આબરૂ બચાવવા જતાં અંતરાત્માના અવાજને ખોઈ બેસતા લોકો વિશે

માણસની આબરૂ, એની શાખ, એની છાપ કે એના વિશે લોકો શું બોલે છે તેના પર બહુ મોટું વજન મૂકવામાં આવ્યું છે. આબરૂનું મહત્ત્વ એ હદ સુધી વધારી દેવામાં આવ્યું છે કે માણસ પોતાની આબરૂ સાચવવા ગમે તે કરવા તૈયાર થઈ જાય, બીજાઓના હાથમાં રમવા પણ તૈયાર થઈ જાય.

માણસની આબરૂને એના અંગત વ્યક્તિત્વ સાથે કે ચારિત્ર્ય સાથે દર વખતે સંબંધ હોય એ જરૂરી નથી. વ્યક્તિત્વ તદ્દન કાદવિયું હોય તેવા લોકો પણ સમાજમાં આબરૂદાર થઈને ફરતા હોય છે. સમાજમાં જેની શાખ ધોવાઈ ગઈ હોય એવો માણસ કોઈકના પાપે એ શાખ ગુમાવી બેઠો હોય અને એનું આંતરિક વિશ્ર્વ ભલભલા ઉમદા દેખાતા લોકો કરતાં વધુ સમૃદ્ધ હોય એ પણ શક્ય છે.

આબરૂને અપાયેલું મહત્ત્વ વાસ્તવમાં સમાજના નીચ માણસોનું કાવતરું છે. તેઓને ખબર છે કે આબરૂ એવી ચીજ છે કે ઉપરથી ચિપકાવી શકાય છે, એ અંદરથી પ્રગટી હોય તે જરૂરી નથી.

જેમની પાસે અંગત ચારિત્ર્ય નથી તેઓ પોતાની સમાજમાં છાપ વિશે વધારે સભાન રહે છે. જેમની પાસે ઘણું છુપાવવા જેવું છે તેઓ પોતાના વિશે લોકો શું કહેશે તે અંગે સતત ચિંતિત રહે છે. આવા લોકો થોડાબહુ પ્રયત્નો કરીને પોતાની સારી છાપ ઊભી કરી શકે છે, બીજાઓ દ્વારા પોતાના વિશે સારું બોલાતું થાય એવું બાહ્ય વર્તન કરી શકે છે.

આ માણસની ઈમેજ સારી છે અથવા સારી નથી એવું કહીને એક જ શબ્દમાં લોકો તમારી તથાકથિત આબરૂને ખરડી શકે છે અથવા ઊંચકી શકે છે. ઈમેજ શબ્દ બહુ છેતરામણો છે. સમાજના સ્થાપિત હિતો તમને એમની ધૂન પર નચાવવા વારંવાર તમારી ઈમેજનું ભાન કરાવે છે, આમ કરશો તો ઈમેજ ખરાબ થઈ જશે અને ઈમેજ સાચવવા આટલું તો કરવું જ પડે એવું કહીને સતત તમારું બ્લેકમેઈલિંગ કરતા રહે છે.

ઈમેજ અથવા આબરૂને વધુ પડતું મહત્ત્વ આપવા માટે ઓછી ગુણવત્તા ધરાવતા, ઓછા બુદ્ધિશાળી કે ઓછાં નીતિમૂલ્યો ધરાવતા લોકો જવાબદાર છે. આ લોકો પોતાનાથી તમામ રીતે આગળ કે ઊંચા લોકો સામે સ્પર્ધા કરવા માટે નકામા હોય છે, એવી હેસિયત જ નથી હોતી એમનામાં. તો પછી આ દુનિયામાં તમારી સામે એમણે ટકવું કેવી રીતે?

માણસ જ્યારે તટસ્થ કે કુદરતી માપદંડો મુજબ સારો કે ઊંચો સ્થાપિત થઈ શકતો નથી ત્યારે એ પોતે માપદંડો ઊભા કરે છે અને બીજાઓ પાસે એને સ્વીકૃત કરાવે છે. આવો એકલદોકલ પ્રયાસ સફળ નથી થતો, પરંતુ સમાજમાં આવા લોકો એકલદોકલ નથી હોતા. મીડિયોકર લોકોથી મામૂલી માણસોથી આ દુનિયા ફાટફાટ થાય છે. આ બહુમતી પ્રજા નક્કી કરી લે કે આબરૂનું મહત્ત્વ છે એટલે જાણે સર્વસ્વીકૃત ધોરણો સ્થપાઈ ગયેલાં લાગે કે આબરૂનું મહત્ત્વ છે. આબરૂ ઊભી કરવાનું કામ ચારિત્ર્યવાન હોવાની સરખામણીએ સાવ સહેલું હોવાથી સમાજના બહુમતી મીડિયોકર લોકો માટે મામૂલી માણસો માટે કામ ઘણું સરળ બની જાય છે.

આબરૂદાર હોવામાં અને ચારિત્ર્યવાન હોવામાં પાયાનો ફરક એ છે કે ચારિત્ર્ય મૂંગું છે, આબરૂ બોલકી છે. ચારિત્ર્યવાન વ્યક્તિની નિકટ ગયા પછી, એનો ઘનિષ્ઠ સંગ કર્યા પછી, ખાસ્સા એવા સમયગાળા બાદ તમને એના ચારિત્ર્યની મહેક આવશે. આબરૂદાર વ્યક્તિને મળતાંની સાથે જ એણે પોતાના પર છાંટેલી કૃત્રિમ સુગંધથી તમે પ્રભાવિત થઈ જાઓ છો. આ બનાવટી સુગંધની માદકતાં થોડાક કલાકમાં ઊતરી જતી હોય છે.

તમારા વિશે શું બોલાય છે તેનું મહત્ત્વ બઢાવી ચઢાવીને સમાજના લોકો તમારી સમક્ષ રજૂ કરતા રહે છે જેથી તમે તમારા વિશે માત્ર સારું જ બોલાય તે માટે એમને સતત ખુશ કરતા રહો. જે માણસ સમજી જાય છે કે અભિપ્રાયો ટિસ્યૂ પેપર જેવા છે, એને વાપરીને તરત ફેંકી દેવાતા હોય છે તેઓ અભિપ્રાયને નહીં, કામને મહત્ત્વ આપતા હોય છે. તમારા વિશે કોણ શું બોલે છે તેનું નહીં પણ જીવનમાં શું કર્યું છે, શું કરી રહ્યા છો અને શું કરવા માગો છો તેનું જ મહત્ત્વ છે. અને કામનું મહત્ત્વ ખરું પણ તે ખરા કામનું. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ ગ્રાન્ટ લેવા માટે પોતે કરેલાં કામની આંજી નાખનારી, પરંતુ સદંતર બનાવટી યાદીનો રિપોર્ટ તૈયાર કરે એવાં કામ નહીં; સાચાં કામ, નક્કર કામ. આંકડાની માયાજાળ ઊભી કરીને ગણાવવામાં આવતાં કામ કે પછી લોકો પર છાપ પાડવા માટે તૈયાર થતા બાયોડેટામાં વર્ણવવામાં આવતાં કામનું કશું મૂલ્ય નથી. કામ એવું હોવું જોઈએ જેને લીધે તમારું ચારિત્ર્ય નીખરે અને એક દોરો તો એક દોરો દુનિયાની કે સમાજની પ્રગતિ થાય અથવા એટલી અધોગતિ ઓછી થાય.

તમારી છાપ અમુક વસ્તુ કરવાથી કે અમુક વાત બોલવાથી બગડી જશે કે સુધરી જશે એવું કહીને ડરાવતા કે લલચાવતા લોકોથી સાવધાન. પોતે ખુલ્લા ન પડી જાય તે માટે તેઓ તમારો અજવાસ રોકવા માગે છે. પોતાનું વામણાપણું ઢાંકવા તેઓ તમારી ઊંચાઈ કાપે છે. તમારા વિશે એક હલકો અભિપ્રાય રમતો મૂકીને બીજા તમામ મામૂલી માણસોને તેઓ ઉશ્કેરે છે અને સૌ કોઈ તમારી આબરૂ લૂંટવાના કામમાં સહભાગી બની જાય છે. આવું થાય ત્યારે પગ સહેજ ડગમગી જાય એવું લાગે, કારણ કે તમારા મજબૂત ટેકેદારો પણ મૌન રહીને તમારામાં આંશકા વ્યક્ત કરતા થઈ જવાના. આવા સમયે માત્ર એક જ સહારો હોય છે, તમે પોતે. તમને શ્રદ્ધા હોય કે તમે એવું કશું જ કર્યું નથી, જેને કારણે તમારે નીચાજોણું થાય તો આસપાસનો તમામ ઘોંઘાટ બંધ કાને સાંભળી લેવાનો. બોલનારાઓ બોલી લેશે એ પછી દુનિયાને તમારો જ અવાજ સંભળાવાનો, કારણ કે એ તમારા અંતરાત્માનો અવાજ હોવાનો. બીજાઓએ મચાવેલા કોલાહલમાં જે માણસ પોતાની અંદરનો અવાજ સાંભળવાનું ચૂકી જાય છે તે ક્યારેય મજબૂત, અડગ, અડીખમ રહી શકતો નથી. અને આ દુનિયા ક્યારેય ભાંગી પડનારાઓનો આદર કરતી નથી.

આજનો વિચાર

હું સાચો હોઉં ત્યારે એ વાત કોઈ યાદ રાખતું નથી અને ખોટો હોઉં ત્યારે એ વાત કોઈ ભૂલતું નથી.

– અજ્ઞાત

એક મિનિટ!

એટલી તો કેજરીવાલની ઈજ્જત પણ નથી…

…જેટલી કપિલ મિશ્રા લૂંટી રહ્યો છે!

( મુંબઇ સમાચાર : મંગળવાર, 16 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *