ને પછી દિવસો સુધીની કરકસર, ભૂલથી તહેવારનું જીવી લીધું

તમે જ્યારે એવું માનવા લાગો છે કે હવે જિંદગીમાં બધું ગોઠવાઈ ગયું છે, ધાર્યું તમામ થઈ રહ્યું છે ત્યારે જ એક વાવંટોળ આવીને બિછાવેલી બાજી બગાડી નાખે છે. બધું જ વેરવિખેર થઈ જાય છે. તમે ઊંડી ખાઈમાં ધકેલાઈ જાઓ છો એની પાછળ તમારો પોતાનો વાંક છે, કોઈએ તમને ધક્કો માર્યો છે કે કુદરતી સંજોગોનો હાથ છે એનું મહત્ત્વ નથી અત્યારે. તમે લોહીલુહાણ જખમો સાથે ખાઈમાં બેહાલ પડ્યા છો એની જ ચિંતા કરવાની છે અત્યારે. વાંક કોનો હતો અને એ વિશે શું થઈ શકે તે અંગે ભવિષ્યમાં સેમિનારો કરીશું. પણ અત્યારે પાટાપિંડીની જરૂર છે, ડહાપણની નહીં.

‘મળેલાં જ મળે છે’ ગઝલસંગ્રહમાં કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એક સળંગ નવલકથા જેવો ભાવ અહીં ઘૂંટે છે. કવિની કલ્પનાનો નાયક ઘરમાં હોવા છતાં બેઘર છે:

સર્વને માટે હું દોડ્યો ઉમ્રભર,
કોઈએ પળભર ન બોલાવ્યો પછી.

હું હતો જેનો સહારો એમણે,
મશ્કરીમાં ખૂબ રઝળાવ્યો પછી.
વૃદ્ધ હું ને આ હૃદય બાળક સમું
રોજ સમજાવી ઘરે લાવ્યો પછી.

જે ઘરને હર્યુંભર્યું રાખવા દાયકાઓ સુધી મહેનત- મશક્કત કરી હોય તે જ ઘરમાં સાંજ પડ્યે પાછા ફરવાનું મન પણ ન થાય એવી પરિસ્થિતિમાં મુકાઈ જનારની વેદના કેવી હોય? એમાંથી પસાર થનારને જ ખબર. અત્યાર સુધી મનમાં એક હોંશ રહેતી કે ઘરે આપણી રાહ જોવાવાળું કોઈ છે. પણ હવે?

હવે ના ક્યાંય કોઈ રાહ જોનારું રહ્યું ‘મિસ્કીન’,
હું શાપિત કોઈ વણઝારાનો લઈને ભાવ જીવું છું.

ઘરે પાછા આવવાની પળો આવી છે તો ઘરેથી બહાર નીકળવાની ક્ષણો પણ જુદી નથી. બહાર જઈને પણ કોને મળવું, શું કરવું? ગહરા વિષાદના ગાળામાંથી પસાર થઈ રહેલા ગઝલનાયકના મનમાં જે જ્વાળામુખીઓ ધરબાયેલા છે એનો લાવા સર્જકને દઝાડે છે:

છે દિશા ચારેય સરખી ચાલવું સરખું બધે,
કૈંક નક્કી કર હૃદય સર્વસ્વ ખોઈ ક્યાં જશું?

એક સરખું જીવવાનું થઈ ગયું ‘મિસ્કીન’ જ્યાં,
દેહ મન પૂછે પરસ્પર નાહી ધોઈ ક્યાં જશું?

જેની પાસે રહેવા માટે પોતાનું વિશાળ ઘર હોવા છતાં એ ઘરમાં સૂવા માટે એક લાગણીભર્યો ખૂણો પણ નથી બચ્યો એ નાયક પાછળ નજર કરીને જુએ છે ત્યારે એને વીતેલાં સાઠ વર્ષની જિંદગીનાં જમાઉધારનું સરવૈયું એક સળંગ ગઝલરૂપે દેખાય છે. ચિત્રગુપ્તના ચોપડા માટે રિટર્ન ભરવાનું આવશે ત્યારે સી.એ.ને કહીને આ આખી ગઝલ જ સબમિટ કરી દેવાની અને રિફન્ડ ઑર્ડર માટે રાહ જોવાની:

સ્વપ્ન થઈ સંસારનું જીવી લીધું,
કેટલું હદબહારનું જીવી લીધું.
વેડફ્યા લાગતા મહિના-વરસ,
થાય છે બેકારનું જીવી લીધું.
રોજ રોજેરોજ થાતું હરપળે,
આ બધું તો ક્યારનું જીવી લીધું.
મન! બદલ ના મૂડ વારંવાર તું,
ખૂબ અંદર-બહારનું જીવી લીધું.
ને પછી દિવસો સુધીની કરકસર,
ભૂલથી તહેવારનું જીવી લીધું.
ઊગવું છે દોસ્ત કચડાવું નથી,
ભારનું- અભારનું જીવી લીધું.
નમ્રતાનું મૂલ્ય જાણી જો કદી,
તેં ઘણું હુંકારનું જીવી લીધું.

ક્યારેક તાનમાં આવીને મનભરીને ઉત્સવ જેવું જીવી લીધા પછી ખબર પડે છે કે આ બધું તો મામૂલી ડાઉન પેમેન્ટ આપીને કરેલા ભરપૂર જલસા જેવું હતું. જલસા પૂરા થઈ ગયા, હવે વર્ષો સુધી ઈએમઆઈ ભરવા પડશે. બેફિકરાઈથી જીવવાની મઝા માણી, સાધુની જેમ હળવાફૂલ થઈને જીવ્યા પણ એ સ્વપ્ન હતું. આંખ ખૂલ્યા પછી સંસારની પળોજણે તમને શોષી લીધા. સર્જક તરીકેના તમારા અહમ્ને કોઈ ઓળખી શકતું નથી. લોકોને તમારો એ વ્યક્તિ તરીકેનો ઘમંડ લાગે છે. એ બન્ને અહંકારમાં જમીન આસમાનનો તફાવત છે, પણ લોકો આ ફરક સમજતા નથી. એટલે જ એમનાં મહેણાંટોણાં વધી જાય છે ત્યારે કોઈ કાચીપળે તમને અહેસાસ થાય છે કે તમારે જીવનમાં નમ્રતાથી રહેવું જોઈએ. અત્યારે તમે આળા છો એટલે એવું લાગે એ બરાબર. પણ તમે નમ્ર જ છો, નમ્રતાથી જ જીવ્યા છો આખી જિંદગી. આ નમ્રતા ન દાખવી હોત મા સરસ્વતી પાસે તો એણે આટલા બધા આશીર્વાદથી નવડાવ્યા હોત તમને!

આયુષ્યના આ પડાવ પર આવીને હવે નક્કી કરવાનું છે કે હજુય કોઈએ ચીંધેલા રસ્તે આગળ વધવું છે કે એક છેલ્લી તક છે તે વાપરી લેવી છે- ચીલો ચાતરવાની:

હું જ મને લઉં ઉંચકી-તેડી,
હું જ બનાવું મારી કેડી.

પછડાયા પછી ત્યાંને ત્યાં બેસી રહેવાનો કોઈ અર્થ નથી. વાંક ભલે ગમે તેનો હોય. અહીંથી ઊભા થઈને, નવો શ્ર્વાસ ભરીને, આગળ વધવાની જવાબદારી તમારી છે. કોઈ આવીને તમારો હાથ ઝાલીને બેઠા કરે એવી રાહ જોવાને બદલે…

આંખ લૂછીને બેઠો થૈ જા,
કોઈ નહીં દુ:ખ આપે ફેડી.

અને આટલી સમજ હવે રહી રહીને આવી છે સારી વાત છે કે જે વાવ્યું છે તે લણ્યું છે. મારી નિષ્ફળતાનો દોષ બીજાને શું કામ આપવાનો? બીજાનો દોષ કાઢીશ તો ભવિષ્યમાં ફરી આવી જ પરિસ્થિતિ સર્જાશે તો હું એમાંથી બચવા માટે બીજાની મદદની આશા રાખતો થઈ જઈશ. મેં મારો વાંક કાઢયો હશે તો હું મારા એકલાની મદદથી એ પરિસ્થિતિમાંથી ઊગરી જઈશ.

બીજું ક્યાંથી, લણવું મનજી,
ઊગ્યું છે વાવ્યું જે ખેડી.

અને આ બધી જ ઊથલપાથલો પછી જીવ સર્જકનો છે, વિસર્જકનો નહીં, એટલે જીવન વિશે કોઈ ખોટા વિચાર નથી આવતા. જીવવું તો છે, હજુય. ભરપૂર જીવવું છે. આવેશ, જિજીવિષા અને સપનાં બધું જ અકબંધ છે. એટલે જ તો આટઆટલા ઉઝરડાઓ પછીય આવું સર્જન થઈ શકે છે.

મુક્તિની ઈચ્છા જ થાય ના,
માયા નામે જબરી બેડી.

વહેતી નદીનાં જળ જેવું આ જીવન સતત બદલાતું રહે છે અને બદલાતું રહે છે એટલે જ એ ક્યારેય વાસી થતું નથી. બદલાવ કે પરિવર્તનના પરિણામે તાજગી અકબંધ રહે છે. આ પરિવર્તન ક્યારેક તમને ગમે, ક્યારેક અનુકૂળ ન પણ આવે. પરંતુ એને પરિણામે મળતી તાજગી તમને હવડ થવા દેતી નથી, આઉટડેટેડ થવામાંથી બચાવી લે છે.

જિંદગીના હરવળાંકે આપ્તજન બદલાય છે,
ને પળેપળ સર્વની સંગાથ મન બદલાય છે.
એ જ એનો એ જ લાગું બાળપણથી દેહમાં,
તે છતાં હરપળ નદી જેવું જીવન બદલાય છે.
કોઈ પણ એક જ સ્થિતિ ટકતી નથી લાંબો વખત,
કોઈ પણ બાજુ હવા ને આ પવન બદલાય છે.
રાતના નોખા દિવસના સાવ નોખા માણસો,
જેમ અજવાળે ને અંધારે ગગન બદલાય છે.
કૈંક ફોટામાં મને હું ઓળખી શકતો નથી,
કઈ હદે આ વાળ- ચહેરો ને વદન બદલાય છે.

જિંદગીના ઉત્તરાર્ધના ગાળામાં પણ એક તરફ પરિવર્તનભર્યા સંજોગોની અવરજવર અને બીજી તરફ લોકોના પ્રતિભાવો અને પ્રત્યાઘાતોમાં સતત થતા બદલાવોને કારણે ભીતરમાં સર્જાતાં આંદોલનો- આને કારણે મનની હાલત લોલક જેવી થઈ જાય છે.

કદી લાગતો’તો પરમહંસ જેવો,
હવે લાગતો એમને કંસ જેવો.
ઘણીવાર લાગું અતિ તુચ્છ માણસ,
ઘણીવાર હું ઈશ્વરી અંશ જેવો.

જિંદગીમાં જે કંઈ કમાયા હો અત્યાર સુધી, જે કંઈ પણ, એ બધું એકસાથે લૂંટાઈ જવા આવ્યું હોય ત્યારે જો તમારી સર્જકતા તમને એમાંથી ઉગારી શકે તો એ સાચી સર્જકતા. ‘મળેલાં જ મળે છે’ ગઝલ સંગ્રહનાં તો આ હજુ શરૂઆતનાં જ પાનાં છે. માંડ ટેઈક ઑફ થયું છે. કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કેટલા મોટા ગજાના સર્જક છે એના પુરાવાઓ તો હવે પછીનાં પાનાઓમાં થનારા ઉડ્ડયન પરથી આવશે.

આજનો વિચાર

નખરા વિનાની નારી અને નશા વિનાનો નર- બેઉ નકામા, એવું ચાણક્યએ રફ પેજમાં લખેલું!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બકાએ સાંજે મોટરસાઈકલ પર પોતાના ઘરે પાછા જતી વખતે રૉયલ સ્ટૅગની એક બોટલ ખરીદી. મોટરસાઈકલ શરૂ કરીને ઘરે જવાનો રસ્તો પકડ્યો. ત્યાં એના દિમાગે સોચવાનું શરૂ કરી દીધું. વિચાર્યું કે રસ્તામાં પડી જઈશ તો બૉટલ નકામી તૂટી જશે અને નુકસાન થઈ જશે. એણે આખી બૉટલ ગટગટાવી લીધી.

બકાનો નિર્ણય એકદમ સાચો પુરવાર થયો. ઘર જતાં રસ્તામાં એ સાત વાર પડી ગયો.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 4 મે 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *