બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈક અભાવનું સૂચક છે

ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા નવલકથાકારો એવા છે જેઓ રૂઢિવાદી બન્યા વિના પરંપરા સાથે અનુસંધાન રાખતા હોય, અને દેખાડો કર્યા વિના આધુનિકતાના સંપર્કમાં રહેતા હોય. એટલું નહીં, નીવડેલી નવલકથાઓ આપ્યા પછી પણ સતત નવાં ફલક ધરાવતી નવલકથાઓ લખતા રહ્યા હોય.

વૅકેશનમાં સારું વાંચવું હોય તો જ્ઞાનપીઠ વિજેતા ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરીની યશદાયી નવલકથા ‘અમૃતા’ વાંચવી જે અડધી સદી પહેલાં લખાઈ પણ હજુ ય એની તાજગી અકબંધ છે. ‘અમૃતા’ વાંચી હોય એમણે ફરી આ વૅકેશનમાં વાંચવી કારણ કે સારાં પુસ્તકોનું પુનર્વાચન દર દાયકે કરવું જોઈએ એવું કોઈકે કહ્યું છે ને વળી કોઈકે તો એમ પણ કહ્યું છે કે કોઈપણ પુસ્તકનું પુુનર્વાચન કર્યું હોય તો જ તમે એનું વાચન કર્યું છે એવું કહેવાય.

‘અમૃતા’ અગાઉ રઘુવીર ચૌધરીએ ‘પૂર્વરાગ’ લખી. ‘પૂર્વરાગ’ની અપ્રેન્ટિસશિપને કારણે ‘અમૃતા’ જેવી ઘડાયેલી કૃતિ આવી. ગુજરાતી નવલકથા વિશ્ર્વમાં ‘અમૃતા’ એક લૅન્ડમાર્ક છે.

૧૯૬૫માં પ્રગટ થયેલી ‘અમૃતા’નાં ત્રણ પાત્રો. અનિકેત, ઉદયન અને અમૃતા. નવલકથાના બીજા-ત્રીજા પાને જ પ્લૉટ પ્રતીકરૂપે સ્પષ્ટ થાય છે: ‘… છોડ પરનાં બે ગુલાબ અમૃતા તરફ નમેલાં હતાં. એટલું જ નહીં એ બંને અમૃતાનું ધ્યાન પણ ખેંચતાં હતાં. તેમ છતા બંનેના અભિનિવેશમાં ભેદ જરૂર હતો. એક ફકત ઝૂકેલું જ લાગે, એનું મૌન સુંદર લાગે. બીજું કંઈક તિર્યક લાગે (તિર્યકનો અર્થ શોધવા ડિક્શનરી ઉથલાવવાની જરૂર નથી. શબ્દકોશમાંથી અમે જ તમને એનો અર્થ શોધી આપીએ: ત્રાંસું, વાંકું). વાતાવરણ તરફ એ ઉદાસ લાગે. પણ એનું લક્ષ હતું ત્યાં વ્યંગની તીખાશ પ્રગટાવે. અમૃતાએ ઈચ્છયું – એક ગુલાબ વીણી લઉં? બીજું હાલે નહીં તે રીતે છોડને સાચવીને એક ઉપાડી લઉં? બેમાંથી આ, પણ પછી પેલું?… એણે એ અનિર્ણયની વિમાસણમાંથી બહાર આવવા પોપચાં ઢાળીને મુખ સમુદ્ર તરફ કર્યું…’

અમૃતાને ડૉક્ટરેટની ડિગ્રી મળી છે. એના બે મિત્રો – અનિકેત અને ઉદયન – એને અભિનંદન આપવા ઘરે આવ્યા છે. અમૃતાનું મન આ બંને વચ્ચે ઝોલાં ખાય છે તે નવલકથાના આરંભે જ સ્પષ્ટ થઈ ગયું છે. નવલકથામાં ઘટનાઓ સ્થૂળ સ્તરે બહુ ઓછી આવે છે. ભૌગોલિક સ્થળો બદલાય છે ખરાં પણ વાર્તા મુખ્યત્વે વિચારોના સહારે, ક્યારેક સંવાદો દ્વારા વ્યક્ત થતો તો ક્યારેક મનમા જ રહી જતા વિચારોના સહારે, આગળ વધે છે.

ઉદયન ચાહે છે અમૃતાને. પણ એ ઈચ્છે છે કે અમૃતાની મુગ્ધતાનો લાભ ઉઠાવી રહ્યોે છે એવી લાગણી ન એનામાં જાગે, ન અમૃતામાં. અમૃતા પોતે સમજણી અને આત્મનિર્ભર થાય અને સ્વેચ્છાએ એનો સ્વીકાર કરે એવી ઉદયનની આકાંક્ષા છે. ‘અમૃતા’નો એક વિખ્યાત સંવાદ ઉદયનની આ મનોભાવના પ્રગટ કરે છે: ‘સમજથી નજીક આવેલાં સાથે રહી શકે. પ્રેમ તો આકસ્મિક કહેવાય. જે આકસ્મિક છે, જેના પર મારું નિયંત્રણ નથી તેને પામવાથી શું?’

ઉદયનની આ જીદ અમૃતાને અનિકેત તરફ ઘસડી જાય છે. એક વખત અમૃતા ઉદયનને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે: ‘હું અનિકેતને ચાહું છું, અનિકેતને જ, તને નહીં…’ અને આ સાંભળીને ઉદયન કહે છે: ‘એક સુંદર નારીના મુકત સાંનિધ્યમાં પોતાને નિયંત્રિત રાખીને, તારી સ્વાધીનતાને વિકસાવીને, તારા નિર્માણમાં મેં શો ફાળો આપ્યો છે તે અંગે વિચારી જો… તને તારા નારીત્વની નિર્ભ્રાન્ત પ્રતીતિ થાય ને મારી મૈત્રીની અનિવાર્યતા તું સ્વસ્થ સમજ દ્વારા પ્રમાણે તેવી સ્થિતિ સર્જાય તે પછી જ આપણે જોડાઈએ એમ મેં માન્યું હતું… હવે હું તારો ત્યાગ કરું તે આજ લગી તારા કૌમાર્યને બચાવી રાખવામાં મેં જે ત્યાગ કર્યો છે તેની તુલનામાં કંઈ નથી.’

અનિકેતનો મિજાજ ઉદયનથી ભિન્ન છે. અનિકેત માને છે કે: ‘… પ્રેમ પ્રાપ્ત થતો હોય છે… પ્રેમીને પ્રાપ્ત કર્યા વિના પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે…’ અને અનિકેતે અમૃતાને એક પત્રમાં લખ્યું હતું: ‘… હું (ફૂલની) સૌરભથી સંતુષ્ટ છું, પુષ્પને અધિકારમાં લેવાની ઉત્કંઠા સેવતો નથી… કામના કરવી એ તો સ્વાર્થને સૂચવે છે. કામનાવશ (વ્યક્તિ) બીજાના સ્વાતંત્ર્યને ભૂલી જાય છે. સમર્પણમાં નારીના ચારિત્ર્યનું ઉન્નયન જોવામાં આવે છે… પણ સમર્પણ શેનું? સ્વાતંત્ર્યનું કે અહમ્નું? બીજાના સ્વાતંત્ર્યનો સંપૂર્ણ સ્વીકાર એટલે પ્રેમ…’

આ તરફ અમૃતાને ઉદયનના વિચારોની, એની જીવનરીતિની તીવ્ર ગતિ આકર્ષે છે પણ આ ગતિ કોઈ એક ચોક્કસ લક્ષ તરફની નથી એવું અમૃતા અનુભવે છે. ઉદયન એને મન દિશાશૂન્ય છે. ઉદયનના સંઘર્ષો આકર્ષે છે પણ એ સંઘર્ષો હેતુવિહીન છે એવું એને લાગે છે. ઉદયન જે રીતે બીજાઓની ઉપેક્ષા કરે છે એમાં અમૃતાને સંબંધો પ્રત્યેની ઉદયનની અશ્રદ્ધા દેખાય છે. એની સામે અનિકેતની ઉદારતા, એના હૃદયની વિશાળતા એને ગમે છે. સામી વ્યક્તિના સ્વાતંત્ર્યની કાળજી રાખવાની અનિકેતની રીતે એને ગમે છે.

બે મિત્રો વચ્ચે અનિર્ણીત મનોદશામાં રહેતી અમૃતાને કુટુંબીઓ તરફથી ઠપકો મળે છે. એ કુટુંબથી અલગ રહેવા જતી રહે છે અને એક દિવસ, અલગ રહેતી અમૃતાને, કુટુંબીઓની ખોટ સાલે છે. કહે છે: ‘આજે ઈચ્છા થઈ આવે છે કે સ્વજનો સાથે રહેવા ચાલી જાઉં. મારે સ્વાતંત્ર્ય નથી જોઈતું, સંવાદિતા જોઈએ છે, સ્નેહ જોઈએ છે…’

માનવીની અનંત તૃષ્ણાઓની કથા ‘અમૃતા’નું લેખન રઘુવીર ચૌધરીએ પોતે લેટ ટૅવેન્ટીઝમાં હતા ત્યારે કર્યું. નવલકથામાં ત્રણેય મુખ્ય પાત્રોનાં ભ્રમનિરસન થાય છે, ત્રણેયનું ઈલ્યુઝન તૂટે છે. અમૃતા સ્વાતંત્ર્યને બદલે સ્નેહ અને સંવાદિતા ચાહતી થઈ જાય છે. ઉદયનને સમજાય છે કે મુગ્ધતા એટલે અપરિપકવતા કે ઈમ્મેચ્યોરિટી નહીં. અને અનિકેત પણ સ્વીકારતો થઈ જાય છે કે પોતાની નિરપેક્ષતા કેટલી કાચી હતી, આવી નિરપેક્ષતા સિદ્ધ કરવી કેટલી કઠિન છે અને એને એ પણ સમજાય છે કે બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈક અભાવનું સૂચક છે.

નવલકથાના ત્રણ ખંડમાંના પહેલાના આરંભે લેખકે ફ્રેડરિક નિત્શેનું એક અવતરણ ટાંક્યું છે: ‘લાઈફ ઈઝ ગુડ બીકૉઝ ઈટ ઈઝ પેઈન ફુલ.’ અને ત્રીજા ખંડના આરંભે ગાંધીજીનું કથન છે: ‘મનુષ્ય જયાં લગી સ્વેચ્છાએ પોતાને સહુથી પહેલો ન મૂકે ત્યાં લગી એની મુક્તિ નથી.’ અમૃતાની એક નવલકથા તરીકેની સૌથી મોટી સિદ્ધિ એ કે એના વાચન (કે પુનર્વાચન) દરમ્યાન દરેક વાચકને કોઈ એક તબક્કે એવું લાગ્યા વિના ન રહે કે આ નવલકથામાં થોડાંક પાનાં પોતાની આત્મકથાનાં ભળી ગયાં છે.

આજનો વિચાર

પ્રેમ એટલે દિલથી અપાતું માન. માન એટલે દિમાગથી અપાતો પ્રેમ.

– થિયોફિલ ગોતિયે (ફેન્ચ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, પત્રકાર અને આર્ટ ક્રિટિક: ૧૮૧૧-૧૮૭૨).

એક મિનિટ!

દારૂડિયો: જો હું સરપંચ બનું તો ગામની તસવીર બદલી નાખું.

પત્ની: પહેલાં આ લુંગી બદલો. સવારથી મારો ચણિયો પહેરીને ફરો છો.

( મુંબઇ સમાચાર : સોમવાર, 8 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *