ્યું કેવી રીતે માનશે. મનને સતત સમજદારીભર્યા હુકમો છોડતા રહીએ. પછી જુઓ કે આ સેવક તમારા માટે જીવ લગાવીને કામમાં જોતરાઈ જશે.

માણસનું જીવન ત્રણ બાબતોને આધારે ઘડાતું હોય છે. તેમાંની પહેલી બાબત તે આ મન. બાકી કાલે.

આજનો વિચાર

શાંતિના દિવસોમાં જેટલો પરસેવો પાડ્યો હશે એટલું ઓછું લોહી યુદ્ધના સમયે વહેવડાવવું પડશે.

જ્યૉર્જ હાયમન રિકવર

એક મિનિટ!

બકો: આય લવ યુ

બકી: દારૂ છોડવા તૈયાર છે?

બકો: બિલકુલ છોડી દઈશ.

બકી: જે માણસ દારૂ છોડી શકે છે એ કોઈને પણ છોડી શકે… ચલ, ફૂટ!

( મુંબઇ સમાચાર : બુધવાર, 17 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *