‘હું શાંતિથી મરીશ, મેં જીવનને ચાહ્યું છે’

૭ મે ૧૮૬૧ના રોજ એમનો જન્મ. એંશી વર્ષ પછી ૭ ઑગસ્ટ ૧૯૪૧ના દિવસે એમણે વિદાય લીધી. આ આઠ દાયકામાં રવીન્દ્રનાથ ટાગોરે ભારતીય કળા અને સાહિત્ય જગતમાં જે ઉમેરો કર્યો છે તે કરવા માટે અન્ય કોઈ પણ સમર્થ સર્જકે ઓછામાં ઓછા સાત જનમ લેવા પડે.

વિક્રમ સારાભાઈના પિતા પાસે ખૂબ વિશાળ દૃષ્ટિ હતી. એમનાં સંતાનોને એનો લાભ મળ્યો. લીના મંગળદાસે ‘અખંડ દીવો’ અને ‘વ્યક્તિચિત્રો’ ઉપરાંત કેટલાંક યાદગાર પુસ્તકો આપ્યાં. શ્રેયસ જેવી ઉત્તમ શિક્ષણ સંસ્થાનું નિર્માણ તો કર્યું જ. રવીન્દ્રનાથ ટાગોર સાથેનાં સંસ્મરણો લીનાબેને ‘વ્યક્તિચિત્રો’માં આલેખ્યાં છે. લખે છે: ‘નાનપણમાં તેમને મેં જોયા હતા. અમારે ત્યાં તે રહેવા આવતા. તેમનું વ્યક્તિત્વ ભુલાય તેવું નહોતું. કદાવર શરીર, પ્રૌઢ ગતિ, ઉજ્જવલ રંગ, કલ્પનામયી આંખો, સફેદ જુલ્ફાં, મુલાયમ દાઢી, લાંબો ઝભ્ભો, તેમની કાળી મખમલ ટોપી.’

લીનાબેન અમદાવાદથી મુંબઈ આવી કલકત્તાની ગાડી પકડીને ગુરુદેવને મળવા શાન્તિનિકેતન ગયાં હતાં. ત્યાં કવિવરે પોતાના કુટુંબ માટે ‘ઉત્તરાયણ’ નામનું ઘર બનાવેલું. બાજુમાં ‘કોનાર્ક’ નામનું ઘર એમના પોતાના રહેવા માટે. એ ઘરની પૂર્વ તરફની ઓસરીમાં ગુરુદેવ આરામખુરશીમાં બેઠા હતા. લીનાબેને નીચાં વળી એમને પ્રણામ કર્યા. ગુરુદેવે લીનાબેનને પાસે બેસાડીને કહ્યું: ‘તને ગમે ત્યારે મારી પાસે આવજે.’

લીનાબેન લખે છે: ‘તેમને મળી ‘ઉત્તરાયણ’માં હું સૂઈ ગઈ. અમદાવાદની મિલોનાં ભૂંગળાંની ચીસો નથી, નથી આગગાડીનો ખડખડાટ. નથી શહેરની ધાંધલ, નથી ત્યાંનો ઘોંઘાટ. એટલી તો શાંતિ કે જાણે તેમાં છે, હું લોપાઈ જાઉં છું. સાચે જ આ ‘શાન્તિનિકેતન’ છે!’

ગુરુદેવના પુત્ર રથીન્દ્રનાથ અને પુત્રવધૂ પ્રતિમાદેવી ‘ઉત્તરાયણ’માં રહે. પ્રતિમાદેવી સહુ કોઈ પર માનું હેત રેલાવે. અસંખ્ય દેશીપરદેશીઓ ગુરુદેવનાં દર્શનાર્થે શાન્તિનિકેતન આવે. ગુરુદેવ પોતાની નાની નાની જરૂરિયાતો માટે તેમના પર આધાર રાખતા. પ્રતિમાદેવી દિવસમાં વારંવાર ગુરુદેવ પાસે જઈને તેમની ખબર કાઢી આવે અને જમતી વેળાએ તેમની પાસે બેસી તેમને ભાવથી જમાડે. ગુરુદેવ ‘બહૂમા’ કરીને પ્રતિમાદેવીને બોલાવે.

શાન્તિનિકેતનમાં દરેક જણને ગુરુદેવ પાસે જવાની છૂટ. આ આશ્રમમાં દરેક ઘર બધાં માટે ખુલ્લું. ગમે તે આંગણે ગમે તે સમયે જાઓ સત્કાર મળે. કાંઈ ફળ, કાંઈ મીઠાઈ મહેમાનને ધરશે.

ગુરુદેવ ‘ભોર બેલાએ’ – મળસકે ચાર વાગ્યા પહેલાં જાગતા. થોડા કલાક પૂર્વ તરફ મોઢું રાખી જાણે જાગતી કુદરતના પ્રાણને નિહાળતા. પછી લખવા બેસતા. લીનાબેન શાન્તિનિકેતન હતાં તે દિવસોમાં ગુરુદેવ લખવામાં ખૂબ મશગૂલ હતા. થોડા જ સમયમાં બનારસ, લાહોર વગેરે વિદ્યાપીઠોમાં વ્યાખ્યાન આપવા જવાના હતા તેથી વ્યાખ્યાનોની પૂર્વતૈયારીમાં રોકાયેલા હતા. પંચોતેર વર્ષના વૃદ્ધયુવાન કલાકોના કલાકો અડગ આસને જે રીતે કામ કરતા તે કોઈને પણ શરમાવે. નવું કાવ્ય કે લખાણ તૈયાર થાય ત્યારે ગુરુદેવ ‘ઉત્તરાયણ’ના ચોકમાં એકાદ સાંજે વાંચી સંભળાવતા. એમને સાંભળવા આશ્રમવાસીઓ અને મુસાફરો એકઠા મળતા.

‘કોનાર્ક’માં ગુરુદેવ એકલા રહેતા. સાંજે ‘ઉત્તરાયણ’માં ફકત જમવા આવતા. કહેતા: ‘ઉત્તરાયણ’માં દિવસમાં એક વાર આવું છું ત્યારે જ ચેન પડે છે.

ખાવાની બાબતમાં ગુરુદેવને હંમેશાં નવા પ્રયોગો કરવાનું ગમતું. એ દિવસોમાં ગુરુદેવે બધું જ કાચું ખાવાનું શરૂ કર્યું હતું. થોડા વખત પહેલાં કોઈ પંજાબી પહેલવાન આવ્યો હતો. તે ફકત લીમડાનાં પાન પર જ જીવતો. તેથી ગુરુદેવે પણ લીમડાનો રસ અને લીમડાનાં કાચા પાંદડાં ખાવાનું શરૂ કર્યું હતું. રાઈનાં કાચા પાંદડાં પણ ગુરુદેવ સારા પ્રમાણમાં ચાવી જતા. માથામાં ઝણઝણ થાય અને આંખમાં પાણી ભરાય તોય પાંદડાં ચાવ્યે જ જતા.

જમ્યા પછી ‘ઉત્તરાયણ’ના દીવાન-ખાનામાં બેસતા. બીજા વિદ્યાર્થીઓ પણ આવતા. ગુરુદેવ એક ઊંચી ખુરશી પર બેસતા. તેમની આસપાસ સૌ કોઈ ટોળે મળતા. પછી પોતાનું એક પુસ્તક લઈ તેમાંથી પોતાનાં ગીતો સૌ શ્રોતાઓને પ્રેમથી અને ધીરજથી શીખવતા. પહેલાં આખુંય ગીત પોતે ગાઈ જતા. પછી એક કડી પોતે ગાતા અને શ્રોતાઓ ઝીલતા. લીનાબેનને બંગાળી બરાબર સમજાતું નહીં તેથી પુસ્તકની બીજી એક નકલ ગુરુદેવ એમને આપતા અને ગીતનો અર્થ સમજાવતા. રાત્રે એક બે કલાક આ રીતે પસાર કરીને ગુરુદેવ ઘેર પાછા ફરતા.

ગુરુદેવ પ્રયોગના શોખીન હતા. આ શોખમાં બાળકના જેવો ઉત્સાહ ને અધીરાઈ દાખવતા. ગુરુદેવના ઘરના રાચરચીલામાં હેરફેર થયા કરતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ બદલાયા કરતી. એક દિવસે સિમેન્ટનો ખાટલો બનાવવા મરજી થઈ. એક ખાટલો તરત જ બનાવવામાં આવ્યો. તેના પર બેત્રણ દિવસ સૂતા. પછી એ ખાટલો બહારના બગીચાના એક ખૂણામાં ધકેલાઈ ગયો. પહેલાં એમણે ‘ઉત્તરાયણ’ બાંધ્યું પણ તે બહુ મોટું લાગવાથી પાસે જ ફિલૉસૉફર્સ ટૅવર્ન સમું ‘કોનાર્ક’ બાંધ્યું. તે પણ મોટું લાગ્યું એટલે એની પાસે ‘શ્યામલિ’ (શ્યામ બાલિકા) નામની કાળી માટીની નાનકડી બીજી એક મઢૂલી બાંધવી શરૂ કરી. તેમના અમીરી શોખો આ રીતે ફકીરી તરફ વળતા જતા હતા. ‘શ્યામલિ’માં તેમનો અભ્યાસખંડ ઠંડક માટે પકવેલા માટલાની દીવાલોનો બનાવેલો હતો. જેટલી વાર લીના મંગળદાસ એમને મળવા જતાં એટલી વાર ગુરુદેવ કહેતા: ‘મારી માટીની આ મઢૂલી બંધાશેને એટલે હું ત્યાં જઈશ. ત્યાં હું મારાં દિવાસ્વપ્નો સેવીશ. લોકોને આવવા મના કરીશ. ગભરાતી ના, હું તને મના નહીં કરું. જગતના કોલાહલથી પર એવું એકાંત નિવૃત્ત જીવન વિતાવીશ. મારી મરજી પ્રમાણે કરીશ. ગુલામ નહીં રહું. મારા સમયનો માલિક હું જ બનીશ.’

ગુરુદેવના મકાનમાં ત્રણ-ચાર ઓરડા પસાર કરીને જે ઓરડો આવે તેની બધી દીવાલો પર કબાટ જડ્યાં હતાં. તે કબાટોમાં ચિત્ર, સંગીત, લલિત કળા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, રાજકારણ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, જીવશાસ્ત્ર વગેરે દરેક કળા અને વિજ્ઞાન શાખાપ્રશાખાનાં જૂનાં અને નવાં પુસ્તકોનો ભંડાર હતો. આ દરેક પુસ્તકને ગુરુદેવ ઓળખતા. આ વાચન સિવાય રોજ તે છાપું વાંચવાનું ચૂકતા નહીં. વર્તમાનની પ્રત્યેક હિલચાલથી વાકેફ રહેતા.

નવાઈ જેવું તો એ કે જેઓ ઘણું કરે છે તેઓ વધારે કરી જાણે છે. ‘મને સમય નથી’ તેવી ફરિયાદ તેઓની નથી. સત્ય માટેની તીવ્રતા અને આવેશ સીધે રસ્તે લઈ જવા છતાં તેમની મહાનતા માર્ગમાં આવતા સૌંદર્યને જોવાનું ચૂકતી નથી. પોતાના જીવનકાર્યને જાળવવા છતાં કોઈ પણ માણસ સાથે વાત કરવા, કોઈ માંદાની ખબર અને સારવાર કરવા અને પત્રો લખવા પણ તેઓને વખત મળે છે. તેઓ ‘માણસ’ મટી જતા નથી. બીજાની નાનામાં નાની લાગણીને જાણે તેઓ જાતે અનુભવતા ન હોય! બધા કામને પહોંચી વળવા માટે અનેક મદદનીશ અને હજૂરિયા, સેક્રેટરી અને ઑફિસોના દબદબાભર્યા દેખાવ ગુરુદેવને ત્યાં દેખાતા નહીં.

ગુરુદેવ કહેતા કે આ છેલ્લા છએક માસથી વૃદ્ધાવસ્થાનાં ચિહ્ન જણાવા લાગ્યાં હતાં. તેમની યાદશક્તિ ઘણી તીવ્ર હતી પણ હવે એમને નવા બનાવો યાદ રહેતા નહોતા. ભૂતકાળમાંનાં સંસ્મરણો પણ સ્મૃતિપટ પરથી ભૂંસાતાં જતાં હતાં. કદી કદી જોવા – સાંભળવાની પણ તકલીફ નડતી.

લીનાબેને એમને પૂછેલું કે, ‘તમારું મન તો હજુ તદ્દન યુવાન છે. તમારું શરીર સુદૃઢ લાગે છે. આ તંદુરસ્તીની ગુપ્ત ચાવી શી છે?’

‘નિયમિત સંયમી જીવન’, ગુરુદેવે તેમની રીત પ્રમાણે આંખો નીચી રાખીને મંદ હાસ્ય સાથે કહ્યું હતું, ‘તે મારી તંદુરસ્તીની ચાવી છે.’

ગુરુદેવે એક દિવસે વર્ડઝવર્થનાં કાવ્યો સંભળાવીને છેવટે લીના મંગળદાસને કહ્યું હતું: ‘પોતાને કઈ ચીજમાં ખરેખરી આવડત છે તેનું જ્ઞાન ઘણાને આખીયે જિંદગીમાં કદી થતું નથી. બીજા કેટલાકને પોતાની બક્ષિસનું જ્ઞાન ઘણી મોટી ઉંમરે થાય છે. નાની વયે તેનું જ્ઞાન થવું તે મોટું અહોભાગ્ય છે. જેમાં આપણને બક્ષિસ હોય તેમાં આપણી બધી શક્તિ રેડી તેનો વિકાસ આપણે કરવો જોઈએ.’

આટલું કહીને એમણે ધીમા સ્વરે ઉમેર્યું હતું:

‘મારો અંત આવી પહોંચ્યો છે. મૃત્યુ આવશે ત્યારે હું શાંતિથી મરીશ. મેં જીવનને ચાહ્યું છે અને મેં તેના સૌન્દર્યને પૂજ્યું છે.’

કાગળ પરના દીવા

જો તું રડતો રહીશ કે તારા જીવનમાંથી સૂર્ય જતો રહ્યો છે તો તારી આંખમાંના અશ્રુઓને કારણે તું તારાઓ પણ નહીં જોઈ શકે.

– રવીન્દ્રનાથ ટાગોર

સન્ડે હ્યુમર

જે દિવસે બકો વિચારે છે કે હું પણ કવિતા લખીને રવીન્દ્ર ટાગોરની જેમ નોબેલ ઈનામ વિજેતા બનું…

…એ જ દિવસે એના ઘરવાળા એને ડબ્બો લઈને ઘઉં દળાવવા મોકલી દે છે.

( મુંબઇ સમાચાર : રવિવાર, 7 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *