ટ્રિપલ તલાક, ટ્રિપલ તલાક અને ટ્રિપલ તલાક

ત્રણ વાર તલાક બોલ્યા પછી છૂટાછેડા થઈ જાય એવી પ્રથાને કાયદો ગણવાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના અનેક ઈસ્લામી દેશોએ ત્યજી દીધું છે અને અહીં ભારતમાં મુસ્લિમો કરતાં વધુ સેક્યુલરિયાઓ ટ્રિપલ તલાકની તરફેણમાં વધારે લખે છે, બોલે છે. આ સેક્યુલરિયાઓ કહેતા ફરે છે કે મુસ્લિમોમાં ટ્રિપલ તલાકનું પ્રમાણ જેટલું મીડિયામાં ચગાવવામાં આવે છે એટલું વધારે નથી, ઘણું ઓછું છે.

ઘણું ઓછું એટલે કેટલું! તલાકનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને કેટલું નહીં એનું કોઈ સ્ટાન્ડર્ડ મેઝર છે? કાલ ઊઠીને આ જ સેક્યુલરિયાઓ એવું કહેતા થઈ જશે કે ભારતમાં બળાત્કારનું પ્રમાણ ઘણું ઓછું છે!

જે દૂષણ છે તે દૂષણ છે. એનું પ્રમાણ ‘ઓછું’ હોય કે ‘વધારે’.

ઈસ્લામની જાણવા જેવી એક ખાસિયત છે, શરતી તલાક. આમાં સ્ત્રી સતત ફફડતી રહે છે. આતંકિત રહે છે. આ શરતી તલાકનાં ચાર પાસા છે. ૧. શરતી તલાક અપાયા પછી સ્ત્રીએ પતિના એ હુકમ મુજબ વર્તવું પડે. અન્યથા એ આપોઆપ ત્યકતા બનીને શૌહરના ઘરની બહાર ફેંકાઈ જાય. ૨. સ્ત્રીનો જેના પર સહેજ પણ કાબૂ ન હોય એવા પ્રસંગો બને ત્યારે પણ શરતી તલાક અમલમાં આવી જતા હોય છે. ૩. શરતી તલાક અંગે નિર્ણય લેવાય ત્યારે સ્ત્રીની વાતને કોઈ વજૂદ આપવામાં આવતું નથી. પતિએ જે કહ્યું તે જ સાચું મનાય અને ૪. ચુકાદો આપનારાઓ દલીલોને તોડીમરડીને પણ પતિની જ તરફેણ કરતા રહે છે.

શરતી તલાક એટલે ધારો કે પતિ પત્નીને કહે કે તું જો આ ઘરમાં પગ મૂકશે તો તને તલાક મળી જશે. પત્ની પગ મૂકે અને એ આપોઆપ તલાકશુદા – ડિવોર્સી થઈ જાય. પતિ કહે કે મારા કહ્યા વિના તું ઘરની બહાર નીકળી તો તારી સાથે તલાક થઈ જાય. તું જો અમુક સ્ત્રી (કે પુરુષ) સાથે બોલીશ તો તલાક થઈ જશે. સ્ત્રી બોલે તો આપોઆપ તલાક થઈ જાય. આને શરતી તલાક કહેવાય.

પતિ એની પત્નીને કહે કે ‘હું એક ગુલામ સ્ત્રીને ખરીદી લાવું અને મારી ખરીદીથી તને ઈર્ષ્યા થાય તો તને ત્રણ વાર તલાક છે.’ પતિ ગુલામ સ્ત્રી ખરીદી લાવે. પત્નીના ક્રોધથી તથા નવી સ્ત્રી પ્રત્યેની વર્તણૂક તથા ખરાબ ભાષા પરથી ખબર પડે કે એને ઈર્ષ્યા થઈ રહી છે. તો એ આપોઆપ તલાકશુદા બની ગઈ. એણે જો શાદીશુદા રહેવું હોય તો મનમાં જાગતી ઈર્ષ્યાની તમામ લાગણીઓને હૃદયમાં ઊંડે ધરબી દેવી પડે. શબ્દ દ્વારા કે વર્તન દ્વારા ઈર્ષ્યાની લાગણીને સહેજ પણ વાચા નહીં આપવાની.

આ બધા જ અને હજુ બીજા ઘણા બધા કિસ્સાઓ મુસ્લિમો જેને ફૉલો કરે છે તે શરિયતના કાયદાના ગ્રંથોમાં દર્જ થયેલા છે. એક પણ કિસ્સો કલ્પીત નથી.

એક માણસ કેટલાક ચોરના હાથમાં પકડાયો. ચોરોએ એની પાસેની તમામ માલમતા લઈ લીધી અને પૂછ્યું: હજુ કંઈ છે તારી પાસે? માણસે કહ્યું ના. પછી ચોરો એને સોગંદ લેવાની ફરજ પાડે છે કે, ‘જો મારી પાસે કંઈક હશે તો મારી પત્નીને તલાક છે’ અને જો એની પાસેથી કંઈક મળી આવે (પછી ભલેને એને પોતાનેય એની જાણ ન હોય) તો ઘરમાં બેઠેલી પેલી પત્ની તલાકશુદા બની જાય!

હા, અલેલટપ્પુ જેવો આ કિસ્સો પણ નોંધાયેલો છે, કલ્પનાની નીપજ નથી.

પતિ એની એક પત્નીને કહે: ‘જો તું આવું કરીશ તો મારી તમામ પત્નીઓને તલાક છે’ અને એ પત્ની એવું કરે તો એના સહિતની બધી જ પત્નીઓ તલાકશુદા બની જતી હોય છે. બાકીની પત્નીઓને પેલી પત્નીના વર્તનની કે પતિના શબ્દોની ખબર ન હોય તો પણ એમના નસીબમાં તલાક લખાઈ જાય. આ કરામતનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જુઓ. એક પત્ની પતિની અણગમતી વાત ન કરે એની જવાબદારી બાકીની પત્નીઓ પર આવી જતી હોય છે. આમ પતિ પોતાની ગેરહાજરીમાં પત્નીના વર્તનની જવાબદારીનો ભાર બાકીની પત્નીઓ પર નાખી દેતો હોય છે. બાકીની પત્નીઓએ તલાકમાંથી બચવું હોય એટલે એ બધીઓ પેલી પત્નીના વર્તન પર દેખરેખ રાખવાની જ.

પતિ જો એની પત્નીને કહે, ‘હું જો દારૂ પીશ તો તને તલાક છે.’ પુરુષ દારૂ પીએ તો તલાક થઈ જાય. ‘હું જો તારી મારપીટ કરું તો તને તલાક છે.’ પતિ મારે અને તલાક થઈ જાય. ‘હું કોઈકને દારૂ પીવડાવીશ તો તને તલાક છે.’ અને એક મહેમાન આવી ચડે છે જેને પતિ દારૂ પીરસે છે, તલાક થઈ જાય છે. ‘હું જો તારી સાથે શારીરિક સમાગમ કરીશ તો તને તલાક છે’ અને પુરુષ પત્ની સાથે સંભોગ કરે છે, તલાક થઈ જાય છે. ‘હું જો કશુંક ગેરકાનૂની કામ કરીને નાહીશ તો તને તલાક છે’ અને પુરુષ ગેરકાનૂની કામ (એટલે કે પરસ્ત્રીગમન) કરે છે જેને કારણે એને નાહી લેવું પડે છે, તલાક થઈ જાય છે. ‘તું જો કાલ સુધીમાં સાજી ન થઈ તો તલાક છે’ પત્ની સાજી થઈ શકતી નથી, તલાક થઈ જાય છે.

કઈ કેવાં કેવાં કારણો આપીને શરતી તલાક થયા હોવાના કિસ્સાઓ નોંધાયા છે.

પતિ કહે, ‘મારી સાસુ આજે રાત્રે મારી પાસે નહીં આવે તો મારી પત્નીને તલાક છે.’ અને આવું કહેવાયું છે એના સાક્ષીઓ હોય અને પત્નીની મા ખરેખર એના જમાઈ પાસે ન ગઈ હોય તો પત્નીના તલાક થઈ જાય છે.

પતિ કોઈક ભળતા જ માણસને કહે કે, ‘આજે તું મારા ઘરે મહેમાન બનીને આવ, નહીં તો મારી પત્નીને તલાક છે’ અને પેલા ભાઈ અતિથિ બનીને ન આવ્યા તો તલાક થઈ જાય છે.

પતિએ પત્નીને કહ્યું કે, ‘અગર મેરી શર્મગાહ (પ્રજનન અવયવ) તુમ્હારી શર્મગાહ સે ઝયાદા ખૂબસૂરત ન હો તો તુમ સે તલાક હૈ.’

પણ આવું બોલાય એ પછી કોણ નક્કી કરે કે કોનું કોનાથી ઝયાદા ખૂબસૂરત છે? મુફ્તી નક્કી કરે અને મુફ્તી ઈમામ મહમ્મદને ટાંકીને આ મસલો સુલઝાવે. પતિપત્ની આ પ્રશ્ર્ન લઈને આવ્યા હોય ત્યારે મુફ્તીની સામે બેઉ બેઠાં હોય તો પતિની શર્મગાહ ખૂબસૂરત, કારણ કે ઈમામસાહેબે જણાવ્યું છે કે સ્ત્રીપુરુષ ઊભાં હોય ત્યારે સ્ત્રીની શર્મગાહ ખૂબસૂરત દેખાય, પણ તેઓ બેઠાં હોય ત્યારે પુરુષની સરખામણીએ સ્ત્રીની શર્મગાહ બદસૂરત દેખાતી હોય છે.

ઈસ્લામમાં તલાકની બાબતમાં અસંખ્ય કિસ્સાઓમાં સગવડિયો ધર્મ પાળવામાં આવતો હોય છે. એક જ કિસ્સો જુઓ:

પતિ કહે છે કે મારી પત્ની ઘરે છોકરાઓને મારે નહીં અને ઝઘડા ન કરે એ માટે મેં આવેશમાં આવીને એને કહી દીધું કે જો તું ઘરે આવીશ તો તને તલાક છે. પછી મને વિચાર આવ્યો કે મેં જે કહ્યું છે એને અમલમાં મૂકવાનો તો મારો વિચાર નથી. તો હવે મારે શું કરવું? પત્ની મારા ઘરે આવે તો એની સાથે મારા તલાક થઈ જશે, જે મારે જોઈતા નથી.

મુફ્તીસાહેબે આનો અદ્ભુત ઈલાજ આપ્યો: પત્ની પતિના ઘરમાં જાતે ન આવે, પણ એને ડોલીમાં બેસાડીને લઈ આવવામાં આવે. સોગંદ તો એવા છે કે ‘તું મારા ઘરે આવીશ’ તો તલાક થશે, જ્યારે અહીં કયાં એ ‘ઘરે આવે’ છે? એને તો ‘ઘરે લઈ આવવામાં આવે છે.’ આ બેઉ પરિસ્થિતિમાં ફરક છે! માટે જો પતિએ તલાકની પરિસ્થિતિમાંથી બચવું હોય તો એણે પત્નીને ડોલીમાં બેસાડીને ઘરે લઈ આવવી જોઈએ.

હવેનો કિસ્સો વાંચતાં પહેલાં માત્ર એટલું જાણી લો કે ઈસ્લામના અનેક ફાંટામાંના બે ફાંટા છે હનફી અને શફીઅ. હવે આ ક્લાસિક કેસ વાંચો.

હનફી મુસ્લિમ કહે છે કે, ‘જો હું આ પૃથ્વી પરની કોઈ પણ ઔરતને પરણ્યો તો મારા તરફથી એને તલાક છે.’ પણ આ સોગંદ લીધા પછી એ ભાઈ પરણવાના થયા. હવે શું કરવું. મુફ્તી સાહેબે આનો ઈલાજ કાઢી આપ્યો! પુરુષે પરણીને સ્ત્રી સાથે રહેવાનું ચાલુ કરી દેવાનું અને સ્ત્રીએ કોઈ હનફીને બદલે શફીઅ અલીમ (જ્ઞાની, વિદ્વાન)ને પકડીને એનો લવાદ બનાવવો જોઈએ. આ અલીમે શફીઅ કાયદા પ્રમાણે ચુકાદો આપવો જોઈએ અને એ મુજબ તલાક નહીં થાય!

બી. આર. ચોપડાની ‘નિકાહ’ ફિલ્મમાં સલમા આગાએ ગાયું હતું:

ઝિંદગી એક પ્યાસ બન કર રહ ગયી,
પ્યાર કે કિસ્સે અધૂરે રહ ગયે,
હમ વફા કર કે ભી તન્હા રહ ગયે,
દિલ કે અરમાં આંસૂઓં મેં બહ ગયે.
શાયદ ઉન કા આખરી હો એ સિતમ,
હર સિતમ એ સોચકર હમ સહ ગયે.

આજનો વિચાર

મુસ્લિમોમાં લગ્નજીવનનો અંત આણવા માટે ટ્રિપલ તલાકની પદ્ધતિ જેવી ખરાબ બીજી કોઈ રસમ નથી અને આ (ટ્રિપલ તલાકની પ્રથા) બિલકુલ ઈચ્છનીય નથી.

– ભારતીય સુપ્રીમ કોર્ટ

એક મિનિટ!

ડૉક્ટર: કોઈ મેન્ટલ ડિસઑર્ડરની હિસ્ટરી ખરી તમારા ફૅમિલીમાં?

પેશન્ટ: હા, એક વાર મારા મોટાભાઈને કેજરીવાલને વોટ આપવાનું મન થયેલું!

( મુંબઇ સમાચાર : સોમવાર, 15 મે 2017)

1 comment for “ટ્રિપલ તલાક, ટ્રિપલ તલાક અને ટ્રિપલ તલાક

  1. KALPESH
    May 16, 2017 at 2:54 PM

    UNBELIEVABLE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *