કોઈએ તમારું અપમાન કર્યું હોય તો ગામ આખાને કહેવાનું નહીં

‘વિદુરનીતિ’ની જેમ સ્વામી સચ્ચિદાનંદે ‘ચાણક્યની વ્યવહારનીતિ’ નામનો ગ્રંથ પણ લખ્યો છે. સત્તર અધ્યાયના આ ગ્રંથના આરંભે સ્વામીજીએ નોંધ્યું છે કે ચાણક્યે પાંચ વ્યવહારોને આ ગ્રંથમાં સાંકળી લીધા છે: ૧. રાજવ્યવહાર, ૨. ધર્મવ્યવહાર, ૩. સમાજવ્યવહાર, ૪. અર્થવ્યવહાર અને ૫. કામવ્યવહાર.

પ્રથમ અધ્યાયના પ્રથમ શ્ર્લોકની સમજૂતી દરમ્યાન સ્વામીજી કહે છે કે વિદ્વત્તા બે પ્રકારની હોય છે: એક સ્વયંભૂ – પોતાની જ, જે બહુ થોડામાં હોય છે.

બીજી ‘નાનાશાસ્ત્રગ્રાહી’, અર્થાત્ અનેક શાસ્ત્રો, લેખકો, વક્તાઓ વગેરેમાંથી ગ્રહણ કરેલી. આ બીજી વક્તા કોઈ દોષ નથી. મધુકર જેમ અનેક પુષ્પોમાંથી પરાગરસ ગ્રહણ કરીને મધ બનાવે છે તેમ આ બીજા પ્રકારના વિદ્વાનો પણ અનેકોની સહાયતાથી ગ્રંથ રચતા હોય છે. પણ અનેકની સહાયતા લીધા પછી પણ જે યોગ્ય સમયે તેનો સ્વીકાર કરતો નથી તેને ‘પ્રજ્ઞાચોર’ કહેવાય. પ્રજ્ઞાચોરના દોષથી બચવા માટે જેમનો – જેમનો સાથસહકાર લીધો હોય એમને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી યાદ કરવા જરૂરી છે. તેથી ચાણક્ય સ્વીકારે છે કે અનેક શાસ્ત્રોના સહકારથી આ ગ્રંથ રચી રહ્યો છું.

મિત્ર કોને કહેવો? ચાણક્યના હિસાબે ૬ કસોટીમાંથી પાર ઊતરે તે ખરો મિત્ર.

૧. આતુરે. વ્યક્તિ જ્યારે કોઈ અસાધ્ય રોગમાં સપડાઈ જાય અને તનમનથી બરબાદ થઈ જાય તે વખતે જે સાથ આપીને પડખે ઊભો રહે તેને બાંધવ અર્થાત્ મિત્ર કહેવાય.

૨. વ્યસને. વ્યસન એટલે વિપત્તિ. કોઈ ઓચિંતી વિપત્તિ આવી પડે ત્યારે ભાગી ન જતાં સાથે અડીખમ ઊભો રહે તેને મિત્ર કહેવાય.

૩. દુર્ભિક્ષે. દુર્ભિક્ષ એટલે દુષ્કાળ. જ્યારે અકાળ પડે, વરસાદ ન થાય, લોકો ભૂખે મરવા લાગે, જાનવરો ભૂખતરસથી મરી જાય તેવા સમયમાં જે સાથે ઊભો રહે, પૂરેપૂરો સાથ આપે તેને બાંધવ કહેવાય.

૪. શત્રુસંકટે. જ્યારે કોઈ પ્રબળ શત્રુ પાછળ પડી જાય, પ્રબળ સેના યુદ્ધ કરવા ચઢી આવે ત્યારે જે સાથે આવીને ઊભો રહે તેને બાંધવ અર્થાત્ મિત્ર કહેવાય.

૫. રાજદ્વારે. જ્યારે કોઈ કોર્ટ-કચેરીમાં કેસ ચાલે ત્યારે જે સાથે આવીને ઊભો રહે તેને મિત્ર કહેવાય.

૬. સ્મશાને. જ્યારે વ્યક્તિ મરી જાય અને તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવે ત્યારે હજાર કામ પડતાં મૂકીને જે સ્મશાનમાં સાથે આવે તેને મિત્ર કહેવાય.

આમ આ છ વિકટ પ્રસંગોએ પણ જે સાથે ને સાથે રહે તેને બાંધવ કહેવાય. જે ભાગી જાય કે મોઢું છુપાવે તેને મિત્ર ન કહેવાય.

સ્વામી સચ્ચિદાનંદે આપેલી સમજૂતી પ્રમાણે ચાણક્યે કહ્યું છે કે પાંચ કારણો ઊભાં થાય ત્યારે જે ભાગી છૂટે તે જ જીવિત રહી શકે છે. બધા પ્રસંગે ભાગી છુટાય નહીં. કેટલાક પ્રસંગે અડીખમ ઊભા રહેવું જોઈએ પણ આ પાંચ પ્રસંગે તો ભાગી છૂટવું જ હિતાવહ કહેવાય:

૧. ઉપસર્ગે: જ્યારે પ્રાકૃતિક આપત્તિઓ આવે. જેમ કે સુનામી, રેલ, ધરતીકંપ વગેરે કારણો હોય ત્યારે ભાગી છૂટવું હિતાવહ કહેવાય.

૨. અન્યચક્રે: હુલ્લડો થાય, મારામારી થાય, ચેપી રોગ ફેલાઈ જાય ત્યારે ભાગી છૂટવું હિતાવહ ગણાય.

૩. દુર્ભિક્ષે: જ્યારે દુષ્કાળ પડે, અન્નજળ ન મળે ત્યારે જ્યાં રોજ-જીવન હોય ત્યાં ભાગી છૂટવું હિતાવહ કહેવાય.

૪. ભયાવહે: યુદ્ધ થાય, બળવો થાય, મારામારી અને કાપાકાપી થાય ત્યારે સ્થળાંતર કરી લેવું હિતાવહ કહેવાય.

૫. કોઈ નીચ, દુર્જન વ્યક્તિ કે સમૂહના ચક્કરમાં પડી જવાય ત્યારે તેમાંથી બચવા ભાગી છૂટવું હિતાવહ કહેવાય.

ચાણક્યનીતિના અધ્યાયો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ ચાણક્યની નિરીક્ષણશક્તિ સોળે કળાએ ખીલતી જાય છે. ચાણક્ય કહે છે કે ચાર પ્રકારના માણસોને ચાર રીતે પ્રસન્ન કરવા જોઈએ:

૧. જે લોભિયો માણસ હોય તેને હાથ જોડીને, નમ્રતાથી વ્યવહાર કરીને કામ કઢાવી લેવું.

૨. જે અહંકારી વ્યક્તિ હોય તેને હાથ જોડીને, નમ્રતાથી વ્યવહાર કરીને કામ કઢાવી લેવું જોઈએ. અહંકારી વ્યક્તિ હંમેશાં ખુશામતપ્રેમી હોય છે. આ તેની કમજોરી કહેવાય. તે રાજી થાય તેમ તેની વાહવાહ કરીને કામ કઢાવી લેવું જોઈએ.

૩. મૂર્ખ વ્યક્તિની ઈચ્છા પૂરી કરીને કામ કઢાવી લેવું.

૪. પણ જ્ઞાની પુરુષ મળે તો તેની આગળ સાચી વાત બોલીને કામ કઢાવવું. જ્ઞાની વ્યક્તિ સત્યપ્રેમી હોય છે, તેથી તેની આગળ કશી ચાલાકી કર્યા વિના જે સાચેચાચું હોય તે કહીને કામ પતાવવું.

સાતમા અધ્યાયના આરંભે ચાણક્યે કહેલું છે કે બુદ્ધિમાન પુરુષે પાંચ વાતો કદી કોઈની આગળ પ્રગટ કરવી નહીં. સ્વામીજી આ પાંચેય વાતો વિશે વિસ્તૃત રીતે સમજાવે છે:

૧. અર્થનાશ: જો પોતાની ધનહાનિ થઈ હોય તો કોઈને કહેવું નહીં, અર્થાત્ તમારું ધન ખોવાઈ ગયું હોય, ચોરાઈ ગયું હોય કે ઉછીનું લઈને કોઈએ પાછું ન આપ્યું હોય તો તેવા અર્થનાશની વાત કોઈને કહેવી નહીં. કહેવાથી કોઈ લાવી આપશે નહીં, ઊલટાના કેટલાક વિરોધી માણસો રાજી થશે. તેથી કહેવાથી કોઈ ફાયદો નહીં થાય. માટે જે ધનહાનિ થઈ હોય તેને મનમાં જ દબાવી રાખવી.

૨. મનસ્તાપં: મનની પીડા એટલે કે માનસિક ચિંતાની વાત પણ કોઈને કરવી નહીં. તમારી માનસિક પીડા સાંભળીને કોઈ ઓછી નહીં કરે. ઊલટાના વિરોધીઓ રાજી થશે. હા, શરીરપીડા કે એવી બીજી પીડા હોય તે વાત કરવી, જેથી કદાચ કોઈ ડૉક્ટર-વૈદ્ય સહાયક બને.

૩. ગેહે દુશ્ર્ચરિતાનિ ચ: તમારા ઘરમાં પત્ની કે બીજું કોઈ ચારિત્ર્યહીન હોય તો તેવી વાત કોઈને કરવી નહીં. પત્ની વગેરેનાં દુશ્ર્ચારિત્રથી તમારી જ આબરૂ ઓછી થાય છે. જેમ જેમ તમે બીજા લોકો આગળ આ વાતો કરતા જશો તેમ તેમ તમારી ફજેતી વધતી જશે. તેના કરતાં દુશ્ર્ચારિત્રને રોકી શકાય તો રોકો. ન રોકી શકાય તો મૌન સેવી સહન કરો. સંયુક્ત પરિવારમાં સહન કરવું જરૂરી હોય છે. તેથી ચૂપ રહો, બડ-બડ ન કરો.

૪. વંચનમ્: કદાચ કોઈ દ્વારા તમે ઠગાઈ ગયા હો તો તેની વાત કોઈને ન કરો, ચૂપ રહો. જીવનમાં ઠગનારા ઘણા મળતા હોય છે. વિશ્ર્વાસ મૂકવાથી લોકો ઠગતા – ઠગાતા હોય છે અને વિશ્ર્વાસ વિના સંસાર ચાલે જ નહીં તેથી ઠગાયા તો ઠગાયા, પણ હવે ચૂપ રહો. ફરી સાવધાન રહેવાનુું.

૫. અપમાનં: કોઈએ અપમાન કર્યું હોય તો તેને લોકો આગળ કહેતા ન ફરો, ચૂપ રહો. તમારું અપમાન વિરોધીઓને આનંદદાયક બની શકે છે. તેથી તેઓ તમારા અપમાનની વાતો ચારે તરફ કરતા ફરશે અને આ રીતે તમારી ફજેતીનો વાવટો ફરકાવતા રહેશે. તેના કરતાં ચૂપ રહેવું સારું. પણ હા, જો તમારામાં બદલો લેવાની ક્ષમતા હોય અને સામેનો માણસ શઠ હોય તો તેને બોધપાઠ જરૂર જણાવો. પણ ચૂપચાપ.

ચાણક્યે કહ્યું છે કે મૌન સેવવું કે ઓછું બોલવું સારું છે પણ આ જ બાબતે સંકોચ વિના જે હોય તે બોલવું હિતાવહ છે.

૧. ધનધાન્યાદિની લેવડદેવડ કરવી હોય કે કરી હોય તેવા પ્રસંગોમાં સંકોચ છોડીને ચોખ્ખી વાત કરવી.

૨. વિદ્યાગ્રહણકાળમાં પણ ગુરુ આગળ સ્પષ્ટ વાત કરવી હિતાવહ કહેવાય. ન સમજ પડી હોય તો ના કહેવી જેથી ફરી-ફરીને ગુરુ સમજાવે. સમજ ન પડી હોય છતાં હાએ હા કરવાથી નુકસાન થાય. માટે સંકોચ છોડીને ચોખ્ખી જેવી હોય તેવી વાત કરવી.

૩. આહારે – જમવા બેઠા હોઈએ ત્યારે સંકોચ રાખીને ના-ના ન કહેવું અને હાથ ધોઈ નાખવાથી ભૂખ્યા રહેવાય. તેથી તે વખતે સંકોચ છોડીને જરૂરી વાનગીઓ માગીને પણ ખાવી, જેથી તૃપ્તિ થાય. પણ જો રસોઈ થોડી હોય અને જમનારા વધારે હોય તો સંકોચ જરૂર કરવો.

૪. વ્યવહારે – વ્યવહારની વાતોમાં ચોખવટ કરવી. ખરીદ – વેચાણ કે બીજો કોઈ વ્યવહાર હોય, વર-ક્ધયાનો ઈન્ટરવ્યૂ, નોકરીનો ઈન્ટરવ્યૂ, દુકાનની ભાગીદારી વગેરે બધા વ્યવહારોમાં બને તેટલી ચોખવટ કરી લેવી, તેમાં સંકોચ ન રાખવો.

આજનો વિચાર

માણસ ઉલેચતો જ રહ્યો અંધકારને,
દીવાસળીની સાવ ઉપેક્ષા થતી રહી.

સત્કાર ન મળ્યો તો જવાનું કર્યું મેં બંધ,
કહે છે ત્યાં મારી રોજ પ્રતીક્ષા થતી રહી.

– રઈશ મનીઆર

એક મિનિટ!

તમારા મહોલ્લામાં દિવસરાત ભસ્યા કરતો કૂતરો જો ચૂપચાપ પડ્યો રહ્યો હોય તો માની લેજો કે એને ગંભીર ઈજા થઈ છે.

આ બાબતને કેજરીવાલ સાથે કોઈ સંબંધ નથી.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 11 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *