લખે તે લેખક નહીં, વંચાય તે લેખક

જે લખે તે લેખક એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેનું લખાણ લોકો વાંચતા હોય તેને લેખક કહેવાય. જે અભિનય કરે તે અભિનેતા એવું ના હોય. અરીસા સામે ઊભો રહીને હું બચ્ચનજીની અદામાં એમના ફેમસ ડાયલોગ બોલતો હોઉં તો મને કોઈ અભિનેતા કહેવાનું નથી. ફિલ્મના પડદા પર કે તખ્તા પર તમારો અભિનય જોવા માટે લોકો પૈસા ખર્ચીને આવતા થાય ત્યારે તમે અભિનેતા કહેવાઓ.

લખે તે લેખકવાળી ભ્રમણાઓ બહુ ફેલાવવામાં આવી જેને લીધે અનેક લોકો પોતાને લેખક માનતા થઈ ગયા. એ લોકોને એમના ભ્રમમાં જીવવા દઈએ.

આજીવિકા રળી આપનારા કોઈ પણ પ્રામાણિક કામ જેટલું જ અઘરું કામ લખવાનું પણ છે. જબરજસ્ત મહેનત અને પરસેવો. લખવા માટે જે મૂળભૂત બાબતો તમારામાં હોય એ પછી પણ આ તો જોઈએ જ.

ઑપરેશન થિયેટરમાં ડૉક્ટર કામ કરતો હોય ત્યારે એને ડિસ્ટર્બ ન કરાય એવી કૉમન સેન્સ અભણ લોકોમાં પણ હોવાની, પણ ભલભલા ભણેલા માણસો ધડ દઈને કોઈ ક્ષુલ્લક કારણોસર લેખકને ફોન કરતાં નથી અચકાતા. તદ્દન અજાણ્યા હોય એવા કે પછી ઈવન પરિચિત હોય એવા લોકો લેખક જાણે ચોવીસે કલાક નવરો બેસીને તમારા ફોનની રાહ જોતો હશે એવી લાગણીથી બિનધાસ્ત એના મોબાઈલ પર ફોન કરશે અને પોતાનું નામ પણ અનાઉન્સ કર્યા વિના ચાલુ થઈ જશે: કંઈ ખાસ કામ નહોતું પણ થયું કે પાંચ-દસ મિનિટ તમારી સાથે વાત કરીએ!

વિચારોનું વિશ્ર્વ જ્યારે રચાતું હોય અને તર્કની એકએક કડી એકબીજા સાથે જોડાતી હોય એવા સમયે આવા ફોન આવે ત્યારે તમને તમારા ફોનને પવઈના તળાવમાં પધરાવી દેવાનું મન થાય અને સાથે ફોન કરનાર વ્યક્તિને પણ એમાં પથ્થર બાંધીને ડુબાડી દેવાનું મન થાય.

લખતી વખતે ક્યારેય થાક નથી લાગતો હોતો. લખતાં લખતાં થાકી જાય એને લેખક નહીં લહિયો કહેવાય. બીજાનું એઠુંજૂઠું લઈને લખનારાઓ માટે લખવું માત્ર ફિઝિકલ પ્રોસેસ છે. પોતાના વિચારો કાગળ પર ઉતારનારા લેખકો માટે આ માત્ર શારીરિક નહીં, માનસિક પ્રક્રિયા છે અને નવા નવા વિચારો પ્રગટાવીને તમે કાગળ પર ઉતારતા રહો છે ત્યારે તમે જેટલું વધારે આવું કામ કરો છો એટલા વધારે તરોતાઝા થતા જાઓ છો. પછી તમારે બેટરી ચાર્જ કરવા તમારા સ્ટડી રૂમની બહારના કોઈ પણ સ્થળે જવાની જરૂર નથી રહેતી. તમારું સ્ટડી ટેબલ જ તમારો સનસેટ પોઈન્ટ, તમારો પુસ્તક સંગ્રહ જ તમારું સ્વિત્ઝરલૅન્ડ અને તમારા કાગળ પર દોડતી તમારી પેન એટલે તમારી ખંડાલા સુધીની લૉન્ગ ડ્રાઈવ.

લેખક જ્યારે લખે છે ત્યારે તો લેખક હોય છે જ અર્થાત્ જે ક્ષણોમાં એ હાથમાં પેન પકડીને કાગળ પર અક્ષરો પાડતો હોય છે ત્યારે તો ખરો જ, જે કલાકોમાં આ ફિઝિકલ પ્રોસેસ નથી ચાલતી ત્યારે પણ એ લેખક જ હોય છે. તે વખતે એના દિમાગમાં કોઈ અદૃશ્ય પેન કોઈ અદૃશ્ય કાગળ પર અક્ષરો પાડતી રહે છે. ક્યારેક તો લેખકને પોતાને પણ ખબર ન હોય એવી રીતે આ પ્રક્રિયા ચાલતી રહે છે. સુથારનું મન બાવળિયે હોય એમ લેખકનું મન પણ હંમેશાં કાગળિયે જ હોવાનું. આસપાસના વાતાવરણમાંથી કઈ કઈ વસ્તુની છાપ એના મનમાં સંઘરાઈને ક્યારે એના લખાણોમાં પ્રગટશે એની ખુદ લેખકને પણ ખબર નથી હોતી.

લેખક તરીકે એ લોકો તમને ઓળખતા થયા હોય તો તમારી ફરજ બને છે કે તમારે તમારી એ ઓળખાણનો, એ પહેચાનનો મલાજો જાળવવો જોઈએ અને લખવું જોઈએ, રોજ લખવું જોઈએ, ખૂબ લખવું જોઈએ. લેખક તરીકે તમારી પ્રતિષ્ઠા બન્યા પછી તમે ઓછું લખવા માંડો કે ઓછું સારું લખવા માંડો અને બાકીનો બધો સમય ઈતર પ્રવૃત્તિઓમાં વીતાવતા થઈ જાઓ તો એ મા સરસ્વતીએ આપેલા આશીર્વાદનો દ્રોહ થયેલો ગણાય.

લેખકે ખૂબ લખવું જોઈએ. સતત લખવું જોઈએ. ચિક્કાર લખવાની વાતને લખાણોની ગુણવત્તા સાથે કોઈ સંબંધ નથી હોતો. ઓછું લખનારો સર્જક જેમ નબળું પણ લખી શકે તેમ વધુ લખનારો સર્જક સારું પણ લખી શકે. લતા મંગેશકરે જેટલાં ગીતો ગાયાં છે એટલાં ગીતો બીજા કોઈ ગાયકે નથી ગાયાં. અને આને લીધે લતાજીની ગુણવત્તામાં ક્યારેય ઘટાડો નથી થયો.

જ્યોર્જ સિમેનોન સુરેશ જોષીના પ્રિય થ્રિલર રાઈટર હતા. સિમેનોને અઢીસોથી વધુ મૌલિક સસ્પેન્સ નવલકથાઓ લખી હતી. પચાસ-સાઠ વર્ષની લેખન કારકિર્દીના શરૂના ગાળામાં સિમેનોન દર વર્ષે આઠથી દસ નવલકથાઓ લખતા. ત્યાર બાદ લખવાનું સહેજ ઓછું કરી નાખ્યું. ઓછું એટલે? વરસની ત્રણ-ચાર નવલકથાઓ!

અર્નેસ્ટ હેમિંગ્વે રોજના છ કલાક લખવામાં ગાળતા. સમરસેટ મૉમ ચાર કલાક, બાલ્ઝાક છથી બાર કલાક અને આલ્ડસ હકસલે પાંચ કલાક લખતા. લેખક ન લખે તો એની પેનની નિબ કટાઈ જાય. લેખક જો પ્રોલિફિક લખવાને બદલે વરસને વચલે દહાડે લખતો થઈ જાય તો પેનની નિબ ઉપરાંત એનું દિમાગ પણ કટાઈ જાય. પછી એ લેખક, લેખક ન રહે. અને એટલે જ એણે પ્રચાર કરીને ભ્રમણા ફેલાવવી પડે કે જે લખે તે લેખક. કારણ કે બાય ધૅટ ટાઈમ એ વંચાતો બંધ થઈ ગયો હોય!

કાગળ પરના દીવા

નવલકથાકારનુું કલ્પનાજગત વાસ્તવિકતામાંથી ભાગી છૂટવા માટે નથી સર્જાતું, વાસ્તવિકતાને વધુ સારી રીતે સમજવા માટે સર્જાય છે.

-અજ્ઞાત

સન્ડે હ્યુમર

ડૉક્ટર: નાનો એવો જખ્મ છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

(એટલામાં એમની નજર પેશન્ટના આઈફોન-૭ પર પડી)

ડૉક્ટર: તો પણ ટુ બી ઓન સેફર સાઈડ તમે એમઆરઆઈ કરાવી લો.

( મુંબઇ સમાચાર : રવિવાર, 14 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *