કહેવાની વાત, કહેવાની રીત

સંગીતની જેમ ભાષામાં પણ નિશ્ર્ચિત નિયમો હોય છે. સંગીતની જેમ ભાષામાં પણ સર્જકતા ઉમેરવા માટે ક્યારેક આ નિયમોને ઓળંગવા પડે છે, ઉવેખવા પડે છે. સ્થાપિત નિયમો તૂટ્યા પછી થતું સર્જન સાંભળીને કે વાંચીને કોઈ નવોદિત એમ કહે કે આજથી હું પણ તમામ નિયમોને નેવે મૂકીને સંગીત સર્જીશ તો શક્ય છે કે એ માત્ર કોલાહલ સર્જે. તમામ નિયમો બાજુએ મૂકીને હું લખીશ એવું કોઈ તાલીમાર્થી વિચારે અને લખે તો મોટેભાગે એ વ્યાકરણદુષ્ટ અને અપાર જોડણીની ભૂલો ધરાવતું ગદ્ય કે પદ્ય સર્જશે.

ભાષાના નિયમો તોડતાં પહેલાં નિયમબદ્ધ ભાષા લખતાં આવડવી જોઈએ. એ પછી પણ વ્યાકરણ-જોડણી અંગેના પાયાના નિયમોને તો ક્યારેય અવગણી શકાય જ નહીં. તમે શું લખો છો, શું કહો છો એ તો અગત્યનું છે જ, એટલી જ અગત્યની બાબત એ છે કે કેવી રીતે તમે એ કહો છો, લખાણની તમારી રજૂઆત કેવી છે. આ રજૂઆતમાંની બનાવટ તરત છતી થઈ જાય છે અને એની સચ્ચાઈ પ્રયત્ન વિના પ્રગટ થાય છે.

સુરેશ જોષી આધુનિક ગુજરાતી સાહિત્યના સૌથી મોટા પ્રહરી. એમના મરણોત્તર નિબંધસંગ્રહ ‘પશયન્તી’ના ચોપનમા નિબંધમાં તેઓ લખે છે: ‘ફિલસૂફી વાંચવામાં ઘણા પાછા પડે છે એનું કારણ એ છે કે ફિલસૂફો ઘણીવાર સરળ અને પરિચિત હકીકતને એની પરિભાષાની જટિલતાથી વધુ ગૂંચવીને રજૂ કરતા હોય છે. એમાં અર્થના સંક્રમણ કરતાં એ નિમિત્તે રચાતો પરિભાષાનો પ્રપંચ કોઈવાર વધારે મહત્ત્વ પામતો હોય એવું લાગે છે. કવિતા વિશે પણ ઘણા એવું કહેતા સંભળાય છે કે એમાં વાગાડમ્બર વિશેષ છે, એમાં નાહક બધું અટપટું બનાવી દીધું હોય છે.’

કશુંક વાંચતી વખતે એ લખાણમાં ધ્યાન પરોવાય એવું ન હોય ત્યારે શબ્દો આંખને અડીને પાછા ફેંકાય છે, દિમાગ સુધી પહોંચતા જ નથી, તો પછી હૃદય સુધી કેવી રીતે પહોંચે. તમે એક નાટક જોતા હો અને એક અદૃશ્ય એવો માછલી પકડવાનો ગલ સ્ટેજ પરથી પ્રેક્ષાગારમાં ફેંકાય અને તમામ પ્રેક્ષકોનું ચિત્ત એ ગલમાં ઝીલાઈ જાય તો જ નાટક પ્રેક્ષકોનાં મન સુધી પહોંચી શકે, અન્યથા સ્ટેજ અને પુશ બૅક ખુરશી વચ્ચેના અંતર જેટલું જ અંતર નાટ્યકારના અને પ્રેક્ષકના હૃદય વચ્ચે પણ સર્જાઈ જતું હોય છે.

માણસના દિમાગનો તરત જ કબજો લઈ લે એવા વિચારો પ્રગટ કરવામાં સર્જકો દર વખતે સફળ થતા નથી. આવું થાય ત્યારે, સુરેશ જોષીએ નોંધ્યું એમ, પરિચિત હકીકતને એની પરિભાષાની – ટેક્નિકલ ટર્મ્સની અથવા તો જાર્ગોનની જટિલતાથી વધુ ગૂંચવી નાખવામાં આવે છે. સરળ અને પ્રવાહી શૈલીમાં અન્ય નખરાં ન હોય તો પણ એ ચુંબકીય બને. સચોટ અભિવ્યક્તિ માટે તમે પોતે એ વિચાર માટે અનુભવેલી તીવ્રતા જરૂરી છે. આવી તીવ્રતા અનુભવાયા વગર લખવાથી તમને એમાંનું ખોખલાપણું શણગારવાની જરૂર લાગશે અને તમે એમાં આડંબરયુક્ત શૈલી છાંટશો.

કપડાંની બાબતમાં આવું જ થતાં જોયું છે. કપડાં તમારા વ્યક્તિત્વનો એક ભાગ છે. જેમના વ્યક્તિત્વમાં ઊંડાણ ન હોય એમણે વધારે ભપકાદાર કપડાં પહેરવાની જરૂર પડે. મેં જોયું છે કે જેમનું વ્યક્તિત્વ અંદરથી સભર હોય એમને ક્યારેય પોતાની ‘પર્સનાલિટી પડે’ એ માટે મોંઘો – આધુનિક વૉર્ડરોબ વસાવવાની જરૂર નથી પડતી. એમના માટે કપડાં સુઘડ હોય અને નયનરમ્ય હોય એટલું પૂરતું છે.

જીવનનું ખોખલાપણું ભરવા માટે જ મોટા ભાગના લોકો પોતાને, પોતાના ઘરને, પોતાની ભાષાને શણગારતા હોય છે. એમની વિચારસરણી ઊછીની લીધેલી હોય છે. તેઓના સબ-કૉન્શ્યસમાં એવા વિચાર રમતા હોય છે કે ઘરનું ઈન્ટિરિયર એવું હોવું જોઈએ કે જેને જોતાંવેંત આવનારના મનમાં છાપ પડે કે આ ઘર પૈસાવાળાનું છે. બીજી તમામ ગણતરીઓ એ પછી આવતી હોય છે. માણસ પાસે દેખાડવા જેવું કશું ન હોય ત્યારે એ પૈસાનો દેખાડો કરતો હોય છે.

લખીને પ્રગટ થતી ભાષામાંની લાગણી જાહેર બની જાય છે. જે લાગણી અંગત રહે છે તેને સામેની વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શૈલીના આડંબરની જરૂર નથી પડતી. કોઈના માટેની સારી લાગણી વ્યક્ત કરવા શબ્દો ન જડે ત્યારે પણ, એ શબ્દો શોધવાના પ્રયત્ન દરમ્યાન આપણી લાગણી પૂરેપૂરી તીવ્રતાથી સામે પહોંચી જ જતી હોય છે. આની સામે, પરાણે ઊભો કરેલો ઉમળકો ઉત્તમમાં ઉત્તમ શબ્દો દ્વારા વ્યક્ત કરાયા પછી પણ સાંભળનાર વ્યક્તિ અગાઉ હતી એટલી જ કોરી રહી જતી હોય છે.

ખોટમાં ધંધો ચાલતો હોય એવી દુકાનનો ભપકો મોટો હોય છે એ મતલબનો ગુજરાતી શેર તમે સાંભળ્યો હશે. દુકાનની આ વાત વ્યક્તિત્વને અને ભાષાને પણ સો ટકા લાગુ પડે છે.

આજનો વિચાર

આપણને શિખવાડવામાં આવવું જોઈએ કે કોઈપણ કામ કરવા માટે પ્રેરણાની રાહ જોઈને બેસી ન રહેવાય. કામ શરૂ કર્યા પછી આપોઆપ પ્રેરણા આવી જાય છે. પ્રેરણા મળ્યા પછી આપોઆપ કામ શરૂ નથી થતું.

– ફ્રેન્ક ટિબોલ્ટ (‘અ ટચ ઓફ ગ્રેટનેસ’ના લેખક).

એક મિનિટ!

બકાના પિતા: બેટા, બે વધારાની પથારી કેમ પાથરી?

બકો: મારી મમ્મીએ કહ્યું છે કે એના ભાઈ આવવાના છે ને મારા મામા આવવાના છે.

પિતા: અલ્યા મૂરખ, બે નહીં ત્રણ પાથર. મારો સાળો પણ આવવાનો છે.

( મુંબઇ સમાચાર : શનિવાર, 6 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *